મોદીજી અમેરિકા જઈને ટ્રમ્પશ્રીને મળી આવેલા અને તાજેતરમાં ટ્રમ્પશ્રી ભારત આવીને મોદીજીને મળી ગયા. બન્ને પ્રસંગોએ ખૂબ ખૂબનાં અભિવાદન થયેલાં. ખાસ તો, શેકહૅન્ડ કહેતાં, નમસ્કાર નામના માનવીય સંસ્કારની ઘણી જ ઘણી આપ-લે થયા પછી જ બધી શરૂઆતો થયેલી.

એ સંદર્ભમાં મને મારો એક વરસો પહેલાં લખાયેલો નિબન્ધ યાદ આવી ગયો. એને અહીં — a g a i n-માં, પુન:શ્ચ-માં, સહભાગીતાર્થે મૂકું છું :
સામાં મળે ત્યારે માણસ સિવાયનાં પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓ, એકમેકનાં ખબરઅંતર પૂછતાં હોય એવું કંઈ સ્પષ્ટ રૂપે જોવા નથી મળતું. માત્ર માણસોમાં જ, કેમ છો? મજામાં? હેલો, હાવાર્યુ? હાઉ ડુ-યુ-ડુ? વગેરે બોલવાનો રિવાજ છે.
આવી વખતે માણસો પાછાં પરસ્પરની સામે હસે છે પણ ખરાં, જે કંઈ બોલે તે સ-સ્મિત બોલે છે. ત્યારે ઝૂકે છે, નમે છે, હેતથી બે હાથ જોડે છે, પ્રેમથી એકબીજાના હાથ મેળવે છે. ઘણીવાર તો માણસો આવા પ્રસંગે પરસ્પરને ભેટે છે, કોટે વળગાડે છે, ગાલે કે કપાળે ચૂમે પણ છે. નર-નારીના પ્રિયમધુર દાખલાઓમાં આવી વખતે જેને આલિંગન કહેવાય તે રીતે ભેટવાનું તથા જેને ચુમ્બન કહેવાય તે જાતનું હોઠે ચૂમવાનું બને છે. વગેરે.
ઈશ્વર અને તેના ભક્તોના ભક્તિભરપૂર પ્રસંગોમાં નમવાનું ઉત્કટ બનતું હોય છે. નમનભાવ પ્રકર્ષે પ્હૉંચતો હોય છે અને તેથી તેને વન્દન કહેવાય છે, પ્રણામ કહેવાય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ નામનો પ્રકાર ઉત્તમોત્તમ છે. માણસ એમાં પોતાનું સમગ્ર શરીર ભૂમિસાત કરીને દણ્ડ જેવો થઈ રહે છે. લંબાવેલા-જોડેલા હાથે એમ સૂતો-સૂતો વન્દે છે, પ્રાર્થે છે. ને ત્યાં પોતાનું શીર્ષ પણ ધરતીને સમર્પિત કરતો પૂરા હૃદયથી પ્ર-ણમે છે. નમ્રતાની એ પરિસીમા છે. મસ્તકથી કે કમરથી ઝૂકનારો પણ ભૉંયે પડીને પોતાની સમગ્ર કાયાનું જાણે થોડી ક્ષણો માટે વિલોપન વાંછે છે. એમાં પણ સમર્પણભાવની અવધિ છે. વન્દન કે પ્રણામ દેવતુલ્ય માતાપિતા માટે કે ગુરુજનો માટે પણ હોય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ હવે જો કે, દેવ-દેવતાઓ માટે જ બચ્યાં છે.
આગળના જમાનામાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ કહેવાતો અને તેને પણ વન્દન, પ્રણામ કે સાષ્ટાંગ દણ્ડવત કરીને લોકો પોતાનું એ કર્તવ્ય બજાવતા. પશ્ચિમી દેશોમાં એને બાઉઈન્ગ કહેવાતું, મધ્યપૂર્વમાં એને કુરનિસ કહેતા, સલામ કહેતા, મુજરો કહેતા. આજે રાજાઓ રહ્યા નથી ત્યારે પણ બાઉઇન્ગિ તો રહ્યું જ છે, કુરનિસ, સલામ કે મુજરો પણ રહ્યાં જ છે.
સંસ્કૃતિ નામે માણસે જે કંઈ રચ્યું છે તેમાં આવા શિષ્ટાચારનો ખૂબ મહિમા છે. એમાં માણસ માણસને મળ્યાની સાહેદી અપાય છે, સાક્ષી પુરાય છે, ખાસ તો એથી માણસોને સારું લાગે છે. થાય છે કે સામાએ પોતાનું અભિવાદન કર્યું, સામાએ પોતાનો ભાવ પૂછ્યો, સામો પોતાને ચાહે છે, સામો પોતાને માન આપે છે.
હેલો-હાય કે પ્રણામ-નમસ્કાર કશાપણ માનવીય વ્યવહારની, પ્રસંગ કે સમ્બન્ધની, મીઠી આકર્ષક શુભ શરૂઆત છે. હકીકતે, એથી અહંકારનો એટલા પૂરતો તો વિલય થાય છે, હુંકારનો એ પૂરતો તો લોપ થાય છે. નમીને હું બીજા હું-ને આવકારું છું, એને નિમન્ત્રણ આપું છું કે એ મને મળે – માત્ર નજરથી નહીં, માત્ર હાથ મેળવીને નહીં, પણ પૂરા અન્ત:કરણથી મળે. મારી એવી સાચકલી ચેષ્ટાથી હું સામાના હૃદયને સ્પર્શું છું, તેને પ્રેરું છું અને એમ કરીને છેવટે તો તેના માનવ્યને ઢંઢોળું છું. આમ આ શિષ્ટાચાર ખરા માનવીય વ્યવહારનું સાધન પણ છે, એથી સંકોરણી થાય છે હૃદયભાવોની, અને એથી બેયને અજવાળતી પ્રેમજ્યોત પ્રગટે છે.
મૂળે, અહીં નમવાનું છે, શરીરથી તેમ મન-હૃદયથી. શરીરો ભેટે પરસ્પરને, ચૂમે એકમેકને, એથી એક કાયાની ઊર્જાનું બીજીમાં સંક્રમણ થાય છે. ચૈતન્યનું ચૈતન્ય સાથેનું સમ્મિલન રચાય છે. મન કે હૃદયમાં સ્ફુરેલો ભાવ શરીરના માધ્યમે સન્ક્રાન્ત થાય છે. એક માણસ બીજા માણસનું આથી વધારે સારી રીતનું અભિવાદન તો શું કરવાનો'તો? એ રીતે જોતાં, ભેટવું કે ચૂમવું જ ઉત્તમ ગણાય. પ્રેમ અને વાત્સલ્યના લગભગ બધા જ કિસ્સાઓમાં એ ઉત્તમ રીત જોવા મળે છે, તે બહુ સહજ છે. પરન્તુ પ્રેમમાં આદર ભળે, અથવા તો જ્યાં આદર વ્યક્ત કરવાનું વધારે જરૂરી જણાય, ત્યાં માણસો નમસ્કાર કરે છે, વન્દન કરે છે, પ્રણામ કરે છે, કે સલામ કરે છે.
આ શિષ્ટાચારમાં ભાષા પણ ભળી છે : માણસો ભેટે કે હાથ મેળવે ત્યારે, કે હાથ જોડીને નમસ્કાર કરે ત્યારે, નમસ્તે, પ્રણામ, વન્દન વગેરે શબ્દો પણ ઉચ્ચારે છે. ઘણી વાર, હાથ જોડ્યા વિના માત્ર ભાષાથી પણ ચલાવી લેવાય છે. એવા વાચિક નમસ્કાર આજના જમાનામાં વધવા માંડ્યા છે. તો ઘણીવાર હાથ જોડેલા રાખીને, મન-હૃદયના કશા ય ભાવ વિના, લોકો પોલાંપોલાં માત્ર કાયિક વન્દન પણ કરે છે. ટેવને કારણે કરાતો કે કહેવા ખાતર ચાલતો રહેતો આ શિષ્ટાચાર એ રીતે અમસ્તો શિષ્ટાચાર જ બની રહે છે. આપણા જમાનામાં લોકો એટલે તો નમસ્કાર, વન્દન કે પ્રણામ લખી મોકલી શકે છે ને એમ ભાવ પરોક્ષપણે પહોંચાડીને પ્રત્યક્ષપણે વ્યક્ત કર્યાનો સંતોષ ધારી શકે છે.
સામાવાળાનો હાથ આપણા હાથમાં આવી પડેલો લાગે; નામનો અડકી રહેલો લાગે, ત્યારે એવું ઠાલું અભિવાદન આપણને ચીડવે છે. નમે તે સૌને ગમે એ સાચું, પણ ખોટું-ખોટું નમે તે કોઈને ય ન ગમે એ પણ એટલું જ સાચું છે. એ સંજોગોમાં નમસ્કાર કાં તો છેતરપિંડી હોય છે, અથવા તો ખુશામતનો પ્રકાર. એવા વંચકો જ વારંવાર નમતા હોય છે.
હૃદયમાં સામા માટે કશો ભાવ જ ન હોય, તો ન-નમસ્કાર સારા; ભાવ હોય, તો સ-નમસ્કાર વધારે શોભે; બહુ-નમસ્કાર તો, હમેશાં ખોટા. મન-હૃદયને વ્યક્ત થવાને કેટલીક વાર તો નાનું શું નમન જ પૂરતું હોય છે … નમીએ તો એવું નમીએ, નહીં તો ન નમીએ …
= = =
(March 5, 2020: Ahmedabad)
![]()


કવિ વેણીભાઈ પુરોહિતના નામ સાથે આંખનો અફીણી ગીત એવું જડબેસલાખ જોડાઈ ગયું છે કે એમનાં બીજાં કેટલાં ય સુંદર ગીતો સામાન્ય શ્રોતાઓ માટે નગણ્ય થઈ જાય છે. ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસારનાં લાજવાબ ગીતો : પંથવર પાછા આવો તો કહું કાનમાં, તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો તથા રાતી રાતી પારેવાની આંખ રે, માઝમ રાતે નિતરતી નભની ચાંદની, એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘કંકુ’નાં યાદગાર ગીતો મુને અંધારાં બોલાવે, પગલું પગલામાં અટવાણું, લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ તથા ભીંત ફાડીને પીપળો ઊગ્યો, ઘનશ્યામ ગગનમાં તથા ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં જેવાં કેટલાં ય સરસ ગીતોના કવિ વેણીભાઈ છે, એ બહુ ઓછાને ખબર છે. અનેક ફિલ્મોનાં ગીતો એમણે લખ્યાં પરંતુ એ વખતે પુરસ્કાર તો સાવ નજીવા એટલે અઢળક કામ કર્યું હોવા છતાં આર્થિક સધ્ધરતા તો આવે જ નહીં.
અગ્રગણ્ય લેખિકા સોનલ શુક્લએ વેણીભાઈનું સ્મરણ તાજું કરતાં કહ્યું, "સંગીતકાર અજિત મર્ચન્ટ, રેડિયો-ટેલિવિઝનના ડી.જી. રહી ચૂકેલા ગિજુભાઈ વ્યાસ, ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયા તથા વેણીભાઈ મિત્રો. અજિતભાઇએ મને ઊનાં રે પાણી વિશે કિસ્સો કહ્યો હતો. એકવાર ચારે ભાઈબંધ અજિતભાઇને ઘરે ભેગા થયા હતા. ત્યાંથી નીકળીને શિવાજી પાર્કના બગીચામાં જઈને બેઠા. થોડીક વાર પછી વેણીભાઈ એકદમ ચૂપ થઈ ગયા. બધાએ પૂછ્યું કે એકાએક શું થયું? ગિજુભાઈ બોલ્યા કે કવિ ગાભણા થયા લાગે છે. તો વેણીભાઈ કહે, "હા, હા, જલદી કાગળ આપો. હવે બાગમાં કાગળ ક્યાં શોધવો? કોઈકની પાસે કેવેન્ડર્સ સિગારેટનું ખોખું હતું. એ આપીને કહે લખો આની ઉપર. અંદરની બાજુ કોરી હોવાથી વેણીભાઈએ શબ્દો ઉતાર્યા : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં …! ગીતનું મુખડું અવતરી ચૂક્યું હતું એટલે કવિ હળવા થઈ ગયા. આ ગીત પછી મોટેભાગે અજિત મર્ચન્ટે જ કમ્પોઝ કર્યું હતું. મીઠો અને રણકાદાર અવાજ ધરાવતાં વીણા મહેતાએ સૌપ્રથમ ગાયું હતું. એ પછી વેણીભાઈનું અન્ય એક અદ્ભુત ગીત – મને ખૂબ ગમતું, અમારા મનમાં એવું હતું કે તમને ઓરતાં થશે, વીંઝણલા વાશે ને વાદળી ધીમું ધીમું ગાશે … મેં નાટ્યકાર મિત્ર પ્રવીણ જોશીને આપ્યું જે એમણે ‘મોતી વેરાણાં ચોકમાં’ નાટકમાં લીધું હતું. સરિતા જોશી એ ગીત ગાતાં હતાં. ગીતની પહેલી જ લાઈન કેવી સોલિડ છે કે પુરુષના મનમાં ઊર્મિ-ઓરતા આવે. સ્ત્રી તો લાગણીશીલ હોય જ છે પણ પુરુષને ઓરતા થાય એવી અભિવ્યક્તિ વેણીભાઈ જેવા સંવેદનશીલ કવિને જ સૂઝે.