બરોબર બાર વરસે વળી પાછું એ જ ફેબ્રુઆરીમાં ‘નિરીક્ષક’ના પાને પહેલાં જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, સ્ત્રી-પુરુષ ભેદભાવ સૂચક શબ્દો, તુચ્છકારસૂચક સબંધોના સંદર્ભમાં અને હવે જુગુપ્સાપ્રેરક અંશ વિશે ગિજુભાઈની બાળવાર્તાઓ સંદર્ભે ચર્ચા જોવા મળી.
મને સમજાતું નથી કે ૧૯૨૯ના જમાનામાં, આજથી બરોબર ૮૮ વર્ષ પહેલાં કદાચ પ્રથમવાર લોકોમાં પ્રચલિત વાર્તાઓનું બહોળું સંપાદન થયું, (સંસ્કાર સાહિત્ય મંદિરે પાંચ ભાગમાં ૧૯૨૯માં છાપેલી ૧૦૫ વાર્તા) એ વખતોવખત પુનર્મુદ્રણ કશા સુધારાવધારા વગર કેમ થતું રહ્યું. કૉપીરાઇટ નાબૂદ થવાથી જુદા જુદા પ્રકાશકોએ રૂડારૂપાળા વેશમાં તેને યથાવત છાપ્યું. પણ તે જમાનાની લોકોમાં પ્રચલિત વાર્તાઓના સંકલનને સંપાદનનું આજના બદલાયેલા સમયના સંદર્ભમાં મૂલ્યાંકન ના કરતાં ગિજુભાઈને અન્યાય કર્યો. કેવળ ભેળસેવાળી બાળવાર્તાઓનું જ પુનર્મુદ્રણ કે મોન્ટેસોરી બાળમંદિર કે કેવળ નામસ્મરણ કરી અકાદમી કે બાળ વિશ્વકોશ જેવા વિચારો ઝીલાયા પણ તેમના સમગ્ર દર્શન-ચિંતન અનુભવ વ્યવહાર, શિક્ષણ સાહિત્યનું પુનર્મૂલ્યાંકન વિશે શિક્ષણ અંગેની અન્ય ચોપડીઓનાં પુનર્મુદ્રણ અને પ્રસ્તુતતા વિશે ઉદાસીનતા ચાલી. એ વિશે જરૂરી કાર્યવાહીનો સમય ક્યારનો ય પાકી ગયો છે; કેમ કે હજુ આજે પણ ગિજુભાઈની બાળવાર્તાઓની અસર બાળસાહિત્યમાં જોવા મળે છે.
પાંચ ભાગની કેટલીક વાર્તાઓ આજે પણ લોકજીભે અને બાળહૈયે ગુંજે છે. આનંદી કાગડો, દલા તરવાડી, બીકણ સસલી, સાત પૂંછડીઓ ઉંદર (છેલ્લો ભાગ બાળકોને સ્વીકાર્ય હોય તો રાખવો – નહીં તો રદ કરવો) કે સુપડકન્ના રાજાની વાત બાળકોને ગમે જ. તેની સરળતા, ગેયતા અને સીધો નહીં પણ સૂક્ષ્મ રીતે આપેલો બોધ બાળસાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.
કાગે મારું મોતી લીધું કે કાગડો અને ઘઉંનો દાણો, કાગડો અને કોઠીંબું (જેને એના સત્ત્વને જાળવી આજના સંદર્ભમાં લખી શકાય.) ચકલી અને કાગડો, પોપટ ને કાગડો, હંસ ને કાગડો આ જ પ્રકારની વાર્તા કહી શકાય.
બીજી ટાઢા ઢબૂકલા ઠાગા ઠૈયા કરું છું. બાપા કાગડો, દીકરીને ઘેર જાવા દે, સાંભળો છો, દળભંજન ભટુડી બિલાડીની જાત્રા, અને અદેખી કાબરની વાર્તા બાબતે જુદાં-જુદાં સ્તરના અને સ્થળનાં (નહીં કે આપવડાઈમાં રાચતા બાળસાહિત્યકારો કે બારોબારિયું કરતાં પ્રકાશકો) ‘ટ્રાય આઉટ’ વાટે નિર્ણાયક બનાવી શકાય.
આ સંદર્ભમાં શ્રી ગિજુભાઈ બધેકા જન્મશતાબ્દી ઉજવણી સમિતિ, ગાંધીનગર વતી શ્રી મનુભાઈ પંચોળીના સંપાદન હેઠળ પ્રકાશિત થયેલ દળદાર ગ્રંથમાં પ્રકાશન વર્ષ નવેમ્બર, ૧૯૮૬ ગિજુભાઈની બાળવાર્તાઓ વિશે જયેન્દ્ર ત્રિવેદીએ લખેલું યથાર્થ છે :
આજે આ વાર્તાઓ ફરીથી એક વખત વાંચતા કે બાળકો સમક્ષ વાંચી બતાવીને એમના પ્રતિભાવોનો અભ્યાસ કરતાં એક વાત તરત સૂઝે છે કે આ વાર્તાઓનું પુનઃસંપાદન થવું જોઈએ, એના ક્રમમાં ફેરફાર કરવો જોઈએ, કેટલીક વાર્તાઓમાં થોડું કાઢવું – ઉમેરવું જોઈએ તો કેટલીક વાર્તાઓને સાવ રદ પણ કરવી જોઈએ. આમ કરીએ ત્યારે એક વાતનું સતત સ્મરણ રાખવું ઘટે કે એ વાર્તાઓ બાળકો સમક્ષ કહેવા માટે છે. બાળક વાંચતું થાય ત્યારે પોતાની મેળે ભલે વાંચે, પણ મૂળે તો વાર્તાઓ કહેવા માટે છે. અને વાર્તા કહેવાની કળાની દૃષ્ટિએ જ આ વાર્તાઓનું પુનઃસંપાદન થવું જોઈએ.
ટૂંકમાં, આજે ૨૦૧૭માં તો ૧૯૨૯ની વાર્તાઓમાંથી ચયન કરવું જ પડે. તો જ ગુજરાતી બાળસાહિત્યનો વારસો જળવાશે.
આવું જ બાલસાહિત્ય માળાની એંશી ચોપડીઓ વિષે કહી શકાય. ખૂબ મથામણ કરી ગિજુભાઈ અને તારાબહેને બાળકોના રસ, જિજ્ઞાસા અને જાણકારી વિશે વિવિધ વિષયોની સાહિત્યમાળા તૈયાર કરી. તે પૈકી અમુક પુસ્તિકાઓ આજે પણ એવું જ મૂલ્ય ધરાવે છે. આ વિશે તારાબહેને સંપાદકોના કથનમાં જે લખેલું તે જોઈએ.
અમારો દાવો એક જ હોઈ શકે કે બાળકો માટે તંદુરસ્ત વાચન હોવાની જરૂર અમને પૂરેપૂરી ભાસી છે. તેમની ઊગતી જિજ્ઞાસા શું શું માગતી હતી તે અમે નજરોનજર જોઈ શકતાં હતાં. જોઈતા સાહિત્યને અભાવે અમારે તે લખીને પૂરું પાડવું પડ્યું. બાળકોએ તે પ્રેમથી વાંચ્યું. સામાન્યતઃ તેમને તે લાભદાયી થતું દેખાયું, એટલે ઇતર બાળકો માટે તે બહાર પાડ્યું. તેમાંથી સાચું હશે એટલું ટકશે અને ખોટું, હશે તે કાળે કરીને નાબુદ થશે – જલદી નાબૂદ થાય એમ ઇચ્છીએ!
ગિજુભાઈ અને તારાબહેન સરખાં પહેલકારોએ પુસ્તિકાઓ વિશે શિક્ષણધર્મ અને કાળધર્મ બેઉના સ્વીકારપૂર્વક ત્યારે જ કહ્યું હતું એના મર્મને યથાર્થ સમજીએ સાહિત્યમાળાની એંશી ચોપડીઓમાંથી ચાળીસ-એકતાળીસ પુસ્તિકા બાળસાહિત્યમાળામાં ટકોરબંધ છે. તેમાં યોગ્ય સુધારાવધારા કરીને પુનર્મુદ્રણ કરી તેનો વ્યાપક પ્રચાક અને પ્રસાર કરવો જોઈએ. આજના ઢગલાબંધ બાળસાહિત્યમાં વિવિધ વિષયોને સ્પર્શતું આવું બાળસાહિત્ય શોધવા જવું છે.
‘પ્રકાશ’ બંગલો, નવરંગપુરા પોસ્ટ ઑફિસ સામે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; 13-14