હૈયાને દરબાર
તારા વિના શ્યામ મને એકલડું લાગે આ ગરબાની લોકપ્રિયતા દેશદેશાવરમાં કેટલી બધી છે એ કહેવાની જરૂર નથી. પરંતુ આ સુંદર ગરબો જેમણે લખ્યો અને કમ્પોઝ કર્યો છે એનું નામ તો મોટા ભાગના ગુજરાતીઓ માટે સાવ અજાણ્યું જ છે. આ ગરબો એટલી હદે લોકપ્રિય થયો છે કે એના પ્રભાવમાં ગરબાના ગીતકાર – સંગીતકાર કોણ છે એ જાણવાનો ય કદી વિચાર આવ્યો નહીં કોઈને! તમે ગમે તેટલું મગજ કસો તો ય ખ્યાલ નહીં આવે કે આ ગરબાના રચયિતા કોણ છે. એ જીનિયસ કલાકાર છે વડોદરાના વિનોદ આયંગર.
આયંગર અટક વાંચીને તમને નવાઈ લાગશે પણ હા, આ તમિળભાષી એટલે કે એક બિનગુજરાતીએ આ લાજવાબ ગરબાની રચના કરી છે. આમ તો એ પોતે બહુ સારા વાયોલિનવાદક છે પરંતુ, સિત્તેરના દાયકામાં રાગ આહિર ભૈરવમાં એમણે આ ગરબાની ધૂન બેસાડી. આ કલાકારે એવી જાદુઈ ધૂન સર્જી કે પ્રગટ થતાં જ હજારોના દિલમાં દીવો કરી ગઈ.
"આહિર ભૈરવ મારો ખૂબ પ્રિય રાગ છે. ગુજરાતી મારી ભાષા ન હોવા છતાં મને આ ભાષામાં ગરબો લખવાનો વિચાર આવ્યો કારણ કે આમ તો હું વડોદરાનો, ગુજરાતનો જ છું એટલે જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત જ. એક દિવસ અચાનક ગરબાના શબ્દો ઉતારવા માંડ્યા, જેને મઠારવામાં મારા મિત્ર રાહુલ તિવારીએ મને મદદ કરી.” કહે છે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા વિનોદ આયંગર. "રાગ આહિર ભૈરવ પર આધારિત મન્ના ડેએ ગાયેલું પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ .. ગીતનો મારા પર બહુ પ્રભાવ હતો એટલે એ રાગને લઈને ગરબો કમ્પોઝ કરવો એમ વિચાર્યું. ૧૯૮૦માં પહેલી વાર અતુલ પુરોહિતે આ ગરબો ગાયો અને ઈન્સ્ટન્ટ હિટ થઈ ગયો. તારા વિના શ્યામ ..ને અત્યંત લોકપ્રિય કરવામાં અતુલભાઇનો મોટો ફાળો છે. પછી તો દરેક નવરાત્રિનું એ અવિભાજ્ય અંગ બની ગયો હતો. સાવ સહજ રીતે તેઓ કહે છે.
એમ.એસ. યુનિવર્સિટીના સ્નાતક વિનોદ આયંગરે સંગીત વિશારદ કર્યું છે અને ગરબા સહિત ઘણા કાર્યક્રમોમાં વાયોલિન વગાડે છે. તેઓ કહે છે કે, "મારી મા કર્ણાટક સંગીતનાં કલાકાર છે. એમના આગ્રહથી મેં વાયોલિન શીખવાનું શરૂ કર્યું. મ્યુિઝકમાં ખૂબ મજા આવવા લાગી. જો કે ડી.જે. કલ્ચરને કારણે ગરબો એનું મૂળ સ્વરૂપ ગુમાવી રહ્યો છે એનું મને દુ:ખ છે, કહે છે વિનોદભાઈ. એમની વાત સાથે આપણે સહમત થવું જ પડે. ડી.જે. કલ્ચરને લીધે સોસાયટીઓમાં નાને પાયે થતાં ગરબા અને ગૃહિણીઓનું ઇન્વોલ્વમેન્ટ સાવ ઘટી ગયાં છે. પહેલાં સાચી રે મારી સત રે ભવાનીના ગરબા ગવાતા હતા, હવે સંજય ભણસાલીના ગરબા ગવાય છે. જો કે એમનાં માતા લીલા ભણસાલી ગરબાનાં બહુ જ સારા કોરિયોગ્રાફર છે એટલે સ્વાભાવિક છે કે સંજયના લોહીમાં પણ ગરબા ઘૂમતા હોય. અલબત્ત, પ્રાચીન ગરબાનું માહાત્મ્ય ઘટવું ન જ જોઈએ. એટલે પાંચ દસ હજારના ગ્રાઉન્ડમાં કાલા કૌઆ કાટ ખાયેગા કે પછી નગાડા સંગ ઢોલ બાજે ભલે ગવાતાં હોય પણ નાગર ગૃહિણીઓએ ગરબાની પરંપરા સચવાઇ રહે એ માટે બેઠા ગરબા દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખ્યા છે. ગુજરાત અને મુંબઈમાં તો આ ગરબા થાય જ છે પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ નાગરોએ બેઠા ગરબાની પરંપરા સાચવી રાખી છે.
————————————
પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ દ્વારા ગરબાની રજૂઆત
ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
ઘૂમે એનો ગરબો ને ઝૂમે તેનો ગરબો
સૂર્ય ચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો
દિવસ પણ ગરબો અને રાત પણ ગરબો
સંસ્કૃિત ગરબો ને પ્રકૃતિ ગરબો … ગરબો ગુજરાતની
વાંસળી છે ગરબો ને મોરપીંછ ગરબો
ગરબો મતિ છે સહમતિ છે ગરબો
વીરનો ય ગરબો અમીરનો એ ગરબો … ગરબો ગુજરાતની
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે,
ગરબો જીવનની હળવી નિરાંત છે
કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો .. ગરબો ગુજરાતની.
• કવિ : નરેન્દ્ર મોદી • સંગીતકાર : બિંદુ ત્રિવેદી • ગાયિકા : ઐશ્વર્યા મજમુદાર અને અમી પરીખ
ટૅક્નોલૉજીનો ફાયદો એ છે કે હવે દુનિયાના કોઈ પણ ખૂણે થતી પ્રવૃત્તિની જાણ આપણા સુધી આસાનીથી પહોંચી શકે છે. હમણાં જ એક સરસ વીડિયો જોવા મળ્યો જેમાં આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલો એક લયકારી ગરબો અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ રજૂ કર્યો.
દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર ક્લાસ વન ઑફિસર રહી ચૂકેલાં આ ગરબાના સ્વરકાર અને કોરિયોગ્રાફર બિંદુ ત્રિવેદી કહે છે, "નરેન્દ્ર મોદીનાં ઊર્મિ કાવ્યોને સ્વરબદ્ધ કરી મેં થોડા સમય પહેલાં ‘ધનભાગ ’ આલબમ બહાર પાડ્યું હતું પરંતુ મને માત્ર એ કવિતાઓ સ્વરબદ્ધ કરવા ઉપરાંત પણ કંઈક વિશેષ કરવાની ઇચ્છા હતી. મેં અમદાવાદના અંધજન મંડળનો સંપર્ક સાધી, અંધ કન્યા વિદ્યાલયની કન્યાઓ પાસે આ ગરબો કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. અંધ કન્યા પ્રકાશ ગૃહના ટ્રસ્ટીએ તરત પરવાનગી આપી દીધી. દીકરીઓનો ઉત્સાહ પણ સાતમા આસમાને હતો કારણકે એમણે ક્યારે ય ગરબો કે નૃત્ય કર્યાં જ નહોતા. એમની હોંશ કોણ પૂરી કરે? દરરોજ સાંજે સઘન તાલીમ આપી ગરબાનું પ્રોડક્શન કરી વહેતો મૂક્યો કે તરત જ વાયરલ થઇ ગયો હતો.
નરેન્દ્ર મોદી સાહેબે આ સંદર્ભે ખુશી વ્યક્ત કરતું ટ્વિટ પણ કર્યું હતું. દ્રષ્ટિહીન કન્યાઓને સ્ટેપ શીખવાડવા એમની શાળાના સમયને બાદ કરીને તાલીમ આપવી એ અઘરું તો હતું જ પણ મને ખૂબ આનંદ છે કે આ દીકરીઓની હોંશ પૂરી થઈ. એટલું જ નહીં સાતથી બાર વર્ષની નાનકડી અંધ કન્યાઓએ પણ ગરબા શીખવાની ઉત્સુકતા દર્શાવતાં અમે હેમા દેસાઈએ ગાયેલો દીવાનો ગરબો આ નાનકડી દીકરીઓને પણ શીખવાડ્યો હતો. ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવી ચૂકેલાં બિન્દુબહેન હવે કૅન્સર જેવી બીમારીને મ્હાત આપીને હવે સંગીતને સમર્પિત છે. આ ગરબો અગાઉ દેવાંગ પટેલે પણ સ્વરબદ્ધ કર્યો હતો પણ આ વર્ષે નેત્રહીન કન્યાઓની પ્રસ્તુિતથી વધુ પ્રચલિત બન્યો.
ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ દિવસ નવરાત્રિના ઉપવાસ રાખે છે, ૨૦૧૪માં જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમણે માત્ર લીબું પાણીનું જ સેવન કરીને સભાઓ સંબોધી હતી, જેનાથી તે સમયના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ ચોંકી ગયા હતા. છેલ્લાં ૪૦ વર્ષથી નવરાત્રિનું વ્રત કરનાર મોદીસાહેબે એમના બ્લોગમાં એકવાર જણાવ્યું હતું કે તેઓ આત્માના શુદ્ધિકરણ માટે ઉપવાસ કરે છે, અને આ વ્રત તેમને અપાર શક્તિ આપે છે. નવરાત્રી દરમ્યાન થતી અનુભૂતિને એમણે ‘સાક્ષીભાવ’ નામના તેમના પુસ્તકમાં ઊતારી છે.
દ્રષ્ટિહીન દીકરીઓએ રજૂ કરેલા આ ગરબાને જીવંત જોવાની અને ઐશ્વર્યાને કંઠે સાંભળવાની મજા અનેરી જ છે. માતાજીના ગોખનું અજવાળું અંધ કન્યાઓના જીવનમાં પથરાયું એનો વિશેષ આનંદ. નવરાત્રીની પૂર્ણાહુતિએ માતાજીની કૃપા સૌ પર સદૈવ વરસતી રહે એ જ શુભકામના.
—————————-
‘મી ટૂ’ મૂવમેન્ટ અને પરંપરાને આગળ ધપાવતા બેઠા ગરબા
શક્તિની ભક્તિના આ પર્વ વખતે શક્તિસ્વરૂપા સ્ત્રીઓની ‘મી ટુ’ મૂવમેન્ટ પણ વેગ પકડી રહી છે. માંધાતાઓના નામ એક પછી એક બહાર આવી રહ્યાં છે. પુરાવાઓ વિના કોઈ પણ સત્ય અર્ધસત્ય જ બની રહે છે, તેમ છતાં સ્ત્રીઓ હવે ખરેખર મા દુર્ગા બનીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે એ મુદ્દો અવગણવા જેવો તો નથી જ.
આ વિષય પર ગહન ચર્ચા થઈ શકે પણ આપણો એ વિષય નથી એટલે અહીં આ વર્ષે જોવા મળેલા વૈવિધ્યપૂર્ણ ગરબાઓ વિષે થોડીક વાત કરવી છે. ઘણાં વર્ષે પહેલી વખત કેટલાક કવિઓ, જૂથો અને બહેનોએ ગરબાના અવનવા પ્રયોગો કર્યા એનાં વીડિયો જોઈ, ગરબા સાંભળીને ખરેખર નવાઈ લાગી. આશા પણ બંધાઈ કે આજના મુદ્દાઓને અથવા વિષયને આવરી લઈને ગરબાનું સર્જન નવી પેઢીને આકર્ષવા કરી શકાય છે એટલું જ નહીં, સામાજિક જાગૃતિ અને ગહન સંદેશ પણ બહેનોના મોટા વર્ગ સુધી પહોંચાડી શકાય છે.
ઈલા આરબ મહેતાની નિગરાની હેઠળ ‘લેખિની’ની બહેનોએ આ વર્ષે સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપતા ગરબા લખ્યાં અને એ ગરબે તેઓ ઘૂમ્યાં પણ ખરાં. મમતા પટેલનો આ ગરબો વાંચો : આંસુડા પી પી થાક્યાં મારી મહિયર, આંસુડા પી પી થાક્યાં રે લોલ, હવે રડીને નહીં બેસીએ મારી સહિયર, રડી રડીને નહીં બેસીએ રે લોલ ..! જાણીતાં કવયિત્રી ખેવના દેસાઇએ ‘મી ટુ’ના સમર્થનમાં એક ગરબો લખ્યો : વર્ષોનાં વહાણાં વાયાં પણ ઘાવ હજુ તાજા સાહેલડી, જાણ્યાં તે વખ કેવાં પાયા? કે ઘાવ હજુ તાજા સાહેલડી, સરખી સાહેલડીએ માંડી જ્યાં વાત, ત્યાં તો એક પછી એક જખમ ખૂલ્યા, શેહ ને શરમ કે હતો ભયનો ઓથાર, નહોતાં બોલ્યાં ને તો ય નહોતાં ભૂલ્યાં, માયા કહી ચૂંથી લો કાયા? કે ઘાવ હજુ તાજા સાહેલડી …!
તો બીજી બાજુ આપણા કેટલાક કવિઓ પણ સરસ નવા ગરબા લઈને આવ્યા. અમદાવાદના યુવાન સંગીતકાર નિશીથ મહેતાએ યુવા કલાકારોને સથવારે તુષાર શુક્લનો એક સુંદર ગરબો સ્વરબદ્ધ કર્યો તો અંકિત ત્રિવેદીનો લખેલો, તરવરાટ તરવરાટ નવલી નવરાત, તરવરાટ તરવરાટ ગરબે ઘૂમે છે માત, ખેલૈયા મુને રમવા દે … નામનો ગરબો રાગ મહેતા અને નયના શર્માના અવાજમાં આજકાલ અમદાવાદમાં ધૂમ મચાવી રહ્યો છે. અલબત્ત ૨૦મી શતાબ્દીના મધ્યમાં નારીવાદ જેવી પશ્ચિમી વિચારધારાએ ભારતમાં હજુ તો માંડ ડગ ભર્યાં હતા બરાબર તે જ ગાળામાં આપણા સુપ્રસિદ્ધ ગીતકાર – સંગીતકાર નિનુ મઝુમદાર દ્વારા આ પંક્તિઓમાં ભારતીય નારીનું અથવા શક્તિ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે : હે આવ્યાં આવ્યાં બ્રહ્માંડના ચોકે મહારાણી અંબા, ગરબે રમવાને માડી નિસર્યા, સર્જન બિંદુ માનું પ્રગટી ઘર-ઘરમાં સોહાય, દેવ રમે છે સઘળે, જ્યાં જ્યાં નારીઓ પૂજાય ..! સ્ત્રી સ્વાતંત્ર્ય કે સ્ત્રી સમાનતા જેવી સાંપ્રત નારીવાદી સંજ્ઞાઓ સદાકાળથી નાગર પરિવારોમાં પ્રસ્થાપિત રૂપે જોવા મળે છે. એનું ઉદાહરણ છે નાગર જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણ બાબતે જાગૃતિ અને સક્રિયતા.
મુંબઈમાં બેઠા ગરબા સૌપ્રથમ ૧૯૫૫ની આસપાસ શ્રી વડનગરા નાગર મંડળ, જેણે હમણાં જ ૧૦૮ વર્ષ પૂરાં કર્યાં એના નેજા હેઠળ શરૂ કરવામાં આવ્યા હતા. સુલેખા બક્ષી દ્વારા બેઠા ગરબાની શરૂઆત થઇ હતી અને અત્યારે વિલેપાર્લેના ગરબા છેલ્લા પંદરેક વર્ષથી રાજશ્રી ત્રિવેદી સંભાળે છે. મુંબઈના પરા અંધેરીમાં પણ પાંચ દાયકાથી નવરાત્રિની બપોરે ૩ થી ૫ દરમ્યાન અંધેરીની ‘નાગરાણીઓ’ જેમને અંધેરીની ‘મહારાણીઓ’ના હુલામણા નામથી સંબોધવામાં આવે છે એ નાગર મહિલાઓ માતાજીને ગમતાં સોળ શણગાર ને અવનવી સાડીઓ પહેરીને કર્ણપ્રિય ગરબાઓ સ્વકંઠે એક પછી એક ગાઈને જે ‘રમઝટ ’બોલાવે ત્યારે દૈવી વાતાવરણ સર્જાય છે. માનો સાક્ષાત્કાર થતો હોય એવી અનુભૂતિ થાય છે.
ગરબાઓની વિવિધતા અહીં ઉલ્લેખનીય છે. ગુજરાતી સંગીતજગતની સુપ્રસિદ્ધ સુરીલી, સૂર સાધક જોડી આશિત દેસાઈ-હેમાંગિની દેસાઈ દ્વારા રચિત જાણીતા સુમધુર અને ભાવપૂર્ણ ગરબાઓ અર્ચિતા મહેતા રજૂ કરે જ્યારે પ્રાચીન ગરબાઓ ધારિણી મહેતા, અવનિબહેન, જાગૃતિબહેન, જાહન્વી વૈષ્ણવ, મૈથિલી ઓઝા, પ્રીતિ દિવાનજીના કંઠે ખૂબ જ સરસ ગવાય અને ઝિલાય છે. નાગર સ્ત્રીઓમાં આ બેઠા ગરબાનું મહત્ત્વ એટલું બધું છે કે દરેક સ્ત્રી બપોરે ૩ થી ૫નો સમય માતાજીની આરાધના પાછળ ફાળવે છે. બોરીવલીનાં પૂર્ણાબહેન વૈદ્યને ત્યાં યોજાયેલા બેઠાં ગરબામાં વિલેપાર્લેની નાગર મહિલાઓ ખાસ બસ કરીને પહોંચી હતી.
બેઠા ગરબાની ખાસિયત એ છે કે લગભગ દરેક ગરબા ઉત્તમ સાહિત્ય કૃતિ સમાન હોય છે, શાસ્ત્રીય રીતે સ્વરબદ્ધ કરેલા હોય છે અને ઘણીવાર અઘરા પણ હોય છતાં, નાગર મહિલાઓ સુમધુર કંઠે ક્ષણના ય વિલંબ વિના એક પછી એક ગાતી હોય છે. કાંદિવલીમાં હરિપ્રિયાબહેન યાજ્ઞિકના ઘરે દર આઠમે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. આમ કવિ વલ્લભ ભટ્ટથી આરંભ થયેલો ગરબો કવિ નાનાલાલ, એ પછીના કેટલાક આધુનિક કવિઓ તથા ગરવી ગૃહિણીઓ દ્વારા આજ સુધી પહોંચ્યો છે.
દરેક કોમમાં પણ ગરબા ગાવાની અને રમવાની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. વડોદરાના ગરબામાં સુગમ સંગીતની છાંટ જોવા મળે છે અને ત્યાં દોઢિયું ઘણું લોકપ્રિય છે. અમદાવાદમાં પોપટિયુ, પંચિયુ આધુનિક વાદ્યો સાથે ખેલાય છે. કચ્છમાં જુદી જ રીતે રમાતા દાંડિયાનું મહત્ત્વ છે તો ઉત્તર ગુજરાતમાં પુરુષો ગરબી ખૂબ ગાય છે. મુંબઇનાં ગરબા કોરિયોગ્રાફર વંદના દેસાઈએ ગરબામાં વિશિષ્ટ પ્રયોગો કર્યા છે જેમાં, નિનુ મઝુમદારના ગરબા ઋતુરંગ, નવરસ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીકનો પ્રયોગ ઉલ્લેખનીય છે. માનો ગરબો રે ઘૂમે રાજને દરબાર એ પરંપરાગત પંક્તિ લઈને બાકીની પંક્તિઓમાં ભારતના જુદા જુદા પ્રદેશો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મણિપુર, બંગાળ ઇત્યાદિ આવરી લઈને એમણે આ ગરબો લખ્યો હતો. દરેક પ્રદેશને અનુરૂપ સંગીત નિયોજન અને સ્વરાંકન એમના પુત્ર ઉદય મઝુમદારે પણ ખૂબ સરસ કર્યું હતું. નિનુભાઈએ પતંગનો ગરબો પણ લખ્યો છે.
કાઠિયાવાડના ગરબા એક સરખી જોરદાર તાળીઓ, ઠેસ ને ચપટી લઈને લેવાય અને ધીમે ધીમે ગતિ વધારવામાં આવે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્યાંની ટિપિકલ બોલીમાં હાથમાં છત્રી રૂમાલ કે મોરપીંછ લઈને ગરબા ગવાય. કેટલાકને પ્રશ્ન થાય કે ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં કે અન્ય શબ્દો કેવી રીતે આવે? તો એનો જવાબ આ છે. અવિનાશ વ્યાસે એક ગરબો લખ્યો એમાં ગરબો કહે છે કે આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રી કૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ. એટલે જ આજે ગાયકો ફિલ્મોનાં ગીતો પણ ગરબાના તાલે ગવડાવે છે. જેમ કે ફિલ્મ ‘રઈસ’નું, ઊડી ઊડી જાય કે ‘કાઈપો છે’નું હો શુભારંભ કે પછી સંજય લીલા ભણસાલીનું ઢોલી તારો ઢોલ બાજે જેવાં કોઈ પણ ગીતો ગરબા સ્વરૂપે ગાઈને લોકોને નચાવવામાં આવે છે. અરે, કહે દુ તુમ્હેં, ની સુલતાના રે જેવાં ગીતોના તાલે પણ લોકો ઝૂમે છે.
આમાં માતાજીની સ્તુિત ક્યાં આવી એવો પ્રશ્ન ન પૂછવો.
—————————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 અૉક્ટોબર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441068