આજના સમયમાં લોકતંત્ર અને સ્વાતંત્ર્ય – આ બંને જોડિયાં મૂલ્ય છે. પણ લોકતંત્રનો ઉદય નહોતો થયો, ત્યારે પણ આ સ્વાતંત્ર્ય નામનું મૂલ્ય તો હતું જ. અભિવ્યક્ત થવાની અને મનગમતી રીતે જીવવાની સ્વતંત્રતાનો મહિમા હતો જ. એ માટે જ તો મીરાં મેવાડ છોડે છે અને જ્યાંનું મરણ સ્વર્ગ આપે છે એવું કાશી કબીર ત્યાગે છે. આ જ તો એ મૂલ્ય છે જેમને અનુસરી નરસિંહ છેવાડે જઈ અધ્યાત્મનો અજવાસ ફેલાવે છે અને નાગરોની નાતબહાર મુકાઈ ‘એવારે એ વારે અમે, તમે કહો છે તેવા રે …’ કહે છે. તુલસીદાસે પણ કહ્યું છેઃ ‘પરાધીન સપનેહુ સુખ નાહિ’. આ અભિવ્યક્તિ અને જીવવાની સ્વતંત્રતાને આધારે સૉક્રેટિસ અઢીહજાર વર્ષ પહેલાંના ગ્રીસમાં વૈચારિક આંદોલન જગવે છે, અને સ્થાપિત સત્તાનો ખોફ વહોરી મોત વહાલું કરે છે. આ જ તો એ મૂલ્ય છે, જેનો રાજસત્તાને સતત ભય સતાવે છે અને સૉક્રેટિસના જ શિષ્ય એવા પ્લેટોના સમયથી (અઢી હજાર વર્ષ પહેલાં) શાસક અને ફિલસૂફોની યુતિ આ મૂલ્ય ઉપર પાબંદી લગાવવાની પેરવી પણ શરૂ કરે છે.
ઉપર જણાવ્યા એ લોકોને સ્વાતંત્ર્ય માટે જેટલું વેઠવું પડે છે, એથી થોડું ઓછું આપણા સમયમાં જૉસેફ બ્રોડસ્કી, સલમાન રશદી, એડવર્ડ સઇદ, તસ્લિમા નસરીન આદિને વેઠવું પડે છે. લોકતંત્રનાં ઉદય પછી વ્યક્તિનાં સ્વાતંત્ર્યને એક સુરક્ષાકવચ મળ્યું છે. એ આપણને આપણી સ્પેસ છોડ્યા વિના અભિવ્યક્ત થવાનું અને જીવવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે. પણ આ સ્વાતંત્ર્યને જાળવી રાખવા આપણે સંઘર્ષ તો કરવો જ પડે છે. આજે પણ આપણી વચ્ચે એવાં વરવાં ઉદાહરણો તો મોજૂદ જ છે જેમાં વ્યક્તિએ પોતાના આ સ્વાતંત્ર્યનો સાહસભેર ઉપયોગ કર્યો હોય અને બદલામાં જીવ ગુમાવવો પડ્યો હોય. દાભોલકર, પાનસરે કે ગૌરી લંકેશ આનાં દૂઝતા ઘા જેવાં ઉદાહરણ છે. એમની પહેલાં પણ પંજાબી કવિ પાશ અને ગોરખ પાંડે આવે છે. ક્રાંતિકારી કવિ ગોરખની આત્મહત્યા આપણી લોકતાંત્રિક વ્યવસ્થા સામો કોયડો બની ઊભી છે. એક સંશોધન પ્રમાણે ૧૯૯૬થી ૨૦૧૮ સુધીમાં સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરનારા લગભગ ૫૪ લોકોની હત્યા કરાઈ છે અને એમાંના મોટાભાગના મુકદ્માઓનો હજુ કોઈ નિવેડો નથી આવ્યો. આ તો ચોપડે ચડેલી વિગત છે. પણ છતાં આજે લોકતંત્ર સ્વાતંત્ર્યનું સુરક્ષાકવચ બનવામાં કારગત નીવડ્યું છે. કોઈ પણ ભોગે કે કિંમતે આ સુરક્ષાકવચ કોઈને ય ન સોંપી શકાય. અને તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણા સાંપ્રત સત્તાકારણે લોકતંત્ર નામના આ સુરક્ષાકવચને ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ આદિ આદિ શસ્ત્રોના ઉપયોગથી ભેદ્યું છે, અને એને ભેદ્યા પછી એમનું આધિપત્ય આપણા સ્વાતંત્ર્યને પડકારી જ નથી રહ્યું પણ ધમકાવી રહ્યું છે. એમની ધમકીની અસર પણ ચારે તરફ જોવા મળી રહી છે, અચ્છા અચ્છા બુદ્ધિજીવીઓ-કલાકારો પણ કાં તો સત્તાકારણનાં શસ્ત્રોના પ્રભાવમાં વર્તી રહ્યા છે અથવા તો ડરીને મૂંગામંતર બની બેઠા છે. અને સત્તાકારણને વશ વર્તતો આ વર્ગ નાનોસૂનો નથી. મુક્તિબોધની ‘અંધેરેમેં’ કવિતાના ભયાવહ સરઘસ જેવો છે :
उनमें कई प्रकाण्ड आलोचक, विचारक जगमगाते कवि-गण
मंत्री भी, उद्योगपति और विद्वान
यहाँ तक कि शहर का हत्यारा कुख्यात
डोमाची उस्ताद
बनता है बलवान
यहाँ ये दिखते हैं भूत-पिशाच-काय ।
भीतर का राक्षसी स्वार्थ अब
साफ उभर आया है,
छिपे हुए उद्देश्य
यहाँ निखर आये हैं,
यह शोभायात्रा है किसी मृत-दल की ।
મેં આગળ લોકશાહીને ભેદવાની પ્રવૃત્તિ સત્તાકારણ કરે છે એમ કહ્યું. રાજનીતિના બે છેડા છે, એક છેડો દિલ્લી-ગાંધીનગર બાજુ ચાલતા સત્તાકારણ તરફ જાય છે, તો બીજો પ્રજાકારણનાં એ વિસ્તારોમાં નીકળે છે જ્યાં આઝાદીના આઠ આઠ દાયકા પછી પણ સામાજિક ન્યાયનો નાનો સરખો દીવડો ય નથી પ્રકટ્યો. સત્તાકારણના છેડામાં ચુંબકીય તાકાત હોય છે. એ છેડે ઘણા બૈાદ્ધિકો-કવિઓ વિદ્વાનો કાર્યરત છે, એમની સંખ્યા સરહદે રહેલા સૈન્ય કરતાં ય મોટી હોય છે, અલબત એ દેખાતી નથી પણ એનો પ્રભાવ અને એનાં પરિણામો આપણને સતત દેખાય છે. પ્રજા સમસ્તને સત્તાકારણને અનુકૂળ એવા આચાર-વિચારમાં ડૂબાડી રાખવાનું, એ રસ્તે દોરવાનું, એની જરૂર પ્રમાણે જગાડવા-ઉંઘાડવાનું કલા-કર્તવ્ય એમનાં શિરે છે. સત્તાકારણને ટકાવે એવી ઔષધિ તેઓ ગળચટ્ટી અને નશીલી બનાવીને પ્રજાને પિરસે છે.
ગયા અંકમાં આપણે અરુણ શૌરિ સાહેબનો લેખ વાંચી ગયા, જેમાં એમણે પોતાનાં જીવનની બે મોટી ભૂલ કબૂલી; પહેલી મંડલ-કમંડલ પૂર્વે વી.પી. સિંહને વડાપ્રધાન બનવામાં મદદગાર થવાની; બીજી, નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે ચિત્રિત કરવાની. આપણે માની લઈએ કે આ એમનો શુદ્ધ પશ્ચાત્તાપ છે, સત્તાકારણે હાંસિયામાં ધકેલી દીધેલા પદપિપાસુ વ્યક્તિનો પ્રલાપ નથી. આપણે ત્યાં આવા અનેક ‘પદમસી’ છે, બાકીના ઢગલો હાથ જોડી ‘પદમસી’ થવાની લાઈનમાં ઊભા છે. પ્રજાકારણનો છેડો પણ સૂનકારમાં નથી ડૂબ્યો. ત્યાં પણ બૈાદ્ધિકો-કવિઓ વિદ્વાનો છે. હા, સંખ્યા ઓછી છે, વળી સત્તાકારણનું ચુંબક ક્યારે કોને અરુણ શૌરીની જેમ ખેંચી જાય એનું કાંઈ નક્કી નથી હોતું. અહીંનું કલા કર્તવ્ય જરા જુદું છે. અહીં રહેલાઓને શિરે પ્રજા સમસ્ત પર સત્તાકારણે કરેલાં સંમોહનને તોડવાની અને સત્તાકારણનો અસલ ચહેરો સામે લાવવાની જવાબદારી છે. અહીં રહેલાઓએ ભૂખ્યાં પેટ અને મૂગા આત્માઓનો અવાજ બનવાનું હોય છે.
લોકતંત્ર અને સ્વાતંત્ર્ય વિશેની બંનેની સમજણ પોતાપોતાનાં સ્થાન-કામ પ્રમાણે ઘડાયેલી છે. પ્રજાકારણના છેડે ઊભેલા માટે લોકતંત્ર અને સ્વાતંત્ર્ય એમને અને પ્રજાને સત્તાની અસીમિત શક્તિ સામે રક્ષણ આપતાં ઓજાર છે. આ જ લોકતંત્ર અને સ્વાતંત્ર્ય સત્તાકારણ સાથે સંકળાયેલા લોકો માટે ભિન્ન અર્થ ધરાવે છે. એમના માટે લોકતંત્ર કેવળ સત્તા પ્રપ્તિનું ઓજાર છે. અને સ્વાતંત્ર્ય નાહકની તકરાર! આપણને સહુને યાદ છે કે ગૌરી લંકેશ અને દાભોલકરની હત્યા કરવામાં આવી ત્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હત્યા થઈ રહી છે એવો સ્વર પ્રજાકારણના છેડેથી સ્ફૂર્યો હતો અને એના જવાબમાં સત્તાકારણના ઉકરડેથી ઘોંઘાટ ઉઠ્યો હતો કે ‘તેઓ ધર્મભાવના વિરૂદ્ધ કે બહુમતીની લાગણી દુભાય એવું ન બોલ્યા હોત તો ન હણાયા હોત …..’ સરકારો સ્થાપતા-ઉખાડતા લોકતંત્ર અને બંધારણે આપેલા સ્વાત્ર્યના યુગમાં આવાં વલણ કેમ ફૂલે-ફાલે? સત્તાકારણનાં બળે જ. આ બળ જે ઘોંઘાટ જન્માવે છે તેનું કામ લોકતંત્ર અને સ્વાતંત્ર્યના અવાજને ઠેકાણે પાડવાનું છે. આ ઘોંઘાટ અને અવાજ વચ્ચે યુદ્ધ ચાલતું રહે છે. આ ઘોંઘાટ સામે લડનારા એકલવાયા અવાજોને આપણે ઓળખવા જોઈએ. આપણે આ ઘોંઘાટ અને અવાજનો તફાવત જાણવો જોઈએ. મુક્તિબોધનું કવિ-કર્તવ્ય આનું ઉદાહરણ પૂરું પાડે છે. ‘અંધેરમેં’ કવિતામાં મુક્તિબોધ સત્તાકારણના આવાં કાર્યકલાપને વર્ણવતા કહે છે :
गहन मृतात्माएँ इसी नगर की
हर रात जूलूस में चलतीं,
परंतु दिन में
बैठती हैं मिलकर करती हुई षड्यंत्र
विभिन्न दफ्तरों-कार्यालयों, केन्द्रों में, घरों में ।
हाय, हाय ! मैंने उन्हें दैख लिया नंगा,
इसकी मुज्ञे और सजा मिलेगी ।
આ ચૂંટણીના માહોલમાં જે મુદ્દાઓ તારસ્વરે ઉછાળવામાં આવી રહ્યા છે, એમાંના એક પણ મુદ્દાને લોકતંત્ર સાથે ભાગ્યે જ કોઈ લેવાદેવા છે. બે હજાર ચૌદની ચૂંટણીમાં જો ભૂત પેદા થયાં છે તો ત્યાર પછી એને ભગાડવા જાણે પલિત પેદા કરવામાં આવ્યા છે. જાતિગત આધારે ભીડ ભેગી કરી, સાર્વજનિક મિલકતો અને મૂલ્યોને નુકસાન પહોંચાડી, લોકતંત્રને ભીડ-તંત્રમાં બદલી રાજકીય મંચ પર પદાર્પણ કરનારા ગુજરાતના બે યુવાનેતા એનું ઉદાહરણ છે. આ બંનેનેે પોતપોતાના પક્ષે કરવા માટે મુખ્ય રાજકીય પક્ષોમાં જાણે હોડ મચી છે. ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ … આ બધાથી પ્રજામાં વિભાજનો ઊભાં થાય છે, અને આવાં વિભાજનો લોકતંત્રને દુબળી ગાય જેવું બનાવી દે છે.
લોકતંત્ર તો એ પદ્ધતિપૂર્ણ પર્વ છે જેમાં આ બધાથી હટીને પ્રજા નિષ્પક્ષતાથી, સહુને સમાન ગણી, પ્રજા સમસ્તનાં હિત માટે કામ કરતી સરકાર ચૂટે અને ચૂટાયા પછી એ સરકાર જે હેતુ માટે ચૂટાઈ છે તે હેતુ માટે જ કામ કરે. પણ આમ બને છે ખરું? બોલો આમ બને છે ખરું? હું પૂછું છું આમ બને છે ખરું? સામે જન-સભામાંથી ‘હા’ અથવા ‘ના’-નો જે ગગનભેદી સ્વર સંભળાવો જોઈએ તે આપણને એટલે નથી સંભળાતો કેમ કે સભા મંત્ર-મુગ્ધ છે. અને એ ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ જેવા તદ્દન લોકતંત્ર વિરોધી મુદ્દાઓથી મંત્ર-મુગ્ધ છે. અને પ્રજાને અર્ધ બેભાન બનાવી રાખવાનાં સત્તાકારણમાં મુક્તિબોધ કહે છે એમ …. उनमें कई प्रकाण्ड आलोचक, विचारक जगमगाते कवि-गण मंत्री भी, उद्योगपति और विद्वान ઘણા સામેલ છે. આ બેશરમી જાહેરમાં કપડાં બદલવા જેવી હોય છે. અને આ પ્રવૃત્તિને પણ તેઓ પેલા લોકતંત્ર વિરોધી મુદ્દાઓથી ઢાંકે છે અથવા તો મૂલ્ય-હ્રાસ તરફ આંખ-મિચામણાં કરે છે. દાખલા આપવાની જરૂર નથી છતાં આપું છું; આપણા હાલનાં અકાદમીના સરકારનિમ્યા પ્રમુખે કટોકટી દરમિયાન સંસ્થાઓની સ્વાયત્તતા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખાતર જેલવાસ વેઠેલો, પણ હવે જ્યારે પોતાના જ પક્ષ દ્વારા અકાદમીની સ્વાયત્તતા અને લોકતંત્રનો છેદ ઉડાડી પ્રમુખ બન્યા છે, તો જ્યાં ઔચિત્ય ન હોય ત્યાં પણ બોલ્યા કરે છે, ‘સ્વાયત્તતા અકારણ વિવાદનો મુદ્દો છે.’
આવી જ સ્થિતિ અમારા એક અભ્યાસુ પ્રોફેસર મિત્રની છે; તેમની બિન સાંપ્રદાયિકતા માટેની આક્રમક નિસબત આંખ-માથા પર. પણ એમના એક શ્રદ્ધેયનાં અનેક ધાર્મિક અસહિષ્ણુતાભર્યા લખાણોની વાત આવે તો આંખ મિચામણા કરતા કહે : ‘એમ, મેં એ નથી વાચ્યું.’ ત્રીજા એક સર્જક સ્વાયત્તતા અને લોકતંત્ર જેવાં મૂલ્યના મુદ્દે તદ્દન મૌલિક અભિપ્રાય ફેલાવે છે; ‘અકાદમીના મુદ્દે હું ફલાણાભાઈની સામે છું અને પરિષદના મુદ્દે હું ફલાણાભાઈની સાથે છું!’ ભાઈ મારા, અકાદમી હોય કે પરિષદ, મુદ્દો લોકતંત્ર અને સ્વાયત્તતા જેવાં મૂલ્યનો છે. એમાં ફલાણાભાઈ ક્યાં આડે આવ્યા? આ સત્તાકારણ અને પ્રજાકારણની લડાઈમાં આવા ફલાણાભાઈઓની ભરમાર પણ કાંઈ ઓછી નથી. જેમ ચક્રવાત ધૂળનું શક્તિશાળી વર્તુળ લઈને ચાલે એમ આ ફલાણાભાઈઓ ચાલતા હોય છે ધૂળ ઉછાળતા; ક્યારેક આ પા’ તો ક્યારેક પેલી પા’.
એમનાં આ કાર્યકલાપ ઉપર પાછા ‘ખદ્યોત’ સતત પોતાનો પ્રકાશ પાથરતા હોય છે. એમની ધૂળ ક્યારેક અકાદમીમાં તો ક્યારેક પરિષદમાં તો વળી ક્યારેક ચંદ્રકોમાં ચમકતી હોય છે ઠાઠથી. આ ફલાણાભાઈઓ અને એમની ‘ધૂળ’ કે એમના ‘ખદ્યોત’ વ્યક્તિનિષ્ઠ લોકતંત્રની આડ પેદાશ છે જેણે નાનામાં નાની સંસ્થાથી માંડીને દેશની સંસદ સુધી મૂલ્યનિષ્ઠ લોકતંત્ર પાંગરવા જ નથી દીધું. પ્રજાકારણમાં ભળીને સત્તાકારણનાં હિતોની ચિંતા કરવી અને લડાઈ અંતિમ તબક્કે હોય ત્યારે પોતાની ‘રાજ-લીલા’ સત્તા પક્ષે સંકેલી લેવી એ જ ફલાણાભાઈઓનું અવતાર-કૃત્ય હોય છે. એમના માટે પોતાનું હિત, પોતાની ધૂળનું હિત – જૂથનું હિત, જાતિનું હિત આ બધું મહત્ત્વપૂર્ણ હોય છે. આવા અનેક ફલાણાભાઈઓ પોતપોતાનાં ‘ધૂળ-વલયો’ સાથે આ લોકતંત્રની ખાનાખરાબી કરતા ફર્યા કરે છે. આ સ્થિતિમાં લોકતંત્ર, સ્વાતંત્ર્ય કે સ્વાયત્તતાનાં આંદોલનોનો ક્યાં મેળ પડે? મુક્તિબોધ આ સ્થિતિને સ્પષ્ટ કરતા કહે છે :
उदरम्भरि बन अनात्म बन गये,
भूतों की शादी में कनात-से तन गये,
किसी व्यभिचारी के बन गये बिस्तर,
લોકતંત્ર, સ્વાતંત્ર્ય કે સ્વાયત્તતાની બાબતે આપણે આ હદે પક્ષનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ ન બની શકીએ. અને જો બનીએ તો આપણે લોકતંત્ર જેવા સ્વાતંત્ર્યનાં કવચ-કુંડળ ગુમાવીને નાનાં નાનાં પદ-પ્રતિષ્ઠા કે પુરસ્કાર રળી આપતી એક રૂપાળી ગુલામી સ્વીકારી જ નથી રહ્યા પણ એ રૂપાળી ગમતીલી ગુલામીનો મહિમા પણ કરી રહ્યા છીએ. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે લોકતંત્ર અને સ્વાતંત્ર્ય બંને તો એળે જાય જ છે, પણ સાથોસાથ જેને આપણે સ્વતંત્ર ભારત કહીએ છીએ એ પણ પ્રજા સમસ્તનું સ્વતંત્ર રાષ્ટ્ર મટી જાણે મુઠ્ઠીભર બળીયાઓની જાગીર બની જાય છે. આ લોકતંત્ર, સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રને જાળવવાની આપણી જવાબદારીને મુક્તિબોધે આ રીતે આપણી સામે મૂકી છે :
एकाएक उठ पडा आत्मा का पिंजर
मूर्ति की ठठरी ।
नाक पर चश्मा, हाथ में डण्डा,
कन्धे पर बोरा बाँह में बच्चा ।
आश्चर्य !! अद्दभुत ! यह शिशु कैसे !!
मुसकरा उस द्दयुति-पुरुष ने कहा तब …
“मेरे पास चुपचाप सोया हुआ यह था ।
सँभालना उसको, सुरक्षित रखना”
(સંદર્ભઃ મુક્તિબોધ, ‘અંધેરે મેં’ કવિતાની પંક્તિઓ)
તારીખઃ ૦૯-૦૪-૨૦૧૯
E-mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 13, 14 તેમ જ 08
![]()


ચૂંટણીપંચે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટેના મતદારોના આંકડા વયજૂથ પ્રમાણે જાહેર કર્યા અને રાજકીય પક્ષો ગણતરી કરવા માંડ્યા કે પ્રથમ વાર મતદાતા બનનાર યુવકો કોને મત આપશે. આંકડાની ગણતરીમાં માહિર રાજકારણીઓને એ દેખાયું જ નહીં કે ગુજરાતની ઊગતી પેઢીમાં છોકરીઓની સંખ્યા ચિંતાજનક અને શરમજનક રીતે કેમ ઘટી ગઈ. અમદાવાદથી પ્રકાશિત અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તેના પ્રથમ પાને તારીખ ૦૫/૦૪/૨૦૧૯ના દિવસે વિશ્લેષણ રજૂ કર્યું, “Gujrat’s social malaise reflects in electoral rolls !” મતદાતાઓના વયજૂથ પ્રમાણેના વર્ગીકરણને દર્શાવી એ સાબિત થયું કે ગુજરાતના ૧૮થી ૧૯ વર્ષના મતદારોમાં પ્રતિ હજાર છોકરાઓએ માત્ર ૫૭૬ છોકરીઓ જ છે. સાચે જ જે છેલ્લા સાત દાયકામાં ના થયું એ આજે થયું. અને એ પણ સ્પષ્ટ થયું કે જેઓ સાત દાયકાપૂર્વે જન્મ્યા હતા, તેવા મતદારોમાં આ પ્રમાણ ૯૯૧ છે.આ તે કેવો સામાજિક વિકાસ! કુલ ૨૬ લોકસભા બેઠકોમાં ૧૮ વર્ષથી વધુ વયના મતદારોમાં ૧૭,૩૧,૫૪૮ મહિલા મતદારોની ઘટ નોંધાઈ અર્થાત્ એટલી મહિલાઓ રાજ્યમાંથી અદૃશ્ય થઈ ગઈ! આ જ છે ગુજરાતનું વિકાસ મૉડેલ ?
અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશન આગામી દિવસોમાં શહેરને હરિયાળું બનાવવા માટેના ઉપક્રમો હાથ ધરવાની છે, એવા સમાચાર તાજેતરમાં આવ્યા છે. તેમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ ઉપરાંત ઝાડ વાવવાં અને ઉછેરવાં અંગેના નિયમોના અમલીકરણની પણ વાત છે. કૉર્પોરેશને તેના તમામ પ્રયત્નો દરમિયાન એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અમદાવાદના લોકોના એક મોટા હિસ્સાને વૃક્ષો માટે બહુ અણગમો છે. આ અણગમાનું માટેનું એક કારણ ઝાડનાં પાંદડાંથી ‘કચરો’ થાય એવી વાહિયાત માન્યતા છે.