તામિલનાડુના તુતિકોરિનમાં ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ’ એમ માત્ર સૂત્રોચ્ચાર કરનાર એક વિદ્યાર્થિનીની ત્રીજી સપ્ટેમ્બરે કરવામાં આવેલી ધરપકડમાં શાસક ભારતીય જનતા પક્ષનો વિકરાળ ફાસીવાદી ચહેરો જોવા મળ્યો. એ વિદ્યાર્થિનીને પંદર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
બનાવ એવો છે કે કેનેડાથી ભારત આવેલી લુઇ સોફિયા નામની ૨૮ વર્ષની વિદ્યાર્થિની ચેન્નઈથી તુતિકોરિન ફ્લાઇટમાં હતી. એ મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરી રહી છે. એની સાથે વિમાનમાં તામિલનાડુના ભા.જ.પ.નાં અધ્યક્ષ તામિલીસાઈ સૌન્દરારાજન પણ હતાં. સોફિયાએ વિમાનમાંથી ઊતરતી વખતે તામિલીસાઈ સામે જોઈને સૂત્રોચ્ચાર કર્યા. તે અંગે તામિલીસાઈએ કરેલી ફરિયાદને પગલે વિમાનમથક પોલીસે જાહેરમાં તોફાન મચાવવા અને ઉપદ્રવ ઊભો કરવા અંગેની કલમો હેઠળ સોફિયાની ધરપકડ કરી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારના પ્રતિનિધિ સાથે વાત કરતાં તામિલીસાઈએ કહ્યુંઃ “વિમાનમાં હું ત્રણ નંબરની સીટ પર હતી અને આઠ નંબરની સીટ પર દેખીતી રીતે નિર્દોષ લગતી એક યુવતી હતી. પણ હું વિમાનમાંથી ઊતરી રહી હતી ત્યારે એ છોકરીએ મને જોઈને એકાએક બૂમ પાડી ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ!’. હું એની તરફ વળી ત્યારે તેણે ફરીથી એ જ બૂમો પાડી. મા-બાપ સાથે બેઠેલી છોકરીને જોઈને મને થયું કે હું એની તરફ ધ્યાન ન આપું. પણ તે ફરીથી એ જ બોલતી રહી, એ કંઈક કોમેન્ટ પણ કરી રહી હતી. ‘ફાસિસ્ટ’ શબ્દનો ઉપયોગ કરતી વ્યક્તિ ‘નિર્દોષ’ ન હોઈ શકે. કોઈ નિર્દોષ છોકરી એ ન બોલે. એટલે મેં એને સવાલ કર્યો. જવાબમાં એણે કહ્યું કે એને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે. એણે ફરીથી એ સૂત્ર પોકાર્યું અને આ વખતે મુઠ્ઠી ઉગામી ને એવું બધું પણ કર્યું. એટલે મને થયું કે મારે એક આતંકવાદીને નજરઅંદાજ ન કરવી જોઈએ. એટલે મેં પોલીસ ફરિયાદ કરી.”
સોફિયાની સાથે તેને લેવા ગયેલાં માતા માધુરી અને પિતા ડૉ. એ.એ. સામી પણ વિમાનમાં હતાં. પાંસઠ વર્ષના સામી નિવૃત્ત સરકારી તબીબ છે. તેમણે કહ્યું કે “વિમાન તુતિકોરિન ઊતર્યું ત્યારે સોફિયાએ ભા.જ.પ.ના નેતાને જોયાં અને તે બોલી ‘ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ ડાઉન ડાઉન’. એ ઉપરાંત બીજો એક પણ શબ્દ તેણે ઉચ્ચાર્યો નથી. પણ જ્યારે અમે ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તામિલીસાઈ અને તેમને લેવા આવેલા તેમના દસ માણસોએ અમને ઘેરી લઈને મારી દીકરી સાથે અભદ્ર ભાષામાં ગુંડાગર્દી કરી, એને મારી નાખવાની ધમકી આપી. આખરે, એરપોર્ટ પોલીસ અમને સલામત ઓરડામાં લઈ ગઈ.” સામીએ એમ પણ કહ્યું, “તામિલીસાઈએ ફરિયાદ નોંધાવી છે એની અમને પછી ખબર પડી. પોલીસે અમને પોલીસ થાણામાં બોલાવ્યાં, પણ તે વખતે એમણે તત્કાળ જામીનની ખાતરી આપી હતી. પણ ઉપરથી આવેલા ફોન પછી એ લોકો હવે સોફિયાને જેલમાં ધકેલવાની કોશિશ કરી રહ્યા છે. પાંચમી તારીખે મોડી રાત સુધી ડૉ. સામી તામિલીસાઈ અને ભા.જ.પ.ના માણસો સામે ફરિયાદ નોંધાવવા માટે મથી રહ્યા હતા. પણ તે બીજા દિવસે જ શક્ય બન્યું. એ વખતે સોફિયાને જામીન પણ મળ્યા.”
સોફિયાને થયેલી ધાકધમકી અંગે તામિલીસાઈએ ‘એક્સપ્રેસ’ને કહ્યુંઃ “અમારી વચ્ચે દલીલો ચાલી એટલે મને લેવા આવેલા પક્ષના કાર્યકર્તાઓએ પણ યુવતીને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. મેં પણ તેમને સવાલો પૂછ્યા. મારી સરકારને એ જે રીતે દોષ દઈ રહી હતી તેનાથી હું નારાજ હતી. એક તબક્કે એણે એમ પણ કહ્યું કે એનો સૂત્રોચ્ચાર મારી વિરુદ્ધ નહીં પણ ભા.જ.પ. સરકાર વિરુદ્ધ હતો. પણ વિમાનમાં તો હું હતી, એટલે એનું નિશાન તો હું જ કહેવાઉં ને? પોલીસ પણ મને શાંત પાડવા ગઈ. પણ મેં એમને કહ્યું કે મારી સરકાર સામે આવી રીતે સવાલ ઊઠાવવામાં આવે તેને હું નજરઅંદાજ ન કરી શકું. સાંજે મને એવા ખબર મળ્યા કે એ પોલીસ સ્ટેશનમાં એ છોકરીના ટેકામાં જે બધા લોકો આવ્યા હતા તે તુતિકોરિનમાં સ્ટરલાઇટ કંપનીની સામે મે મહિનામાં થયેલા આંદોલનવાળા હતા. એ છોકરી કૅનેડાનાં કેટલાંક જૂથો સાથે પણ જોડાયેલી છે એવી પણ માહિતી મને મળી છે.” સોફિયાના પિતાએ કહ્યું કે, “આવી વાતોથી એમને કે સોફિયાને કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ ફેલાવતા જોખમકારક ઉદ્યોગનો વિરોધ તો લોકો કરશે જ. મારી દીકરી સ્ટરલાઇટ વિશે લખી ચૂકી છે. સોફિયાનું ટિ્વટર અકાઉન્ટ બતાવે છે કે દલિત અને નારી અધિકારની ચળવળો સાથે પણ તે જોડાયેલી છે. તાજેતરમાં પાંચ નક્સલવાદીઓની જે ધરપકડો થઈ તેને વખોડતાં ટિ્વટ પણ તેણે કર્યાં છે.
તામિલનાડુનાં ભા.જ.પ. પ્રમુખે વિદ્યાર્થિનીને સકંજામાં લેવા માટે પોતાની સત્તામાં જેટલું હતું તે બધું કર્યું. પણ એમ કરવામાં તેમણે વિદ્યાર્થિની જે કહી રહી હતી – ભા.જ.પ. સરકાર ફાસીવાદી છે – એ જ સાબિત કરી બતાવ્યું. તામિલીસાઈએ રાજ્યસત્તાને એક વિદ્યાર્થિની પર લાદી દીધી. વિરોધને ગુનો ગણવો એ લોકશાહીને જરા ય શોભતું નથી. પોલીસ અને રિમાન્ડ મંજૂર કરનાર કાનૂની અધિકારી પણ એમાં સામેલ ગણાય. સોફિયાને જામીન તો મળ્યા પણ તેની સામે કેસ ચાલશે. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખની વાત છોકરીમાં નિર્દોષતા નહીં હોવાના મુદ્દાથી શરૂ થઈ અને બહુ સરળતાથી આતંકવાદના અરોપ તરફ સરકીને એ સંદેશો આપી ગઈ કે સરકાર સામે સવાલ ઊઠાવવાનું ચલાવી ન લેવાય.
તેમાં વળી તામિલીસાઈએ સ્ટરલાઇટ આંદોલનના ભૂતકાળમાં અને કૅનેડાનાં જૂથો સાથેની સાંઠગાંઠના અધ્ધરિયા ઉલ્લેખો ઉમેર્યાં. આમ જોઈએ તો સોફિયાની ધરપકડનો બનાવ રાજકીય ગુંડાગર્દીનો બનાવ લાગે. પણ સાંપ્રત સંદર્ભ એને વધુ ગંભીર બનાવે છે. તાજેતરમાં ‘અર્બન નક્સલ્સ’ની ધરપકડો થઈ છે, જેનો સોફિયા વિરોધ કરી ચૂકી છે. મહારાષ્ટ્ર પોલીસે તે કર્મશીલો પર મીડિયાની અદાલતમાં મુકદ્દમો પણ ચલાવી દીધો છે. માહોલ એવો બન્યો છે કે સત્તાધારી રાજકારણીઓ તેમ જ ન્યાયપ્રક્રિયા સાથે સંકળાયેલી એજન્સીઓ, સરકારનો વિરોધ કરનારાની ધરપકડ કરે અને તેને આતંકવાદી તરીકે જાહેર કરે એ રાબેતો બનતો જાય છે. ગંભીર કારણ વિના સોફિયાની ધરપકડ કરનારે પોલીસની અદાલતે ઝાટકણી કાઢવી જોઈતી હતી. સોફિયા ફક્ત એક સૂત્ર વારંવાર બોલી હતી, તેના વર્તનમાં જોખમકારક કે હિંસક કશું ન હતું.
વળી, દરેક વાતે અદાલત ન હોય. અદાલત પહેલાં તો સરકાર આવે છે. તેણે એ વાતની તકેદારી રાખવાની છે કે વિરોધ કરનારની સામે રાજ્યની સત્તાનો બેફામ ઉપયોગ ન થવો જોઈએ. તામિલીસામીએ યુવતીના વિરોધને શાલીનતાથી લેવાની જરૂર હતી. વિરોધ કરનારી વિદ્યાર્થીની સાથે તે પરિપક્વ રાજકારણીની જેમ કામ પાડી શક્યાં હોત. પણ તેણે વિદ્યાર્થિનીને ચૂપ કરવા તેમ જ દબાવવા માટે રાજ્યની તાકાતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. એમાં તો તેમણે વિદ્યાર્થિનીનાં સૂત્રને સાચું સાબિત કર્યું.
આવા ફાસીવાદી વલણની ઝલક ૨૯ જુલાઈએ અલ્લાહાબાદમાં પણ જોવા મળી હતી. ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહની સામે કાળા વાવટા ફરકાવનાર બે વિદ્યાર્થિનીઓને અને એક વિદ્યાર્થીને પોલીસે ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધાં છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશમાં મહિલાઓની અને છાત્રોની અસલામતીના મુદ્દે સરકારના વિરોધમાં ઊતર્યા હતા. તેઓ સમાજવાદી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એવી ‘સમાજવાદી છાત્ર સભા’ સાથે જોડાયેલા છે. અમિત શાહ હિંદુ સંતોને મળવા અને આગામી કુંભ મેળાની તૈયારી બાબતે અલ્લાહાબાદ ગયા હતા. વિદ્યાર્થીઓની ધરપકડના સમાચાર છપાયા તે પહેલાં તેને લગતો એક વીડિયો વાઇરલ થઈ ચૂક્યો હતો. તેમાં અમીત શાહના કાફલાના એક પોલીસ-વાહનની સામે એક યુવતી કાળો ઝંડો હલાવતી જોવા મળે છે, એક પોલીસવાળો તેને ખેંચીને બાજુમાં રાખવામાં આવેલા બીજા વાહન તરફ જાય છે, ત્યાં બીજો પોલીસવાળો તેના જમણા પગ પર લાઠી ફટકારતો દેખાય છે. વીડિયોમાં મહિલા પોલીસ ક્યાં ય દેખાતી નથી. સંગઠને પણ એ આરોપ મૂક્યો છે. તેણે પુરુષ પોલીસ વિદ્યાર્થિનીઓને વાળ પકડીને ઢસડી ગયા એમ પણ જણાવ્યું છે.
બીજી તરફ, કચ્છના માંડવી તાલુકાના મોટા લાયજા ગામની કેટલીક દલિત વિદ્યાર્થિનીઓ ફફડાટમાં જીવી રહી છે, કારણ કે તેમણે ૨૧ ઑગસ્ટે જે યુવકોની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી તેમાંથી કેટલાકને જામીન મળી ગયા છે. માંડવીથી ૧૭ કિલોમિટર દૂર આવેલા ગામની વિદ્યાર્થિનીઓ જ્યારે બસમાં કૉલેજ જતી હતી, ત્યારે બાજુના પંચોટિયા ગામના કેટલાક યુવકો તેમની મશ્કરી કરતા હતા અને તેમની સામે અત્યંત અશ્લીલ શારીરિક ચેનચાળા કરતા હતા. તદુપરાંત તેમના માટે જાતિવાદી અપશબ્દો પણ વાપરતા. આ હરકતો લાંબા સમયથી ચાલતી હતી. એ અટકાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિને પેલા માથાભારે યુવાનોએ લાકડી, સળિયા અને તલવારથી માર પણ માર્યો હતો. તેના પિતાએ ફરિયાદ નોંધાવી. વિદ્યાર્થિનીઓ એ ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હતી કે વાલીઓ તેમનું ભણવાનું છોડાવી દેશે. એક વિદ્યાર્થિનીની પહેલ પછી, પોલીસે બધી વિદ્યાર્થિનીઓનાં બયાનો તેમની માતાઓની હાજરીમાં નોંધીને છ નાલાયક યુવકોની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણને ૬ સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા, જેને પગલે વિદ્યાર્થિનીઓના પરિવારોમાં ભયનો માહોલ છવાયો છે.
એ નોંધવું ઘટે કે ઉજળિયાત માથાભારે કોમો દ્વારા જુલમ સામે સંઘર્ષ કરનાર આ કૉલેજિયન યુવતીઓ મોટા લાયજા ગામમાં શિક્ષણ મેળવનાર દલિત મહિલાઓની પહેલી જ પેઢી છે.
આધારઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૯ જુલાઈ, ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮) અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (૨૩ ઑગસ્ટ, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૮)
સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 09-11