 ‘જ્ઞાન’ શબ્દ સાથે આ દેશનો પુરાણો નાતો છે. અખો કહે છે, ‘પણ તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’. છતાં સાડા છસો વર્ષ પછી પણ, કથાકારો કથા કરે જ જાય છે અને મોક્ષ, પરમપદ, વૈકુંઠ, કૈવલ્યધામ, બ્રહ્માવસ્થા વગેરે પામવા માટે લાખો અને કરોડો લોકો યાત્રા, પદયાત્રા, મેળા, કથા, પારાયણ વગેરેમાં ઊમટતા જ રહે છે. અખાએ શોધેલા જ્ઞાનનો આ સમાજને કોઈ જ ઉપયોગ નથી.
‘જ્ઞાન’ શબ્દ સાથે આ દેશનો પુરાણો નાતો છે. અખો કહે છે, ‘પણ તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’. છતાં સાડા છસો વર્ષ પછી પણ, કથાકારો કથા કરે જ જાય છે અને મોક્ષ, પરમપદ, વૈકુંઠ, કૈવલ્યધામ, બ્રહ્માવસ્થા વગેરે પામવા માટે લાખો અને કરોડો લોકો યાત્રા, પદયાત્રા, મેળા, કથા, પારાયણ વગેરેમાં ઊમટતા જ રહે છે. અખાએ શોધેલા જ્ઞાનનો આ સમાજને કોઈ જ ઉપયોગ નથી.
‘જ્ઞ’માંથી ‘જ’ બને એટલે જ્ઞાનને ‘જાણવા’ અને ‘સમજવા’ સાથે નીકટનો નાતો બંધાય છે. છતાં રસ્તાની દિશા જાણનાર ‘જ્ઞાની’ નથી. મહાભારતના વિદુર જ્ઞાની ઓછા પણ વિવેકી વધુ હતા. મહાભારત રચનારા અને તે પહેલાં વેદનું ચાર ભાગમાં વિભાજન કરનારા વ્યાસ મુનિ જ્ઞાની તો ખરા જ ને ! પણ જીવનના અંતિમ પડાવ વખતે એમને એક પ્રશ્ર્ન ઊભો થયો. વેદ અને ઉપનિષદોના જ્ઞાનના આધારે તેમણે મહાભારત રચ્યું. તે વખતે ઇરાદો હતો કે આવનારા સમયના સમાજને કરવાજોગ અને ન કરવાજોગ વ્યવહારવર્તનનો બોધ કરાવવો. એ સંદર્ભમાં મહાભારત ‘શિક્ષણ’ માટેનો ગ્રંથ ગણાય. પરંતુ પોતાના જીવનભરનાં કાર્યોના વહીવંચા ઊથલાવી ગયા પછી પણ મનમાંથી અજંપો ગયો નહીં. તે સમયે, કથા કહે છે તેમ, નારદ મુનિ બ્રહ્માજીના આપેલા ચાર શ્લોકો લઈને આવ્યા. આ ચાર શ્લોકો એટલે ચતુ:શ્લોકી ભાગવત. તે પછી આવનારા સંસારને સુખમય રીતે ચલાવવાની પોતાની નિસ્બતને કારણે વેદ વ્યાસે ભાગવત પુરાણ રચ્યું. ઘણા તેને ‘સુખ સાગર’ પણ કહે છે. અહીં પણ ઈરાદો શિક્ષણનો જ હતો. મહાભારતની ઘણી મૂલ્ય-પ્રણાલીઓને ભાગવતમાં બદલી ભૂંસવામાં આવી છે. વળી, રાજા-મહારાજાઓ અને પ્રચંડ અને અટંકી પાત્રોને સ્થાને સામાન્ય જનવ્યવહારના પ્રેમ, ત્યાગ અને માનવીયતા સહિતની ભક્તિને આગળ કરવામાં આવ્યાં છે.
વેદ કે ઉપનિષદમાં મુખ્યત્વે બ્રહ્મની ઉપાસના છે. આત્મસાધન, જીવનમુક્ત દશા, સાક્ષાત્કાર વગેરે તેના આવિષ્કારો છે. શિષ્ય સંશયછિન્ન થઈને ‘અહં બ્રહ્માસ્મિ’ કહે અને ગુરુ ‘તત્ત્વમસિ’ની મહોર મારે તેવી અંતિમ પરાકાષ્ઠાની વિભાવના રખાઈ છે. સાથોસાથ તે સ્વકેન્દ્રી પણ છે. અંતરમુખતા, મૌન, એકાંતવાસ, બ્રહ્મચર્ય, સંન્યાસ, હિમાલયે તપ તપવાં, વગેરે માર્ગ પેલા કથાકારો અને સાધુસંતોએ દર્શાવ્યા છે. આવા બહુમતિ વિચારો ધરાવનાર દેશમાં સમાજ, સામાજિક અનુબંધ, બંધુતા, સામાજિક કાર્ય વગેરેમાં ઝાઝી દિલચશ્પી ન હોઈ શકે. વેદઉપનિષદ (સામાન્ય રીતે ઘણા લોકો આ બંને શબ્દોને એક સાથે અને એક શ્વાસે બોલી નાખે છે)માં બ્રહ્મ અને પરમતત્ત્વનું જે વર્ણન છે તે માણસને એકાકી અને સમાજ-વિમુખ બનાવી મૂકે તેવું છે. બે દાખલા લઈએ,
(1) આરુણી-ઉદ્દાલક : પુત્ર ઉદ્દાલક ગુરુને ઘેર બાર વર્ષ રહીને ઘણું જ્ઞાન મેળવીને આવ્યો પણ પિતા આરુણીને પુત્ર ઉદ્દાલકના રોજિંદા વ્યવહાર ઉપરથી જ્ઞાનમાં ઘણી ત્રુટિઓ જણાઈ. વડના ટેટાની અંદર રહેલાં બીજમાં આખો વડ સમાયેલો છે તે તેમણે સમજાવ્યું. જે જાણવાથી અજ્ઞાતને જ્ઞાત બનાવી શકાય અને અશ્રોત(સાંભળ્યું ન હોય)ને શ્રોત (સાંભળ્યું હોય તેવું) બનાવી શકાય છે. બ્રહ્મ છે; તેવો ઉપદેશ ઉદ્દાલક આરુણી પાસેથી પામે છે. પણ આ જ્ઞાન, શિક્ષણ, ઉપદેશ અથવા બોધની કક્ષાનું છે. તેમાં તાલીમ અને કેળવણીના ઘટકો નથી.
(2) સત્યકામ-જાબાલિ : સત્યકામ બાર વર્ષનો થયો એટલે માતા જાબાલિ પાસે જઈને ગુરુગૃહે જવાની આજ્ઞા માગી. ગુરુ ગૌતમ ઋષિ પાસે પહોંચીને તેણે પ્રવેશ માંગ્યો ત્યારે ગુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું ?’ માતા જાબાલિએ શીખવ્યા મુજબ પુત્ર સત્યકામે કહ્યું, ‘મારી માતા આશ્રમોમાં આવતા જતા ઋષિમુનિઓની સેવા કરતી હતી, તે પૈકી કોણ મારા પિતા હતા અને તેમનું ગોત્ર કયું હતું તે ખબર નથી.’ ગુરુએ તેને પ્રવેશ તો આપ્યો પણ એમ કહીને કે, તારી વાણીનું તેજ જોતાં તું ઊંચા કુળનો જણાય છે. પછી તેને આશ્રમમાં રાખીને અભ્યાસ કરાવવાને બદલે ચારસો નબળી ગાયો આપીને વનમાં મોકલ્યો. આ ગાયો તંદુરસ્ત બને અને સંખ્યા વધીને 1,000 ઉપર પહોંચે પછી તેને પાછા આવવાનું હતું. જંગલનું એકાંત અને માત્ર ગાયોની જ સોબત વેઠીને તેણે વર્ષો વીતાવ્યાં. ગાયોની સંખ્યા હજાર ઉપર પહોંચી એટલે ધણ સાથે પાછા ફરતા રસ્તામાં બે વૃષભ, હંસ અને બગલો બ્રહ્મોપદેશ કરીને કહે છે : બ્રહ્મ પ્રકાશમાન છે, બ્રહ્મ અનંત છે, બ્રહ્મ જ્યોતિષમાન છે અને બ્રહ્મ આયતનવાન (આધારરૂપ) છે, આ ચારેયના ભાગે એક એક ચતુર્થાંશ અભિવ્યક્તિ હતી. પણ તે પામ્યા પછી સત્યકામ ગૌતમ ઋષિ પાસેથી વધુ વિસ્તારપૂર્વકની સમજ મેળવે છે.
આ બંને દાખલાને હાલના સમય અને સંજોગોમાં જોવા સમજવા જેવા છે.
(1) જ્ઞાનની આ પરંપરામાં વ્યક્તિલક્ષી, આત્મકેન્દ્રી અને ‘સ્વ’ની ઓળખ જેવા ખ્યાલોનું આધિપત્ય છે.
(2) અતિ ઉચ્ચ વર્ગ, મુખ્યત્વે બ્રાહ્મણોનું જ આ શિક્ષણમાં આધિપત્ય છે. ગોત્રોચ્ચાર, દીક્ષા વગેરે વ્યવસ્થા પણ આ બ્રાહ્મણ પ્રભાવ સૂચવે છે.
(3) શિક્ષણની પદ્ધતિ મુખ્યત્વે ઉપદેશ કે કથાના સ્વરૂપની છે. તેમાં પ્રોજેક્ટ વર્ક, સામાજિક નિસ્બત વગેરે અભિપ્રેત નથી.
આ પ્રકારે ‘જ્ઞાની’ બનેલા માણસની સામાજિક વર્તણૂક કેવી હોય તે સમજવા વાસ્તે રાજા જનકનો દાખલો ખપનો છે. જ્યારે પોતાના પુત્ર શુકદેવ ઘર ત્યજીને ભાગવા લાગ્યા ત્યારે વ્યાસ મુનિએ ઊંચા અવાજે, દૂરથી બૂમ પાડીને કહ્યું, ‘તું રાજા જનક પાસે જરૂરથી જજે.’ પછીથી રાજા પરિક્ષીતને ભાગવતની કથા સંભળાવનાર શુકદેવની જનક રાજાએ કસોટી કરી. હાથમાં ટોચ સુધી ભરેલા તેલના કટોરા સાથે નગરભ્રમણનો આદેશ કર્યો. જો તેલનું ટીપું પણ છલકાય તો શિરચ્છેદ નક્કી હતો. શુકદેવ કદાચ શિરચ્છેદના ભયથી ડર્યા ન પણ હોય પણ જે એકાગ્ર મનથી નગરભ્રમણ કર્યું તેથી તેમની નજરે કાંઈ ન ચઢ્યું. આ જનક ‘વિદેહી’ કહેવાતા. ગીતાના નીરક્ષીર વિવેક કે કાચબો જેમ અંગોને સંકોરતો ચાલે તેમ સ્થિતપ્રજ્ઞાવસ્થાથી સંસારમાં જીવવું તે ઉપદેશ પણ આપણા સમાજમાં ઘણા લાંબા સમયથી ટક્યો છે. જો કે આ જ જનકના દરબારમાં અષ્ટાવક્ર પ્રવેશ્યા ત્યારે સભા હસી પડી હતી. તે જોઈને અષ્ટાવક્રે જનકની સભાને ‘ચામડું જોનારી સભા’ ગણાવી હતી. જનકનો પ્રભાવ તેના સભાજનો ઉપર પણ અલ્પ હતો.
ભારતના વેદ ઉપનિષદ અને પુરાણોમાં જ્ઞાનની આ ઢબ અને પરંપરાને કારણે અનેક કામ થયાં છે. વેદના ઉચ્ચારો કંઠસ્થ કરવા વાસ્તેના ધનપાઠ જેવા વિવિધ પાઠ, જ્ઞાનનાં ઉદાહરણો, રૂપકો, પરંપરાઓ અને વિધિનિષેધનાં કારણે એક પ્રવાહની જાળવણી થઈ.
પરંતુ પ્રથમ સહસ્રાબ્દીનો અંત આવતા સુધીમાં આ જ્ઞાન નિષ્પ્રાણ અને નિસ્તેજ પણ બની ગયું. સમગ્ર સમાજ માટે તે આવશ્યક ન હતું. પ્રવર્તમાન અને બદલાતા પ્રવાહો સાથે તે તાલમેલમાં પણ ન રહ્યું. આડંબર, કૂપમંડુકતા અને ઔપચારિક રીતરિવાજોમાં તે વેડફાઈ ગયું. આટલા જ્ઞાની અને વિવેકના ભંડાર ભરેલા દેશ ઉપર આક્રમણ કરનાર કોઈ પણ ક્યારે ય હાર્યો નહીં. હારેલી પ્રજાના જ્ઞાનની પણ કોઈ કિંમત હોતી નથી. એમ પણ કહેવાયું કે ભારતનું સમગ્ર જ્ઞાન ‘એક છાજલી ઉપર’ સમાઈ જાય, એટલાં પુસ્તકો પૂરતું છે. જ્ઞાન સાચું હતું કે ખોટું અને ભવ્ય હતું કે કેમ તે વાતને બાજુએ રાખીએ પરંતુ એટલું ચોક્કસ કે આ જ્ઞાન વડે ઇહલોકમાં તો ગુલામી સાંપડી, પરલોકમાં બ્રહ્મ કે મુક્તિ મળી કે કેમ તે અલગ વાત !
જ્ઞાનની આ નિસ્સારતા સામે ગાંધીની કર્મશીલતા અને વિનોબાની સમજ, અભ્યાસ અને કર્મશીલતાએ નવી જ ભાત ઊપસાવી. ગાંધીનું અનુસંધાન રસ્કિન, ટાગોર, થોરો અને ખ્રિસ્તી ધર્મનાં પણ ઉમદા તત્ત્વો સાથે હતું. આ અનુસંધાનના કારણે ગાંધીનું વિચારવિશ્વ ઘણું ગહન અને વ્યાપક બન્યું હતું. ગાંધીના વિચારના ઉદયની સાથોસાથ પશ્ચિમી જગતના આધુનિકતાવાદનો વૈચારિક દબદબો હતો. આ વૈચારિક દબદબામાં કોઈક એક ‘સત્ય’ની કલ્પના હતી. આ વિશાળ અનુભવ સૂચવી જાય છે કે શિક્ષણ કાલાતીત અને કાલબાહ્ય રહેવું ન જોઈએ. પછી તે માત્ર વર્તમાન સાથે જ સંલગ્ન રહે તે પણ પૂરતું નથી. શિક્ષણ અને તેના વાહક એવા શિક્ષકને માત્ર સમસંવેદક જ નહીં પણ વૈશ્વિક તથા ભાવિના પદાર્પણની સમજ વિકસાવવાની રહે છે. જૂના સમયમાં પરિવર્તનો ઓછાં હતાં વળી આવાં પરિવર્તનો મુખ્યત્વે સ્થાનીય રૂપનાં હતાં તેથી ‘જૂની વાતો’ બહુ લાંબા સમય સુધી ચાલી અને નભી પણ ખરી. પણ હવે સ્થિતિ ચારે તરફથી અને દસે દિશાએથી બદલાઈ ચૂકી છે. આ પરિવર્તનનો વેગ પણ કલ્પનાતીત છે.
વૈિશ્વકીકરણ, હરીફાઈ અને કાર્યક્ષમતા, માહિતી અને પ્રસારણ, પ્રત્યાયનની પ્રબળતા, વગેરે કારણે હવે શિક્ષણ અને કેળવણી તથા મૂલ્યબોધ જેવી બાબતોના આયામોમાં આમૂલાગ્ર પરિવર્તનો આવ્યાં છે. થોડાક દુ:ખ અને ઘણી બધી નિરાશાની વાત એ છે કે આ સ્થિતિમાંથી બહાર નીકળવાના સરકારી પ્રયાસો ક્યાં તો અસફળ રહ્યા છે અથવા તો અપૂરતા છે. સામે પક્ષે 1991થી ભારતમાં પ્રારંભાયેલી વૈિશ્વકીકરણની ભૂમિકામાં ખાનગી ક્ષેત્ર ક્યારેક માત્ર તો ક્યારેક મુખ્યત્વે નફા ઉપર નભી રહ્યું છે. આ સ્થિતિમાં સાહીર લુધિયાનવીની પંક્તિ, ‘જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’, યાદ તો આવે.
પરંતુ કહ્યું છે ને કે ‘સત્ની બાંધી પૃથ્વી’ ! અનુઆધુનિકતાના વિમર્શના એક વ્યાપક આધારે ભલે એમ કહીએ કે એક જ અને શાશ્વત સત્ય ન હોઈ શકે પરંતુ સામે પક્ષે અને આધુનિકતાના વિમર્શ પ્રમાણે કમ સે કમ, બે વાનાં તો કાયમી શાશ્વત ખપનાં જ ગણાય. આ બે વાનાં એટલે માનવતા અને વૈજ્ઞાનિક ઢબનો વિચાર. આધુનિકતાના વિમર્શનો ઉત્સાહ હતો કે વૈજ્ઞાનિક વિચારમાં માનવીય સંવેદના ઉમેરાશે એટલે જગત શાંતિ અને પ્રગતિ તરફ ગતિ કરશે. પરંતુ બીજા વિશ્વયુદ્ધે પુરવાર કર્યું કે અનિયંત્રિત વિજ્ઞાન એક તરફ હિટલરની ગેસ ચેમ્બર અને આઉત્સ્વિત્ઝ તથા હોલોકાસ્ટ સુધી તાણી જાય છે તો બીજી તરફ હિરોશીમા અને નાગાસાકી જેવી ભયાનકતા પણ સર્જી શકે છે. હિટલરશાહીમાં લોકશાહી નહોતી તો લોકશાહી ધરાવનાર અમેરિકાએ માત્ર હિરોશીમા જ નહીં, વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાન, અને ઈઝરાયેલ દ્વારા પૂર્વ યુરોપમાં અને અનેક આરબ દેશોમાં પણ પ્રચંડ આતંક ફેલાવવાનું ચાલુ જ રાખ્યું છે. હવે વાતને ફરીથી ગોઠવીએ તો એમ જણાય છે કે :
(1) પુરાતન વિચાર ઉચ્ચ વર્ણ/વર્ગના લોકોના સ્વકેન્દ્રી આત્મજ્ઞાનનો હતો. હવે તેને શિક્ષણ અને કેળવણીના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવો તે જરૂરી પણ નથી અને શક્ય પણ નથી.
(2) પર્યાવરણ, પરસ્પર આધારિત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને એકંદરે સામાજિક ન્યાયની વધતી જતી ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને વિશે સાવ નવેસરથી વિચારવું પડશે. જૂનાને છોડીને નવાને અપનાવવા સામેની મમત્વ કે વિલંબની માનસિકતા આવનારી પેઢીઓ માટે અહિતકારી નીવડશે.
આ વ્યાપક અને એકંદર ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને ક્યા પ્રકારે આયોજી શકાય તે વિચારવા જેવું ખરું. અલબત્ત, આવા કોઈક ચોક્કસ નકશા કે સુગ્રથિત સ્વરૂપનો વિચાર થઈ શકે ખરો, તેવો પણ પ્રશ્ન ઉઠાવી શકાય. પરંતુ એક ‘સુખી (ભાવિ) સંસાર’ની રચનામાં રસ ધરાવનાર સૌ કોઈ માટે, આ બાબત જરા ય કવેળાની નથી. જો મહર્ષિ વેદ વ્યાસ ‘યદાયદા’ અને ‘યુગેયુગે’ વિસ્તરે તો તે પણ આ જ દિશા પકડે. એક રીતે હાલની આ મથામણ પણ મહાભારતથી ભાગવત તરફની ગતિનો તકાદો સૂચવે છે. પરાક્રમશીલતા, કાર્યક્ષમતા, સત્તાખોરી અને મમત્વ જેવા મહાભારતીય વૈચારિક પ્લેટફોર્મનાં સ્થાને ગોવર્ધનલીલા, ગોપીજનવલ્લભ, બાંકે બિહારીલાલની મહારાસની લીલાનો વિકલ્પ કદાચ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં નહીં પણ હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરનારો નીવડી શકે. અલબત્ત, આ દિશામાં ઘણા વિચારો થયા જ છે અને બદલાતા સમય, જનસંખ્યા અને ટેકનોલોજીની ચોથી ક્રાંતિના સંદર્ભે આ વિચારો પણ પરિવર્તનશીલ રહેવાના.
શિક્ષણની કોઈપણ નવી રચનામાં સમાજ સાથેનો અનુબંધ પ્રથમ સ્થાને આવવો જોઈએ. વ્યાખ્યા, લક્ષણ, પ્રકાર, લાભ, ગેરલાભ અને ઉપસંહારની ગોખણપટ્ટીની ટેવવાળા અને માત્ર પુસ્તકિયા શિક્ષણની તો ગાંધીજીને આજથી સો વર્ષ અગાઉ પણ જરૂર જણાઈ ન હતી. વિદ્યાપીઠની સ્થાપનાને તેમણે ‘એક વણિકનું ઋષિકાર્ય’ ગણાવેલું. આ શિક્ષણમાં શ્રમનું ગૌરવ, સંવેદનશીલતા અને માનવમાત્રના ગૌરવનો સમાવેશ થાય છે. આ બાબતો વડે વિદ્યાપીઠના સ્નાતકમાં સંવેદના અને મૂલ્યાગ્રહોના પ્લેટફોર્મની રચના થાય છે.
લગભગ આ જ સમયે જર્મનીમાં આર્ય વિચારે જોર પકડવા માંડેલું. ગઈ સદીની ત્રીસીમાં તો આ આર્ય વિચાર નાઝી વિચાર તરીકે પ્રચંડ રૂપ ધારણ કરતો ગયો. નાઝી વિચારના પાયામાં બે જ ઘટકો હતા. સમાજવાદ અને રાષ્ટ્રવાદ. મારા દેહ સહિતનું જે કાંઈ છે તે સઘળું રાષ્ટ્રને સમર્પિત એવી ભાવનાથી શરૂ થયેલો આ વિચાર માત્ર ‘મારા’ પૂરતો ન રહ્યો. પોતાનું સમગ્ર રાષ્ટ્રને અર્પણ ન કરનારા સૌ રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રદ્રોહી પણ ગણાવા માંડ્યા. મૂડીવાદ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી વગેરેના વિચાર વિમર્શોનો ખુરદો બોલાવવામાં આવ્યો. આ ઉન્માદ એટલો વ્યાપક હતો કે તેને ત્રણ નોબલ ઈનામ વિજેતા, નટ હેમસન (સાહિત્ય, 1920), ફિલિપ લેની (ફિઝિક્સ, 1905) અને જોહાનિસ સ્ટાર્ક(ફિઝિક્સ, 1919)નું સમર્થન મળ્યું. નિત્શે તથા હાઈડેગર જેવા ફિલસૂફ પણ તેમાં જોડાયા. એક તબક્કે તો જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓનાં પ્રાંગણોમાં પુસ્તકાલયોમાંથી આવા વિચારોને અનુમોદન આપનારાં પુસ્તકોના ઢગલા કરી તેને આગ ચાંપવામાં આવી. આ બધું શિક્ષણ અને સંસ્કૃિતના નામે થયું. એક સનકી શાસકના મનમાં ઉદ્ભવે તે સંસ્કાર ?! અને તેને વજૂદ આપનારા બૌદ્ધિકો પણ આવી મળવાના !
સંસ્કારલક્ષી શિક્ષણ કે કેળવણી આપવાં જોઈએ એવો એક સર્વ સામાન્ય સૂર પ્રવર્તે છે પણ જો સહેજ ઊંડા ઊતરીએ તો વૈચારિક અસ્પષ્ટતાઓ, વિરોધ અને સંઘર્ષ ઊભરી આવે છે. બહુજન અને સવર્ણ હિંદુ સમાજ સામે આ ‘સંસ્કાર’માં મુસ્લિમ, દલિત, આદિવાસી કે નારી જેવા ઘટકો અંગેના સવાલો ઊભા થાય છે. દલિતોને સંદર્ભમાં રાખી શિક્ષણ અને સંસ્કૃિતનો સંબંધ તપાસીએ :
સ્ક્ધદ પુરાણ(18:6)માં એક શ્લોક છે :
જજન્મનાત્ જાયતે શુદ્ર: સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે ।
શાપાનુગ્રહે સામર્થમ્ તથા ક્રોધ: પ્રસન્નતા ॥
આ પૈકી આપણે માટે પ્રથમ પંક્તિ ખપની છે. બધી જ વ્યક્તિ શુદ્ર તરીકે જ જન્મે છે પરંતુ સમાજમાંથી મળતા સંસ્કારોને કારણે તે દ્વિજ બને છે, મતલબ કે નવું જીવન હાંસલ કરે છે. ભૂતકાળ અને વર્તમાનમાં પણ આ વિધાન સાથે સંમત ન થવા માટે અપાર ઉદાહરણો છે. દ્રોણના સંસ્કારો વડે સોએ સો કૌરવો દ્વિજ બન્યા ? એકલવ્યને સંસ્કાર કે શિક્ષણ આપવાની જ ના પાડનાર ગુરુ કેવા કહેવાય ? અને આધુનિક સમાજમાં શિક્ષિત વર્ગનો પણ દલિત તરફનો વ્યવહાર ઘણીવાર ક્ષોભ ઉપજાવે તેવો હોય છે. લોકોને સંસ્કારનું શિક્ષણ નથી મળ્યું તેનું આ પરિણામ છે કે શિક્ષણમાં સાચા સંસ્કારોનું સિંચન નથી કરાતું તેનું આ પરિણામ છે ?
સમાજના વિચારશીલોએ ઘણા મત મતાંતરો અને અભિગમો બાબતે સ્પષ્ટ થવાની જરૂર છે. થોડાંક ઉદાહરણો લઈએ :
(1) જો ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેવાતું હોય તો દલિત, મુસ્લિમ કે ખ્રિસ્તીઓને કુટુંબ બહારના કેવી રીતે ગણાય ? સમગ્ર વસુધાને કુટુંબ ગણનારા માટે મલ્ટિ એથનિસિટી અનિવાર્ય ગણાય.
(2) જો સમગ્ર વિશ્વ આપણું કુટુંબ હોય તો રાષ્ટ્રવાદ કેવી રીતે નભી શકે ?
(3) જો સંસ્કારો મળવાથી ‘દ્વિજ’ બની શકાતું હોય તો તેનો લાભ સમાજના અમુક વર્ગને જ શા માટે ?
(4) જો સંસ્કાર વડે દ્વિજ બનાતું હોય તો લોકોને દ્વિજ બનાવે તેવા જ સંસ્કારો આપવા જોઈએ. આ શક્ય છે ?
આ પ્રકારના તર્કોનો આમૂલાગ્ર વિચાર કોઈ ખંડનમંડનની પ્રવૃત્તિ માટે નથી. ખરેખર તો તે એ સમજવા માટે છે કે શિક્ષણ અને સંસ્કારના અનુબંધમાં ‘દૃષ્ટિપૂતં નસ્યેત્ પાદમ્’ ફૂંકી ફૂંકીને ડગલું માંડવા જેવું છે. માનવ એક અદ્ભુત સર્જન છે અને તેને સંસ્કારના નામે પરાપૂર્વની બેડીઓમાં જકડી ન શકાય. ટાગોરે આઝાદી પહેલાં કહેલું તે ઘણું ઉપયોગી છે. :
'Where the mind is without fear
and the head is held high’
તર્કની તત્પરતાથી ઉન્નત અને ગૌરવાન્વિત શીર્ષ નવા સંસ્કારની ખોજની પ્રારંભિક આવશ્યકતા છે. શિક્ષણ અને સંસ્કારને એકમાર્ગી ગણવામાં ભૂલ થાય છે. ‘શિક્ષણ દ્વારા સંસ્કાર’ તો ખરા જ પણ આ સંસ્કારી બનેલી વ્યક્તિઓ કાળક્રમે એવા શિક્ષણનું પણ નિર્માણ કરતી થાય કે જે સમાજ માટે ઉત્તમ પરિપાટીઓ ઊભી કરી આપી શકે. લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગત અધિકારો, વૈજ્ઞાનિક ઢબનો વિચાર વગેરે આવા નવા વિકસતા સમાજ માટેના આધારસ્તંભો છે. સત્યકામના આયાતમાન બ્રહ્મની જે કલ્પના છે તે આ સર્વને આધાર આપનારું બ્રહ્મ છે. આ જ બ્રહ્મ પ્રકાશમાન, જ્યોતિષમાન અને અનંત છે. સત્યકામને પ્રકૃતિ સાથેના એકાંત સભર વિમર્શમાંથી સાંપડેલો આ સંદેશો છે.
અલબત્ત, આધુનિક શિક્ષણની અપેક્ષા વ્યાવસાયિક સજ્જતા અને સામર્થ્ય કેળવવવાની છે. સંસ્કાર માટેનું શિક્ષણ, આવા વ્યાવસાયિક શિક્ષણને અવરોધક નથી. પરંતુ, વ્યાવસાયિક કે અન્ય શિક્ષણના આયામોમાં સંસ્કાર સાથેનું શિક્ષણ ક્યારેક સ્ફુટ અને ક્યારેક અસ્ફુટ રૂપે રહેતું જ હોય છે. એ વ્યાપક અર્થમાં શિક્ષણ લેનાર દરેક વ્યક્તિનો એક નવો જ આવિષ્કાર સર્જાય છે. ‘દ્વિજ’ શબ્દને જાતિગત લેવાને બદલે પુન:સંસ્કરણની રીતે જોઈ શકાય. આ પુન:સંસ્કરણ નાઝીરૂપે કે કૌરવરૂપે ન થાય તે જોવાની ફરજ સમાજના દ્વિજ બની ચૂકેલાઓની ગણાય.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 મે 2018; પૃ. 16-18
 






 હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!
હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!