આ શ્રેણીમાં આપણે જોયું કે હિંદુઓની દાર્શનિક (એમાં શ્રમણ અને બ્રાહ્મણ બંને આવી જાય છે) પરંપરા ખૂબ ઉદાર છે. વિચારની ઉદારતામાં હિંદુઓની બરાબરી કોઈ ન કરી શકે. શ્રમણોએ પુરોહિતોએ પેદા કરેલા અધિકારભેદ સામે, એમાંથી પેદા થયેલા સામાજિક ભેદભાવ સામે, યાચનાપરક કર્મકાંડોના અતિરેક સામે, પશુબલિ ચડાવવા જેવી કુપ્રથા સામે જ્યારે ઊહાપોહ કર્યો તો તેની સામે પણ શરૂઆતના પ્રતિકાર પછી એકંદરે સમન્વયની જ ભૂમિકા બની હતી. મહાવીર અને બુદ્ધ થયા પછી બેએક સદીમાં શ્રમણ-બ્રાહ્મણ સમન્વયની અને પરસ્પર પૂરકતાની ભૂમિકા બનતી ગઈ હતી.
એ અરસામાં ભારતમાં વિદેશથી અનેક લોકો આવ્યા. કોઈ પેટ ભરવા આવ્યા તો કોઈ આક્રમણ લઈને પણ જે આવ્યા તે ભારતમાં વસી ગયા. હિંદુ ખરલ, કહો કે એ સમયની ભારતીય ખરલ એવી હતી કે જે આવ્યા એ એમાં વટાતા ગયા અને અલગ તારવી ન શકાય એટલી હદે ભળી ગયા. આ ખરલ ભારતમાં મુસલમાનો આવ્યા ત્યાં સુધી નિર્વિઘ્ને ચાલતી રહી. મુસલમાનો આવ્યા એ પછી ભારતીય ખરલમાં વિઘ્નો પેદા થવા લાગ્યા. આનાં બે કારણ હતાં. એક તો હિદુ અને ઇસ્લામ ધર્મના સ્વરૂપમાં રહેલો પાયાનો ભેદ અને બીજું કારણ ભારતમાં આવેલા આક્રમણકાર મુસલમાનો એટલા જાહિલ હતા કે તેમને ઇસ્લામના સાચા સ્વરૂપની જ જાણ નહોતી. આમીર ખુસરોએ, તેમની પછીના સૂફીઓએ અને હિંદુ સંતોએ, અકબરે અને દારા શિકોહ જેવા મુસ્લિમ વિદ્વાનોએ ખરલ આડેના વિઘ્નો દૂર કરવાની કોશિશ કરી હતી; પરંતુ તેમને જોઈએ એટલી સફળતા નહોતી મળી.
તમે એક વાત નોંધી? ભારતીય ખરલમાં પેદા થયેલા અવરોધો દૂર કરવાના જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા છે એટલા હિંદુઓએ નથી કર્યા. આમીર ખુસરો, સૂફીઓ, અકબર, દારા શિકોહ એ બધા મુસલમાન હતા. ખરલમાંનાં અવરોધો દૂર નહોતા થતા એ જોઈને જે કબીરે હિંદુ અને મુસલમાનોનો કાન આમળ્યો એ પણ વાયકા પ્રમાણે મુસલમાન હતો અથવા મુસ્લિમ પરિવારમાં ઊછર્યો હતો. ભારતીય ખરલમાંના અવરોધને દૂર કરવાના પ્રામાણિક પ્રયત્નો મુસલમાનોએ કર્યા છે એ સ્વીકારવા જેટલી ખેલદિલી હોવી જોઈએ. ભારતમાં કોઈ હિંદુ રાજાએ અકબરની માફક હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયત્નો નથી કર્યા. હિંદુ સંતોનું ધ્યાન હિંદુ-મુસ્લિમ એકતા કરતાં હિંદુઓમાં પ્રવર્તતા જાતિગત ભેદભાવ પર વધુ હતો અને એ સ્વાભાવિક પણ હતું. જાતિગત ભેદભાવ પણ ભારતીય ખરલમાં એક મોટો અવરોધ હતો.
આની વચ્ચે ભારતમાં યુરોપિયનો આવે છે; પરંતુ તે પહેલાં હિંદુઓ માટે બે પ્રશ્ન યક્ષપ્રશ્ન બને છે. એક એ કે હિંદુ દર્શન ઉદાર હોવા છતાં, ભારતમાં સામાજિક ભેદભાવમાં નહીં માનનારું શ્રમણ દર્શન વિકસ્યું હોવા છતાં અને બ્રાહ્મણ-શ્રમણ સમન્વય સધાયો હોવા છતાં જન્મ આધારિત વર્ણવ્યવસ્થા ટકી કેમ રહી અને હલાવી ન શકાય એટલી હદે રૂઢ કેવી રીતે થઈ? હદ તો એ હતી કે આખી એક પ્રજાને ગામની બહાર વસાવવામાં આવે અને તેનો સ્પર્શ પણ કરવામાં ન આવે. ઉદારમતવાદી દર્શન ધરાવતો સમાજ, મહાવીરના પુરુષાર્થનો વારસો ધરાવતો સમાજ અને બુદ્ધની કરુણાનો વારસો ધરાવતો સમાજ આટલો મતાંધ, રૂઢિગ્રસ્ત અને ક્રૂર કેમ બન્યો? ત્યાં સુધીમાં ઇસ્લામમાં જોવા મળતી સામાજિક એકતા અને એક પ્રકારના ભેદભાવરહિત મુસ્લિમ સમાજવાદનો પણ હિંદુઓને પરિચય થઈ ગયો હતો. આ કોઈ પરિબળની હિંદુઓ પર અસર નહોતી થઈ અને જ્ઞાતિકીય ભેદભાવ દલિતો માટે અસહ્ય અને હિંદુઓ માટે શરમજનક બની ગયા હતા. આમ કેમ બન્યું એ પહેલો યક્ષપ્રશ્ન છે.
બીજો યક્ષપ્રશ્ન એ છે કે ઇતિહાસમાં પ્રત્યેક વિદેશી આક્રમણકારો સામે હિંદુઓનો પરાજય કેમ થયો? એકાદ અપવાદ કોઈ શોધી કાઢે તો તેનો કોઈ અર્થ નથી. હકીકત એ છે કે હિંદુઓનો વિદેશીઓ સામે પરાજય થતો રહ્યો છે. શા કારણે?
આ બે યક્ષ પ્રશ્ન પ્રત્યેક હિંદુને કવરાવે છે. આજે પણ કવરાવે છે. ભારતમાં આવેલા યુરોપિયનો; પછી તે ઈસાઈ ધર્મનો પ્રચાર કરનારા મિશનરી હોય, વેપાર કરવા આવેલા વેપારી હોય કે પાછળથી ભારત પર કબજો કરનારા શાસકો હોય, પાશ્ચાત્ય સભ્યતા માટે મગરૂરી ધરાવતા વિદ્વાનો હોય તેમને દરેકને જાણ હતી કે આ બે પ્રશ્નો હિંદુઓની દુઃખતી નસ છે. જો તમે ઉદાર વિચાર ધરાવો છો તો તમારી ઉદારતા તમારાં વર્તનમાં કેમ જોવા નથી મળતી અને તમે વિદેશી (મુખ્યત્વે મુસ્લિમ વાંચો) આક્રમણકારો સામે હાર્યા કેવી રીતે? ઈશારો એવો હતો કે હિંદુઓ બહાર નજર નહીં નાખનારી કોચલામાં જીવનારી પ્રજા છે. એ કોચલામાં જીવે છે એટલે પોતાનાઓને (દલિતો અને સ્ત્રીઓને) રંજાડે છે અને પોતાનાઓને જ પોતાથી દૂર રાખે છે માટે દુશ્મન સામે પરાજીત થતી આવેલી કાયર પ્રજા છે.
આ તો યુરોપિયનોએ કરેલું હિંદુઓનું આકલન છે, પણ હિંદુઓએ કરેલું હિંદુ વિષેનું આકલન ક્યાં? ઉપર કહેલા બે યક્ષપ્રશ્નો વિષે યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાં હિંદુઓએ કોઈ વિવેચન કર્યું હોય એવું જોવા મળતું નથી. હિંદુ સમાજના સ્વરૂપ અને મર્યાદાની કોઈ સમીક્ષા કોઈ હિન્દુએ કરી નથી અને કરવાની જરૂર અનુભવી નથી એ ત્રીજો યક્ષપ્રશ્ન છે. આવો તે કેવો સમાજ જે પોતાની અંદર ડોકિયું પણ કરતો નથી. સંતોએ જે કામ કર્યું છે તે તો હિંદુની અંદર બેઠેલા રામને જગાડવાનું અને શોષિતજન સાથે દુષ્કર્મ નહીં કરવાની સલાહ આપવાનું કામ કર્યું છે. તેમની પ્રેરણા કરુણા હતી, સમાજનું નવજાગરણ કરીને તેને બેઠો કરવાનું નહોતું. આ ત્રીજો યક્ષપ્રશ્ન પહેલા બે યક્ષપ્રશ્ન જેટલો જ કોયડારૂપ છે. ક્યારે ય કોઈ હિંદુને એવું લાગ્યું જ નહીં કે ચાલો આપણે આપણને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કેવા છીએ અને આપણામાં શું ખૂટે છે. આવો તે કોઈ સમાજ હોય!
પરિણામ એવું આવ્યું કે કોઈ હિંદુએ હિંદુ સમાજનું વિવેચન કરીને સમગ્ર હિંદુ ઓળખ વિકસાવી આપી નહોતી અને બીજી બાજુ જ્ઞાતિઓએ હિંદુઓની ખંડિત ઓળખ વિકસાવી હતી. એક તરફ સમગ્ર ઓળખનો અભાવ અને બીજી બાજુ ખંડિત ઓળખ. આવી સ્થિતિમાં યુરોપિયનો ભારતમાં આવે છે. તેમણે આવી સ્થિતિનો લાભ કઈ રીતે લીધો એ આ શ્રેણીમાં હવે પછી વિવેચન કરવામાં આવશે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 ડિસેમ્બર 2019