
સૌમિત્ર ચૅટરજી રવિવાર, 15 નવેમ્બર, 2020ના રોજ 85 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા, ઘૂઘવતા દરિયા જેવા પ્રભાવી અવાજના સ્વામી, રાષ્ટ્રીય તથા આંતર-રાષ્ટ્રીય નામના મેળવેલા સૌમિત્રદાની વિદાયથી ના કેવળ બંગાળી સિનેમાને, પરંતુ વિશ્વ સિનેમાને ન પુરાય એવી ખોટ પડી છે. બંગાળી સિનેમા, બંગાળી અને અંગ્રેજી રંગમંચના દિગ્ગજ અભિનેતા હોવા ઉપરાંત તેઓએ નાટ્યકાર, પઠનકાર, કવિ, લેખક, તંત્રી, ચિત્રકાર, સંગીતકાર, કર્મશીલ જેવી અનેક ભૂમિકાઓમાં છ દાયકા દરમ્યાન ખૂબ દીર્ઘકાલીન અને ચિરંજીવી પ્રદાન કર્યું છે. હૉસ્પિટલમાં દાખલ કરાયા એના આગલા દિવસ સુધી કાર્યરત સૌમિત્રદા માટે યોગ્ય રીતે કહેવાયું છે કે ‘એમના શિયાળામાં પણ એ સિંહ હતા’. એમની કવિતા ગુજરાતીમાં આપણા સુધી પહોંચી નથી, માટે એમના શબ્દ દેહને ગુજરાતીમાં પ્રસ્તુત કરીને એમને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનું વિચાર્યું.
— રૂપાલી બર્ક
સૌમિત્ર ચૅટરજીનું કાવ્યવિશ્વ
બંગાળીમાંથી અંગ્રેજી અનુવાદ : અરુનવા સિંહા — ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક
~ ૧ ~
સ્વર્ગના દ્વારે
પ્રવાસનનું પોસ્ટર લટકે છે
એની નીચે ઊભો છું
હાથમાં દેશાગમનના કાગળિયા લઈ
સંગીત વાગતું નથી હવે
તારા ગણાતાં નથી હવે
પરીઓ અને અપ્સરાઓના સર્કસમાં.
બૅન્ડ વાગી રહ્યું છે
ઘણાં હિપ્પો, ઘણાં જિરાફ
અને એક વૉલરસ
લાઇનબંધ વધી રહ્યાં છે
સ્વર્ગના દ્વાર તરફ
પ્રવાસનના પોસ્ટર નીચે
સ્વપ્નમાં તરતો વિચારું છું
ક્યારે જાગીશ ને કહીશ
ચાની કીટલીવાળા છોકરાને
ગરમ પાણીથી કપ ધોઈને
થોડી ચા આપ મને
~ ૨ ~
વાયોલિન વગાડતા પુરુષની
હું માત્ર આંખો જોઈશ
વગાડી રહ્યા પછી
દિવાલની પાળી પર ચાલતી બિલાડી સાથે
એ વાત કરશે
બિલાડી ગાયબ થઈ જશે
પછી એ વાયોલિનને સુવડાવી દેશે
ને કાવ્યને પ્રેમના શબ્દો કહેશે
હું માત્ર એની આંખો જોઈશ
ઑક્ટોબર જે આંખોમાં તગતગતો હોય
વાયોલિન વગાડતો એ પુરુષ
~ ૩ ~
આ બિંદુ પર બપોરનો અંત આવેલો
પડઘાઓથી ત્રસ્ત ચાર રસ્તે
એ પૂર્વે
ખૂબ ટૂંક સમયમાં
તારી પ્રતિમાનો સાર
મારું હૃદય સ્પર્શી ગયો
ને એક પડઘાની માફક
કંપનમાં ગાયબ થઈ ગયો.
આ સંતાપગ્રસ્ત ચાર રસ્તે
બપોરનો અંત આવેલો
ટ્રાફિક લાઇટ લીલી થાય ત્યારે
કદાચ આ જ સ્થિતિમાં હોવું શ્રેષ્ઠ હોય છે
સંતાપગ્રસ્ત ચાર રસ્તાથી, બે પડઘા
પોતપોતાની દિશામાં ગાયબ થઈ ગયા
~ ૪ ~
બેન્જો સાથેનો એક અશ્વેત પુરુષ
ગિટાર સાથેનો સ્પૅન્યાર્ડ
એમને સાંભળતા
એ કોંક્રીટના ફ્રી-વે પર ચઢે છે
ટાયરના થડકાર એને સંભળાય છે
માથા પર ટૅકસસનો બળતો સૂરજ
સળગતી વેળાએ પણ જે સળગતું નથી
એની શોધમાં એ આવ્યો છે
આકાશ તરફ નજર કરતા એ કહે છે
આવો, વાદળો, અમને થોડો છાંયો આપો
અશ્વેત લોકોનું જૅઝ
નવા વિશ્વની શ્વેત સિમ્ફની
ફ્રી-વે પરથી વિદાય લે છે
એક પછી એક વિસ્તરવા
સમગ્ર ખંડમાં
હવે એ
વ્હિટમૅનની કવિતાની ઉપાસના કરે છે
આવો, કવિ, અમને થોડો છાંયો આપો
કહો અમને
આવા તોફાનો અને પ્રવાહો વચ્ચે
શી રીતે ગીત રચીએ અમે
~ ૫ ~
આ પર્વત, આ તળાવ
એવું દૃશ્ય રચે છે
કે હું ખાતરીપૂર્વક યાદ રાખીને
તમને એક દિવસ કહીશ
હું ખાતરીપૂર્વક યાદ રાખીશ
મારાં માંસ અને લોહીનું સંગીત
જે ધોધની માફક ગાજી ઉઠેલું
આ વિશાળ ક્ષેત્રમાંથી નીકળેલા નિસાસાએ
મારા હૃદયમાં ઘર કર્યું
લઈ આવીશ એ બધું તારા માટે
આ શેરીઓ, થોભોનું આ ચિહ્ન
આર્કિટૅક્ટનું ઑટૉમોબાઇલ સ્વપ્ન
પુરુષ ને સ્ત્રી ગુલામોની સ્મૃતિઓનું આ હાર્લૅમ
અંધકારનું આ વાદળી ગીત
તારી એક સાંજની
તને યાદ અપાવીશ
જ્યારે એક દિવસ હું મારો પ્રેમ
તારી સમક્ષ ધરીશ
~ ૬ ~
સૂરજને આવજો કહેતા મને બહુ મોડું થઈ ગયું
નગરના પરામાં ભીડ ઓછી થઈ ગઈ છે
રસ્તાના કિનારે બેઠેલા એક કે બે જણને
હું બોલાવતો હતો
મારી ઉંમરના છે હવે એ
હું ધારું છું
કે તમે મારી યુવાનીને એ જ રીતે જોતા હતા
જે રીતે સાઇડવૉક પર ઝડપથી ચાલતાં પેલાં બધાં લોકોને જુઓ છો
લાંબા વીકઍન્ડ પછી ઘરે જવાનો સમય થયો છે
ચંદ્ર ૫૦મા માળની ઉપર આવી અટક્યો
બાંકડા પરથી ઊઠી
હિલિયમના ફૂગ્ગાની માફક તરતી
થાકથી લદાયેલી મારી પાંપણો પરથી
મારી ઊંઘ
ઉપર ચડવા લાગી ચંદ્રને સ્પર્શવા
~ ૭ ~
થોડેક જ આગળ નદીની
ગતિ તેજ થઈ જશે
ઑટૉમૅટિક ટ્રાન્સમિશન એને
ઝડપી જલપ્રપાતમાં
ને પછી પ્રચંડ ધોધમાં ફેરવી નાખશે
પછી
લવચીક મેઘધનુષની ઉત્કંઠા સાથે
એ કૂદી પડશે અનંત અનિશ્ચિતતામાં
સહેજ જ આગળ, નદી
ભૂલી જશે પોતાને
ને સાગરમાં ફેરવાઈ જશે
~ ૮ ~
હવે હું કહી શકું છું
આથમતો સૂરજ વાત કરતો હોય મારી સંગે તે દરમ્યાન
ભૂલથી બહાર જવાનો ખોટો રસ્તો લઈ શકું છું
થોડા સમય માટે માર્ગ ભૂલી શકું છું
ને પાછો ફરી શકું છું તારી પાસે
સોનેરી સંધ્યા વાત કરતી હોય મારી સંગે તે દરમ્યાન
સાંજના સમયે છોટા નાગપુરનો પ્લૅટૉ
આના જેવો
તારે ત્યાં પણ પહોંચવું હતું શું?
અહીં આ પથરાળ હાઈવેના લીધે બહુ વાર લાગી અમને
ને તો ય અમારી આંખો આશાની શોધ કરતા ઘસાઈ ગઈ છે
તેમ છતાં અત્યારે કહી શકાય કે હું કહી શકું છું
આથમતો સૂરજ વાત કરતો હોય મારી સંગે તે દરમ્યાન
~ ૯ ~
એ પુરુષ કદાવર છે
અશ્વેત — કે કદાચ શ્વેત — કે બદામી
એ પુરુષ બહુ વજનદાર છે
એનો પડછાયો એનાથી ય વધુ વજનદાર છે
વ્યથિત લોકોનું વજન વધારે જ હોય છે
એ પુરુષ એના ટૅલિવિઝનની શોધમાં
ખૂબ ઝડપે ગાડી ચલાવી રહ્યો છે
રાતનું એનું ભોજન
એ ગાડીમાંથી બહાર દોટ મુકશે
ને ટી.વી. સામેની પાટ પર બેસી જશે
એક શહેર
ખોવાઈ જશે પછી એક પડછાયામાં
એક વ્યથિત પુરુષના પડછાયો
સબવેની બહાર ને સ્ટ્રીટકારની અંદર
પડછાયાં એમના ટૅલિવિઝનની શોધમાં
વૉટરફ્રન્ટ પરના શનિવાર બજારમાં
યુવાન પુરુષોનાં ફૅશનેબલ વસ્ત્રોની દુકાનમાં
ખરીદી કરતી યુવાન સ્ત્રીઓ
ઉલ્લાસી યુવાન સ્ત્રીઓ
પડછાયાં વગરની
એક વ્યથિત પુરુષનો પડછાયો
એ કદાવર છે, અશ્વેત — કે કદાચ શ્વેત — કે બદામી
ખૂબ વજનદાર
એનો પડછાયો એનાથીય વધુ વજનદાર છે.
~ ૧૦ ~
ઘર પછવાડેના તૂતક સુધી
જંગલ આવી પહોંચ્યું
ને ખુરશી ખેંચી
એક કાળી ડિબાંગ ખિસકોલી દેખા દેશે
વૃક્ષ પરથી પૅર તોડીને ખાશે
સફરજનની ડાળીઓ પર ઉપર-નીચે દોડશે
સફરજનની વાડીમાં ગુલામીનો યુગ
કાળી ખિસકોલીને જાણ છે શું?
ક્યારેક ટ્રાફિકનો ઘોંઘાટ
પછવાડેના રસ્તે હળવે પગલે
આવશે તૂતક સુધી
જંગલ સાથે વાત કરવા
નદીના ધીમા સ્વર કાને પડશે
જે દિવસે બાર્બેક્યુ ધકધકશે
રણકતા ધ્વનિ પાર્ટીમાંથી આવશે
હાસ્યની અલ્લડ છોળો
~ ૧૧ ~
સ્વપ્ન રચવા માટે દિવસને ઠેરવી દેવાયો છે
જેના પછી એક વિચરતો અંધકાર
મારી છાતીમાં પથરાઈ રહ્યો છે
પેલાં સ્વપ્નો જોવાનું હવે અશક્ય બની ગયું છે
મારો રસ્તો સર્પાકાર થઈ ફરે છે
એક અંધકારમાંથી બીજા અંધકારમાં
એક હિંસામાંથી બીજી હિંસામાં
ઘૅટોમાં પેલી સ્ત્રી દારૂ પીધેલી છે
અન્ય જીવનમાં કે અન્ય ભૂમિ પર
એ મારી પત્ની હોઈ શકતી હતી
પેલા સશસ્ત્ર હરામીનું નામ જો ખબર હોત મને
મારા દીકરા જેવો કોઈ હોઈ શકત
વિપુલતાના સ્વાંગમાં
પૃથ્વીને એક છેડેથી બીજે છેડે કટિબંધ કરી શકાય
એટલું ભોજન દરરોજ ફેંકી દેવામાં આવે છે
ભોજનની સોડમ સીગલ્સને ભૂલાવી દે છે
દરિયા કિનારો ને અંતર્દેશીય આકાશ
ને રડવા માટે શિશુઓના અવાજ ઉછીના લેવડાવે છે
નવી દુનિયાનું સ્વપ્ન જોતાં
ચારેબાજુથી પરજનો આવી પહોંચે છે
પેલાં સીગલ્સની પેઠે
એમનાં જૂનાં પવિત્ર સ્થાનો અગ્નિમાં હોમી
ને એમની અંત્યક્રિયાઓ પતાવી
એક દિવસ એ લોકો એમના રૂદનનું ગળું
એ મરી જાય ત્યાં સુધી દબાવી રાખશે
એક હિંસાના આંતરડામાંથી
હું બીજી તરફ પ્રયાણ કરું છું
હું સ્વપ્ન બનાવું છું તે દરમ્યાન
કંગાલ અંધકાર
મારી છાતીને ભીંસમાં લઈ લે છે
મારે જોવું હતું એ સ્વપ્ન નથી આ
હું લાંબા અંતરોની મુસાફરી કરું છું
એક ખંડથી બીજા ખંડ
પ્રેમનું સ્વપ્ન લઈ
જેથી હું તને પ્રેમ કરી શકું
એક વાર, ના, બે વાર
ના, લાખો કરોડો વાર.
સ્રોત : scroll.in

‘વૉકિંગ થ્રુ ધ મિસ્ટ’માંથી સૌમિત્ર ચૅટર્જીનાં અમુક કાવ્યો

અંગ્રેજી અનુવાદ : અમિતવ નાગ • ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક
અમુક દિવસોએ
અમુક દિવસોએ
આ શરીરમાં એક નદી જાગી ઊઠે છે,
કિનારા તોડી નાખે છે,
જે બધાં સુરક્ષિત હતાં
તે વહી જાય છે પૂરમાં,
અમુક દિવસોએ
પ્રેમ ભરતીના મોજા ઉછાળે છે મનમાં
બજારો
ઑફિસો
દુકાનો
સુનામીમાં ધોવાઈ જાય છે,
અમુક દિવસોએ
સૌંદર્ય માટેનો વિલાપ
આકાશ અને પવનને ભરી દે છે
વસંતના ગીતો —
અમુક દિવસોએ
જાગેલી નદી ઢોલ પીટવા લાગે છે
તમને ઊંઘમાંથી જગાડવા
વસંતનાં ગીતો તમને ખાતરી આપવાનો પ્રયાસ કરે છે — જે બધું ચાલ્યું ગયું છે
ખોવાઈ ગયું હોય એવું જરૂરી નથી,
અમુક દિવસોએ સ્મૃતિઓ વાસ્તવ બની જાય છે,
સ્મૃતિઓ સત્યમાં ફેરવાઈ જાય છે.
*
કેદી, જાગે છે કે?
સ્વપ્ન જોવાં માટે કોઈનો આભાર માનવાનો રિવાજ નથી,
માનવોને હાશ થાય છે
જ્યારે સ્વપ્નો તૂટે છે,
કારણ સ્વપ્ન વિનાના માણસ માટે
જાગરણ વ્યક્તિગત છે,
ગાઢ રાત્રિ મોટેથી પોકારે છે
બારીના લોખંડના સળિયા ઝાલી —
“કેદી, જાગે છે કે?”
ચંદ્ર ધીરેથી અનિદ્રામાં પગ મૂકે છે,
કઠિન રસ્તો પાર કરે છે
અંધારામાં સ્વપ્નહીન ફટાબાર આંખો
આભાર માનવા કોઈને શોધે છે,
ગહેરી રાત, ઉત્કટ
બારીના લોખંડના સળિયા ઝાલી બૂમ પાડે છે —
“કેદી, જાગે છે કે?”
*
વિષાદ, લાંબા સમય માટે
લાંબા સમય માટે
મારા હૃદય-પિંજરમાં વિષાદ વસેલો રહ્યો
આજે, પરોઢમાં
એને ઊડાડી મુકવા હું દરવાજો ખોલી દઈશ,
પિરોજી રંગના વાસંતી આકાશમાં તરતાં વાદળાંની જેમ
જેમ જેમ સાંજ ઈશારો કરી બોલાવે છે
પંખી પોતાની મરજીથી પાછું ફરે
એ માટે હું પીંજરું ખુલ્લું રાખીશ,
ભલે ઊડીને આવતું અંદર
હળવી ચાંદનીથી પસવારેલી પાંખે લઈ — આસમાની
વૈતરાથી પીડિત દિવસો,
થકાવટના ઊહકારા,
નિર્થકતાની પીડા
— સઘળું ડૂબી ગયું છે હવે,
પેલું પ્રેમ-પંખી ગાવા જ્યારે પાછું ફરશે
સળંગ સીવેલી છ ઋતુઓનો પવાડો,
મારા હૃદય-પિંજરમાં લાંબા સમયથી આરક્ષિત
વ્યથાઓને મારી વેદના બુઝાવી દેશે.
*
તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
(સત્યજીત રાયને સમર્પિત)
અમારી અને ડાહપણ વચ્ચે
તમે સેતુ છો માટે તમારી તંદુરસ્તી ઇચ્છું છું,
અમે, માનવો, નથી પાછા વળ્યા મા પ્રકૃતિ પાસે
અમારા ઋણ કે કલા સાથે,
તરસ્યા અને ભટકેલા અમે એટલા લાંબે સુધી
ચમકતા મૃગજળનો પીછો કર્યો છે ફોગટમાં.
તમે એ રસ્તો છો જેના માટે હું ઉત્કંઠિત છું,
મારાં સ્વપ્નોના ડિવિડન્ડ લઈને આવું તમારી પાસ અનંત,
તમે સાજા રહેજો
મહેરબાની કરીને.
અસ્તિત્વના નકશા પર,
તમે હંમેશાં,
સૌંદર્યનો મારો માર્ગ રહ્યા છો.
*
શાંત વહે છે કોપાઈ
કોપાઈમાં ખલાસી* ટ્રક ધોઈ રહ્યો છે
નદીનું પાણી
ટપકે છે ને પીડા નીતારી જાય છે.
એક દિવસ આવશે
હું હવે નથી અહીં,
એક જુદો ખલાસી
નવેસરથી કોપાઈનું અભિવાદન કરે છે.
*ટ્રક ડ્રાઈવર માટે નાના ટાંપા કરી આપનાર મદદનીશ
*
ધુમ્મસ વચ્ચેથી ચાલતા
આ ધુમ્મસ વચ્ચેથી ચાલું તો કદાચ
તારી એકલતા સુધી પહોંચી શકું, અથવા
ક્યારે ય નહીં.
ઉનાળા બાદની આ મંથર બપોરે
હું યાદ કરી શકું છું, મારો દિવસ પૂર્ણ થઈ ગયા પછી
જ્યારે મારા કાર્યમાં અને અન્યોની વચ્ચે વ્યસ્ત હતો,
ઓહ, મારા સૌથી દીર્ઘકાલીન કાર્યની આવરદાની પાર
તારી આંખોમાં વ્યાકુલ નજર પારખી શક્તો હતો, પરંતુ
તારા એકાંતને કદી સ્પર્શી શક્યો નહીં.
હવે, ધુમ્મસ વચ્ચે શોધવા મથું છું
ખોવાયેલો સમય
તારી ને મારી વચ્ચે.
સ્રોત : learning and creativity.com
![]()


કોરોના વાઇરસની પકડ મજબૂત બની ગઇ અને લૉકડાઉન આખી દુનિયા માટે એક રૂટીન થઇ ગયું. આપણા દેશમાં ક્યાંક અનલૉક થયું તો ક્યાંક ફરી લૉકડાઉનના એંધાણ માથે ભમવા માંડ્યા. યુરોપિયન દેશોમાં સૌથી પહેલાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ અને તાજા રિપોર્ટ અનુસાર યુરોપમાં કોરોના વાઇરસે ફરી એકવાર પોતાનો કાળમુખો ચહેરો બતાડ્યો છે. સ્પેન, ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા દેશો જ્યાં આ રોગચાળો કાબૂમાં આવ્યો હતો ત્યાં બીજા લૉકડાઉનની જાહેરાતો અને ચેતાવણીઓ અપાઇ છે. આ તો વિદેશની વાત થઇ પણ આપણી વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં હોટસ્પોટ પર લૉકડાઉન લાગુ કરવાની તજવીજ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ અમુક વ્યાપારી એસોસિયેશન્સ સ્વૈચ્છિક લૉકડાઉન પાળશે તેવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં વધારો કરવા તાકીદ કરી છે કારણ કે સેકન્ડ વેવની વકી છે. કર્વ ફ્લેટ થયો હોવા છતાં ય આ પગલાં લેવાઇ રહ્યાં છે. આંધ્ર પ્રદેશનાં જગન મોહન રેડ્ડીએ પણ નાગરિકોને સેકન્ડ વેવ માટે તૈયાર રહેવા કહ્યું છે.
કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.