નરેન્દ્ર મોદી માટે ઢાળ તો નથી જ, કપરાં ચઢાણ નજરે પડી રહ્યાં છે
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, પરંતુ અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી અદકેરું મહત્ત્વ ધરાવે છે. એનાં ત્રણ મુખ્ય કારણ છે; એક તો એ કે આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાઈ છે એટલે લોકોનો મૂડ કેવો છે એનો એમાંથી અંદાજ આવે છે. બીજું કારણ એ છે કે આ પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં છે જે બી.જે.પી.નો ગઢ મનાય છે. ૨૦૧૪માં આ રાજ્યોની લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.એ ૬૨ બેઠકો મેળવી હતી. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે બાકીનાં બે રાજ્યોમાંથી એક રાજ્ય તેલંગણા દક્ષિણનું છે અને મિઝોરમ પૂર્વનું છે જ્યાં બી.જે.પી. પ્રવેશવા માંગે છે. બી.જે.પી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાંની સંભવિત ઘટ દક્ષિણ અને પૂર્વ ભારતમાં પ્રવેશીને ઘટની પૂર્તિ કરવા માગે છે.
વાત નીકળી જ છે તો પરિણામોનું વિવરણ કરતાં પહેલાં સમવાય ભારતમાં યોજાતી વિધાનસભાઓની ચૂંટણીઓ વિષે વાત કરી લેવી જોઈએ. હમણાં કહ્યું એમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ અને અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એમ કુલ ૨૭ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ છે. બે લોકસભાની ચૂંટણી વચ્ચે જો અંદાજે અઢી ડઝન રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હોય તો શાસકોએ તેને કઈ રીતે જોવી જોઈએ? આપણા અનોખા વડા પ્રધાને વડા પ્રધાન તરીકેનો તેમનો ઓછામાં ઓછો દસથી ૧૫ ટકા ટકા સમય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવામાં ખર્ચ્યો છે જે એક રેકોર્ડ છે. આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડા પ્રધાન ચૂંટણી-પ્રચારકના મૉડમાંથી બહાર જ નથી આવી શક્યા. ચૂંટણી પ્રચારમાં જીત મહત્ત્વની હોવાથી, ગમે તેમ બોલવાની લાલચ રોકી શકાતી નથી, જેમાં સરવાળે વડા પ્રધાનની આબરૂ ખરડાઈ છે. આ ફેડરલ ઇન્ડિયા છે જેમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાયા જ કરે, જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રાંતોમાં ચૂંટણી યોજાતી રહે છે એટલે તેને પ્રતિષ્ઠાના જંગ તરીકે કે લોકપ્રિયતાના બેરોમીટર તરીકે નહીં જોવી જોઈએ.
પણ આપણે ત્યાં રાજ્યોની દરેક ચૂંટણીને દિલ્હીના રાજમાર્ગમાં આવતા ખાડા ટેકરા કે ઢાળ તરીકે જોવામાં આવે છે અને એમાં આ તો લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાયેલી ચૂંટણીઓ! ચૂંટણીનાં પરિણામોની ચર્ચા કરનારાઓ દર બીજા વાક્યે ૨૦૧૯માં પહોંચી જાય છે અને એ સ્વાભાવિક પણ છે. શું સૂચવે છે આ પરિણામો? અને ૨૦૧૯માં એની શું અસર પડી શકે છે?

યોગાનુયોગ એવો છે કે આજથી બરાબર એક વરસ પહેલા ૧૧મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે તાજપોશી થઈ હતી. એ પછી બરાબર એક અઠવાડિયા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. ત્યારે એમ લાગતું હતું ગુજરાત કૉન્ગ્રેસને તોફા તરીકે મળશે, પરંતુ નરેન્દ્ર મોદીએ એટલું જોર લગાડ્યું હતું કે બી.જે.પી. ભલે હાંફી જઈને પણ ગોલ-પોસ્ટ સુધી પહોંચી ગઈ હતી અને પાતળી બહુમતી સાથે જીતી ગઈ હતી. એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહારમાં લોકસભાની અને વિધાનસભાઓની જેટલી પેટા-ચૂંટણીઓ યોજાઈ તેમાં કૉન્ગ્રેસને અથવા તો તેના સાથી પક્ષોને વિજય મળ્યો હતો. આ વરસની મધ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પણ કૉન્ગ્રેસને વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મળી હતી.
રાહુલ ગાંધી માટે અને કૉન્ગ્રેસ માટે સૌથી મોટી કસોટી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થવાની હતી. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસને આ ત્રણેય રાજ્યો હાથ લાગ્યાં છે. રાહુલ ગાંધી માટે આ સૌથી મોટી રાહત આપનારી ઘટના છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમની પ્રમુખ તરીકેની વર્ષગાંઠે મોટો તોફો મળ્યો છે. જો કે પરિણામો અપેક્ષા મુજબનાં નથી એ નોંધવું રહ્યું. રાજસ્થાનમાં ચૂંટણી જાહેર જાય એ પહેલાંથી જ માનવામાં આવતું હતું કે ત્યાં કૉન્ગ્રેસને પ્રચંડ વિજય મળે એમ છે, પરંતુ એવું બન્યું નથી. કૉન્ગ્રેસ માંડ સોનો આકંડો પાર કરી શકી છે અને તેને માત્ર એક બેઠકની બહુમતી મળી છે. આમ થવાનું મુખ્ય કારણ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને કૉન્ગ્રેસના યુવા નેતા સચિન પાયલોટ વચ્ચેનો અણબનાવ હતો. ચૂંટણીમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી જેમાંથી ૨૦ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. બળવો કરનારાઓ અને ચૂંટાઈ આવનારાઓમાંના મોટાભાગના ઉમેદવારો અશોક ગેહલોતના ટેકેદારો છે. રાહુલ ગાંધી પક્ષ અંતર્ગત ખેંચતાણ મેનેજ કરી શક્યા નહોતા અને એટલે તો વિધાનસભાની ચૂંટણીમાં ગેહલોત તેમ જ પાયલોટ એમ બન્નેને ઉમેદવારી કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે રાહુલ ગાંધી કોને મુખ્ય પ્રધાન બનાવે છે એ જોવાનું રહે છે.
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચોહાણે મોટી લડત આપી હતી. ત્રણ ત્રણ મુદ્દતની એન્ટિ ઇન્કમ્બન્સી, વ્યાપમ કૌભાંડ, ખેડૂતોની નારાજગી, કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધી અને જી.એસ.ટી. જેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે શિવરાજ સિંહ ચોહાણે મુકાબલો કર્યો હતો. એમ કહેવું જોઈએ કે શિવરાજ સિંહ ચોહાણ હારીને પણ જીતી ગયા છે. છત્તીસગઢનાં પરિણામો પણ અનપેક્ષિત છે. એક તો છત્તીસગઢમાં કૉન્ગ્રેસ પાસે મુખ્ય પ્રધાનપદનો કોઈ કદાવર ઉમેદવાર નહોતો અને ઉપરથી ત્યાં અજીત જોગી અને માયાવતી વચ્ચે ગઠબંધન થયું હતું. અંદાજ એવો હતો કે કૉન્ગ્રેસ થોડા માટે વિજયથી દૂર રહી જશે, પરંતુ પરિણામો ધારણા કરતાં જુદાં આવ્યાં છે. કૉન્ગ્રેસે છતીસગઢની કુલ ૯૦ બેઠકોમાંથી ૬૫ બેઠકો મેળવી છે. બી.જે.પી.ને માત્ર ૧૬ બેઠકો મળી છે. બી.જે.પી.એ ૩૩ બેઠકો ગુમાવી છે અને કૉન્ગ્રેસે ૨૬ બેઠકો મેળવી છે. જોગી-માયાવતીને આઠ બેઠકો મળી છે. એમ લાગે છે કે જોગી-માયાવતીના ગઠબંધને કૉન્ગ્રેસને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એના કરતાં બી.જે.પી.ને વધારે નુકસાન પહોંચાડ્યું છે. જો રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે સમજૂતી થઈ હોત તો પરિણામ હજુ ઘણાં જુદાં હોત.
તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિએ ભવ્ય વિજય મેળવ્યો હતો. આઠ મહિના વહેલી ચૂંટણી યોજીને ટી.આર.એસ.ના નેતા અને મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે જુગાર ખેલ્યો હતો. તેમનો જુગાર ફળ્યો છે. કૉન્ગ્રેસે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન રચ્યું હતું, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. એક સમયે એમ લાગતું હતું કે કૉન્ગ્રેસનું ગઠબંધન ટી.આર.એસ.ને ભારે પડશે. મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન થોડા નર્વસ પણ નજરે પડતા હતા. મિઝોરમમાં કૉન્ગ્રેસનો પરાજય અપેક્ષિત છે.
આ પાંચેય રાજ્યોનાં પરિણામો એક સાથે જોઈએ તો એમ સમજાય છે કે રાહુલ ગાંધી માટે અત્યારે નથી સીધાં ચઢાણ કે નથી ઢાળ. થોડી અનુકૂળતા છે અને થોડી પ્રતિકૂળતા છે. અનુકૂળતા નરેન્દ્ર મોદીની ઘટતી લોકપ્રિયતા અને લોકોની તેમના પરત્વેની નિરાશા છે તો પ્રતિકૂળતા કૉન્ગ્રેસ પાસે જમીન પર કામ કરનારાં કાર્યકર્તાઓનો અભાવ છે. ચૂંટણી લડવા અને જીતવા માટેની યંત્રણા કૉન્ગ્રેસે પાસે નથી. ઘર ઘર સંપર્ક અને બુથ મેનેજેન્ટ આજના યુગમાં ચૂંટણી જીતવા માટેની અનિવાર્ય જરૂરિયાત છે. કૉન્ગ્રેસ અહીં માર ખાય છે. આ ઉપરાંત પક્ષ અંતર્ગત યાદવાસ્થળી પણ એક કારણ છે જે રાહુલ ગાંધી મેનેજ કરી શકતા નથી.
રાહુલ ગાંધીએ ચૂંટણી-પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. ખેડૂતોની હાલાકી અને દેવાં સિવાય કોઈ સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીના પ્રચારમાં સ્પર્શવામાં નહોતા આવ્યા. સામે પક્ષે નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને અને નેહરુ-ગાંધી પરિવારને નિશાન બનાવ્યા હતા. આ સિવાય હળવું હિન્દુત્વ, જ્ઞાતિ, ગોત્રજ, જનોઈ જેવા બાલીશ મુદ્દે પ્રચાર કરવામાં આવતો હતો. ટૂંકમાં કહીએ તો રાહુલ ગાંધીએ અને નરેન્દ્ર મોદીએ ચૂંટણી-પ્રચારને હાસ્યાસ્પદ બનાવી મૂક્યો હતો. એમાં બન્નેની બાલીશતા નજરે પડતી હતી.
૨૦૧૯ માટે જેમ રાહુલ ગાંધી માટે ઢાળ નથી તો નરેન્દ્ર મોદી માટે પણ ઢાળ નથી, પરંતુ થોડા પ્રમાણમાં સીધાં ચઢાણ જેવી સ્થિતિ બની રહી છે. બી.જે.પી. સામે પ્રતિકૂળતાઓ વધી રહી છે અને તેને માટે વડા પ્રધાન પોતે જવાબદાર છે. ખાડે ગયેલું અર્થતંત્ર, મોંઘવારી, બેરોજગારી, કૃષિસંકટ, ખેડૂતોનો અસંતોષ, યુવાનોનો અસંતોષ, પેટ્રોલના ભાવ, ડોલર સામે રૂપિયાનું તૂટવું જેવા નાગરિકોના સુખાકરીને લગતા પ્રશ્નો તરફ વડા પ્રધાન આંખ આડા કાન કરી રહ્યા છે અને તેની જગ્યાએ લીન્ચિંગ, સમાજમાં વિભાજનો પેદાં કરવાં, રામમંદિર, જે તે સ્થળોનાં નામ બદલવાં, ચેતક ઘોડાનું કુળ અને નેહરુ-ગાંધી પરિવાર પાછળ આદુ ખાઈને પડી જવું જેવાં વલણે નુકસાન પહોંચાડ્યું છે. લોકો વડા પ્રધાન વડા પ્રધાન તરીકે વર્તે એ જોવા આતુર છે. લોકો ૨૦૧૪માં આપેલાં વચનો સાકર થતાં જોવા આતુર છે. કમસેકમ પ્રયત્નો તો કરવામાં આવે! વડા પ્રધાન ચારે કોર જે અશુભ બની રહ્યું છે એ બાબતે એક શબ્દ ન બોલે અને એક પત્રકાર પરિષદ ન લે એ હવે લોકોને વડા પ્રધાન તરીકે સ્વીકાર્ય નથી લાગતું.
પાંચેય રાજ્યોનાં પરિણામો બી.જે.પી. માટે ચિંતા પેદા કરનારાં છે. એક તો ૨૦૧૪માં બી.જે.પી.ને જે ૨૮૨ બેઠકો મળી હતી તેમાં ૨૩૦ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોકમાં મળી હતી. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠકો મળી હતી. પરિણામો એમ સૂચવે છે કે ૨૦૧૯માં ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં બી.જે.પી.ને મોટો માર પડવાનો છે. જો ૫૦ ટકાનો માર પડે તો પણ બી.જે.પી. ૧૫૦ બેઠકો સુધી ન પહોંચી શકે. એ ઘટની પૂર્તિ કરવા માટે બી.જે.પી.એ પૂર્વ ભારતમાં અને દક્ષિણમાં વિસ્તરવું જોઈએ અને છ મહિના પહેલાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તેમ જ તેલંગણા અને મિઝોરમનાં પરિણામો એમ બતાવે છે કે ત્યાં પણ બી.જે.પી. માટે બહુ અનુકૂળતા નથી. આમ ધીરે ધીરે બી.જે.પી. માટે અને અંગત રીતે નરેન્દ્ર મોદી માટે પ્રતિકૂળતાઓ આકરી બની રહી છે.વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોનાં અન્ય પક્ષો પણ આકલન કરશે. ઘણાં લોકો પ્રશ્ન કરતા હતા કે કૉન્ગ્રેસે માયાવતી, અખિલેશ યાદવ અને ગોન્ડવાણા ગણતંત્ર પાર્ટી સાથે સમજૂતી કેમ નહીં કરી? કૉન્ગ્રેસે સમજૂતી કરવી જોઈતી હતી એમ કહેવામાં આવતું હતું. આનું દેખીતું કારણ પાણી માપવાનું હતું. જો ખૂબ સારો કે ઠીકઠીક સારો દેખાવ કરવામાં આવે તો ૨૦૧૯માં રચનારા સંભવિત મોરચામાં કૉન્ગ્રેસ એક ભાગીદાર તરીકે બાર્ગેનિંગ કરી શકે. જો સફળતા ન મળે તો કાંડા તો કાપી આપવાના છે જ, પણ અત્યારથી પાણી માપ્યા વિના શા માટે કાંડા કાપી આપવા? ગઠબંધનમાં દસ બેઠકો વધુ મળે એનું પણ મહત્ત્વ હોય છે. કૉન્ગ્રેસે ઠીકઠીક સફળતા મેળવી છે એટલે તેની બાર્ગેનિંગ શક્તિ વધશે.
આ ચૂંટણી પછી વિરોધ પક્ષોની એકતાની પ્રક્રિયા જોર પકડશે અને તેમાં કૉન્ગ્રેસ એક મહત્ત્વના પક્ષ તરીકેની ભૂમિકા ભજવી શકશે. પરિણામોની પૂર્વસંધ્યાએ વિરોધ પક્ષોના નેતાઓની સંયુક્ત બેઠક મળી હતી એ સૂચક છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી માટે, અમિત શાહ માટે, બી.જે.પી. માટે અને એકંદરે દેશ માટે આવતા ત્રણ મહિના નિર્ણાયક નીવડવાના છે. એ કઈ રીતે એ હવે પછી સ્પષ્ટ થતું જશે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2018
કાર્ટૂન સૌજન્ય : "ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા", 12 ડિસેમ્બર 2018
![]()


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં પ્રતિબિંબિત ગાંધીજીની છબિ અંગે આપણે ગયે અઠવાડિયેથી વાત કરી રહ્યા છીએ. રેણુકા રે બ્રિટિશ રાજ દરમિયાન પશ્ચિમ બંગાળના એક આઈ.સી.એસ. અધિકારી તેમ જ જાણીતા બ્રહ્મોસમાજી શ્રી સતીશ મુખર્જીનાં પુત્રી તથા કલકત્તા પ્રેસિડેન્સી કોલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ ડો. પી.કે. રેના દોહિત્રી હતાં. તેઓ માતા પિતા બંને પક્ષેથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારનો વારસો લઈને જન્મ્યાં હતાં. તેમના નાનાજી ડો. પી.કે. રે રાજેન્દ્રબાબુ તથા ડો. રાધાકૃષ્ણન્ના કોલેજકાળના શિક્ષક રહી ચૂક્યા હતા. નાનીજી સરલાદેવી રે કલકત્તાની પ્રેસિડેન્સિ કોલેજમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ યુવતી. તો રેણુકા રેનાં માતા ચારુલતા તેમના જમાનાના નામાંકિત નારીવાદી હતાં.
બ્રિટિશકાળમાં 1904માં જન્મેલ અને પાછલી ઉંમરે 'માય રેમિનન્સીઝ' (1982) નામક આત્મકથા લખનાર રેણુકા રે કદાચ એક માત્ર ભારતીય આત્મકથા લેખિકા હશે કે જેના જન્મને ઉત્સવની જેમ ઉજવાયો હતો. રેણુકા રેના નાનાજીનું કલકત્તા ખાતેનું ઘર ગાંધીજી, દાદાસાહેબ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે તથા અન્ય સ્વાતંત્રસેનાનીઓ માટે એક મિલન સ્થળ સમાન હતું. આમ નાનકડી રેણુકાનું બાળપણ ગાંધીજીના પ્રભાવમાં વીતેલું. અલબત્ત પિતા આઈ.સી.એસ. અધિકારી હોઈ તેમની નિયુક્તિ લંડનમાં થતાં રેણુકાનું ઉચ્ચ શિક્ષણ લંડનમાં થયેલું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકમાં હેરોલ્ડ લાસ્કી તથા મેજર એટલી જેવા સમર્થક પ્રોફેસરોના હાથ નીચે તૈયાર થયેલ રેણુકા એક બાહોશ યુવતી હતાં. વિદેશી ભણતર છતાં નાનપણમાં મળેલ દેશપ્રેમના સંસ્કાર તેનામાં જળવાયા હતા. લંડનમાં તેમની મુલાકાત એક ભારતીય યુવક, સત્યેન રે, સાથે થઈ. લંડનમાં વસતો તે યુવક ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થયો હતો. બંનેને પ્રેમ થઈ ગયો, અને 1921માં તેમણે સગપણ કરી દીધાં. ત્યારબાદ 1925માં બંને ભારત પાછા ફંર્યા. ઘરે પહોંચતાની સાથે રેણુકાને સંદેશ મળ્યો કે બાપુ તેના મંગેતરને મળવા માગે છે. 70 વર્ષની જૈફ વયે પોતાની આત્મકથા લખી રહેલ પશ્ચિમ બંગાળના પૂર્વ મિનિસ્ટર રેણુકા રે ગાંધીજી સાથે તેમના ભાવિ પતિની તે વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દશઃ લખે છેઃ
ઉપરોક્ત સંવાદમાં અપાયેલ વચન પ્રમાણે બાપુ તથા સત્યેન રેએ રેણુકાને મનવાંછિત કામ કરવાની બધી જ સંભાવનાઓ પૂરી પાડી. અને રેણુકાએ દેશપ્રેમ તથા પરિવાર બંનેને સુપેરે નભાવ્યાં. એટલું જ નહીં સ્ત્રીના હક્ક માટે રેણુકા રેએ આજીવન લડત આપી. રેણુકા રેએ સ્વતંત્ર ભારતમાં 1952 થી 1957 દરમિયાન પશ્ચિમ બંગાળનાં મંત્રી તરીકે સેવાઓ આપી. 1957થી 1967 દરમિયાન તેઓ સંસદસભ્ય રહ્યાં. તથા 1958થી 1960 દરમિયાન પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ પદે સેવાઓ આપી. પરંતુ 1967માં તેમને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટિકિટ ન અપાતા તેમણે પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરી.
સંગ્રામ કે કલાજગતના નાનાશા માનવની વાત કરવા માટે તેઓ છ-સાત પૃષ્ઠો લખે છે, પરંતુ સરોજિની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટેપાધ્યાય સાથેના પોતાના લગ્નની વાત તેઓ એક જ ફકરામાં પૂરી કરે છે. આવી આત્મકથામાં જો એક પ્રસંગ સ્મરણીય હોય તો તે ગાંધીજીએ તેમનાં પારિવારિક જીવનમાં રસ લીધાનો પ્રસંગ. એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, 'કમલા તારાથી નહીં બને. જે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી ?' કમલાને આશ્ચર્ય થયું. તેમને દીકરો છે, અને તે દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, તેવી વાત તેમણે તો બાપુને ક્યારે ય કરી નહોતી ! કમલાનું આશ્ચર્ય જોઈને બાપુ બોલ્યા, 'હું બધાયનું ધ્યાન રાખું છું. ગયા વખતના મારા એ વિસ્તારના પ્રવાસ દરમિયાન મેં બોર્ડિંગમાં રહેતા તારા દીકરાને બોલાવેલો અને તેની સાથે વાતો કરેલી.' પોતાનાં વ્યક્તિગત જીવન વિશે જવલ્લે જ ઉલ્લેખ કરનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજીની આ વાત પ્રેમપૂર્વક આલેખે છે.
ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીજીએ આપેલ ફાળો અમૂલ્ય છે. જે એક સ્થાપિત સત્ય છે. ગાંધીજીના અહિંસા તથા અસહકાર તેમ જ સત્યાગ્રહ જેવા અત્યંત ઓરિજીનલ લાગતા સિદ્ધાંતોના મૂળ સ્ત્રીજાતના વિચાર અને વર્તનમાં હતા, તેમ બાપુએ પોતે સ્વીકાર્યું છે. પરંતુ સ્ત્રીજાતના આ વિશેષ વર્તન-વ્યવહારનું સૂક્ષ્મપણે વિશ્લેષણ કરી તેમાંથી ઉચિત વર્તનને અસહકાર કે સત્યાગ્રહ જેવા સિદ્ધાંતરૂપે અપનાવવાનો તથા સ્થાપવાનો યશ ચોક્કસ ગાંધીજીને જાય. એ સિદ્ધાંતોનો ઉપયોગ ગાંધીજીએ વિવેક, ક્ષમતા તથા હિંમત સાથે જે પ્રમાણે કર્યો તે કોઈ વીરલો જ કરી શકે ! આમ કરવાની સાથે તેમણે ઘરની ચાર દિવાલોમાં જીવી રહેલ ભારતીય સ્ત્રીને ઘરનો ઉંમરો ઓળંગીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવવાની હાકલ કરી. માતૃભૂમિની સ્વતંત્રતાના સંગ્રામમાં સ્ત્રી શું ? અને પુરુષ શું ? બંને એક સરખા ભાગીદાર. બંનેએ માતૃભૂમિ માટે બનતું સઘળુંયે કરવાની તક ઝડપી લેવી જોઈએ. આવો વિચાર જ્યારે બાપુએ વહેતો કર્યો ત્યારે પ્રમાણમાં જુનવાણી તેમ જ પિતૃસત્તાક ભારતીય સમાજે તેને સહર્ષ વધાવી લીધો. અને ભારતીય સ્ત્રીએ ઘરનો ઉંમરો ઓળંગીને સ્વતંત્રતા આંદોલનની સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું પ્રારંભ્યું. પછી તો ઉત્તરોત્તર તેઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશતી ગઈ. પરંતુ સૌ પ્રથમ વાર ભારતીય સ્ત્રીને જાહેર કામકાજમાં ભાગીદારીની તક ગાંધીજીએ મેળવી આપી. આમ ભારતીય નારીના સશક્તિકરણના પાયામાં ગાંધીજીનું આગવું પ્રદાન રહેલું છે.
સ્વતંત્રતા આંદોલનનો 1947 પૂર્વેનો એ જમાનો એવો હતો કે જ્યારે ગાંધીજી પ્રત્યેક સુસંસ્કૃત, જાગ્રત ભારતીય પરિવારમાં એક સદસ્યનું સ્થાન ધરાવતા. અંગ્રેજી સાહિત્યના ખ્યાતનામ કવયિત્રી કમલા દાસની આત્મકથા 'માય સ્ટોરી’(1976)માં પોતાનાં બાલ્યકાળનું વર્ણન કરતાં સ્મરે છે કે, તેમની માતાના સાહિત્યકાર મામા કેરળમાં પોતાના નાલપત હાઉસમાં એશોઆરામભરી જિંદગી જીવતા. કમલા દાસની માતા તથા તેમનાં બાળકો પણ નાલપત હાઉસના જ સભ્ય હતાં. કિશોરી કમલા સ્મરે છે કે, "અમારા એ નાલપત હાઉસમાં જ્યારે કોઈપણ નિર્ણય લેવાતો ત્યારે તેને અન્ય વડીલોની સાથોસાથ બાપુની પરવાનગી મળશે કે કેમ તેનો પણ ખ્યાલ રખાતો. આ 'બાપુ' એટલે પરિવારના કોઈ વડીલ સદસ્ય નહીં, પરંતુ એ મહાલયના દિવાનખાનાની દિવાલ પર શોભતી મહાત્મા ગાંધીજીની છબિ !" આ છબિ જાણે ઘરની મુખ્ય વડીલ હતી. આવો હતો એ જમાનો !
મોતીલાલ નેહરુનાં મોટાં દીકરી અને જવાહરલાલજીના બહેન પંડિત વિજયાલક્ષ્મીની આત્મકથા 'ધ સ્કોપ ઓફ હેપિનેસ'(1979)માં ગાંધીજીની વાત સતત થાય છે. નેહરુ પરિવારમાં ગાંધીજીનો દરજ્જો એક અતિપ્રિય વડીલનો હતો. વિજયાલક્ષ્મીજીના પ્રેમલગ્ન વખતે પણ ગાંધીજીની પરવાનગી લેવાયેલી. ગાંધીજીએ પોતાને હાથે કાંતેલ, વણેલ તથા રંગેલ ખાદીની સાડી પહેરીને વિજયાલક્ષ્મીજી લગ્નના માંયરામાં બેઠાં હતાં. લગ્ન બાદ તરત નવપરિણીત યુગલ બાપુના આશીર્વાદ લેવા આનંદભવન ખાતેના બાપુના રૂમમાં ગયેલું અને ત્યાં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલન કરીને દેશ ખાતર જીવન સમર્પિત કરવાની વાત કરેલી. આ પ્રસંગને સ્મરતા વિજયાલક્ષ્મીજી લખે છે, મેં બાપુને તરત કહ્યું, "જો તમારે અમને આવા જ આશીર્વાદ આપવા હતા તો અમને પરણવાની પરવાનગી શા માટે આપી ? આવા લગ્નનો શો અર્થ ? બાપુ માફ કરજો તમારી આ વાત મને સ્વીકાર્ય નથી."
તો વળી વિજયાલક્ષ્મી પંડિતનાં નાનાં બહેન તથા અમદાવાદના હઠીસિંહ પરિવારના પુત્ર રાજા હઠીસિંહનાં પત્ની કૃષ્ણા હઠીસિંહ પોતાની આત્મકથા 'વિથ નો રિગ્રેટ્સ'(1943)માં બાપુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની સરસ છણાવટ કરે છે. તેઓ પણ પોતાના લગ્નના પ્રસંગનું સ્મરણ કરીને તે વખતે બાપુએ આપેલ આશીર્વાદ વિશે લખે છે, "બાપુએ મને કહેલું, હવે તારો પુનઃજન્મ થઈ રહ્યો છે… તારી નાનીબહેન સ્વરૂપ કાઠિયાવાડમાં નવવધૂ બનીને આવી ખરી, પણ તેણે પોતાના પતિને અલ્હાબાદ આવીને વસવા માટે સમજાવી લીધો… પરંતુ તારામાં અને સ્વરૂપમાં ઘણો ફેર છે. હું સમજું છું કે તું રાજાને અમદાવાદથી દૂર ખેંચી લઈ જવા પ્રયત્ન નહીં કરે… હું આશા રાખું છું કે તું ગુજરાતને તારું ઘર બનાવીશ."
પદ્મવિભૂષણ દુર્ગાબાઈ દેશમુખની આત્મકથા 'ચિંતામન એન આઈ'(1980)માં તેઓ ગાંધીજીને પોતાની કિશોરાવસ્થાના એક માત્ર પ્રેરણાદાયી બળ તરીકે સ્મરે છે. દુર્ગાબાઈ દેશમુખ નાનપણથી જ સ્વતંત્રતા સેનાની તથા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાં. 11 વર્ષની ઉંમરે તેમણે ગાંધીજીની એક પ્રવચનસભાનું આયોજન પોતાના ગામમાં કરેલું. અને આ પ્રવચન માટે રૂપિયા પાંચ હજારનું ઉઘરાણું કરવામાં તેઓ સફળ નીવડેલાં. ગાંધીજીની આ સભા દરમિયાન તેમણે કોઈપણ પૂર્વ આયોજન વગર ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કરેલું. જેને કારણે તેઓ આજીવન હિન્દીના પ્રખર સમર્થક તેમ જ પ્રચારક રહેલાં. પોતાની ઉપરોકત આત્મકથામાં તેઓ એક યાદગાર પ્રસંગ સ્મરે છે. સ્વતંત્રતા પૂર્વેના એક કૉન્ગ્રેસ અધિવેશન દરમિયાન સ્વયંસેવિકા દુર્ગાબાઈને ગાંધીજીએ એ સમારંભ માટે સ્ટેજ પર આવી રહેલ દરેક મહાનુભાવના કાર્ડ તપાસવાનું કામ સોંપ્યું. યુવા દુર્ગાબાઈ પોતાનું કામ ખંતપૂર્વક કરવા માંડી. એક પછી એક જનનેતાઓ પાસ બતાવીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. એટલામાં નેહરુજી આવી પહોંચ્યા. બેફિકર નેહરુજી સ્ટેજ પર જવા પગથિયાં પર પગ માંડે ત્યાં તો યુવા સ્વયંસેવિકાએ તેમને ટોક્યા અને પાસ બતાવવા કહ્યું. નેહરુજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "હું નેહરુ, મને નથી ઓળખતા?" વળતો જવાબ મળ્યો, "હા જી, ઓળખું છું, પરંતુ બાપુએ પાસ લઈને આવનારને જ સ્ટેજ પર જવા દેવાનો આદેશ આપ્યો છે. તેથી હું મજબૂર છું." સ્મિત સાથે નેહરુજીએ પાસની વ્યવસ્થા કરી અને પછી એ યુવતીને પાસ બતાવીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા.
જન્મે બ્રિટિશ અને કર્મે મહાત્મા ગાંધીને તથા સ્વતંત્રતા આંદોલનને સમર્પિત એવાં મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેનની આત્મકથા 'ધ સ્પિરીટ્સ પિલગ્રીમેજ'(1949)માં પોતે ગાંધીજીના પ્રભાવથી અંજાઈને સર્વસ્વ ત્યજીને જે પ્રમાણે અમદાવાદના હરિજન આશ્રમમાં આવીને વસેલાં તેની વાત કરે છે. તેમનાં આત્મલેખનનું કેન્દ્ર ગાંધીજીનું સ્નેહમયી વ્યક્તિત્વ છે. પરંતુ તેની સાથોસાથ એક અત્યંત કડક એવા નિયામકની છબિ પણ મીરાબહેનનું લેખન ઉપસાવે છે. લંડનથી આવેલ મિસ સ્લેડને ગાંધીજીએ મીરા નામ આપેલું. તેમને આશ્રમ પરિસર પર 8 X 8 ફૂટની નાનકડી ઓરડી આપેલી. જે આજે પણ સાબરમતી આશ્રમમાં મિસ સ્લેડના રહેવાસ તરીકે જોઈ શકાય તેમ છે. આ બ્રિટિશ મહિલાની ખાણી-પીણી, પહેરવેશ, રીત-રિવાજ સઘળું આશ્રમે બદલી નાખ્યું હતું. અધૂરામાં પૂરું ગાંધીજીએ આજ્ઞા કરી કે આ સોહામણી યુવતીએ વાળ ન રાખવા ! આ તે કેવો આદેશ ? ગાંધીજીનો તર્ક હતો કે આશ્રમવાસી પુરુષોમાં યુવતીઓ પ્રત્યે કામના જાગ્રત ન થાય તે માટે આશ્રમમાં વસતી યુવતીઓએ માથાં મુંડાવી નાખવાં ! મીરાબહેને બાપુની આજ્ઞાનું પાલન કર્યું. માથું મુંડાવીને ખાદીની સફેદ સાડીમાં આશ્રમની કોઈ સુવિધા વગરની નાનકડી ઓરડીમાં તેમણે વર્ષો ગાળ્યાં. અને ત્યાં રહીને બાપુની તેમ જ સ્વતંત્રતા આંદોલનની સહાય કરી.