ભાગોળેથી ભેંસ વળી છે પાછી,
ભીનેવાને સાંજ ઢળી છે પાછી.
ઝીણી નજરે અરુંધતીને ઝાંખો,
દૂધી સાથે દાળ ગળી છે પાછી.
ફંફોસી લ્યો ગજવે બીડી-બાકસ,
વાતચીત પર રાખ વળી છે પાછી.
નીરવ રાત્રિને તમરા જેવું સૂંઘો,
રાતરાણીની ખૂલી કળી છે પાછી.
ઊંડળ લેજો ચંદ્ર મોગરા ચૂમી,
સોબત સૈ-ની માંડ મળી પાછી.
૩/૬/૨૦૧૬
સૈ: સખી; સહિચર; સાહેલી; બહેનપણી
ઊંડળ: બથ; બાથ ; આલિંગન
![]()


તૃપ્તિ શાહ, આ નામ જ્યારે પણ મનમાં આવે, ત્યારે એક નહીં, બે ચહેરા સામે આવે. એક એ ચહેરો જે ખૂબ આક્રોશ અને જુસ્સાથી સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, કોમવાદ કે અન્યાયની ઘટનાઓ સામે અવાજ ઊઠાવતો હોય, સવાલ ફેંકતો હોય અને જવાબ ન મળે ત્યાં સુધી જોમ ટકાવી રાખતો હોય. બીજો એ ચહેરો જેમાં નિર્ભેળ હાસ્ય, અવાજની ભારોભાર મીઠાશ, હૂંફ અને પોતાની વાત ધીરજથી સામી વ્યક્તિને સમજાવવાની કુશળતા છલકાતી હોય. 
