આ કોરોનાકાળમાં અમેરિકાના અમારા સબડિવિઝનની શેરીઓમાં અમારી શેરી ‘ડનમોર ડ્રાઇવ, નૉર્થ’ જેટલું શાન્ત કશું નથી, એને પ્ર-શાન્ત કહો તો પણ ઓછું પડે. સામેનાં મકાનોમાં મનુષ્યો હશે પણ હાલ તો બંધ બારીબારણાં સિવાયનું ત્યાં કોઈ નથી. ફૉલ છે. પાનખરનો માભો સાચવવા પર્ણહીન થઈ ઊભેલાં અસ્થિપિંજર-વૃક્ષો વિન્ટરના બર્ફિલા સમયની રાહ જોતાં ખડાં છે. એમને બળીઝળીને પતી જવું છે. ઉપર પથરાયેલું આકાશ કોરુંધાકોર છે, એકેય પંખી ઊડતું નથી. માળા છોડીને એ જીવો તડકાની શોધમાં નીકળી ગયા છે. મને બારીમાંથી દેખાયા કરતો રસ્તો સૂનકારમાં સૂઈ ગયો છે. સામેના વૉક-વે પર આ એક લીશ્ડ્ ડૉગી ડોક ધુણાવતું આગળ આગળ ચાલતું છે, ફોનસ્ક્રીનમાં ગ્રસ્ત ગોરી છોકરી અનુસરતી છે. કોઈ કોઈ કાર ઘરની ગમગીનીમાંથી બહારની ગમગીનીમાં ધપી રહી છે … મને સમજાતું નથી કે આ સૂમસામ પરિદૃશ્ય ક્હૅ છે શું -? એ, વિના વાણીએ બોલે છે. હું સાંભળી શકતો નથી. મને તો ભાષા જ સંભળાય. ભાષા તે શબ્દો ને શબ્દો તે અવાજો. અવાજો વિનાની આ શેરીનું શું કરું? કેમ સાંભળું કેમ સમજું શું ક્હૅ છે મને …
મને બૅકેટ યાદ આવે છે. મેં એમના સમા કોઈ ભાષામરમીને જાણ્યો નથી. એ માણસે ભાષાને ન છૂટકે વાપરી. ક્હૅતા કે શબ્દો તો બધું અંદાજે કહી શકે છે, તન્તોતન્ત કશું નહીં. ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-માં પાત્રો બોલે છે એથી અનેકગણું કરે છે. ‘ઍક્ટ વિધાઉટ વર્ડ્ઝ’-માં તો શીર્ષક સૂચવે છે એમ ક્રિયા જ ક્રિયા છે, શબ્દો નથી.
મેં ‘ગોદોની રાહમાં’ શીર્ષકથી કરેલા અનુવાદ સાથેના લેખમાં, નાટકમાં જેટલી કંઈ ક્રિયાઓ છે એ લગભગ બધી શોધી બતાવી છે : હાંફવું, ચમકીને પાછા હઠી જવું, ભડકવું, આંચકા ખાવા, ઉછાળા મારવા, એક પગે ચાલવું, લથડવું, પડવું-આખળવું, કણસવું, ઢસળાવું, અમળાવું, ભેટવું, ચીસો પાડવી, પછાડા નાખવા, ભાંખોડિયાં ભરવાં, વગેરે.
ધ્યાન આપશો તો સમજાશે કે આ બધી જ ક્રિયાઓ લગભગ પ્રાથમિક છે. મનુષ્યશરીર અને તે વડે જિવાતા અર્થ-ભાવોની સાવ લગોલગ છે; એ માટે વપરાયેલા શબ્દો ન છૂટકે વપરાયા છે.

Act without Words: Pic Courtesy: YouTube
એક વાર બૅકેટે કહેલું કે ‘ઇટ સીમ્ડ્ ટુ મી ધૅટ ઑલ લૅન્ગ્વેજ વૉઝ ઍન ઍક્સેસ ઑફ લૅન્ગ્વેજ. ભાષા એમને ભાષા પરનો થથેડો લાગેલી. એમણે એમ પણ કહ્યું છે કે ‘ઍટ લાસ્ટ આઈ બીગેન ટુ થિન્ક, ધૅટ ઇઝ ટુ સે ટુ લિસન હાર્ડર’. પોતે માનવા લાગેલા કે બસ વિચારવું, એટલે કે કઠિન ચીજોને પૂરી સાંભળવી. અને એમનું કહેવું મને સાચું લાગે છે, હું વિચારતી વખતે જ મને સાંભળતો હોઉં છું. જીવન-મરણ જેવા કટોકટીભર્યા પ્રશ્નો જન્મ્યા હોય છે ત્યારે મારાથી બોલાતું નથી, ચિત્તના સરોવરમાં ડૂબી જવાય છે. એ ડૂબ ઘણું બોલતી હોય છે અને હું એને સુણતો હોઉં છું. એ શ્રવણ મને એક અનોખા ડહાપણમાં દોરી જાય છે.
આપણે સૌ બોલીએ છીએ વધારે ને એકબીજાને સાંભળીએ છીએ ઓછું. કેટલાયે સાહિત્યકારો બોલવાની કળા જાણે છે પણ સાંભળવાની? એમને બીજાનું બોલ્યું કે લખ્યું સાંભળવાની કે વાંચવાની કશી તમા નથી હોતી. વિચિત્રતા તો એ છે કે એ જ લોકો 'કમ્યુનિકેશન ગૅપ'-ની ચર્ચાઓ ઉછાળતા હોય છે.
જુઓ ને, ફોનમાં સહેલી બોલે એ સાથે જ વીર જણ બોલતો હોય છે અથવા સહેલી ખુલ્લા નળની જેમ અટકતી નથી, ત્યારે શબ્દો સામસામા સૈનિકોએ મચાવેલી ટપાટપીની જેમ અથડાતા રહે છે. કયો આ બાજુનો, કયો પેલી બાજુનો, નથી સમજાતું. એ તડાતડી છે, જીભાજોડી છે. કોણે શું કહ્યું, નથી ખબર પડતી. કેમ કે શબ્દો મરણશરણ હોય છે, શું કહી શકે? પણ ડાહ્યો જણ તો તરત પોતાના વાક્યને પડતું મેલીને સહેલીના વાક્યને સાંભળતો થઈ જાય છે કેમ કે એણે તો પ્રેમ પ્હૉંચાડવા જ ફોન કરેલો ને એમાં ફોન ને શબ્દોની કશી જરૂરત હતી જ નહીં. બન્નેને ન છૂટકે વાપરેલા.
એક વાર કોઈકે મને કોરો કડકડતો પ્રેમપત્ર મોકલેલો ! કશું જ લખ્યું ન્હૉતું !
લેખક તરીકે મને પણ કેટલાક સમયથી થયા કરે છે કે શબ્દો હું ન છૂટકે વાપરું ને મારા વ્હાલા એ પોતાનું કામ કરીને જપી જાય. પણ, ઇટ ઇઝ ટૂ ડિફિકલ્ટ ટુ ગો થ્રૂ લૅન્ગ્વેજ ટુ રીચ બીયૉન્ડ લૅન્ગ્વેજ …
બૅકેટ માનતા હતા કે આ વિશ્વ શાન્તતામાંથી પ્રભવ્યું છે. મને પ્રશ્ન થાય છે – શું મારી શેરીનો એ સૂનકાર એ શાન્તતાનો અવતાર હશે? મને પ્રશ્ન એ પણ થાય છે – શું આ કોરોના કશા વિજન વગડાની ચિર શાન્તતામાંથી સંભવ્યો છે? શું એ માનવજાતને કશી શાન્તતા ભણી દોરી રહ્યો છે? પૃથ્વી પરના બધાં જ માનવીય તન્ત્રોને સભ્યતાઓને અને સંસ્કૃતિઓને નાકામયાબ બનાવી દઈને એ આપણને શું સૂચવી રહ્યો છે? મને નથી ખબર …
પણ પેલી ગોરી છોકરી પાછી ફરી રહી છે. એનું લીશ્ડ્ ડૉગી ડોક ધુણાવતું આગળ આગળ ચાલતું છે ને એ ફોનસ્ક્રીનમાં એ જ પ્રમાણે ગ્રસ્ત છે. એ ઘેર જઈ રહી છે – કદાચ …
= = =
(November 23, 2020: Peoria, IL, USA)
![]()


આપણે બેઝિકલી રઘવાઈ, અધીરી પ્રજા છીએ. એમાં એટલી જ અધીરી અને રઘવાઈ સરકાર મળે તો આખા રાજમાં હોહા થઈ જાય તો નવાઈ નહીં. આપણે જાણતા હતા કે દિવાળી આવી રહી છે. તે કૈં નવાઈની આવતી ન હતી. આમ તો દર વર્ષની જેમ જ એ આવી હતી, પણ, આ વખતે કોરોના પણ લાવી હતી ને બધાંને લાગ જોઈને તે વહેંચતી પણ જતી હતી. દેશ આખામાં હજારો જીવ કોરોનાને કારણે ગયા હતા, પણ આપણને તેની કૈં પડી ન હતી. જેનું ગયું તેનું ગયું, એમાં આપણું કૈં ગયું ન હતું એટલે બેફામપણે રખડવાનો કોઈને વાંધો ન હતો. મહિનાઓ પછી માંડ ધંધાધાપા શરૂ થયા હતા, બજારો, હોટેલો, સિનેમા ગૃહો ખૂલ્યાં હતાં, ત્યાં દિવાળી આવી ધમકી ને લોકો સફાળા જાગ્યા. બેઠા થયા. ઊઠ્યા. દોડ્યા. બજારો ભરી દીધાં. પૈસા ન હતા, પણ ખરીદી નીકળી હતી અને ધૂમ નીકળી હતી. ઠેર ઠેર લોકો ખડકાયા હતા. કપડાંલત્તાનું, બિસ્કિટ-મીઠાઈનું, રોશની-બોશનીનું, આવવા-જવાનું, ખાવાપીવાનું એવું ચાલ્યું કે રસ્તાઓ, માર્કેટો, શોપિંગ મોલ્સ, હોટેલો, ઘરો, મંદિરો માણસોથી ખદબદતાં થયાં. જાણે રસ્તા પર સાપ, નોળિયા, વીંછી, અળસિયાં નીકળી આવ્યાં હતાં ! ઘડીભર તો કોરોના પણ વિચારમાં પડી ગયો કે કોને થાઉં ને કોને ન થાઉં ! આટલી બધી ચોઈસ તો એને આઠેક મહિનામાં મળી જ ન હતી. એણે પણ નક્કી કરી લીધું કે ઓટલા, રોટલા, ચોટલા-ખાટલા, પાટલા, બાટલા-માંથી જ્યાં તક હોય ત્યાંથી લોકોને વળગવું ને વગર પથારીએ જ પથારી ફેરવવા માંડવી.
કોરોના વાઇરસની પકડ મજબૂત બની ગઇ અને લૉકડાઉન આખી દુનિયા માટે એક રૂટીન થઇ ગયું. આપણા દેશમાં ક્યાંક અનલૉક થયું તો ક્યાંક ફરી લૉકડાઉનના એંધાણ માથે ભમવા માંડ્યા. યુરોપિયન દેશોમાં સૌથી પહેલાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ અને તાજા રિપોર્ટ અનુસાર યુરોપમાં કોરોના વાઇરસે ફરી એકવાર પોતાનો કાળમુખો ચહેરો બતાડ્યો છે. સ્પેન, ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા દેશો જ્યાં આ રોગચાળો કાબૂમાં આવ્યો હતો ત્યાં બીજા લૉકડાઉનની જાહેરાતો અને ચેતાવણીઓ અપાઇ છે. આ તો વિદેશની વાત થઇ પણ આપણી વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં હોટસ્પોટ પર લૉકડાઉન લાગુ કરવાની તજવીજ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ અમુક વ્યાપારી એસોસિયેશન્સ સ્વૈચ્છિક લૉકડાઉન પાળશે તેવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં વધારો કરવા તાકીદ કરી છે કારણ કે સેકન્ડ વેવની વકી છે. કર્વ ફ્લેટ થયો હોવા છતાં ય આ પગલાં લેવાઇ રહ્યાં છે. આંધ્ર પ્રદેશનાં જગન મોહન રેડ્ડીએ પણ નાગરિકોને સેકન્ડ વેવ માટે તૈયાર રહેવા કહ્યું છે.