કોઠે પડ્યું છે જેટલું એ છોડવું પડશે હવે,
જાગી સમયની સાથ જીવન જોડવું પડશે હવે.
આતંકમાં રાચી રહેલી આંખ જ્યારે ખૂલશે.
માનવ થવાને તે પછી કૈં દોડવું પડશે હવે!
છે પ્રેમની ભાષા મહીં ધિક્કારનું જે છળકપટ,
આ વહેણ ભાષાનું સવેળા મોડવું પડશે હવે.
આ ધર્મસંતોનાં ઘમંડો શ્વાસમાં લહેરી રહ્યાં.
નક્કર અહમ્નું ગૂમડું એ ફોડવું પડશે હવે.
ચારે તરફ ચાલી રહ્યું છે, અરણ્યરુદન દોસ્ત હે?
ત્યાં સ્વાર્થનું જાળું થયું તે તોડવું પડશે હવે.
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 09
![]()


આપણે ત્યાં નાટ્યકલા વિશે ઓછું લખાય છે. જે નાટકો લખાય છે તેમાંથી બહુ ઓછાં તખ્તા સુધી પહોંચે છે. જે નાટકો ભજવાય છે તેમાંનાં બહુ ઓછા પ્રગટ થાય છે. ગુજરાતી રંગભૂમિની પોતાની આગવી કહી શકાય તેવી કોઈ ઓળખ નથી. શા માટે આવી પરિસ્થિતિ છે, તે અંગે પણ કોઈ વિચારણા થતી નથી. આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં નાટ્યકલા અંગે કોઈ સંચય પ્રગટ થાય એ અત્યંત આવકારીય ઘટના છે. આવી ઘટનાને પોંખવી એ ખરેખર પ્રત્યેક નાટ્યકલારસિકનું કાર્ય છે.