ધરપકડ કરાયેલ દલિત માનવાધિકાર કાર્યકર્તાઓને વિનાશરતે મુક્ત કરો
જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.) મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જન આંદોલનો સાથે જોડાયેલ માનવાધિકાર કાર્યકર્તાઓ પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈ પણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરે છે.
૯ જૂન ૨૦૧૮: તારીખ ૬ જૂન ૨૦૧૮ની સવારે 6 વાગ્યાની આસપાસ નાગપુર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિભાગની અધ્યક્ષ તથા લાંબા સમયથી મહિલા અને દલિત અધિકારો પર કામ કરનાર કાર્યકર્તા પ્રોફેસર શોમા સેન, લાંબા સમયથી માનવાધિકારના હનનની લડાઈ લડી રહેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર(એ.આઈ.પી.એલ.)ના મહાસચિવ સુરેન્દ્ર ગડલિંગ, મરાઠી પત્રિકા વિદ્રોહીના સંપાદક તથા જાતિ નિવારણ સંબંધિત આંદોલન રિપબ્લિકન પેન્થરના સંસ્થાપક સુધીર ધવલે, માનવાધિકાર કાર્યકર્તા તથા રાજનૈતિક કેદીઓની મુક્તિ સંબંધિત સમિતિ(સી.આર.પી.પી.)ના સચિવ રોના વિલ્સન તથા ગઢચિરોલી ખનન ક્ષેત્રોમાં ગ્રામ સભાની સાથે કામ કરી રહેલ વિસ્થાપન વિરોધી કાર્યકર્તા તથા પ્રાઈમ મિનિસ્ટર્સ રૂરલ ડેવલોપમેન્ટ ફેલો રહી ચૂકેલ મહેશ રાઉતના ઘરો પર મહારાષ્ટ્ર પોલીસ દ્વારા છાપામારી કરવામાં આવી તથા નાગપુર, પૂણે અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓથી ધરપકડ કરવામાં આવી. એવું જણાવવામાં આવ્યું કે આ ધરપકડ જાન્યુઆરી ૨૦૧૮માં ભીમા-કોરેગાંવમાં થયેલ પ્રદર્શનના સંદર્ભમાં કરવામાં આવી છે.
મહેશ રાઉત રાજ્ય તથા કોર્પોરેટ દ્વારા જમીન પર કબ્જો કરવો, પ્રાકૃતિક સંસાધનોના દોહનની વિરુદ્ધ સ્થાનીય સમિતિઓની સાથે આદિવાસી હકોની માટે લડી રહ્યા છે. એડવોકેટ ગડલિંગ આ પ્રકારની જ લડાઈઓ કોર્ટમાં લડી રહ્યા છે. તેઓ આવા ઘણા દલિતો તથા આદિવાસીઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે જેઓને જૂઠા આરોપો તથા કઠોર કાયદા અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર તથા શારીરિકરૂપે ૯૦ ટકા દિવ્યાંગ એવા ડૉ. જી.એન. સાઈબાબાના કેસમાં વકીલ પણ છે. તેમના પર માઓવાદીઓની સાથે સંબંધ રાખવાના આરોપ છે. તેમના કેસની સુનાવણી પણ જલદી જ શરૂ થશે.
આ રીતે પ્રોફેસર શોમા સેન પણ રાજ્ય દ્વારા આચરવામાં આવતા દમન વિરોધી માનવાધિકાર આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શિક્ષક અને કાર્યકર્તા એમ બંને ભૂમિકાઓમાં તેઓ જીવનનું કડવું સત્ય બહાર લાવી રહ્યા છે.
સુધીર ધવલે જાણીતા દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક છે. તેમની વર્ષ ૨૦૧૧માં યુ.એ.પી.એ. અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી, પણ પુરાવાના અભાવે વર્ષ ૨૦૧૪માં તેઓને મુક્ત કરવામાં આવ્યા.
રોના વિલ્સન વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા છે. તેઓ એ.એફ.એસ.પી.એ. (આફ્સપા), પી.ઓ.ટી.ઓ. (પોટા), યુ.એ.પી.એ. જેવા કઠોર કાયદાઓના મુખ્ય વિરોધી રહ્યા છે.
અમારું માનવું છે કે ભીમા કોરેગાંવ એ માત્ર એક બહાનું છે. આ લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેનાથી આ સામાજિક કાર્યકર્તાઓને ન્યાયની લડાઈ, દમન તથા આદિવાસી ક્ષેત્રોમાં પ્રાકૃતિક સંસાધનોની લૂંટ વિરુદ્ધ લડતા રોકી શકાય.
એપ્રિલમાં પણ આ કાર્યકર્તાઓના ઘરે છાપામારી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાગળો પણ જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસે કબીર કલા મંચના સંસ્કૃિતકર્મીઓ રૂપાલી જાધવ, જ્યોતિ જગતપ, રમેશ ગાયેચોર, સાગર ગોખલે, ધવલા ધેંગાલે તથા રિપબ્લિકન પેન્થર કાર્યકર્તા હર્શાલી પોતદારનાં ઘરે પણ છાપા માર્યા હતાં. પૂનાના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ શરૂઆતની એફ.આઈ.આર.માં સુધીર તથા કબીર કલા મંચના અન્ય સભ્યોનાં નામ પણ નોંધવામાં આવ્યાં હતાં. દલિત કાર્યકર્તા અને ગુજરાતના વિધાયક જીજ્ઞેશ મેવાણી તથા છાત્ર કાર્યકર્તા ઉમર ખાલીદ પર પણ એફ.આઈ.આર. કરવામાં આવી. તેઓને ભીમા કોરેગાંવ ઉત્સવમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાદમાં, અભિયોજન પક્ષે ચાર્જશીટમાં સુરેન્દ્ર ગડલિંગ તથા રોના વિલ્સનનું નામ જોડવા માટેની અપીલ કરી. કોર્ટના કાગળમાં મહેશ રાઉત તથા શોમા સેનના નામનો ક્યાં ય કોઈ ઉલ્લેખ જ નહોતો.
ભીમા કોરેગાંવ ઉત્સવના સંદર્ભમાં હાલમાં આ કાર્યકર્તાઓની ધરપકડ સંશય ઉત્પન્ન કરે છે. જેઓની ધરપકડ કરવામાં આવી છે, તે પૈકી કેટલાંક લોકો આ ઉત્સવ અથવા આ પ્રદર્શનમાં સામેલ નહોતાં. અમારું માનવું છે કે સરકાર સુનિયોજિતરૂપે તે અવાજને દબાવવા માંગે છે કે જે અવાજ તેમને પડકાર ફેંકે છે અને તેમની આલોચના કરી રહી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તથા બાકીની અન્ય જગ્યાઓ પર પણ આ કરવામાં આવી રહ્યું છે.
આ શાસન વ્યવસ્થામાં કાર્યકર્તાઓ પર હુમલા થવા એ કોઈ નવી વાત નથી. તર્કપૂર્ણ વિચારકો નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ. કલબુર્ગી તથા ગૌરી લંકેશની હત્યા દક્ષિણપંથી હિન્દુત્ત્વ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જુનૈદ, અખલાક તથા પહલૂ ખાન જેવા સામાન્ય લોકોને પણ માર મારીને હત્યા કરવામાં આવી. ઝારખંડમાં મજૂર સંગઠન સમિતિ જેવા ટ્રેડ યુનિયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. અધિકારો માટે લડત ચલાવનાર સમૂહો તથા વ્યક્તિઓને કામ કરતાં રોકવામાં આવ્યાં તેમ જ તેઓના બેંક ખાતાઓને સીલ કરવામાં આવ્યા અથવા તેઓને જૂઠા આરોપમાં ફસાવવામાં આવ્યાં. ઉત્તરપ્રદેશના ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ તથા ઝારખંડના બચ્ચા સિંહ જેવા નેતાઓ, તીસ્તા સેતલવાડ જેવા પત્રકાર, ડૉ. જી.એન. સાઈબાબા જેવા પ્રોફેસર, છાત્ર કાર્યકર્તા, કાર્ટૂનિસ્ટ, તેમ જ જનતાનો અવાજ ઉઠાવનારની કડક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. મીડિયા ટ્રાયલ, ખોટાં ન્યુઝની સંસ્કૃિત તથા સોશિયલ મીડિયા દ્વારા અભિયોગ ચલાવીને જનમાનસમાં તે લોકો વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે કે જેઓ સત્તાની સામે સત્ય બોલવાનું સાહસ દાખવી રહ્યા છે. આવું કરીને અન્ય લોકોનાં મનમાં પણ ડર પેદા કરવામાં આવી રહ્યો છે. તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઈટ કોપર ફેક્ટરી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં નાગરિકોની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા હોય અથવા હાલમાં ‘માઓવાદ’ના નામ પર ગઢચિરૌલીમાં નાના-નાના બાળકો સહિત ૪૦ લોકોનું નકલી એન્કાઉન્ટર હોય – રાજ્ય પોતાનાં લોકો પર જ દમન ગુજારી રહ્યાં છે. આ એ પ્રકારની હિંસાના કેટલાંક ઉદાહરણ છે કે જે આપણને યાદ અપાવે છે કે આ કેટલાંક કથિત ભૂમિગત સંગઠન નથી કે જેનાથી ખતરો હોય પરંતુ તે આપણી સરકાર જ છે, કે જેને લોકો ચૂંટે છે, જેમાં તેઓની આસ્થા છે, આજે તે જ સરકારો લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.
અમે નિંદા કરીએ છીએ:
૧. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સદીઓથી શોષિત ઉત્પીડિત દલિત અવાજને દબાવવા માટે.
૨. રાષ્ટવિરોધી તત્ત્વ તથા નક્સલી આતંકને દબાવવાના નામ પર વંચિત સમૂહોના અધિકાર માટે લડનારા વિરુદ્ધ સતત થઇ રહેલ હિંસક દમનની.
૩. મહારાષ્ટ્ર સરકાર તથા ભારત સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં અવાજને દબાવવા માટે યુ.એ.પી.એ. આફ્સપા તથા પોટા જેવા કઠોર કાયદાનો ઉપયોગ કરીને સત્તાની શક્તિનો દુરુપયોગ કરવાની.
૪. કેટલાંક સમૂહોને ખુલ્લી છૂટ આપવા માટેની, જે આપણા દેશનાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ હિંદુ રાષ્ટ્રના વિચારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
૫. મીડિયા ટ્રાયલ અને ખોટી વાર્તા રજૂ કરનારની. ન્યાય વ્યવસ્થાની ઢીલ તથા વિસંગતિઓ, કારણકે તે આ ધરપકડ કરાયેલ લોકો અને સંગઠનો વિશે જનમાનસમાં ઝેર પ્રસરાવવાનું કાર્ય કરે છે.
અમે માંગ કરીએ છીએ:
૧. પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈપણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરીએ છીએ.
૨. ભીમા-કોરેગાંવ મહોત્સવ બાદ દલિત સમુદાય વિરુદ્ધ વ્યાપક હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ.
૩. યુ.એ.પી.એ. તથા આફ્સપા અને પોટા જેવા કઠોર કાયદાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કે જેનાથી દેશભરમાં લોકોને ભયભીત કરવામાં આવે છે. આ કાયદો પોલીસ તથા સેનાને એવી શક્તિ આપે છે કે જેનાં પર કોઈ સવાલ ઉઠાવી શકાય એમ નથી.
૪. ભીમા કોરેગાંવના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત સમારોહના આયોજકો અથવા તેમાં ભાગ લેનાર લોકો પર થઇ રહેલાં રાજકીય દમન તથા બદલાની કાર્યવાહીને તરત બંધ કરવામાં આવે.
૫. સંભાજી ભીડે પર એસ.સી./એસ.ટી. અત્યાચાર નિરોધક કાયદાના અંતર્ગત તોફાન ફેલાવવા, હત્યાના પ્રયાસ કરવાનાં આરોપમાં તરત ધરપકડ કરવામાં આવે અને મિલિંદ એકબોટેની બેલ રદબાતલ કરવામાં આવે.
મેધા પાટકર, નર્મદા બચાઓ આંદોલન અને જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.); અરુણા રોય, નિખિલ ડે અને શંકર સિંહ, મજૂર કિસાન શક્તિ સંગઠન (એમ.કે.એસ.એસ.), નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; પી. ચેન્નીયા, આંધ્રપ્રદેશ વ્યવસાય વૃથીદારુલા યુનિયન (એ.પી.વી.વી.યુ.), નેશનલ સેન્ટર ફોર લેબર અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ), રામકૃષ્ણમ રાજૂ, યુનાઇટેડ ફોરમ ફોર આર.ટી.આઈ. અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ); પ્રફુલ્લા સામંતરા, લોકશક્તિ અભિયાન અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); લિંગરાજ આઝાદ, સમાજવાદી જનપરિષદ, નિયમગિરિ સુરક્ષા સમિતિ, અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); બિનાયક સેન અને કવિતા શ્રીવાસ્તવ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ (પી.યુ.સી.એલ.) અને એન.એ.પી.એમ.; સંદીપ પાંડે, સોશલિસ્ટ પાર્ટી અને એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોમ્બત્કેરે, એન.એ.પી.એમ. (કર્ણાટક); ગેબ્રિયલ દીએત્રિચ, પેન્ન ઉરીમય ઈયક્કમ, મદુરાઇ અને એન.એ.પી.એમ. (તમિલનાડુ); ગીથા રામકૃષ્ણન, અસંગઠિત ક્ષેત્ર કામગાર ફેડરેશન, એન.એ.પી.એમ. (તમિલનાડુ); ડૉ. સુનીલમ અને આરાધના ભાર્ગવ, કિસાન સંઘર્ષ સમિતિ અને એન.એ.પી.એમ., રાજકુમાર સિંહા (મધ્યપ્રદેશ); અરુલ ડોસ, એન.એ.પી.એમ. (તમિલનાડુ), અરુંધતી ધુરુ અને મનેશ ગુપ્તા, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); ઋચા સિંહ, સંગતિન કિસાન મજૂર સંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); વિલાયોદી વેણુગોપાલ, સી.આર..નીલાકંદન અને પ્રો. કુસુમમ જોસફ, સરથ ચેલૂર એન.એ.પી.એમ. (કેરલ); મીરાં સંઘમિત્રા, રાજેશ શેરુપલ્લી એન.એ.પી.એમ. (તેલંગાના અને આંધ્રપ્રદેશ); ગુરુવંત સિંહ, એન.એ.પી.એમ., પંજાબ; વિમલ ભાઈ, માટૂ જનસંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ); જબર સિંહ, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ), સિસ્ટર સીલિયા, ડોમેસ્ટિક વર્કર્સ યુનિયન અને એન.એ.પી.એમ. (કર્ણાટક); આનંદ મઝ્ગઓંકર, કૃષ્ણકાંત, સ્વાતિ દેસાઈ, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને એન.એ.પી.એમ. (ગુજરાત); કામાયની સ્વામી અને આશિષ રંજન, જન જાગરણ શક્તિ સંગઠન અને એન.એ.પી.એમ. (બિહાર); મહેન્દ્ર યાદવ, કોસી નવનિર્માણ મંચ અને એન.એ.પી.એમ. (બિહાર); સિસ્ટર ડોરોથી, ઉજ્જવલ ચૌબે એન.એ.પી.એમ. (બિહાર); દયામની બારલા, આદિવાસી મૂળનિવાસી અસ્તિત્ત્વ રક્ષા સમિતિ અને એન.એ.પી.એમ.; બસંત હેતમસરિયા, અશોક વર્મા (ઝારખંડ); ભૂપેન્દ્ર સિંહ રાવત, જન સંઘર્ષ વાહિની અને એન.એ.પી.એમ. (દિલ્હી); રાજેન્દ્ર રવિ, મધુરેશ કુમાર, અમિત કુમાર, હિમશી સિંહ, ઉમા, એન.એ.પી.એમ. (દિલ્હી); નાન્હૂ પ્રસાદ, નેશનલ સાઈકિલિસ્ટ યુનિયન અને એન.એ.પી.એમ .(દિલ્હી); ફૈઝલ ખાન, ખુદાઈ ખિદમતગાર અને એન.એ.પી.એમ. (હરિયાણા); જે.એસ. વાલિયા, એન.એ.પી.એમ. (હરિયાણા); કૈલાશ મીના, એન.એ.પી.એમ. (રાજસ્થાન); સમર બાગચી અને અમિતાવ મિત્રા, એન.એ.પી.એમ. (પશ્ચિમ બંગાળ); સુનિતિ એસ.આર., સુહાસ કોલ્હેકર, અને પ્રસાદ બાગવે, એન.એ.પી.એમ. (મહારાષ્ટ્ર); ગૌતમ બંદોપાધ્યાય, એન.એ.પી.એમ. (છત્તીસગઢ); અંજલી ભારદ્વાજ, નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; કલાદાસ ડહરિયા, રેલા અને એન.એ.પી.એમ. (છતીસગઢ); બિલાલ ખાન, ઘર બચાઓ ઘર બનાઓ આંદોલન અને એન.એ.પી.એમ.
રાષ્ટ્રીય કાર્યાલય : 6/6, જંગપુરા બી, નવી દિલ્હી – ૧૧૦ ૦૧૪
ફોન : 01124374535 | 9971058735
ઈ-મેઈલ : napmindia@gmail.com | વેબ : www.napm-india.org