આસામમાં રહી ગયેલાં નામો અંગેની તેમ જ આનુષંગિક કારવાઈ બાબતે આગામી ૧૬મી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટ સુનવાઈ કરશે પણ જે માહોલ બન્યો છે તે વ્યાપક રાષ્ટ્રીય નિસબતની બાબત છે. ‘તો ગૃહયુદ્ધ થશે’ એ મતલબના મમતા બેનરજીના ઉદ્ગારો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સને પરબારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળતી અમિત શાહની વીરવાણી : લાગે છે, ૨૦૧૯ના ચુનાવી જંગનો પૂર્વરંગ નાના પડદા થકી આપણાં દીવાનખાનાઓમાં ખાબકી પડ્યો છે.
આ એન.આર.સી. આખરે છે શુ? નાગરિક નોંધણીપત્રકનો મુદ્દો આ ક્ષણે અગત્યનો એ વાસ્તે છે કે આસામ વર્ષોથી, ‘વિદેશી નાગરિકો’ના પ્રશ્ને, ખરું જોતાં વ્યાપક અને મૂળગામી સમજના ધોરણે તો ૧૯મી સદીથી કંઈક અસ્વસ્થ રહેલ છે. હજુ થોડા દસકાઓ પૂર્વે ‘વિદેશી’ સંજ્ઞા અસમિયા ઉદ્ગારોમાં આસામ બહારના હર હિંદુસ્તાની સુધ્ધાં માટે છૂટથી વપરાતી હતી. પરપ્રાંતીયો આવ્યા અથવા એમને લાવવામાં આવ્યા, એથી આપણું સમાજજીવન ડહોળાયું અને અસ્તવ્યસ્ત થયું છે, એવી એક લાગણી પણ કેટલેક અંશે રહેતી આવી છે. ૧૯મી સદીના સાંસ્થાનિક વારામાં આાસમમાં જ ‘પ્લાન્ટેન્શન ઇકોનોમી’નો દોર શરૂ થયો અને પ્રદેશની પ્રમુખ પ્રવૃત્તિ પેઠે ઊંચકાયો એને સારુ છોટા નાગપુર વગેરે વિસ્તારોના આદિવાસીઓથી માંડીને બંગાળના મુસ્લિમ ખેડૂતો સહિતના ખાસા હિસ્સાને આસામમાં વસાવાયો હતો. સરહદી વિસ્તાર અને સંયોગવશ પડેલા ભાગલા પણ સીમાપારની અવરજવરનો એક સંદર્ભ પૂરો પાડે છે, અને બાંગલાદેશના મુક્તિસંઘર્ષગત નિર્વાસિતોનો (અહીં એમના પુનર્વસન સહિતનો) પણ ચોક્કસ સંદર્ભ છે.
આસામની આ અસ્વસ્થતા, અજંપાને વટીને આક્રોશ અને આંદોલન સ્વરૂપે આજથી સાડા ત્રણ દાયકા પર એક નિર્ણાયક મોડ પર પ્રગટ થઈ અને ૧૯૮૫માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આ આંદોલનના નેતાઓ સાથે સમાધાનની એક ફોર્મ્યુલા ઘડી કાઢી. આસુ (ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન) અને આસામ ગણ પરિષદે ત્યારે ‘વિદેશી ઘૂસણખોરો’ને શોધી કાઢી હાંકી મૂકવાની રીતે આ સમજૂતી પર ભાર મૂક્યો હતો, અને રાજીવ ગાંધી તેમ જ કૉંગ્રેસની જેમ ભા.જ.પ. સહિત અન્ય પક્ષો એ મુદ્દે એક એકંદરમતી પર પહોંચ્યા હતા. આસામ ગણ પરિષદે રાજ્યમાં સત્તા ભોગવી છે, તો એન.ડી.એ.ના ઘટક તરીકે તે ચોક્કસ સમય કેન્દ્ર સરકારમાં પણ સત્તા-સહભાગી રહેલ છે. ૧૯૮૫ પછી ૧૯૯૮-૨૦૦૪ના એન.ડી.એ. દોર સહિતના તબક્કાઓમાં વિદેશીઓની નોંધણીને મુદ્દે અને હકાલપટ્ટીને મુદ્દે કોઈ નિર્ણાયક કામગીરી નથી થઈ એ ઇતિહાસવસ્તુ છે, પણ ૨૦૧૪ની ચૂંટણીમાં ભા.જ.પે. આસામમાં આને એક મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો એ પણ હકીકત છે.
દરમિયાન, હમણેનો ઉપાડો એક અર્થમાં સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને આભારી છે. સર્વોચ્ચ અદાલતે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એન.આર.સી.) તૈયાર કરવા કહ્યું અને એ પ્રક્રિયા શરૂ તો થઈ, પણ આ પ્રશ્નનાં બીજાં કેટલાંક પાસાં હજુ વણઉકલ્યાં છે અને તે માટે ખુદ સર્વોચ્ચ અદાલતે બૃહત્તર બૅન્ચની જરૂરત પ્રમાણી છે. હવે આ જે રજિસ્ટર બન્યું એની મર્યાદાઓ પણ સમજવી જોઈએ હાલ એનો જે ડ્રાફ્ટ પ્રગટ થયો છે. તે પૂર્વે ૨૦૧૭ ઊતરતે /૨૦૧૮ બેસતે જે ડ્રાફ્ટ બહાર પડ્યો હતો એમાં રાજ્યની અરધોઅરધ, રિપીટ, અરધોઅરધ કરતાં વધુ વસ્તી ગાયબ હતી. પછીના મહિનાઓમાં અરજીમારા સહિતની કારવાઈ પછી હજુ થોડા દિવસ પર જે સુધારેલો ડ્રાફ્ટ આવ્યો તે છેક અગાઉની હદે ગયેલ નથી, પણ ખાસા ચાલીસ લાખ લોકોને (રાજ્યની વસ્તીના દસ ટકાથી પણ વધુ લોકોને) એમાં બાદ રખાયા છે. એક જ કુટુંબના કેટલાક સભ્યો અંદર તો બીજા બહાર હોય એવું બન્યું છે, જેમને વૉર વેટરન કહી શકાય એવા લોકો પણ બહાર રહી ગયા છે, અને પૂર્વરાષ્ટ્રપતિનાં સગાં પણ!
અહીં જરી સબૂરી અને સાવધાનીના બે બોલ પણ નોંધી લેવા જોઈએ. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે આ કોઈ આખરી યાદી નથી. વાંધા અરજીઓ સહિત પુનર્વિચાર અને સુધારાની પ્રક્રિયા તરતમાં શરૂ થશે. સંબંધિત સૌને પોતાનો કેસ મૂકવાની પૂરી સહુલિયત પછી જ આ યાદીને આખરી ઓપ અપાશે. (જો કે, સર્વોચ્ચ અદાલતના મોનિટરિંગ છતાં હાલના નોંધણી મિકેનિઝમ વિશે ખાસી ફરિયાદો છે, એ જુદી વાત છે.) ચૂંટણી પંચે પણ વધુમાં એક મહત્ત્વની સફાઈ એ આપી છે કે રજિસ્ટરમાં ન હોય છતાં મતદાર યાદીમાં હોય એ સૌ મતદાન કરી શકશે.
આટલી સફાઈ છતાં તનાવ બરકરાર છે. એનું સહસ્ય શેમાં હશે, એ સવાલનો જવાબ શોધવા લાંબે જવું પડે એમ નથી. અમિત શાહે સુરક્ષાનો મુદ્દો આગળ કરીને જે આક્રમક ભૂમિકા લીધી છે એમાં તેલંગણના ભા.જ.પ. ધારાસભ્ય રાજસિંહની પેઠે માત્ર એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે કોઈ રજિસ્ટર્ડ ન થયેલ હોય અને દેશ ન છોડી જાય તો એને ગોળીએ દેવો જોઈએ. અહીં એક નિર્ણાયક જળથાળનિર્દેશ મોડું કર્યા વગર કરી નાંખવો જોઈએ – અને તે એ કે આસુ -આસામ ગણ પરિષદ સઘળાં બાંગલાદેશી ઘૂસણખોરોને શોધી કાઢી રવાના કરવાની વાત કરતા હતા, પણ ભા.જ.પ. ઘૂસણખોરો પૈકી કેવળ મુસ્લિમોને અલાયદા તારવવાનું કહે છે.
૨૦૦૬માં એણે નાગરિક અને મતદાર યાદીમાંથી કોને સ્વીકારવા અને કોને નકારવા તે અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જે કાનૂની સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે એની વિગત જોતાં મુસ્લિમોને અલગ તારવવાની એની ગણતરી બાબત બેમતને સ્થાન નથી. જે પણ ખ્રિસ્તી, જૈન, શીખ વગેરે આપણે ત્યાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગલાદેશમાંથી આવી છ વરસથી રહેતાં હોય તે સૌને નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર છે. મતલબ, જે મુસ્લિમ છે તે વ્યાખ્યાગત રીતે કેવળ અને કેવળ ઘૂસણખોર છે, જે મુસ્લિમ નથી તે શરણાર્થી છે.
સાંસ્થાનિક સમયથી આસામમાં બહારથી વસવા અને વસાવવાની જે પ્રક્રિયા શરૂ થઈ હતી, અને ૧૯૪૭ના ભાગલા તેમ જ ૧૯૭૧ની બાંગલા ઘટના સાથે જેમાં ઉમેરો થયો છે એ આખા ઘટનાક્રમમાં તમને મુસ્લિમ હોવાને નાતે જુદા પાડવાનું અને ‘ધ અધર’ લેખે નિશાન બનાવવાનું તથાકથિત રાષ્ટ્રવાદી વલણ હવે મુખ્ય થઈ પડ્યું છે. છતે ભાગલે, ૧૯૫૧ના એન.આર.સી.માં જે વાનું નહોતું, આસુ અને આસામ ગણ પરિષદની જે માંગ નહોતી, એવું આ પરિમાણ છે. ૨૦૧૯ની સામી ચૂંટણીએ વિકાસમતનો દાવો જેમ જેમ પાછો પડતો જાય છે તેમ તેમ કોમી દૃઢીકરણ અને કોમી ધ્રુવીકરણની રાજનીતિ ભા.જ.પ.ને માટે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે એક તરણોપાય તરીકે ઉભરતી માલૂમ પડે છે.
આસામમાં (જેમ બીજે પણ) કારવાઈ જરૂરી નથી એવું નથી. પણ એ કારવાઈ રાષ્ટ્રવાદની હાલની સત્તાપક્ષી તરાહ અને તાસીર પ્રમાણે કરવા જતાં જે ભય છે તે સૂંઢના સ્થાનફેરે હાથીને બદલે વાનરના નિર્માણનો છે. (વિનાયકઃ પ્રકુર્વાણઃ રચયામાસ વાનરં.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 03-04