આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અગ્રણી સમાજશાસ્ત્રી અરવિન્દ મ. શાહનું સપ્ટેમ્બર ૭, ૨૦૨૦ના રોજ અવસાન થયું. સમાજશાસ્ત્રીય અભ્યાસમાં નવો ચીલો પાડનાર એમ.એન. શ્રીનિવાસ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પાછા આવ્યા, ત્યાર પછી એ.એમ. શાહ તેમના પહેલા વિદ્યાર્થી હતા.
શાહસાહેબ દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં સમાજશાસ્ત્રના અધ્યાપક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રીસર્ચના ‘નેશનલ ફૅલો’ હતા. એકાદ દાયકા જેટલા સમય માટે તેમણે સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હતી. ત્યાર પહેલાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તે સમાજશાસ્ત્ર શીખવતા હતા.
જાણીતા સમાજશાસ્ત્રી – ઘનશ્યામ શાહે તેમને અંજલિ આપતાં લખ્યું છે કે એમ.એસ. યુનિવર્સિટીમાં ૧૯૫૯-૬૦નાં વર્ષોમાં શાહસાહેબ તેમના અધ્યાપક હતા અને સમાજશાસ્ત્રના આરંભિક પાઠ તેમની પાસેથી શીખવા મળ્યા હતા. ઘનશ્યામભાઈએ નોંધ્યા પ્રમાણે, એ.એમ. શાહ લિખિત ‘ધ હાઉસહોલ્ડ ડાયમેન્શન ઑફ ફૅમિલી ઇન ઇન્ડિયા’ અને ‘ધ ફૅમિલી ઇન ઇન્ડિયાઃ ક્રિટીકલ એસેઝ’ — એ બંને ભારતીય સમાજશાસ્ત્રને લગતાં તેમનાં અત્યંત મહત્ત્વનાં પુસ્તકો છે.
અંગ્રેજીમાં લખતા શાહસાહેબના કેટલાક લેખોના ગુજરાતી અનુવાદ વિવિધ અભ્યાસ સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમના એવા અનુદિત લેખોનું પહેલું ગુજરાતી પુસ્તક ગયા વર્ષના અંત ભાગમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું. તેનું નામ હતુ, ‘આપણો સમાજઃ સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં’.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 12