તું જ નીકળી’તી
ઝંડો લઈને
સાત વરસની છોકરીઓ સાથે
સવાર સવારમાં
ગુજરાતની શેરીઓમાં
આઝાદીનાં ગીતો ગાતી
એમ માનીને કે
તું શરમાવશે અંગ્રેજોને
એ સૌ ચાલ્યા જશે
ગયાં, પાંચ વરસ પછી, એ ગયાં
તું હસેલી હળવું
મકબૂલ ફીદા હુસેને બનાવેલાં
હિંદુ દેવીઓનાં નગ્ન રેખાચિત્રો જોઈને.
અને હસેલી ખડખડાટ
જ્યારે મેં કહેલું કે
એ લોકો ભસ્મ કરવા માગે છે
એ રેખાચિત્રો
“આપણાં જૂનાં શિલ્પો જોયા છે
એ લોકોએ ?
આનાથી કંઈક ચડે એવા છે.”
તેં કહેલું.
તારો અવાજ તરડાયેલો હતો
ડિસેમ્બર ૬ ૧૯૯૨
તેં મને સિંગાપોરની
મારી ઓફિસમાં ફોન કરેલો
જ્યારે એમણે બાપુને ફરી એકવાર માર્યા.”
ખરેખર મારેલા.
“આવું તે કરાય કોઈ દિવસ ?”
તેં પૂછેલું
હેબતાઈ ગયેલી તું
ટેલિવિઝન સામે તાકતી
અવાક
હિંદુઓનાં ટોળેટોળાં
ઘર-ઘર ફરી વળતાં
શોધતાં રહેંસી નાખવા
મુસલમાનોને
ગોધરાની ટૃેનના એ ડબ્બામાં
બળી ગયા
૫૮ હિંદુઓ
ફેબ્રુઆરી ૨૦૦૨ પછી.
તું સાચી હતી
દર વખત.
મારું લખ્યું બધું વાંચ્યા પછી
હવે કોઈ લોકો ફરિયાદ કરે છે
કહે છે
મને ગતાગમ નથી
પરદેશ રહ્યો છું
હું શું જાણું ઇન્ડિયા વિશે ?
પણ
હું તને જાણું છું
એટલું બસ છે
અને એટલે જ તો
હું આવો પાક્યો છું !
![]()


ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી જ એક સાહિત્યકાર ગાંધી પણ હતા, એ હકીકત તેમના સત્ય-અહિંસાના મસીહા હોવાપણા પાછળ કદાચ ઢંકાઈ ગઈ છે.
‘હિન્દ સ્વરાજ’ની લેખન પદ્ધતિ સાવ નિરાળી. દુનિયા ભરના સાહિત્યમાં ગુરુ-શિષ્ય સંવાદો મળી આવે, પણ આ રીતે વાચક અને અધિપતિ વચ્ચેની પ્રશ્નોત્તરી દ્વારા સ્વરાજ જેવી વિભાવનાને રજૂ કરવાનો આ પ્રથમ અને કદાચ એક માત્ર પ્રયોગ કોઈ પણ ભાષાના સાહિત્યના ઇતિહાસમાં નોંધાયો હશે. પ્રશ્ન પૂછનાર વાચક ધારદાર શબ્દોમાં પ્રશ્નો પૂછે છે અને અધિપતિ સ્પષ્ટ શબ્દોમાં છતાં કયારેક પ્રસ્થાપિત વિચારો અને માન્યતાઓ પર પ્રહાર કરતા ઉત્તરો આપે છે. અહીં બન્ને પક્ષે નિર્ભયતાનો અહેસાસ થાય છે. અગાઉ કહ્યું તેમ ગાંધી કર્મના માણસ. એટલે પોતાની મોજ ખાતર આ પુસ્તક નહોતું લખ્યું. વિલાયતના ચાર માસના રહેવાસ દરમ્યાન હિંદીઓ અને અંગ્રેજો સાથેના વિચાર વિમર્શ પછી તેમના જ શબ્દો ટાંકુ તો “જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું”. અને સાચ્ચે એટલું જ લખ્યું. વળી, પોતાના વિચારો ભારત અને દક્ષિણ આફ્રિકાના ભારતીયો સમક્ષ રજૂ કરવા એ પોતાની ફરજ છે તેથી લખ્યું છે; અને આથી જ તો ‘હિન્દ સ્વરાજ’ના 20 પ્રકરણોની ભાષા ક્યારેક થોડી અનૌપચારિક, તો ક્યારેક વાચક અને અધિપતિ પરસ્પરને પડકાર ફેંકતી કે દલીલ કરતી અનુભવાય છે. ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીના બધા સિદ્ધાંતો ઉજાગર થયા છે જેમ કે સાધન શુદ્ધિના ખ્યાલો, અધિકાર અને ફરજો વચ્ચનો સંબંધ અને અલગ અલગ કોમ વચ્ચેના સંબંધો. તદુપરાંત ઇતિહાસનું સમાજમાં સ્થાન, નાગરિકતા, દેશભક્તિ, શિક્ષણ અને ટેક્નોલોજી વિષે પણ ઘણી ઊંડી ચર્ચાઓ જોવા મળે છે. આ મુદ્દાઓ આજે પણ દુનિયાભરમાં ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવે છે અને એટલે જ તો કદાચ ‘હિન્દ સ્વરાજ’ કાલાતીત ગણાયું છે. તેથી જ એ પુસ્તકને અંતે ગાંધીજીએ સવાલ પૂછ્યો તે આજે પણ મનન કરવા યોગ્ય છે. “ભારત કેવી રીતે મુક્ત થશે?” “હિંદને વિદેશી સલ્તનતથી અને પ્રજાને પોતાની રાજકીય તેમ જ સામાજિક ત્રુટિઓથી છુટકારો કેવી રીતે મળશે?”