અગાઉને મુકાબલે સવિશેષ સભાનતાપૂર્વક ઉજવાયેલ બંધારણ દિવસ(છવ્વીસ નવેમ્બર)ની પિછવાઈ પર રાષ્ટ્રનું રાજકીય ચિત્ર આ ગાળામાં કેવુંક દીસે છે, વારુ?
જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી શકીએ, કદાચ : કૉંગ્રેસ-નેશનલ કૉન્ફરન્સ-પી.ડી.પી. સરકાર રચવા એકત્ર આવ્યાં અને રાજ્યપાલ સત્યપાલ મલિકે સહસા વિધાનસભા જ વિસર્જિત કરી નાખી! થયું, એ નવી દિલ્હીના ઇશારે ચાલ્યા હશે. પણ, પછીના ગાળામાં રાજ્યપાલે કહેતાં જે સમજાયું તે એ કે ભા.જ.પ. સજ્જાદ લોનને આગળ ધરીને સરકાર રચવા માગતો હતો. લોને શપથ લીધા બાદ વિશ્વાસમત માટે છ દિવસ માગવાની જિકર કરી ત્યારે રાજ્યપાલને ‘હૉર્સ ટ્રેડિંગ’ની શક્યતા જણાતાં એમણે વિસર્જનનો રાહ ગનીમત લેખ્યો. સામાન્યપણે બોમ્માઈ ચુકાદા પ્રમાણે જે તે નિર્ણય ગૃહમાં લેવાવો જોઈએ એ જો સમજી શકાય એવું વલણ છે તો રાજ્યપાલને પક્ષે પણ એક લૉજિક છે.
સારામાં સારું બંધારણ અંતે તો એનો અમલ કરનારા જેટલું જ સારું હોઈ શકે છે, એ ધ્રુવવાક્ય યાદ કરીએ તો સમજાઈ રહેશે કે અંતે તો રાજકીય જીવનમાં બંધારણીય નૈતિકતાની એક વ્યવહારમૂલ્ય તરીકે કેવીક પ્રતિષ્ઠા છે એ એક નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષ બેઉને આ અવલોકન લાગુ પડે છે, પણ સવિશેષ દાયિત્વ (અને ઉત્તરદાયિત્વ) અલબત્ત સત્તાપક્ષનું બની રહે છે.
ભા.જ.પ.ની શીર્ષ બેલડી એક પ્રકારે વિજીગીષુ વૃત્તિ(ખરું જોતાં ‘કિલર ઇન્સ્ટિંક્ટ’)થી પેશ આવી રહી છે, તે આ સંદર્ભમાં સૂચક બલકે ચિંતાપ્રેરક છે. અયોધ્યા મુદ્દે તત્કાળ ચુકાદાનું સંઘ પરિવારનું કોરસગાન તમે જુઓ અને સમજાઈ રહેશે કે ઇંદિરા ગાંધીના વારામાં ‘કમિટેડ જ્યુડિશ્યરી’નો જે દોર આપણે જોયો એ પ્રકારનો એક દાબ નવેસરથી ઊભો કરાઈ રહ્યો છે.
જોવાનું એ છે કે આ દાબ વાસ્તે પરિવારે પસંદ કરેલો મુદ્દો કોમી ધ્રુવીકરણની રાજનીતિ માટે ખાસી ગુંજાશ ધરાવે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના સત્તાવિશ્લેષનો બંધારણીય અભિગમ સુચિંતિત છે એ લક્ષમાં રાખીએ તો તરત સમજાશે કે આ કિસ્સો એક બહુમતવાદી (મેજોરિટેરિયન) સરકારને પક્ષે ન્યાયતંત્રને દાબમાં રાખવાની કોશિશનો અને એ રીતે સત્તાવિશ્લેષના લોકશાહી અભિગમને હતો ન હતો કરવાનો છે.
૨૦૧૮ ઉતરતે કોમી ધ્રુવીકરણની એની તાકીદ પણ સાફ છે, કેમ કે પાંચ વરસ પૂરાં થતે વિકાસની ગાયકી વાસ્તે કંઠ્ય અને વાદ્ય કોઈ નોંધપાત્ર સામગ્રી શોધી જડતી નથી. દેશભરમાં જે કિસાન પ્રક્ષોભ છે તે જો એનું એક ઉદાહરણ છે તો નોટબંધી નજરબંધી સમેતની અર્થપ્રકરણી ચમત્કૃતિઓનું સરવૈયું ખાલી ખાલી ખખડાટનો ભાવ જગવે છે તે એનું બીજું ઉદાહરણ છે. નીતિ વિષયક ગડ કઈ હદે નથી બેસતી એનો તરત સામે આવતો એક દાખલો મધ્યપ્રદેશનો છે. શિવરાજસિંહ ચૌહાણના શાસનકાળમાં કૃષિઉતાર ખાસો એટલે કે ખાસો વધ્યો (લગભગ બેવડાયો) તેમ છતાં કિસાન અજંપો વધતો માલૂમ પડે છે. દેશની આગલી કે ચાલુ સરકારો લોનમાફી જાહેર કરતી રહી છે, પણ એનો લાભ વાસ્તવિક ખેડૂત લગી લગભગ પહોંચતો જ નથી. પી. સાઈનાથની તરતપાસ સમેતની ટિપ્પણી મુજબ આ ગોટાળો રાફેલથી ક્યાં ય ચડી જાય એવો છે.
મધ્યપ્રદેશની જિકર કરી તે સાથે એક બીજો મુદ્દો પણ સત્તાપક્ષનાં શીલ અને શૈલી સબબ સામો આવે છે. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બંને ભા.જ.પી. મુખ્યમંત્રીઓ લાગટ ત્રણ મુદતથી સત્તારૂઢ છે. ક્યારેક જ્યોતિ બસુ કે માણિક સરકાર જેવાઓનો જે વિક્રમ ગણાતો હતો તે પછી શિવરાજસિંહ અને રમણસિંહ પણ, જો આ ચોથી મુદત હાંસલ કરે તો એમની પ્રતિભા ઓર ઉંચકાશે. અત્યારે ભા.જ.પ. જે રીતે સત્તાના શીર્ષ કેન્દ્રીકરણની તરજ પર ચાલતો જણાય છે એ જોતાં રાજ્ય સ્તરે ઉંચકાતી પ્રતિભાઓને તે જીરવી શકશે કે કેમ એ જોવું રહેશે. દરમિયાન, અત્યારે તો પોતાના ત્રણ મુદતના કાર્યકલાપને જોરે લડી રહેલા આ મુખ્યમંત્રીઓ છતાં, રાષ્ટ્રીય સ્તરે તો કોમી ધ્રુવીકરણનો તરણોપાય તકાજો સાફ દેખાય છે.
કૉંગ્રેસને કે બીજા પક્ષોને કોમી વણછો નથી લાગ્યો એમ તો કોણ કહેશે? શીખ સંહારસત્ર માંડ હમણે સજાપાત્ર વરતાવા લાગ્યો છે એ તરતનું ઉદાહરણ છે. (ગુજરાતના ૨૦૦૨ના ઘટનાક્રમમાં એને મુકાબલે સજાઓનો દોર ખાસો છે એને જરૂર ગુજરાત મોડેલની એક ઉપલબ્ધિ ગણી શકાય. માત્ર, એનો યશ ગુજરાતના નઠારા નાગરિક કર્મશીલોને ખતવવો રહે.) પણ બીજા પક્ષો અને ભા.જ.પ. વચ્ચે એક પાયાનો ફરક એ છે કે પરસ્પર સ્પર્ધી કોમવાદી ફિરાકમાં મોટાભાગના, રિપીટ, મોટાભાગના પક્ષો માલૂમ પડે છે; પરંતુ, કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનું ગૌરવ એ ભા.જ.પ.ની ગતિ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં શું બન્યું? કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સામાન્યપણે ચિત્રમાં રહેતાં એને સ્થાને તાજેતરનાં વરસોમાં ભા.જ.પ. અને પી.ડી.પી. ઠીક ઠીક તુલ્યબળ ઉભર્યાં. જમ્મુ-કાશ્મીરમાં પૂર્વે કદાપિ નહીં એ હદે કોમી ધ્રુવીકૃત ચુકાદો આવ્યો અને ભા.જ.પ.-પી.ડી.પી. સરકાર બની. ઉમેદ હતી કે બંને જરી ગોળવાશે અને ભારતની બંધારણીય મર્યાદાને છાજતી રીતે ગાઠવાશે. પણ ભા.જ.પે. કાશ્મીરમાં જે મુદ્રા અંગીકાર કરી અને દેશના બીજા ભા.જ.પ. એકમો તેમ જ સંઘ પરિવારની સંસ્થાઓનું જે ગાણું ચાલતું રહ્યું એ બંને પરસ્પરવિરોધી હતાં એનું શું. કાશ્મીરમાં સત્તા માટે ગોળવાવું અને બાકી દેશમાં વિકાસ આડે કોમી અણિયાળાપણું, આ બે સાથે કેવી રીતે જઈ શકે?
પી.ડી.પી., નૅશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ દરેકને તપાસી શકાય; પણ આ ક્ષણે જે મુદ્દો છે તે દેશના વડા સત્તાપક્ષના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો છે. એક પા કરતારપુરનું ખૂલવું અને બીજી પા મુંબઈ ઘટનાની દસવરસીએ પાકિસ્તાનનું વાસ્તવ સામે આવવું, આ બેની વચ્ચે વિવેકપૂર્વક તંગ દોર પરની શુચિર્દક્ષ નટચાલ સ્વાભાવિક જ સરળ નથી. માત્ર, મૂળભૂત વિચારધારાવાદને ધોરણસર નમનીય કરવાની દક્ષતા હોય અને કોમી રોકડીથી પરહેજ કરવાનો વિવેક હોય તો એ દુઃસાધ્ય છતાં અસાધ્ય નથી. બંધારણ દિવસની પિછવાઈ પર, જેમણે ભરભાગલે કોમી રાજ્યવિભાવનાથી છેટા રહેવું પસંદ કર્યું એ મહાન સ્વરાજનિર્માતાઓ પરત્વે કૃતજ્ઞાપૂર્વક આ બે’ક વાતો, ચાલુ અને આગામી પડકારોને અનુલક્ષીને.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 03
![]()


દેશમાં ‘વિકાસ’ કરવાનો ભા.જ.પ.ને, વિશેષ કરીને વડાપ્રધાન મોદીને ઇજારો આપવામાં આવ્યો હોય તે રીતે ભા.જ.પ.ના નેતાઓ વિકાસની વાતો કરે છે. વિકાસનો અર્થ સ્પષ્ટ નહીં કરવાની તેઓ કાળજી રાખે છે. તે જ રીતે કોનો વિકાસ એ પ્રશ્નને પણ તેઓ અનુત્તર રાખે છે. ઉદ્દેશોની બાબતમાં અસ્પષ્ટતા રાખવી તે રાજકીય કુનેહમાં ખપે છે. આમ, અપ્રામાણિકતાને કુનેહનો ઢોળ ચડાવવામાં આવતો હોવાથી તે ગૌરવવંતી બને છે. પણ જેઓને રાજકારણની અપ્રામાણિકતા અને ધૂર્તતામાં રસ નથી, તેમણે વિકાસનાં વિવિધ પાસાંની ચર્ચા કરવા જેવી છે.
આવી એક અનોખી સ્ત્રી વિષે જરા વિગતે વાત: ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઇ ત્યારે એ અંગેના કાયદામાં બધે જ વિદ્યાર્થી માટે ‘હી’નો પ્રયોગ થયો હતો. એટલે કોઈ પણ સ્ત્રી મેટ્રિકની પરીક્ષા ય આપી શકતી નહોતી. (એ વખતે મેટ્રિકની પરીક્ષા યુનિવર્સિટી લેતી હતી.) ૧૮૭૫માં બેળગાંવના પોસ્ટ માસ્તરે યુનિવર્સિટીને પત્ર લખી પૂછાવ્યું કે મારી દીકરી ફીરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? જવાબ મળ્યો: ના. કારણ? કારણ પેલો કાયદામાં વપરાયેલો ‘હી’. પોસ્ટ માસ્તરે અને તેની દીકરીએ વાત પડતી મૂકી. પણ યુનિવર્સિટીની સિન્ડિકેટના કેટલાક સભ્યો જ આ વાતથી નાખુશ હતા. તેમણે આઠ વર્ષ સુધી કાયદામાં ફેરફાર કરાવવા માટે પ્રયત્નો કર્યા. છેવટે કાયદામાં એક નવી કલમ ઉમેરવામાં આવી: ‘જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે.’ જાણે આવી તકની રાહ જોઇને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ તરત જ પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું. ડિસેમ્બર ૧૮૮૭ની બી.એ.ની પરીક્ષા તેણે પહેલા વર્ગમાં પાસ કરી અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. યુનિવર્સિટી ઓફ બોમ્બેની જ નહિ, આખા પશ્ચિમ ભારતની તે પહેલી ગ્રેજ્યુએટ સ્ત્રી. કોર્નેલિયા સોરાબજી. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.