જનવિહોણા દુર્ગ ફરતી ખાઈની આ વાત છે.
સંનિકટ મિલન પછી જુદાઈની આ વાત છે.
પાવાગઢના બારમા પતાઈની આ વાત છે.
સત-અસત, ભલાઈ ને બુરાઈની આ વાત છે.
પીપળા તળે સ્થગિત કન્હાઈની આ વાત છે.
આપણા દેશ પાસે વિશાળ માર્કેટ છે અને જગતમાં સૌથી મોટું યુવાધન છે. આપણો દેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાના કારણે બારેમાસ, લગભગ ૩૬૫ દિવસ અને ઓછામાં ઓછા દિવસના ૧૦ કલાક કામ થઈ શકે એવી મોસમની અનુકૂળતા છે. જગતના બહુ ઓછા દેશો આવું નસીબ ધરાવે છે. વાત અહીં પૂરી થતી નથી. ભારતને કુદરતે જેટલી કુદરતી સંપત્તિ આપી છે એટલી જગતના બીજા કોઈ દેશને આપી નથી. ભારત પર કુદરત જાણે ઓવારી ગઈ છે અને છતાં આપણે પછાત છીએ
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST), એનો પહેલી વાર પ્રસ્તાવ આવ્યો એ પછી ૧૨ વર્ષે અને ભારતે આર્થિક સુધારાઓ કરવાનું શરૂ કર્યું એ પછી પચીસ વર્ષે ભરવામાં આવેલું મહત્ત્વનું કદમ છે. કલ્પના કરો કે જો આ ઝડપે ભારતમાં કામ થશે તો જાગતિક અર્થકારણમાં ભારત ચીનનો મુકાબલો કેવી રીતે કરી શકશે? મુકાબલો તો દૂરની વાત રહી, ભારતની ખાસ ગણના જ નહીં થાય. જગતને ભારતનું આકર્ષણ એટલા માટે છે કે ભારત પાસે વિપુલ માત્રામાં ઉપભોક્તા છે એટલે એ અર્થમાં ભારત વિશાળ માર્કેટ છે. ભારત માટે આકર્ષણનું બીજું કારણ એ છે કે ભારત યુવાનોનો દેશ છે. ભારતની કુલ વસ્તીમાં ૩૫ વરસથી નીચેના યુવાનોનું પ્રમાણ ૬૫ ટકા છે અને પચીસ વરસથી નાની વયના યુવાનોનું પ્રમાણ ૫૦ ટકા છે. ભારત જગતનો એકમાત્ર દેશ છે જેની કુલ વસ્તીમાં સરેરાશ ૭૦ ટકા હાથ ઉત્પાદક છે અને એ અર્થમાં ભારત ઉત્પાદકક્ષમતા ધરાવનારો દેશ છે. વિશ્વનું બીજા ક્રમનું વિશાળ માર્કેટ અને પહેલા ક્રમની ઉત્પાદકક્ષમતા ધરાવનારો આ નસીબદાર દેશ છે.
આ દેશ પાસે માત્ર યુવાનો અને વિશાળ માર્કેટ છે એવું નથી. આપણો દેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાના કારણે બારેમાસ, લગભગ ૩૬૫ દિવસ અને ઓછામાં ઓછા દિવસના ૧૦ કલાક કામ થઈ શકે એવી મોસમની અનુકૂળતા છે. જગતના બહુ ઓછા દેશો આવું નસીબ ધરાવે છે. વાત અહીં પૂરી થતી નથી. ભારતને કુદરતે જેટલી કુદરતી સંપત્તિ આપી છે એટલી જગતના બીજા કોઈ દેશને આપી નથી. ભારત પર કુદરત જાણે ઓવારી ગઈ છે. ખનિજ તેલ અને કુદરતી ગૅસ સહિત બધી ચીજ ઓછાવત્તા પ્રમાણમાં ભારતની ધરતીમાં છે.
ભારત સમશીતોષ્ણ કટિબંધમાં છે એને કારણે અને વિપુલ માત્રામાં જળ, જમીન, જંગલ અને ધરતીના પેટાળમાં સંપત્તિ હોવાના કારણે બે માનવીય વિશેષતાઓ ભારતને હાથ લાગી છે. જીવન પ્રમાણમાં આસાન હોવાના કારણે ભારતમાં સમૃદ્ધ સભ્યતા વિકસી છે. સંસ્કૃિતઓનો અને સભ્યતાઓનો વિકાસ થવા માટે જીવન ઓછું સંઘર્ષમય અને આસાન હોય એ જરૂરી છે. એટલે તો પ્રાચીન સભ્યતાઓ એવા જ દેશોમાં વિકસી છે જ્યાં જીવન પ્રમાણમાં આસાન હતું. જ્યાં જીવન આસાન હોય ત્યાં વિવિધતાઓ પણ વિકસે છે, પછી એ કુદરતી હોય કે માનવીય. અનેક ફૂલોવાળો રંગબેરંગી બગીચો વિકસાવવો હોય તો ફળદ્રુપ માટી અને માફકસરની મોસમ જરૂરી છે. કુદરત મહેરબાન હોવાના કારણે અંગ્રેજીમાં જેને બાયો-ડાઇવર્સિટી કહેવામાં આવે છે એ કુદરતી વૈવિધ્ય ભારતને સહજ મળ્યું છે અને કુદરતની મહેરબાનીથી જીવન આસાન હોવાના કારણે વિવિધતાવાળી સભ્યતા વિકસી છે. જ્યાં અસ્તિત્વનો સંઘર્ષ હોય ત્યાં અસ્તિત્વ ટકાવી રાખવા બીજાનું અસ્તિત્વ મિટાવી દેવું જરૂરી હોય છે; પછી એ પશુ હોય, પક્ષી હોય, બીજા જીવો હોય, વનસ્પતિ હોય કે માનવ હોય. બીજી બાજુ જો અસ્તિત્વનું સંકટ માથે ન હોય તો સહઅસ્તિત્વ આસાન બને છે; પછી એ પશુ હોય, પક્ષી હોય, બીજા જીવો હોય, વનસ્પતિ હોય કે માનવ હોય.
આમ વિવિધતા એ ભારતને મળેલું અનિવાર્ય વરદાન છે. મેં વરદાનની આગળ અનિવાર્ય શબ્દ વાપર્યો છે એને લક્ષમાં લેવાની જરૂર છે. ભારતમાં અબજો વનસ્પતિ છે, અબજોની સંખ્યામાં પૃથ્વી પર વિચરતા જીવો છે, એટલી જ માત્રામાં સમુદ્રમાં વિચરતા જીવો છે, આકાશમાં વિચરતાં પક્ષીઓ છે એમ એક માનવી છે. માનવી પણ જમીન પર વિચરતા જીવોમાંનો એક જીવ છે. જો દરેક જીવ કુદરતે આપેલા અનિવાર્ય વિવિધતાના આર્શીવાદનો સહર્ષ સ્વીકાર કરતો હોય તો એક માનવી એ અનિવાર્યતા મિટાવવાનો શા માટે પ્રયત્ન કરે છે? આ ધરતી પર જે જીવ અત્યંત બુદ્ધિમાન છે એ બુદ્ધિ વિનાનું કામ શા માટે કરે છે? આપણા કરતાં તો પશુઓ સારાં જેઓ ઓછી બુદ્ધિ હોવા છતાં આપણા કરતાં વધારે વિવેકપૂવર્ક જીવે છે.
તો નૈસર્ગિક અને માનવીય એમ બન્ને પ્રકારની વિવિધતા એ ભારતને મળેલું અનિવાર્ય વરદાન છે. ભારતમાં વિવિધતા છે એ પહેલી વાસ્તવિકતા છે. એ અનિવાર્ય છે એ બીજી વાસ્તવિકતા છે. તમારે તો માત્ર એટલું જ નક્કી કરવાનું છે કે એને વરદાન સમજવું કે અભિશાપ? બેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે, આમાં કોઈ વચલો ત્રીજો વિકલ્પ નથી. કાં વરદાન સમજો કાં અભિશાપ. બાકીના દરેક પ્રકારના વૈવિધ્યને અમે આર્શીવાદ તરીકે સ્વીકારવા તૈયાર છીએ, માત્ર માનવીય સામાજિક વૈવિધ્ય કબૂલ નથી એવો અભિપ્રાય ધરાવો છો? ઘણા લોકો આવો અભિપ્રાય ધરાવે છે. તેઓ એમ માને છે કે વડલાએ પીપળા સાથે જીવવું જોઈએ, પણ હિન્દુ-મુસલમાન સાથે ન જીવી શકે. એમાં તો લઘુમતીએ બહુમતીમાં ઓગળી જવાનું. ખૂબીની વાત એ છે કે બન્ને માનવી છે. માનવીએ સમાજ વિકસાવ્યો એ પછી એના ભાગરૂપે નાત, જાત, ધર્મના ચહેરા માનવીએ વિકસાવ્યા છે; એ ઈશ્વરદત્ત નથી.
તમને કદાચ થતું હશે કે GSTને અને આર્થિક સુધારાઓને આ લાંબા વિવેચન સાથે શું સંબંધ? સંબંધ છે. વિશાળ માર્કેટ છે, વિશ્વનું સૌથી મોટું યુવાધન છે, બારેમાસ સરેરાશ ૧૨ કલાક કામ કરી શકાય એવી મોસમ છે, વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે અને છતાં આપણે જગતમાં પાછળ છીએ. વિશ્વના મહામૂર્ખ દેશનું બિરુદ જો કોઈ દેશને આપવું હોય તો એ ભારતને આપી શકાય. માનવીય સામાજિક વિવિધતા કબૂલ નથી એટલે આપણે પાછળ છીએ. સહઅસ્તિત્વ કબૂલ નથી એટલે આપણે પાછળ છીએ. સહિષ્ણુતા કેળવવી નથી એટલે આપણે પાછળ છીએ. જે પરિવારમાં કંકાસ હોય એ પરિવાર આર્થિક રીતે સુખી થતો નથી, ઊલટાનું સુખી પરિવાર કંકાસના કારણે પાછળ પડી ગયા હોય એવા ઘણા દાખલા તમારી નજરમાં હશે. એવા પરિવારોના લોકોને તમે મૂર્ખ તરીકે ઓળખાવતા હશો, તેમની હાંસી ઉડાવતા હશો અને જો તમે ભલા હશો તો દયા ખાતા હશો. જગતનો ભારત વિશેનો દ્રષ્ટિકોણ પણ લગભગ કંઈક આવો જ છે.
જે લોકો ભારતની વાહ-વાહ કરે છે એ લોકો આડકતરી રીતે એમ કહે છે કે હવે લડતા બંધ થાઓ, દરવાજા ઉઘાડો એટલે અમે અંદર પ્રવેશી શકીએ અને સાથે મળીને કંઈક કામધંધો કરીએ. તેમને જાણ છે કે કંકાસિયા ઘરમાં કેટલી સંપત્તિ છે અને કેટલી તકો છે. જે વેપારી કે શાસકો નથી એવા સમાજશાસ્ત્રીઓમાંથી કેટલાક ભારતની દયા ખાય છે, કેટલાક ભારતની હાંસી ઉડાવે છે અને એ સાથે બન્ને ભારતને સલાહ આપે છે કે લડતા બંધ થઈને ક્ષિતિજ પર જે ઊજળી તકો ઊભી છે એના તરફ નજર કરો. એને માટે ભારતે શું કરવું જોઈએ એના ઇલાજો સૂચવે છે. ઇલાજો બન્ને સૂચવે છે; જેમને ભારતમાં આર્થિક હિતો માટે પ્રવેશ કરવો છે એ પણ અને જેમનો અંગત સ્વાર્થ નથી એવા સામાજિક-આર્થિક સમીક્ષકો છે એ પણ. ક્યારેક નજર કરી જુઓ જગત આપણા તરફ કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યું છે. આપણે આપણી જાતને મહાનતાનાં સર્ટિફિકેટો આપી દઈએ એટલે જગત એનો સ્વીકાર કરી લેશે એવું નથી. જગતમાં ભારતની ઇમેજ આંતરિક પ્રશ્નોને સમયસર હલ ન કરી શકનારા દેશ તરીકેની છે.
દરેક પ્રકારનું સદ્નસીબ ધરાવનારો દેશ રાજકીય રીતે કમનસીબ છે. દેશની સામાજિક વિવિધતાઓને એકબીજાની સામે લડાવીને આ દેશના રાજકારણીઓ રાજકારણ કરે છે. કૉન્ગ્રેસ અને સામ્યવાદી પક્ષોને છોડીને બાકીના પક્ષોની સ્થાપના જ ચોક્કસ સમાજવિશેષ માટે કરવામાં આવી છે. કોઈ પક્ષ તામિલો માટે છે, કોઈ મરાઠીઓ માટે છે, કોઈ સિખો માટે છે, કોઈ મુસલમાનો માટે છે, કોઈ હિન્દુ માટે છે તો કોઈ યાદવો, દલિતો કે કુર્મીઓ માટે છે. ચોક્કસ વર્ગવિશેષ જાગૃત થાય, સંગઠિત થાય, તેનું સશક્તિકરણ થાય, તે અન્યાય સામે સંઘર્ષ કરે એ આવકાર્ય છે; પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ વર્ગવિશેષના હિતના રાજકારણને વોટબૅન્કના રાજકારણમાં ફેરવી નાખે છે.
આવું વોટબૅન્કનું રાજકારણ કરનારાઓ નસીબદાર દેશને કમનસીબ દેશ તરીકે નિષ્ફળ બનાવી રહ્યા છે.
૧૯૯૧માં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ અને તેમના નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આર્થિક સુધારાઓ કર્યા અને નવો મૂડીવાદી માર્ગ અપનાવ્યો એને પચીસ વરસ થયાં છે એટલે સ્વાભાવિકપણે એનાં લેખાંજોખાં થઈ રહ્યાં છે. એકંદરે કરવામાં આવેલા સુધારાઓનું સ્વાગત થઈ રહ્યું છે. મારા જેવા એ સમયે સુધારાઓનો વિરોધ કરનારાઓ પણ પચ્છમ બુદ્ધિ સુધારાઓને જરૂરી હતા એમ માનતા થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આર્થિક સુધારાઓ વિશે જે કેટલાક લેખો વાંચવામાં આવ્યા છે એમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રભાત પટનાયક નામના અર્થશાસ્ત્રીનો લેખ મને મનનીય લાગ્યો છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા પ્રભાત પટનાયક ડાબેરી અર્થશાસ્ત્રી છે. તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે ‘૧૯૯૧માં જે સુધારાઓ થયા એ આર્થિક સુધારાઓ હતા અને એ રીતે જ એને ઓળખાવવામાં આવે છે, પરંતુ રાજ્યને નિષ્ફળ બનાવનારા રાજકીય સુધારાઓ ક્યાં? એ કેમ નથી કરવામાં આવતા? શાસકીય સુધારાઓ વિનાના આર્થિક સુધારાઓ આપણને ત્યાં લઈ ગયા છે જ્યાં આપણે આજે છીએ.’
ડૉ. મનમોહન સિંહે તેમના હાથે થયેલા આર્થિક સુધારાઓ વિશે કહ્યું હતું કે ૧૯૯૧માં સ્થિતિ જ એવી હતી કે આર્થિક સુધારા કર્યા વિના ચાલે એમ નહોતું, ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા અને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. તેમણે મંડલ, કમંડલ અને કાશ્મીરના પ્રશ્ને ઝઘડતા ઘરના દરવાજા ખોલી નાખ્યા હતા. ડૉ. મનમોહન સિંહ લખે છે કે બીજો વિકલ્પ જ નહોતો. પહેલી વાત તો એ છે કે જો સમયસર રાજકીય-શાસકીય સુધારાઓ કર્યા હોત તો ૧૯૯૧ની ઘડી આવી જ ન હોત. શ્વાસ લેવો મુશ્કેલ બન્યો અને દરવાજા ખોલી નાખવા પડ્યા એ સ્થિતિ જ ન પેદા થઈ હોત. ગણતરીપૂવર્ક આયોજનબદ્ધ રીતે આર્થિક સુધારાઓ થયા હોત તો ઝઘડતા ઘરની સંપત્તિ ક્રોની કૅપિટલિસ્ટો લૂંટી ગયા એ ન બન્યું હોત.
કમનસીબે એવું બન્યું નહીં. ૧૯૯૧માં આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા એનાં પચીસ વરસ પહેલાં નાત-જાત, કોમ અને પ્રદેશના વોટબૅન્કનું રાજકારણ શરૂ થયું હતું અને આજે આર્થિક સુધારા પછી પચીસ વરસે પણ એ અમર તપે છે, બલ્કે વધારે વિકૃત થયું છે. રાજકીય સુધારાના અભાવની પહેલી પચીસીનું પરિણામ ૧૯૯૧ના ઘડિયાં લગ્ન જેવા આર્થિક સુધારા છે અને રાજકીય સુધારાના અભાવની બીજી પચીસીનું પરિણામ આજની લૂંટ છે અને ગરીબ-અમીર વચ્ચે વધતી ખાઈ છે. એટલે તો પ્રભાત પટનાયકે પ્રશ્ન પૂછ્યો છે કે ૧૯૯૧માં ભારતના શાસકવર્ગને આર્થિકની જગ્યાએ અથવા સાથે-સાથે રાજકીય-શાસકીય સુધારાઓ કરવા જોઈએ એમ કેમ ન લાગ્યું? ૧૯૯૧નો મૂંઝારો શેનું પરિણામ હતું એ શું તેઓ નહોતા જાણતા? બીજી બાજુ શાસકીય સુધારાઓ કર્યા વિનાના આર્થિક સુધારાઓનાં શા પરિણામો આવી શકે એની તેમને કોઈ કલ્પના નહોતી?
બધાને બધી જ ખબર હતી; પરંતુ રાજકીય પક્ષોના ટેકેદાર આપણે, એટલે કે ભારતના નાગરિકની અંદર હિન્દુ બેઠો છે, બ્રાહ્મણ બેઠો છે, મુસલમાન બેઠો છે, દલિત બેઠો છે, મરાઠી બેઠો છે; માત્ર ભારતીય બેઠેલો જોવા નથી મળતો. વિશાળ માર્કેટ છે, વિશ્વનું સૌથી મોટું યુવાધન છે, બારેમાસ સરેરાશ ૧૨ કલાક કામ કરી શકાય એવી મોસમ છે, વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે અને છતાં આપણે જગતમાં પાછળ છીએ; કારણ કે આપણી અંદર ભારતીય હોવાપણાનો અભાવ છે. જગતમાં કોઈ દેશને મળી નથી એટલી અનુકૂળતાને પ્રતિકૂળતામાં ફેરવી નાખનારા મૂરખાઓનો આ દેશ છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સનડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-07082016-15
અંધેરી નગરી અને ગંડુ રાજા
આ વાર્તા નથી. આ દુનિયામાં આવો માણસ હરે–ફરે છે. તેમનું નામ હતું : ‘મિ. રે લા–શપેલ.’ તે મારા બૉસ હતા. પ્લાસ્ટિક કલર કંપનીના પ્રેસિડન્ટ હતા. હું તે કંપનીમાં ટૅકનિકલ ડાયરેક્ટર હતો.
૧૯૯૮ના એપ્રિલમાં એક દિવસે સવારે તે મારી ઑફિસમાં ધસી આવ્યા. તેમના હાથમાં તે દિવસનું ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ હતું. તેમણે તે પેપર મારા ટેબલ પર પછાડ્યું. ‘વોટ ઈઝ ધીસ? આ શું છે?’ મને કાંઈ સમજ ન પડી. મને કહે કે, ‘પેપર વાંચ.’ પહેલા પાના પર મોટા અક્ષરે ન્યુઝ હતા કે ‘ઈન્ડિયાએ રાજસ્થાનના રણમાં અણુધડાકો કર્યો.’ પછી મારા પ્રેસિડન્ટ ઉછળીને બોલ્યા, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? એટમબોમ્બ ફોડ્યો એટલે અમારી બરોબરના થયા? તમે સાબિત શું કરવા માંગો છો?’ મેં ખૂબ નમ્રતાથી કહ્યું કે, ‘આ એટમબોમ્બ ફોડવામાં મારો હાથ નથી અને જો ઈન્ડિયન ગવર્નમેન્ટને સલાહ આપું તો ત્યાં કોઈ મારું સાંભળે પણ નહીં.’ તે બોલ્યા કે, ‘મિસ્ટર, શનિવારનું ડીનર કેન્સલ.’
આ ડીનરની વાતમાં એમ હતું કે માર્ચના અંતમાં ગૂડી પડવાને દિવસે મારી દીકરી પરણી હતી. તેમાં મિસ્ટર અને મિસીસ લા–શપેલ નહોતાં આવી શક્યાં. તો મેં તેમના કુટુમ્બ સાથે મારા કુટુમ્બનું ડીનર એક ફ્રેન્ચ રેસ્ટોરાંમાં ગોઠવ્યું હતું. આ ગાંડા માણસે ઈન્ડિયાએ અણુ વિસ્ફોટ કર્યો તે મારા માથે ઢોળ્યું અને મારો વાંક કાઢીને ડીનર કેન્સલ કર્યું. ‘તસ્કર ખાતર પાડતાં – ચોર દબાયા ચાર’ જેવો ઘાટ થયો. ઈન્ડિયન ગવર્નમેન્ટમાં મારું ચાલતું હોત તો તે બોંબ રે લા–શપેલના માથે જ ફોડાવત.
હવે આ માણસ કેટલો પાગલ છે તે તો મને પહેલે દિવસે મારા જોબ ઈન્ટરવ્યુ વખતે જ સમજાઈ ગયું હતું. મારો ઈન્ટરવ્યુ લેવા જનરલ મેનેજર અને પ્રેસિડન્ટ બેઠા હતા. હું જેવો તેમની ઑફિસમાં ગયો કે મિ. લા–શપેલ ઊભા થઈ ગયા. ‘ઓહ, માય ગોડ ! યુ આર વેરી હેન્ડસમ. આઈ લાઈક યોર પર્સનાલિટી,’ તેણે બાજુમાં બેઠેલા જનરલ મેનેજર મિ. ફીલ પેટનને કહ્યું કે, ‘મિ. પેટન, તમને આ માણસ ગમ્યો? મને તો બહુ જ ગમ્યો છે. એને નોકરીમાં રાખી દો.’ ટૅકનિકલ ડાયરેક્ટરની પોસ્ટ માટે આવું કેટલાને બન્યું હશે? મારા હાથમાં જાત જાતનાં સર્ટીફિકેટ્સ હતાં, કેરેકટર રેફરન્સીસ હતા. મિ. રે લા–શપેલને કશાની જરુર ન લાગી. તેમને મારો દેખાવ ગમી ગયો. તેમને મારી પર્સનાલિટી ગમી ગઈ. મેં મનોમન મારા મા–બાપને ‘થેન્ક યુ’ કહ્યું. આવું મારા જીવનમાં બીજી વાર બન્યું. પહેલી વાર, મારી પત્નીને પરણતાં પહેલાં જોવા ગયો હતો. ત્યારે બન્યું હતું.
મિ. લા–શપેલે તેમની સેક્રેટરીને અને સ્ટાફની બીજી બે ત્રણ છોકરીઓને બોલાવીને પુછ્યું કે, ‘આ માણસ હેન્ડસમ છે ને ! એને નોકરીમાં લીધો છે.’ મને પોતાને સંકોચ થતો હતો. ઈન્ટરવ્યુમાં કેવા કેવા સવાલ પૂછાશે વગેરે વિચારોથી પરસેવો થતો હતો. અને અહીં તો આ નાટક ! અને હૈયામાં ઠંડક થઈ ગઈ. હકીકતમાં તો મારે તે દિવસે જ સમજી લેવા જેવું હતું કે અહીં તો ‘ટકે શેર ભાજી; ટકે શેર ખાજા છે.’
તેમનો દીકરો અમારી કંપનીમાં સેલ્સમેન હતો. તેની સાથે મારે ઘણી વખતે ટૅકનિકલ મદદ માટે ટ્રાવેલીંગ કરવી પડતી હતી. અને મારી મદદથી તેને ચાર પાંચ સારા ઓર્ડર પણ મળ્યા હતા. તે મારો મિત્ર બની ગયો હતો. એક વખતે કોઈ કારણસર તેને અમારા પ્રેસિડન્ટ ખૂબ વઢ્યા. અને બે વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ. તે આખી ઑફિસે સાંભળ્યું–જોયું. પછી તે મારી ઑફિસમાં આવ્યા અને પોતાના દીકરા વિશે મને કહેવા લાગ્યા કે, ‘તેં એને ચડાવી માર્યો છે.’ ત્યારે મેં તેમને સમજાવ્યા કે ‘અમારા હિન્દુઓમાં કહેવાય છે કે છોકરાં તો બોલે; પણ બાપે તેમને માફ કરી દેવાં જોઈએ.’ તે વાત તેમને ગમી ગઈ અને ત્યાર પછી તે હમ્મેશાં મારી સાથે જાત જાતની હિન્દુ ફિલોસોફીની વાતો કરવા આવતા. મઝાની વાત એ હતી કે હું જનરલ મેનેજરને રિપોર્ટીંગ કરતો હતો. પણ પ્રેસિડન્ટ સીધા મારી ઑફિસમાં કામ સિવાયની વાતો કરવા આવી જતા. શરૂઆતમાં મને કે કોઈને આ વાત નહોતી સમજાતી. પછી મારા બોસ મિ. ફીલ પેટન મને લા–શપેલ સાથે શી શી વાતો થઈ તે પૂછતા. અને હું તેમને સાચું કારણ આપતો કે મિ. લા–શપેલ મારા કુટુમ્બ વિશે પૂછપરછ કરતા હતા. અને મારા બૉસ મને શંકાની નજરે જોતા અને કહેતા કે તારી વાત મને સાચી નથી લાગતી; પણ તું કહેતો હોય તો તારી વાત સાચી માનીશ.
હવે વિચારવા જેવી વાત એ હતી કે આવી મોટી કંપનીના પ્રેસિડન્ટને આમ ગપસપ કરવાનો સમય મળે ખરો? કંપનીનું ૪૮ મીલિયન ડૉલરનું સેલ હતું. અને સોથી વધુ માણસો કામ કરતા હતા. મને લાગતું કે કંપની જનરલ મેનેજર મિ. પેટન ચલાવતા અને પ્રેસિડન્ટ જલસા કરતા હતા.
અમેરિકન ફૂટબોલના એક કાળા પ્લેયર, ઓ. જે. સિમ્પ્સને પોતાની ગોરી પત્નીનું ખૂન કર્યું હતું. તેનો કેસ ચાલતો હતો. અમેરિકન પ્રજાનો મત તો આ વિષય પર વહેંચાયલો હતો. ગોરા માનતા કે તે ખૂની છે; જ્યારે કાળા અમેરિકનો તેને નિર્દોષ માનતા. જે દિવસે એ કેસનો કોર્ટમાં નિર્ણય આવવાનો હતો, તે દિવસે મિ. લા–શપેલ સવારે મારી ઑફિસમાં આવ્યા. મને કહે કે, ‘તને આ કેસ વિશે શું લાગે છે.’ મેં તેમને કહ્યું કે, ‘સિમ્પ્સન નિર્દોષ જાહેર થશે.’ મારી દૃષ્ટિએ કારણ તો બહુ સીધું હતું. અમેરિકાની કોર્ટમાં તેને ગુનેગાર સાબિત કરવો હોય તો દરેક જ્યુરીનો નિર્ણય એક સરખો હોવો જરૂરી હતો. હવે તેમાં બે કાળા જ્યુરી હતા! જે કદી કાળા કેદીને ગુનેગાર ન ગણે. એટલે ગુનેગાર છૂટી જાય. અને થયું પણ તેમ જ. ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ જાહેર થયો.
એટલે મિ. લા–શપેલ ગુસ્સે થયા. તે પોતે ગોરા અમેરિકન હતા. અને મને કહે કે, ‘તને ક્યાંથી ખબર પડી કે તે છૂટી જશે?’ તમે માનશો કે ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ છૂટ્યો તો તેમાં મારો હાથ હતો? હવે આ માણસને કેવી રીતે જીતાય ! કદાચ કંપનીમાં કોઈ ટૅકનિકલ પ્રોબ્લેમ ઊકેલી ન શકું તો મને જૂતા મારો, ગણીને એક સો; પણ આવી વાહિયાત વાતો પર મારા પર ચીઢાય તેનું શું? પછી મેં નક્કી કર્યું કે : ‘સિંહનું મોઢું સૂંઘવા કરતાં શિયાળની જેમ કહી દેવાનું કે મને શરદી થઈ છે.’
હવે આ પ્રેસિડન્ટની બીજી ઘણી બધી વિચિત્ર બાજુઓ હતી. અમે બે, કોઈ ટૅકનિકલ પ્રેઝન્ટેશન માટે સાથે એર ટ્રાવેલીંગ કરતા. ત્યારે મારું લગેજ એ ઊંચકી લે ! જાતે મારી કૉફી બનાવી આપે ! તેમની સાથે કોઈ રેસ્ટોરાંમાં ડ્રીંક પીતા હોઈએ તો તમારે એ જેટલા પૅગ પીએ એટલા ફરજિયાત પીવા પડે! હા, તેમનો કાયદો હતો કે રેસ્ટોરાંમાં એ પોતે ખુરશીમાં બેસે પછી જ સ્ટાફ બેસે. જો એમની સાથે ટેનીસ રમતા હો તો તે જ જીતવા જોઈએ. જો ભૂલથી તમે જીતો તો પાછા મર્યા !
ટૂંકમાં, તમારા માથા પર બે–ધારી તલવાર લટકતી હોય. મને પોતાને પગાર સરસ હતો અને કંપનીની બધી ટૅકનિકલ મુશ્કેલીઓમાં મને ઊંડી સમજ હતી. તેથી નોકરી છોડવાનું બહુ મન નહોતું થતું. હવે બીજી ન સમજાય તેવી વાત એ હતી કે તે એક ઈન્ડિયન, હરનિશને તે પસંદ કરતા હતા; પરંતુ તેમને ઈન્ડિયા નહોતું ગમતું! બીજા ઈન્ડિયનો પણ નહોતા ગમતા !
તેમાં મારા કમનસીબે, કોઈ ઈન્ડિયને તેમની કારને પોતાની કાર ભટકાડી – અથવા તો એમ કહેવાય કે મિ. લા–શપેલની કાર કોઈ ઈન્ડિયનની કાર સાથે અથડાઈ. વાંક કોનો? ત્યારે કહે કે હરનિશનો. આવ્યા સીધા બીજે દિવસે મારી ઑફિસમાં. ‘તારા ઈન્ડિયનોને કાર ચલાવતા પણ નથી આવડતી. ઊંટગાડી ચલાવો, ઊંટગાડી!’ મને કહેવાનું મન તો થઈ ગયું કે : ‘અમે ઈન્ડિયનો તમારી કંપનીઓ તો ચલાવવાનું જાણીએ છીએ, એટલું ઓછું છે ?’
આ માણસથી છુટવાનું મેં નક્કી કરી નાખ્યું અને મેં પહેલી તકે તે નોકરીમાં રાજીનામું આપી દીધું. તો બીજે દિવસે સવારે મારી ઑફિસમાં આવીને કહે કે, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? તમારા વિના મારી કંપની બંધ પડી જશે?’
મેં તેમને જવાબ તો ન આપ્યો; પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ભારત એટમબોંબ ફોડે તો સારું અને તે પણ મિ. લા–શપેલના માથા પર !
લખ્યા તારીખ : 15th May, 2016
4-Pleasant Drive, Yardville, NJ-08620 – USA Email : harnishjani5@gmail.com
સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ બારમું – અંકઃ 354 – August 07, 2016