ચીન, કોરોના અને અર્થતંત્ર. આ ત્રણેય સંકટ એક સાથે વિકરાળ સમસ્યા બનીને આપણી છાતીએ ચડી બેઠાં છે. આ ત્રણમાં કયું સંકટ મોટું એની તુલના કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આ સીમાબદ્ધ રાષ્ટ્રવાદનો યુગ છે અને એમાં માનવીનો જીવ અને જીવન ટકાવી રાખવા બટકું રોટલા કરતાં એક તસુ જમીનને આપણે વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. કુટુંબીજન બેમોત મરે કે ભૂખ્યો ટળવળે એનાથી આપણે શરમાતા નથી, પણ કોઈ આપણી જમીનને હાથ લગાડે એ આપણાંથી સહન થતું નથી. એમાં નાલેશી અનુભવાય છે. નાલેશી મૂઠી જુવાર કે દવા-દારૂના અભાવમાં કોઈ મરે એમાં છે કે એક તસુ જમીન મેળવવા-ગુમાવવામાં?
પણ આ સવાલ આજના યુગમાં પૂછો તો દેશદ્રોહી ગણાશો. રાષ્ટ્રવાદ પૂરતી ખાના-ખરાબી કરીને જગતમાંથી વિદાય નહીં લે ત્યાં સુધી આ સવાલ પૂછવો અઘરો છે. રાષ્ટ્રવાદ એક દિવસ જરૂર વિદાય લેવાનો છે, પણ માનવ-સમાજને મોટું નુકસાન પહોંચાડ્યા પછી. મૂળમાં ૧૮મી સદીમાં એનો જન્મ જ થોડા લોકોના સ્વાર્થ માટે થયો છે અને એનો ઉપયોગ પણ થોડા લોકોના સ્વાર્થ માટે જ કરવામાં આવે છે. પણ આ વાત અહીં પડતી મૂકીએ, કારણ કે આપણી ચર્ચાનો વિષય રાષ્ટ્રવાદ નથી, પણ એનું અત્યારે જોવા મળતું પરિણામ છે.
જ્યાં સુધી સીમાબદ્ધ રાષ્ટ્ર (territorial nation/state) નામનું એકમ આ જગતમાં છે ત્યાં સુધી શાસકોની ફરજ બને છે કે તેનું રક્ષણ કરે. ચીન સામે અને બીજા કોઈ પણ પરાયા દેશ સામે ભારતની ભૂમિનું રક્ષણ કરવાની જવાબદારી શાસકોની છે. દરેક દૃષ્ટિએ મહાન નેતા હોવા છતાં ચીન સામે ભારતની ભૂમિનું રક્ષણ નહીં કરી શક્યા એની જે કાળી ટીલી જવાહરલાલ નેહરુને કપાળે ચોંટી છે, તે સીમાબદ્ધ રાષ્ટ્રવાદ જ્યાં સુધી તેની પ્રતિષ્ઠા સાથે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી ભૂંસાવાની નથી. નેહરુની એ નાલેશી છે. એમાં વળી અત્યારના શાસકો તો લોહીના દરેક કણમાં રાષ્ટ્રવાદી છે. જિંદગી અને રોટલા કરતાં તસુ ભૂમિને વધારે મહત્ત્વ આપનારા છે. શાખાઓમાં અને સંઘસાહિત્યમાં માનવીના કલ્યાણની વાત ઓછી થાય છે, ભારતની ભૂમિની વધુ થાય છે. એ મહાન ભારતની મહાન ભૂમિને બચાવવાનો વખત આવ્યો છે. નેહરુ તો ‘નમાલા’ હતા, પણ અત્યારે ‘શૂરવીરો’ સામે ભૂમિ બચાવવાનું સંકટ પેદા થયું છે.
આમ દેખીતી રીતે આપણા રાષ્ટ્રવાદી શાસકો કોરોના (જીવ) અને અર્થતંત્ર (બટકું રોટલો) કરતાં ચીને આપણી ભૂમિ આંચકીને પેદા કરેલાં સંકટને વધારે મહત્ત્વ આપતા હોવા જોઈએ. હું માનું છું કે સરકારના સમર્થકો પણ તેને જ વધારે મહત્ત્વ આપતા હશે. અહીં મેં ‘હોવા જોઈએ’ અને ‘આપતા હશે’ એવા અનિશ્ચિત શંકાવાચક શબ્દ પ્રયોગ એટલા માટે કર્યા છે કે એ પણ એક અનુમાન છે. પ્રત્યક્ષ નજરે પડે એવી કોઈ જદ્દોજહદ જોવા મળતી નથી. નથી શાસકોના પક્ષે કે નથી સમર્થકોના પક્ષે. યુદ્ધજ્વરની જરૂર નથી. એમાં તો વધારે નુકસાન થઈ શકે એમ છે, પણ સીમાડે પેદા થયેલા સંકટનો અહેસાસ સુધ્ધાં કરાવવામાં આવતો નથી. નથી સરકાર તરફથી કે નથી સંઘપરિવાર તરફથી. ૧૯૬૨માં દેશની પ્રજાને વિશ્વાસમાં લેવામાં આવી હતી. ગરીબ પ્રજાને માનસિક રીતે યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી હતી. પૂછી જુઓ કોઈ વડીલને. ઊલટું, નરેન્દ્ર મોદીએ તો દેશની જનતાને સધિયારો આપ્યો છે કે ભારતની ભૂમિમાં કોઈ પ્રવેશ્યું જ નથી ત્યાં કબજો તો દૂરની વાત છે.
તો પછી છટપટાહટ શેની છે એ કોઈ કહેશે? ભારતની ભૂમિને છોડાવવા છાના પ્રયત્નો કરવાની જરૂર જ શું છે, જ્યારે ભારતમાં કોઈ પ્રવેશ્યું જ નથી? સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ અને વિદેશ ખાતાના અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ લગભગ દર અઠવાડિયે ચીન સાથે વાટાઘાટો કરવા બીજિંગ કે અન્યત્ર જાય છે; પણ કોઈ ચીનો ભારત આવતો નથી. સીમાડે સંકટ છે એ આખું જગત જાણે છે, તો છૂપાવો છો શા માટે? તમામ રાજકીય પક્ષોને અને દેશની પ્રજાને વિશ્વાસમાં લો. હું ખાતરીપૂર્વક કહું છું કે કોરોના અને આર્થિક સંકટ છતાં દેશ આત્મવિશ્વાસ સાથે સરકારની બાજુમાં ઊભો રહી જશે.
પણ એ પહેલાં એક સાવધાની.
પ્રાચીન યુગમાં જે જીતે એની ભૂમિનો સિદ્ધાંત હતો અને એ બહુ સરળ હતો. તલવારનો ન્યાય ચાલતો હતો. અત્યારે ધર્મ, ભાષા અને સંસ્કૃતિનાં કેટલાંક માપદંડોના આધારે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં છે. માપદંડો સંસ્કૃતિના છે એટલે આખા જગતમાં લગભગ દરેક દેશને પાડોશી દેશ સાથે સીમાવિવાદ ચાલી રહ્યા છે. બને છે એવું કે સીમાડે બે સંસ્કૃતિઓનું મિલન થાય છે અને ત્યાં મિશ્ર સંસ્કૃતિ રચાય છે. તળાવમાં બે સ્થળે કાંકરી નાખો તો કાંકરીએ રચેલાં બે વમળ ફેલાતાં ફેલાતાં એક સ્થળે એકબીજાને મળે એમ. આનો કોઈ ઉપાય જ નથી. જેમ હિંમતનગર અને ડુંગરપુર વચ્ચે ક્યાં ગુજરાત પૂરું થયું અને ક્યાંથી રાજસ્થાન શરૂ થયું એ નક્કી કરવું મુશ્કેલ પડે એમ જ. સરકારી પાણો ન હોય તો સરહદો બોલતી નથી, કારણ કે સરહદ જેવી કોઈ ચીજ ઈશ્વરે બનાવી જ નથી.
હવે પ્રાચીન યુગમાં જ્યારે તલવારનો ન્યાય ચાલતો હતો ત્યારે એટલું સારું હતું કે જમીન ઉપરના કબજાના અધિકારને તર્ક અને પ્રમાણો દ્વારા સાબિત નહોતો કરવો પડતો. તલવારના જોરે એક જ શાસક ત્રણ ત્રણ અને તેનાથી પણ વધુ ભિન્ન સંસ્કૃતિઓ ઉપર કબજો જમાવતો હતો એવા ઉદાહરણ ઇતિહાસમાં અનેક મળી આવશે. કોઈ પૂછતું નહોતું કે યવન થઈને આર્યભૂમિ ઉપર કબજો કરીને કેમ બેઠો છે? અત્યારે સંસ્કૃતિઓનાં માપદંડોના આધારે રાજ્યો/રાષ્ટ્રો રચાયાં છે એટેલ દરેક જગ્યાએ ઝઘડા ચાલી રહ્યા છે. એક કહેશે કે અહીં અમારી સંસ્કૃતિની છાંટ વધુ જોવા મળે છે તો બીજો કહેશે કે નહીં આમારી સંસ્કૃતિની. યાદ રહે, અહીં મેં છાંટ શબ્દ વાપર્યો છે.
તો અત્યાર સુધીની ચર્ચામાંથી શું નિષ્પન્ન થયું? એક તો એ કે સરહદે બે સંસ્કૃતિઓનું મિલન થતું હોય છે એટલે એક સંસ્કૃતિના અંત અને બીજીના આરંભની રેખા ખેંચવી મુશ્કેલ હોય છે. આને કારણે આખા જગતમાં સીમાવિવાદ ચાલી રહ્યો છે. ભાગ્યે જ કોઈ દેશ હશે જેને પાડોશી દેશ સાથે સીમાને લઈને ઝઘડો ન ચાલતો હોય. બીજું, હિમાલયની દુર્ગમ પહાડીઓમાં તો સેંકડો ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં મિશ્ર સંસ્કૃતિ ફેલાયેલી છે. ત્યાં નાગપુરનું ભારત અને બીજિંગનું ચીન જોવા નહીં મળે. ત્યાં પાંચ ટકા નાગપુરી ભારત છે અને પાંચ ટકા બીજિંગી ચીન (ખરું પૂછો તો ચીનના કબજાનું તિબેટ) છે અને ૯૦ ટકા જે છે તે સંસ્કૃતિ-સંગમ છે. હવે તલવારનો ન્યાય તો ફેશનમાં છે નહીં એટલે દલીલ કરીને કબજો સાબિત કરવો પડે એમ છે અને એ બેમાંથી કોઈ દેશ સાબિત કરી શકતો નથી. સીમાબદ્ધ રાષ્ટ્રવાદી રાજ્યવ્યવસ્થાનો ઇતિહાસ તપાસી જુઓ. કોઈ દેશ સરહદે નિર્વિવાદ પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરી શક્યો નથી. એક પણ દેશ નહીં.
તો વિવેકી ડાહ્યા શાસકો શું કરે? વિચારવા માટેનો આ પહેલો પ્રશ્ન. ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? વિચારવા માટેનો આ બીજો પ્રશ્ન. ધૂર્ત ચાલાક શાસકો શું કરે? વિચારવા માટેનો આ ત્રીજો પ્રશ્ન. માથાભારે શાસકો શું કરે? વિચારવા માટેનો આ ચોથો પ્રશ્ન અને આપણે શું કરવું જોઈએ? વિચારવા માટેનો આ પાંચમો પ્રશ્ન.
આ પંચ-પ્રશ્ન-પ્રપંચ વિશે વિચારો. એક વાત યાદ રાખજો, વિકલ્પ એવો હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછું નુકસાન હોય. નુકસાન તો છે જ, કારણ કે ઝઘડાની ભૂમિ સંગમભૂમિ છે જ્યાં બે અને એનાથી પણ વધુ દાવેદારો છે. વિચારો!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2020