
ઉપર મૂકેલું ચિત્ર ‘ધ ઇકોનોમિસ્ટ’માં છપાયું હતું. તેનો દેખીતો અર્થ તો સ્પષ્ટ છેઃ રૉકેટની જગ્યાએ રસીના પ્રતીક જેવું ઇન્જેક્શન લૉન્ચ થવા જઈ રહ્યું છે. સૌને તેની ઇંતેજારી છે. સૌની નજર એ તરફ મંડાયેલી છે. રોકેટની માફક આ મિશનમાં પણ સફળતાની આશા છે ને નિષ્ફળતાની આશંકા. ઉતાવળ કરવા જતાં કે હોંશીલા થવા જતાં રોકેટ અધવચ્ચે જ ભંગારના ટુકડામાં ફેરવાય એવી ધાસ્તી પણ ખરી ને સફળતા મળે તો માનવજાત માટે મોટો આશીર્વાદ. પરંતુ મિશન પાર પડશે કે નહીં, તે અત્યારથી કહી શકાય તેમ નથી.
આવા માહોલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર થઈ રહેલી રસી વિશે વધાઈ ખાતા સમાચાર ગયા સપ્તાહે પ્રસાર માધ્યમોમાં પ્રગટ થયા. લાગ્યું કે બસ ગોળધાણા વહેંચવાની ઘડી હાથવેંતમાં છે. પરંતુ મથાળાંની મુશ્કેલી જ એ હોય છે. વધુ અભ્યાસપૂર્ણ લખાણો વાંચતાં સમજાયું કે સમાચારમાં રાજી થવાપણું જરૂર છે, પણ ગોળધાણાનું ટાણું, મથાળાંથી જણાતું હતું એટલું નજીક કે એટલું નિશ્ચિત પણ નથી.
તો કોવિડ-૧૯ની રસીની હરીફાઈમાં સૌથી આગળ મનાતી ઑક્સફર્ડની રસીની હકીકત શી છે? તેને લગતા મુદ્દાના સવાલના જવાબ ‘વાયર્ડ’માં પ્રગટ થયેલા મૅટ રેનોલ્ડ્સના લેખમાંથી મળે છે. એ લેખનો સાર-અનુવાદઃ
પહેલાં સારા સમાચાર
ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે જે રસી શોધી છે, તેનો એક ડોઝ આપવાથી દસમાંથી નવ કિસ્સામાં વ્યક્તિના શરીરમાંથી (એટલે કે કોષોમાંથી) વાઇરસનો પ્રતિકાર કરતાં દ્રવ્યો પેદા થાય છે. ઉપરાંત, પ્રયોગોમાં આ રસીની કોઈ આડઅસર પણ નોંધાઈ નથી.
રસી આપ્યાના ૨૮ દિવસ પછી પ્રતિકારનું જોર વધ્યું અને રસી આપ્યાના ૫૬ દિવસ સુધી તે મહત્તમ રહ્યું. એટલે કે રસી આપ્યાના ૨૮મા દિવસથી ૫૬મા દિવસ સુધી રસી લેનારમાં વાઇરસનો પ્રતિકાર કરતાં દ્રવ્યોનું પ્રમાણ સૌથી વધુ રહ્યું. કદાચ ૫૬ દિવસ પછી પણ તેની અસર રહી હોય તો ખબર નથી. કેમ કે, આ અભ્યાસમાં રસી આપ્યા પછીના ૫૬ દિવસ સુધીનાં જ પરિણામ નોંધવામાં આવ્યાં હતાં.
પ્રયોગ કેવી રીતે? કોની પર?
ઑક્સફર્ડના સંશોધકોએ ૧૮ વર્ષથી ૫૫ વર્ષની ઉમરના ૧,૦૭૭ તંદુરસ્ત લોકોને પસંદ કર્યા. તેમાંથી અડધાને કોવિડ-૧૯ સામેની નવી રસી આપવામાં આવી અને બાકીના અડધાને બેક્ટેરિયાના ચેપ સામેની રસી અપાઈ. રસીની કોઈ ગંભીર આડઅસર નોંધાઈ નથી, પણ અભ્યાસનો હિસ્સો બનેલા લોકોમાંથી ૭૦ ટકા લોકોને સાધારણ તાવ કે માથાનો દુખાવો થયો. આ જૂથમાંથી કેટલાક લોકોને રસી આપતી વખતે પેરાસિટામોલ પણ આપવામાં આવી હતી. એવા લોકોમાં તાવ કે માથાના દુખાવાની ફરિયાદ પ્રમાણમાં ઓછી જોવા મળી.
તેનો મતલબ શો?
મતલબ એ કે નવી રસી લેનાર કોવિડ-૧૯ના ચેપથી સુરક્ષિત થઈ જશે કે નહીં થાય, એવું કશું ઑક્સફર્ડનો અભ્યાસ જણાવતો નથી. તેનાથી એટલી જ ખબર પડે છે કે રસી સલામત છે અને તે શરીરમાં વાઇરસ સામેનો પ્રતિકારક પ્રતિભાવ પેદા કરી શકે છે. આ ખુશખબર એટલા માટે કહેવાય કે શરૂઆતના તબક્કે આ પ્રયોગમાં આડુંઅવળું પરિણામ મળ્યું હોત — એટલે કે ગંભીર આડઅસર જોવા મળી હોત કે વાઇરસ સામે પ્રતિકારક પ્રતિભાવ પેદા ન થયો હોત — તો નવેસરથી એકડો ઘૂંટવાનો વખત આવત. તેને બદલે, આ પરિણામોથી એટલી તો ખબર પડી કે સ્ટેશન આવવાની ભલે વાર હોય, ગાડી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
યોગ્ય દિશા એટલે?
એક વાર ખબર પડી કે રસીની કશી આડઅસર નથી, એટલે હવે કોવિડ-૧૯નો ચેપ ધરાવતા લોકોને પણ તેનો ડોઝ આપીને ચકાસી શકાય કે આ રસી કોવિડ-૧૯ના દરદીઓ માટે કેટલી અસરકારક છે. એ દિશામાં કામ આરંભાઈ ચૂક્યું છે.
બ્રાઝિલમાં પાંચ હજાર લોકોને સાંકળીને એક પ્રયોગ થઈ રહ્યો છે. એ લોકોને રસી આપ્યા પછી તેમને કોરોનાનો ચેપ લાગુ પડે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં પણ ઑક્સફર્ડવાળી રસી સાથે આવો પ્રયોગ હાથ ધરાયો છે.
બ્રિટનમાં દસ હજાર લોકો આ પ્રયોગનો હિસ્સો બન્યા છે. પરંતુ ત્યાં વાઇરસનો ચેપ પ્રસરવાનો દર ઓછો છે. એટલે રસી લીધા પછી પણ લોકો વાઇરસના સંપર્કમાં જ ન આવે અને એટલે તેમને ચેપ લાગુ ન પડે, એવું પણ બની શકે. એટલે કે, તેમની તંદુરસ્તી રસીના જોરે નહીં, પણ ચેપના અભાવે જળવાઈ રહે.
પ્રયોગની મર્યાદિત પહોંચ
ઑક્સફર્ડના પ્રયોગની મર્યાદા એ છે કે સૌથી પહેલાં જે ૧,૦૭૭ લોકો પર પ્રયોગ થયો તેમાંના ૯૦ ટકા ધોળા લોકો હતા અને તેમનું સરેરાશ આયુષ્ય હતું ૩૫ વર્ષ. રસીની સલામતી ચકાસવા માટે જુદા જુદા અને વિવિધ વયજૂથના લોકો પર તેનો પ્રયોગ કરવો પડે. તેમાં તંદુરસ્તની સાથે સાથે જુદી જુદી બીમારી ધરાવતા લોકોને પણ સામેલ કરવા પડે. બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનના પ્રયોગો એ જ દિશામાં પ્રયાસ છે. છતાં એ પણ પૂરતું તો નથી જ અને તેનાં પરિણામ આવવાં બાકી છે.
એકદમ હરખપદુડા ન થવા માટેનાં બીજાં કારણ
સૌથી પાયાની બાબતઃ ઑક્સફર્ડની રસીથી શરીરમાં પ્રતિકારનો-વળતા હુમલાનો પ્રતિભાવ પેદા થાય છે. પણ એક વાર રસી લઈ લીધા પછી તે કોવિડ-૧૯ સામે ઢાલ બની જાય અને કોરોનાનો ચેપ લાગે જ નહીં — એવું હજુ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. હજી તો પ્રતિકારક પ્રતિભાવનું પગથિયું વટાવ્યું છે. એ મહત્ત્વનું છે, પણ અંતિમ નથી. કેટલાક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે ખરું કે રસીની અસર પાંચ અઠવાડિયાં સુધી ટકે છે. પણ એ પરિણામની વધારે ખાતરી જોઈએ અને એક વાર રસી લીધા પછી તેની અસર પણ લાંબો સમય, ઓછામાં ઓછી છ મહિના – એક વર્ષ જેટલી તો ટકવી જોઈએ. ઑક્સફર્ડના અભ્યાસમાં આ બાબત પર કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી. લાગે છે કે બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના પ્રયોગોનાં પરિણામથી એ બાબતે વધારે સ્પષ્ટ થશે
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 07-08
![]()


વાતની શરૂઆત સુરતથી કરીએ તે ઠીક રહેશે. કોરોનાનો કેર જોતાં આજે સોમવાર[27 જુલાઈ]થી દસ દિવસ સુધી સુરત જતી જાહેર અને ખાનગી બસોને સત્તાવાર બંધી ફરમાવાઈ છે. આ એ જ સુરત છે જ્યાં હજુ બેત્રણ દિવસ પર નવનિયુક્ત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું ફૂલેકું — અને તે પણ સહસ્રાધિક કાર રેલીએ — ચડાવવાનું હતું. જેવી આ જાહેરાત આવી એની વાંસોવાંસ હાર્દિક પટેલના સમર્થકો પણ રેલી કાઢશે એવા સમાચાર આવ્યા. બને કે સી.આર. માટેનું આયોજન રદ કરવાનું કારણ, વખત છે ને હાર્દિકની રેલી મોટી નીકળે અને ભા.જ.પ. ભોંઠો પડે એવી ગણતરીસરનું હોય. વળી, જો પાટીલ માટે હા પડાઈ તો હાર્દિક માટે કેમ નહીં, એ સવાલ પણ બારણે હથોડામાર આવી પડે.
મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.