‘સજ્જનો અને સન્નારીઓ !
‘આજે મારે તમને મારા પોતાના અનુભવની વાત કરવી છે. જ્યાં સુધી એક બાળકની માફક, તદ્દન નિસ્વાર્થ ભાવે આ માતાના ચરણોમાં નહોતો આવ્યો ત્યાં સુધી હું પણ તમારા સૌની માફક આવતીકાલની ચિંતામાં ડૂબેલો રહેતો, આકુળ-વ્યાકુળ રહેતો પણ હવે કોઈ ફિકર નથી, ગઈકાલ કે આવતીકાલની કોઈ ચિંતા નથી. બસ, વર્તમાનમાં જીવું છું. મારી બધી આધિ, વ્યાધિ, ઉપાધિ માએ લઈ લીધી છે. એ જ રસ્તો બતાવતી જાય છે. મારે કશું કરવું નથી પડતું.
‘આજ-કાલ કરતાં સત્તર વર્ષ થયાં એ વાતને. એક રાત્રે સાક્ષાત્ માએ મને સ્વપ્નમાં દર્શન દીધા અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા આપી. મેં કશું નથી કર્યું, જે કંઈ કર્યું એ મારી માએ કર્યું છે. આ જે વિશાળ મંદિર અને એમાં બિરાજમાન માતાની ભવ્ય મૂર્તિ તમે જોઈ રહ્યા છો એ મા ભવાનીનો ચમત્કાર નહીં તો બીજું શું છે ? માની કૃપાનો વિચાર કરું છું ને હું ગદ્ગદ્થઈ જાઉં છું. બોલો, શ્રી અંબે મા…ત કી જય !’
બોલતાં બોલતાં પાઠકજીની આાંખો અશ્રુભીની થઈ જતી અને કંઠ રુંધાઈ જતો. શ્રોતાઓ એમના વાણીપ્રવાહમાં ભીંજાઈ જતા. એમની વાણીનો પ્રભાવ એવો કે, જે ભક્ત માતાના ભંડાર કે દાનપેટીમાં દસ રૂ. મૂકવાનું વિચારીને આવ્યો હોય એ પચાસ કે સોની નોટ સહજતાથી મૂકી દેતો.
આમ તો જ્યારે સરકારી નોકરી કરતા ત્યારે પાઠકજી ધાર્મિક નાટકોમાં પણ ભાગ લેતા. એટલે એમને હાવ-ભાવ અને અવાજમાં ઉતાર-ચઢાવ સાથે બોલવાની ફાવટ આવી ગઈ હતી. એમનું મૂળ નામ પૂનમચંદ અને અટક પાઠક તેથી લોકો એમને પી.પી. કહીને બોલાવતા પણ જ્યારથી થોડા લોકોને મંદિરના વહીવટ અંગેની એમની નિષ્ઠા માટે શંકા ગઈ ત્યારથી તેઓ એમને ભલે પી.પી. જ કહેતા પણ એ અક્ષરોનો વિસ્તાર ‘પાખંડી પાઠક’ તરીકે કરતા. જો કે, પાઠકજીને લોકો એમની પીઠ પાછળ શું બોલે છે એની સાથે ઝાઝી લેવા-દેવા નહોતી. એમને તો બસ, એ ભલા ને એમની મા ભલી. એમની વાણીનું શ્રવણ કરનાર કોઈ શ્રોતા ન મળે ત્યારે તેઓ પત્ની પાસે પોતાનું સંભાષણ ચલાવતા,
‘કોઈ માને કે ન માને, તું તો જાણે જ છે ને કે, મને મા પ્રત્યે કેટલી આસ્થા છે ?’ પત્નીને મનમાં ને મનમાં હસવું આવતું ને થતું કે શેની આસ્થા ને શેની વાત’. કેમ કે, એ તો પોતાની સગ્ગી આંખે પતિને મંદિરની આવકમાંથી ઘરનું રાચ-રચીલું વસાવતા અને કાળા-ધોળા કરતાં જોતી હતી. માતાની આ સુંદર, ભાવવાહી મૂર્તિ ઘડનાર બંગાળના ઘોષબાબુ એની પાસે કાલાવાલા કરતા,
‘બૌદી, પાઠકજી યે અચ્છા નંઈ કરતા. અમકો મૂર્તિ બોનાનેકો બોલા પન આજ તલક એક પઈસા બી નંઈ દિયા.’
પાઠકજીની પત્નીને પોતાને પણ લાગતું કે, આ ઠીક નથી થઈ રહ્યું. મંદિરના પરિસરમાંની જે બે ઓરડીઓમાં તેઓ રહે છે એનો પણ મંદિરની મરામત માટે ભેગા થયેલા ફાળામાંથી જ પાઠકજીએ મેળ પાડ્યો હતો. પણ જ્યારથી પરણીને આવી ત્યારથી એણે પાઠકજીની હામાં હા કર્યે રાખી હતી તો પછી હવે જતી જિંદગીએ શી માથાકૂટ ? – એ વિચારતી.
મંદિરની પ્રવૃત્તિઓ ધમધમતી લાગે એ માટે પાઠકજી અવનવા નુસખા વિચાર્યા કરતા. મુખ્ય સ્થાને માતાની મૂર્તિ તો હતી પણ આજુબાજુ બધે કેટલાં ય દેવ-દેવીઓની મૂર્તિઓ પણ દાતાઓને હાથે, વિધિ-વિધાન સાથે એમણે બિરાજમાન કરાવી હતી. એટલે જ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ, બુધવારે મહિલાઓનો સત્સંગ, શનિવારે સુંદરકાંડ તો રવિવારે હોમ-હવન, એમ ભરચક કાર્યક્રમો ચાલતા રહેતા, અને એટલે જ ભક્તોની આવન-જાવન અને દાન-દક્ષિણાનો પ્રવાહ પણ અખંડ વહેતો રહેતો. જ્યારે મંદિરની અંદર કશી પ્રવૃત્તિ ન ચાલતી હોય ત્યારે મંદિરના ગુંબજ પર લગાવેલા સ્પીકરમાંથી ભજનોના સૂર રેલાતા રહેતા.
આજ સુધી તો બધું ઠીકઠીક ચાલ્યા કરતું પણ હમણાં હમણાં એમનાં પત્નીએ જોયું કે, પાઠકજી ચિંતાગ્રસ્ત લાગતા અને એમનો ખોરાક પણ ઓછો થઈ ગયો છે. એણે પૂછ્યું, ‘શું થયું છે ? તબિયત બરાબર નથી ? પૂરું ખાતા પણ નથી ને રાત્રે પથારીમાં પણ પડખાં ફેરવ્યા કરો છો. એવું હોય તો ડૉક્ટરને બતાવોને ! બી.પી. કે કંઈ….’ મને બી.પી.ય નથી ને ડાયાબિટીસ પણ નથી. મને જે નડે છે એ પેલો ઘોષ અને પેલો મિશ્રા એ બંને નડે છે.’
‘એ કેવી રીતે ?’
‘એ બંને ભેગા થઈને મારી વિરુદ્ધ ભક્તગણને ભડકાવે છે. કહે છે કે, મંદિરની આટઆટલી આવકના હિસાબ માટે એક કમિટી નીમવી જોઈએ.’ ‘વાત તો સાચી ….’ લાંબું વિચાર્યા વિના પત્નીએ વચ્ચે ડબકું દીધું. ‘શું સાચી ? સત્તર વર્ષ થયાં હું એકલે હાથે બધો હિસાબ રાખું છું ને હવે કમિટી બનશે તો …. સમજાય છે કંઈ ?’
‘હા, હવે સમજાયું પણ તો તમે શું કરશો ?’
‘એ જ વિચારું છું. મા કંઈ રસ્તો બતાવે ને એના બાળક પર કૃપાદૃષ્ટિ કરે તો જ હવે કંઈ થાય.’
‘પણ …’ પત્ની બોલવા ગઈ કે, આવા કામમાં મા કંઈ રસ્તો ન બતાવે પણ પછી પોતાના ડહાપણથી પતિ છંછેડાઈ જશે એ બીકે ચૂપ જ રહી. ત્યાર બાદના થોડા દિવસો પાઠકજી માટે ખૂબ મુશ્કેલીભર્યા રહ્યા. એમના વિરોધીઓની ટોળકી હવે મોટી થઈ રહી હતી. એ સૌ પોલીસમાં ફરિયાદ નોંધાવવાના હતા એવી બાતમી એમના વિશ્વાસુ ભક્તો દ્વારા મળી હતી.
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. ભક્તો શ્રદ્ધાપૂર્વક માને કંઈ ને કંઈ ભેટ ધરી જતા. પાઠકજી અખંડ જાપ કરતા હતા. આ સાધના એકાંતમાં જ કરવાની હોવાથી રાતના સમયે કોઈને પ્રવેશ નહોતો.
સવારે પૂજારીએ આવીને જોયું તો માતાને જે સોળે શણગાર સજાવેલા એ બધા ગાયબ અને પી.પી.નું ખાલીખમ ઘર ખુલ્લું ફટાક પડેલું. આ શું થઈ ગયું ? મા પાસેથી કંઈ જવાબ મળશે એમ કરીને પૂજારીએ મૂર્તિ સામે જોયું … મા મરક મરક હસતાં હતાં.
(ગોવિંદ ઉપાધ્યાયની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2015; પૃ. 24
![]()


કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિત દિન બારમી મેએ બહાર પડેલા, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માકર્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વિશ્વીકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.
મુકુલભાઈના ઉપર્યુક્ત જીવનકાર્યની અભ્યાસપૂર્ણ છણાવટ ઉપરાંત આ દસ્તાવેજી મહત્ત્વ ધરાવતા પુસ્તકમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી પણ મળે છે. જેમ કે પી.આર.એલ.માંથી મુકુલની હકાલપટ્ટી સામે સુપ્રીમ કોર્ટમાં લડનારા ગિરીશ પટેલની આંખોમાં હાર પછી આંસુ આવી ગયા હતા. ત્યારે મુકુલે તેમને દિલાસો આપતાં કહ્યું હતું : ‘એક વાત તો સ્પષ્ટ થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રે મારું કોઈ સ્થાન નથી કારણ કે વિજ્ઞાન અને કામદાર સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી !’ પી.આર.એલ. એ એવી પણ ગોઠવણ કરી હતી કે મુકુલને ભવિષ્યમાં ક્યાં ય નોકરી ન મળે. જામનગરમાં રિફાઈનરીની સ્થાપના વખતે તેમણે રિલાયન્સ સામે પરવાળાં બચાવવા માટે કેસ કર્યો હતો અને ‘પોટા’ના કેટલા ય આરોપીઓને તેમણે બચાવ્યા હતા એ માહિતી તેમનાં પત્ની નિર્ઝરી સિન્હાના લેખમાં મળે છે. તેમાં અને હર્ષ મંદેરના લેખમાંથી એ પણ જાણવા મળે છે કે મુકુલ અને તેમના સાથીઓએ ગોધરાકાંડ કોમવાદી કાવતરું નહીં પણ એક ભીષણ અકસ્માત હોવાનું સાબિત કરવા માટે બહુ સંશોધન કર્યું હતું. મંદેર એ પણ જણાવે છે કે મુકુલ કામદારો અને ઝૂંપડાવાસીઓનાં કેસો માટે ફી ન લેતા. તે પત્રકાર રના અયૂબને ટાંકીને નોંધે છે કે સરકારના જૂઠાણાંનો રોજબરોજ પર્દાફાશ કરતી ‘ટ્રુથ ઓફ ગુજરાત’ વેબસાઈટ મુકુલ તેમના પુત્ર મિહિરની મદદથી કિમોથેરાપીની પીડા વચ્ચે પણ ચલાવતા. મિઝોરમના બનાવટી એન્કાઉન્ટર્સ અંગેની ઊલટતપાસમાં સિન્હાએ ત્યાંના સુરક્ષાકર્મીઓને કેવી રીતે ખુલ્લા પાડ્યા તેની રસપ્રદ માહિતી મનીષા સેઠી લખે છે. મિહિર દેસાઈનો લેખ જણાવે છે કે મુકુલે પોતાના વૈજ્ઞાનિક સંશોધનને આધારે ગુજરાતના ભૂકંપનું એપિસેન્ટર સરકાર કહે છે તેનાથી જુદું હતું એ બતાવી આપ્યું હતું. કોમી રમખાણો પછી ન્યાય માટેની લડતનાં વર્ષોમાં મુકુલને મોટો હાર્ટ એટેક આવ્યો હતો અને નિર્ઝરીબહેનને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મુકુલ ફેફસાંના કૅન્સરથી ગયા વર્ષે ત્રેંસઠની ઉંમરે અવસાન પામ્યા. અજિત સાહીના લેખમાં તેમના ટ્રેડ યુનિયન લૉયર તરીકેના કામ અને તેમાં ય કલ્યાણજી આણંદજીની પેઢીના કર્મચારીઓની લડતની પ્રેરક વાત છે. પ્રવીણ મિશ્રા લખે છે : ‘મુકુલના જીવનના અનેક રંગ હતા – કર્મશીલ, વિજ્ઞાની, વકીલ, રસોઈયા, કવિ, ગાયક, પ્રેમી, પિતા, બિરાદર અને દરેક સાથીની ચિંતા કરનાર તેમ જ તેમને વિશેની ગેરસમજની કોઈ ચિંતા ન કરનાર, એવા બહુ મોટા માણસ હતા.’ અઠંગ આશાવાદી મુકુલ સિન્હાના લોકશાહી અને બંધારણની અંદરના વિશ્વાસને વ્યક્ત કરતાં વક્તવ્યો પણ પુસ્તકના તસ્વીરકાર પ્રવીણ નોંધે છે. ઉપેન્દ્ર બક્ષી મુકુલ સિન્હાને નાગરિકની ફરજો અને તેના પાલન અંગેના ‘બંધારણના અનુચ્છેદ ૪અ-નો જીવતોજાગતો દાખલો’ ગણાવે છે. મુકુલના કામમાં વિજ્ઞાન, કાનૂન અને માનવઅધિકાર ત્રણેયનો સુમેળ સધાયો હતો એમ પણ બક્ષી માને છે.