અમદાવાદ – દેશના ગૃહમંત્રી આજ તક ચેનલના 'એજન્ડા' કાર્યક્રમમાં નાગરિકતા કાયદા વિશે ખૂલીને બોલ્યા. વડા પ્રધાન કરતાં એ બાબતે ગૃહમંત્રીનું સાહસ વધારે દેખાયું કે તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપવામાં માને છે. જો કે, તેમણે જે તથ્યો આપ્યા તે અંગે કેટલાંક પ્રશ્ન ખડા થાય એમ છે. તેમણે વિભાજન વખતના ગાંધીજીના, તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના અને તે ગાળાના કોંગ્રેસના ઠરાવ દર્શાવીને કહ્યું આ લોકોએ પણ તે વખતે હિન્દુ-શીખોને ભારતમાં શરણ મળવી જોઈએ તે વાત કરી હતી. ગૃહમંત્રીએ જે સંદર્ભ ટાંક્યા છે, તેની ખરાઈ કરવા જઈએ તો તે વખતના અત્યંત ખૂનામરકીના માહોલમાં ક્યાંક આ વાત આગેવાનોએ કહી પણ હશે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ આ સિવાયના ધર્મીઓનો સ્વીકાર કરતા નહોતા. તત્કાલીન આગેવાનોના જ દૃષ્ટિ-સૂચનોથી તૈયાર થયેલાં આપણા બંધારણમાં એવો ભેદભાવ ક્યાં ય દેખાતો નથી. પરંતુ ગૃહમંત્રી અહીંયા ખૂબ સિફ્તપૂર્વક એવો સંદર્ભ લઈ આવ્યા જેમાં આ આગેવાનોએ હિન્દુ-શીખની વાત કરી છે.
આ જ મુલાકાતમાં ગૃહમંત્રીએ સરદારની કોઈ વાત ટાંકી નહીં, તેમનું કહેવું એવું હતું કે સરદારની વાત ટાંકીશ તો કોંગ્રેસ તે વાતનો અસ્વિકાર કરશે. પરંતુ જ્યારે ખરેખર તમે સરદાર શું માનતા હતા અને તેમણે હિંદુ ઉપરાંત અન્ય ધર્મોના લોકોનો કેવી રીતે સ્વીકાર કર્યો હતો તે જાણવું હોય તો તેમના જ ભાષણમાં તેનો જવાબ સ્પષ્ટ રીતે મળે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે આઝાદીના ચાર દિવસ પૂર્વે જ (તા. 11-08-1947) જે કહ્યું હતું, તેને હાલમાં ચર્ચાઈ રહેલાં નાગરિકતા કાયદા સાથે જોડીએ તો તે કાયદા અંગેની સ્પષ્ટતા થઈ જાય. આ કાયદાની જોગવાઈ ધર્મ આધારીત છે, જેને લઈને પૂરો હોબાળો છે. સરદારના તે ભાષણના અંશો. …

“દુનિયા આપણો તમાશો જુએ છે. … હવે આપણે ગમે તેટલું લડીશું તેથી એક પ્રજાની બે પ્રજા થવાની નથી. દેશના ટુકડા થયા છતાં પ્રજાના ટુકડા થવાના નથી. ટુકડા કોણ કરી શકે ? નદી અને પહાડના ટુકડા થઈ શકવાના છે ? મુસલમાનોનાં પણ મૂળ અહીં છે. અહીં જુમામસ્જિદ છે, તાજમહેલ છે, અલીગઢ યુનિવર્સિટી છે. એટલે આપણી સાથે એક થયા થયા વિના એમનો છૂટકો નથી.
આજે જે સરકાર બને છે તેમાં સાવધાની રાખવાની જરૂર છે. લશ્કરમાં જેટલાં મુસલમાનો હતા તે પેલી બાજુ ચાલ્યા ગયા છે અને હિંદુ આ તરફ આવ્યા છે. એવા લશ્કરમાં રાષ્ટ્રીયતા ક્યાંથી આવે? હિંદુ પટાવાળા, કારકુન સૌ આ તરફ આવી ગયા, મુસલમાન એ તરફ ચાલ્યા ગયા, પણ જ્યારે મુશ્કેલી પડશે ત્યારે એ પાછા આવવાના છે. આપણું રાજ્ય કોમી રાજ્ય નથી. દેશના ટુકડા થયા પછી પણ આપણો દેશ ઘણો મોટો છે. વસ્તી પણ ઘણી છે. ગયો વખત સ્વપ્નાની પેઠે ભૂલી જાઓ. પાકિસ્તાન ભૂલી જાઓ. હા, એક વાત છે. એમના તરફથી ઝઘડો કરવાની કોશિશ કરવામાં આવે તો પછી આપણા બદનમાં તાકાત હોવી જોઈએ, આપણામાં સંગઠન હોવું જોઈએ.
કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા માંડ્યા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી? જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતાં શીખો.
આજે હિંદુસ્તાનને એક કરવાનો મોકો છે. આજે લાહોરથી માંડીને પૂર્વ બંગાળનો થોડો ભાગ છોડીને બાકીના હિંદને એક કરવાનો મોકો એક હજાર વરસ પછી આવ્યો છે.
આપણને આઝાદી મળી છે. આપણે બરાબર કામ કરવું હોય તો દેશમાં શાંતિ જોઈએ. શાંતિ નહીં હોય, ખાવાનું નહીં હોય તો લોકો કહેશે અંગ્રેજની ગુલામી સારી હતી.
… અમે અહીં એવી રીતે નથી બેઠા કે ધક્કો મારે ને ખસી જઈએ. પરમ દિવસે જવાહરલાલજીએ કહ્યું તેમ અમારા કરતાં સારું કરી બતાવે તે ભલે આવે. અમે તેને સોંપવા તૈયાર છીએ.”
(‘સરદારના વલ્લભભાઈનાં ભાષણોમાં’માંથી)
![]()


સુગમ સંગીત અથવા કાવ્યસંગીતમાં શબ્દ અને સૂરની અભિવ્યક્તિ છે. ગુજરાતી સંગીતનો પોતાનો હૃદયોદ્વાર છે. તેમાં લોકપરંપરા તો છે જ, સાથે સંતવાણી, દુહા, ભજન, રાસ-ગરબા તથા અર્વાચીન-આધુનિક સુગમ સંગીત પણ ખરું. સામ ગાનથી લઈને હવેલી સંગીત, શાસ્ત્રીય સંગીત તેમ જ સુગમ સંગીતના ઉચ્ચ કોટિના કલાકારો ગુજરાતે અને મુંબઈએ આપ્યા છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ‘ગીત’ હજારથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય. ગુજરાતી ગીત-ગઝલોનું માધુર્ય આગવું છે, અનોખું છે.
કોઈ પણ લોકશાહી દેશમાં રાજકીય નિર્ણયની ત્રણ બાજુ હોય છે. એક નૈતિક, બીજી બંધારણીય અને ત્રીજી વ્યવહારુ. વર્તમાન સરકારે નાગરિક ધારામાં જે સુધારો કર્યો છે તેની નૈતિક બાજુ જવા દઈએ. જો કે ગાંધીજીએ તો કહ્યું હતું કે ગમે એટલું ઉદ્દાત સાધ્ય હોય પણ જો સાધન અશુદ્ધ હોય તો જે તે દહાડે તે અશુદ્ધ સાધનની પણ કિમંત ચૂકવવી પડતી હોય છે. આમ છતાં અત્યારે એ નૈતિક બાજુને કોરે મૂકીએ.