આંબેડકર 125 : રાજકીય હિલચાલની જેમ જ સામાજિક સુધારણાનો એજન્ડા રાહ જુએ છે
બસ હવે, અડતાળીસ જ કલાક આડા છે : કૃતજ્ઞ ભારતજન એકસો પચીસમા વરસમાં પ્રવેશે નિમિત્તે આંબેડકરને વિશેષરૂપે સંભારશે. માલિકી હક્કથી પ્રવર્તતાં જૂથો, સહવરણ(કો-ઓપ્શન)ની ફિરાકમાં રમતાં જૂથો, સૌ કને પોતપોતાનો એજન્ડા અલબત્ત હોય જ. ક્યારેક આંબેડકરની ખુદની રિપબ્લિકન પાર્ટીને ય વટી જઈને માયાવતી જેવાએ ઉત્તરપ્રદેશમાં સિક્કો પાડ્યાની અને રુક્કો ચલાવ્યાની સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની શક્તિનો પરચો આપણે દલિતશક્તિને મોરચે ક્યાં નથી જોયો? અલબત્ત, એમાં અકબંધ દલિત મતબેંક સાથે સર્વજન ફોર્મ્યુલાનો વ્યૂહ, રિપીટ, વ્યૂહ(નહીં કે રસાયણ)નો ફાળો ખાસ્સો હતો. દલિત મસીહાથી માંડી બંધારણકાર જેવી અતિથિ ઓળખમાં ખતવાતા રહેલા આંબેડકર સમગ્ર સુધી આ સૌ વ્યૂહકારો પહોંચી શકતા નથી એ આપણી પ્રજાકીય કારુણિકા છે.
અહીં જ્યારે સમગ્ર આંબેડકરની જિકર કરું છું ત્યારે એવો ખયાલ મુદ્દલ નથી કે એમની અગર ગાંધી અગર લોહિયા કે જયપ્રકાશ કોઈનીયે સાથે આખો વખત અને અક્ષરશ: પૂર્ણ સહમત થવાનું છે. ભાઈ, પોતપોતાના સ્થળકાળસંજોગ અને ગજાસંપત પ્રમાણે એમણે કામ કીધું. પ્રશ્ન એ છે કે તરતમભેદે કે પોતપોતાના અગ્રતાવિવેકે આ સૌ પ્રતિભાઓની પૂંઠે કઈ ચાલના કામ કરી રહી હતી. પોતપોતાને છેડેથી એમને સ્વતંત્રતા અને સમતા જોઈતી હતી. વળી સમતાનો કોઠો જેમ આર્થિક તેમ આપણા દેશના કિસ્સામાં તો સવિશેષ સામાજિક મોરચે ભેદવાનો હતો. આજે આ સૌ સ્કૂલો, અને એવા જ બીજાઓ, એમની ઊર્જા સ્વતંત્રતા અને સમતા (તેમ જ અલબત્ત, સહેજે ઓછી અગત્યની નહીં એવી બંધુતા) માટેની કાનૂની એટલી જ પ્રજાકીય જદ્દોજહદમાં સંયોજે તે જરૂરી છે.
આંબેડકરને દલિત મસીહા કહેવા તે ખોટું છે એમ તો નહીં કહી શકાય. એક આખા પ્રજાસમૂહને ચિરબહિષ્કૃત, ચિરતિરસ્કૃત બનાવી મેલાયો હોય ત્યારે સ્વાભિમાનને ધોરણે એને ગઠિત કરવાનું ચોક્કસ લોજિક છે. પુણે કરાર વખતે આંબેડકરે ગાંધીને એ મતલબનું કહ્યું હતું કે તમે જેટલું કષ્ટસહન, જેટલી ઝુંબેશને જદ્દોજહદ કરો છો એટલી જો દલિતોને જ માટે વાળો તો અમારા લોકો તમને સૌથી ઉપર ઉઠાવશે. ઉલટ પક્ષે, બંને વચ્ચે એ અર્થનો સંવાદ પણ નોંધાયો છે કે મારાવાળા અને તમારાવાળા કરતાં આપણે કદાચ એકબીજાની વધુ નજીક છીએ. આ મુદ્દો ક્યારે સવિશેષ સમજાઈ રહ્યો? જ્યારે કોઈ સન્માન્ય વિદેશી તજ્જ્ઞ ભણી પ્રજાસત્તાક બંધારણના નિર્માણ તરફ જઈ શકતી પસંદગીમાં ગાંધીના સૂચન થકી ગુણાત્મક વળાંક આવ્યો અને નેહરુપટેલે એને માટે આંબેડકરને નિમંત્ર્યા.
પહેલાં અને પછી કોંગ્રેસ-પ્રતિષ્ઠાન તેમ જ આંબેડકર વચ્ચે વિવાદ, મતભેદ, અસમાન તો પણ સ્પર્ધા એ બધું બેશક ઇતિહાસવસ્તુ છે. પણ બંધારણ ઘડતરમાં અગ્ર કામગીરી થકી આંબેડકર એકંદર નાગરિક ઓળખ અને અધિકારના વ્યાખ્યાકારો પૈકી બની રહ્યા. બલકે, પૂર્વે એમનું પોતાનું તેમને એમને અંગેનાં આકલનો જે પણ હોય, હવે એક નવી ભૂમિકા બની આવી જે રામ મનોહર લોહિયાએ આંબેડકરના અસામયિક નિધનના થોડા સમય અગાઉ બોલી બતાવી હતી – આંબેડકર, હવે સમગ્ર દેશની રાજનીતિ વાસ્તે ક્યારે પહેલ કરો છો? આવો, સાથે મળીને સ્વરાજનિર્માણની એટલે કે લોકશાહી સમાજવાદ ભણીની રાજનીતિ કરીએ. પણ આ મુદ્દે પોતે અભિમત છતાં આંબેડકરનો શ્વાસનો હિસાબ ખૂટવા આવ્યો હતો એનાં ઓસાણ ત્યારે એમને ક્યાંથી હોય.
2015નું આ વરસ જેમ આંબેડકર એકસો પચીસીનું તેમ ગાંધીના ભારત – પુનરાગમની સદીનુંયે છે તે સૌ જાણીએ છીએ. કોચરબ આશ્રમની સ્થાપનાને પણ હવે તરતમાં સો વરસ પૂરાં થશે. આ આશ્રમને શરૂના મહિનાઓમાં જ (સપ્ટેમ્બરમાં જ) એક હરિજન પરિવારના સમાવેશનો પડકાર ઝીલવાનો આવ્યો હતો અને કેટલાક રૂઢિચુસ્ત આશ્રમિકોની નારાજગી વહોરીને (તેમ જ પોતાનું ભોજન જતું કરીને) ગાંધીએ તે બરાબર ઝીલ્યો હતો : 1915ના નવમા મહિનાની અગિયારમી તારીખે આ બન્યું હતું, એક અર્થમાં એ પણ એક ‘નાઈન/ઈલેવન’ હતું. ત્યાર પછી તરતનાં વરસોમાં વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી, ત્યારે પણ હરિજનપ્રવેશ નહીં એ શરતે મળતું દાન જતું કરવા બાબતે ગાંધી સાફ હતા. ઉલટ પક્ષે, તમે જુઓ કે અન્યથા આદરણીય મદનમોહન માલવિય બનારસ હિંદુ યુિનવર્સિટી માટે ગાયકવાડનું દાન સ્વીકારી શક્યા નહોતા, કેમ કે દલિત છાત્ર પ્રવેશ એ ગાયકવાડની ઓફરનું અભિન્ન અંગ હતું.
આંબેડકરનું એકસો પચીસમું વરસ આર્થિક-સામાજિક ન્યાયની શોધમાં સહિયારી નાગરિક મથામણનો પડકાર લઈને આવે છે. દેશમાં વિકલ્પની જે પણ રાજનીતિ ચાલી રહી છે એને મૂલવવા કસોટીના પથ્થરરૂપે તેમ દિશાવિવેક માટે દીવાદાંડી અને ધ્રુવતારકરૂપે હમણાં કહી તે સહિયારી મથામણ અને રાજકીય હિલચાલની જેમ જ સામાજિક સુધારચળવળનો એજન્ડા રાહ જુએ નથી, વિકલ્પની રાજનીતિના પતીજ નથી પડતી, વહેવારિયાઓને આ વાતે કેવી ને કેટલી હશે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2015
દિલ્હીમાં હમણાં ઉર્દૂ ભાષા પર બે દિવસીય સમારોહ ‘જશ્ન-એ-રેખ્તા’માં બોલતા જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ઉર્દૂની ઓળખાણ મુસલમાનોની ભાષા તરીકે રહી ગઈ છે તે બદનસીબી છે. રિલિજિયનની કોઈ જબાન હોતી નથી, જબાન તો રિજિયન(પ્રદેશ)ની હોય છે. ઇટાલીની જબાન ઇટાલિયન છે. ફ્રાન્સમાં ફ્રેન્ચ છે. પણ ભારતમાં હિન્દુઓની જબાન હિન્દી અને મુસલમાનોની ઉર્દૂ, એ માન્યતા ગલત છે.’
જાવેદે કહ્યું કે ઉર્દૂ ધર્મની ભાષા નથી. ઉર્દૂ સેક્યુલર ભાષા છે. એક જમાનામાં આ ભાષા આમ લોકોની હતી. એ મોટી થઈને હકૂમત પાસે જતી રહી. આઝાદીના સમયે જ્યારે દરેક બાબતને હિન્દુ-મુિસ્લમ વિભાજનના ચશ્માંમાંથી જોવામાં આવી હતી, તેમાં ઉર્દૂ પણ આવી ગઈ અને મુસલમાનોની ભાષા બનીને પાકિસ્તાન જતી રહી.
ઉર્દૂ ધર્મનિરપેક્ષ ભાષા છે (અથવા હતી) એવું વાંચીને જો ‘દિલ દુભાઈ’ જાય, તો એનો મતલબ એ કે આપણા દિલને તર્ક તો જવા દો, ઇતિહાસ સાથે ય લેવાદેવા નથી. ઉર્દૂ મુસલમાનોની ભાષા નહોતી, પરંતુ કરોડો હિન્દુસ્તાનીઓની જબાન હતી, એવા દાવા પાછળ તર્ક પણ છે અને ઇતિહાસ પણ. મહાત્મા ગાંધી ભાષાશાસ્ત્રી તો નહોતા, છતાં એ ભારતની અધિકૃત ભાષા તરીકે (હિન્દી નહીં) હિન્દુસ્તાની ભાષાના પક્ષમાં હતા, જે ભારતના બહુસંખ્યક હિન્દુ-મુસલમાનોની ભાષા હતી.
નથુરામ ગોડસેએ ગાંધીની જે કારણોસર હત્યા કરી હતી તેમાંનું એક કારણ આ ભાષા પણ. ગાંધીહત્યાનો કેસ ચલાવનાર જસ્ટિસ આત્મચરણની વિશેષ અદાલતને 8 નવેમ્બર, 1948ના રોજ આપેલા બચાવ બયાનમાં ગોડસેએ કહ્યું હતું, ‘ઉર્દૂ પર કોઈ પણ દેશભક્તે પ્રતિબંધ નથી મૂક્યો પરંતુ ઉર્દૂને હિન્દુસ્તાનીના નામથી થોપવા પાછળ એક ષડ્યંત્ર અને અપરાધ છે.’
ઉર્દૂને લઈને એક એવી ગેરસમજ હવે ‘સચ્ચાઈ’ બની ગઈ છે કે મુસલમાન શાસકો ઉર્દૂને બહારથી લઈ આવ્યા હતા અને ભારતીયોના માથે મારી હતી. સચ્ચાઈ એ છે કે ઉર્દૂ સંપૂર્ણપણે ભારતીય ભાષા છે. એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા લખે છે કે ઉર્દૂનો જન્મ 12મી સદીના ઉત્તર-પશ્ચિમ ભારતમાં મુસલમાન શાસકોના અપભ્રંશથી થયો હતો. અમીર ખુસરો(1253-1325)ને એ સમયનો પ્રથમ અગ્રણી કવિ ગણાય છે, જેણે આ નવી પેદા થયેલી જબાન(જે હિન્દવી તરીકે ઓળખાતી હતી)માં દોહા અને છંદ લખ્યા હતા.
આ જબાનના નવેક નામ હતાં : હિન્દવી, જબાને હિન્દ, જબાને દિલ્હી, રેખ્તા (મિશ્રણ), ગુજરી, દખ્ખની જબાને ઉર્દૂએ મુલ્લા અને જબાને ઉર્દૂ અથવા ખાલી ઉર્દૂ. ઉર્દૂ શબ્દનો અર્થ જ, ‘લશ્કરની ભાષા’ થાય છે. ઉર્દૂ શબ્દ તુર્કીશ ‘ઓર્દુ’ (આર્મી) પરથી આવ્યો છે, જેના પરથી અંગ્રેજીમાં ‘હોર્ડ’ (ટોળુ) શબ્દ આવે છે. એક માન્યતા પ્રમાણે ઉત્તર ભારતમાં જે ખડી બોલી બોલાતી હતી, તેમાં ફારસી અને અરબી શબ્દોની ભેળસેળમાંથી ઉર્દૂનો જન્મ થયો હતો.
ઉર્દૂને ભેલપૂરી ભાષા કહેવાય છે. એમાં અડધોઅડધ શબ્દો હિન્દીમાંથી આવ્યા છે. અરબી શબ્દો 25 પ્રતિશત, ફારસી શબ્દો 10 પ્રતિશત, અંગ્રેજી 10 પ્રતિશત અને મંગોલ 5 પ્રતિશત છે. ઉર્દૂનું ન તો કોઈ વ્યાકરણ છે, ન તો કોઈ શબ્દકોશ. જેને હિન્દુસ્તાની કહેવામાં આવે છે તે આવી જ ભેળસેળવાળી ભાષા જે, ગાંધીના મતે, બે કોમને જોડવાનું કામ કરતી હતી.
હકીકતમાં ઉર્દૂ અને હિન્દીનો સંબંધ માત્ર ભાષા કે સાહિત્ય સુધી જ સીમિત નથી. એટલે એના પરની બહસ ઠોસ ઇતિહાસ કે ભાષાઈ તથ્ય અને તર્કને બદલે રાજનૈતિક ભાવાવેશમાં થાય છે. પૂરા વિશ્વમાં હિન્દી અને ઉર્દૂ સંભવત: એક માત્ર ભાષાઓ છે જેની સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ અને વાક્યરચના પૂર્ણત: સમાન હોવા છતાં બંનેને અલગ અલગ ભાષા માનવામાં આવે છે. આનું એક માત્ર કારણ હિન્દુ અને મુસલમાન કોમ વચ્ચે અલગાવ અને વિભાજનની પ્રક્રિયા છે. ગાંધીએ આ દૂરી વચ્ચે પુલનું કામ કરે તે માટે હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી.
ઇતિહાસકાર કવિતા સરસ્વતી દાલ્તા ‘ધ લેંગ્વેજ ઓફ સેક્યુલર ઇસ્લામ’ નામના અભ્યાસગ્રંથમાં લખે છે કે છેક 1830ની આસપાસથી બિહાર, ઉત્તર-પશ્ચિમ ભારત પંજાબ અને કાશ્મીર-હૈદરાબાદના રજવાડામાં બ્રિટિશરોએ ફારસીને છોડીને ઉર્દૂને અધિકૃત ભાષા તરીકે સ્વીકારી હતી. ઉર્દૂને સત્તાવાર (સરકારી કામકાજની) ભાષાનો આ દરજ્જો 1900 પછી પણ (છેક વિભાજન સુધી) ચાલતો રહ્યો હતો, જેમાં અમુક ભાગોમાં હિન્દીનો પણ અધિકૃત ભાષા તરીકે સમાવેશ થયો હતો.
પાકિસ્તાનનું ‘ડોન’ સમાચારપત્ર લખે છે કે સ્વતંત્ર પાકિસ્તાનની ચળવળ વખતે ઉર્દૂ મુસલમાનોની ઓળખનું પ્રતીક બની ગઈ હતી. જેમને બાબાએ ઉર્દૂ (ઉર્દૂના પિતા) કહેવાય છે ભાષાશાસ્ત્રી મૌલવી અબ્દુલ હકે મુિસ્લમ વિભાજન માટે ઉર્દૂને મુખ્ય આધાર બનાવી હતી. આ મૌલવી અને ગાંધીને હિન્દુસ્તાની ભાષાને લઇને તકરાર પણ થયેલી. ‘ડોન’ કહે છે એ જ રીતે હિન્દીમાંથી ઉર્દૂ શબ્દોની સાફસફાઈ કરીને એનું સાંસ્કૃિતકરણ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ અને પાકિસ્તાન-ભારતની આમ જનતા આજે પણ બંને ભાષા બોલતી-સમજતી હોવા છતાં હિન્દી અને ઉર્દૂ સાવકી બહેનોની જેમ સામસામે ઊભી થઈ ગઈ છે.
ઉર્દૂને મુસલમાનોની ભાષા ગણતા લોકો માટે એ જાણવું કદાચ આશ્ચર્યપ્રેરક હશે કે પાકિસ્તાનની અધિકૃત ભાષા ઉર્દૂ હોવા છતાં માત્ર 7.4 પ્રતિશત લોકો જ એને માતૃભાષા ગણે છે. એની સામે 44.15 પ્રતિશત લોકો પંજાબીને તેમની માતૃભાષા માને છે, મતલબ કે ઉર્દૂ બોલવા-સમજવાવાળો વર્ગ બહુ મોટો છે, પરંતુ કાગળ પર દર્જ કરવાનું આવે ત્યારે માતૃભાષાનું નામ લખે છે.
ભારતમાં 13.4 પ્રતિશત મુસલમાનો છે પણ 5.01 પ્રતિશત લોકો જ ઉર્દૂને માતૃભાષા ગણે છે. જો ઉર્દૂ મુસલમાનોની ભાષા હોય તો ગુજરાતનો મુસલમાન શા માટે ઉર્દૂ બોલતો નથી? શા માટે કેરળનો મુસલમાન મલાયાલમને એની માતૃભાષા ગણે છે? ઉત્તરપ્રદેશ પછી સૌથી વધુ મુસલમાનો જ્યાં છે તે પશ્ચિમ બંગાળમાં મુસલમાનો બંગલાને માતૃભાષા ગણાવે છે.
બહુમતી આસ્તિક મુસલમાનો (ભારતમાં અને પૂરા વિશ્વમાં) અરબી ભાષા લખે-વાંચે-સમજે છે અથવા પ્રયાસ કરે છે કારણ કે તેમનો પવિત્ર ગ્રંથ કુરાન અરબી ભાષામાં છે. એટલે મુસલમાનોની કોઈ ભાષા ગણવી હોય તો તે અરબી ગણી શકાય. અંગ્રેજો પ્રિન્ટિંગ પ્રેસ લઈ આવ્યા ત્યારે કુરાન અને અન્ય ધર્મગ્રંથોનો અનુવાદ હિન્દી અને ઉર્દૂમાં થવા લાગ્યો.
ઉર્દૂ કવિતા-કહાનીઓની દુનિયા મહાન હિન્દુ અને મુસલમાન નામોથી ભરેલી છે. શાયરીમાં ગાલિબ અને દાગ દહેલવી અને જીગર મોરાદાબાદી અને ફિરાક ગોરખપુરી છે તો કહાનીમાં મંટો, પ્રેમચંદ, રાજીન્દર સિંઘ બેદી, કિશન ચંદર અને ઇસ્મત ચુઘતાઈ છે. મુન્શી પ્રેમચંદની પ્રથમ વાર્તા ‘અસરારે માબીદ’ ઉર્દૂ સપ્તાહિકમાં પ્રકટ થઈ હતી. ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય) ઉર્દૂને મુસલમાનોની ભાષા ગણવાના પ્રખર વિરોધી હતા. 18મી સદીના મશહૂર શાયર મીર તકી મીરે રેખ્તા અને હિન્દી શબ્દનો બોલચાલની ભાષા તરીકે કર્યો છે.
રેખ્તા કે તુમ હી ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહતે હૈ નગ્લે જમાને મેં કોઇ મીર ભી થા
(ગાલિબ, રેખ્તામાં ખાલી તું જ મહારથી નથી. મેં સાંભળ્યું છે કે એ જમાનો મીરનો પણ હતો)
મુસાફી ફારસી કો તાક પે રખ
અબ હૈ અશારે હિન્દવી કા રિવાજ
(મુસાફી ફારસીને માળિયે ચઢાવી દો. હવે હિન્દીમાં લખવાનો રિવાજ છે.)
ભારતમાં ઉર્દૂ અનાથ જ નહીં, કુપોષણનો પણ શિકાર બની છે. દેશમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ઉર્દૂ છઠ્ઠા નંબરે છે, પરંતુ મૂળભૂત 8 અનુસૂચિત ભાષાઓમાં ઉર્દૂ અને સિંધી બે જ ભાષાઓ એવી છે, જેમને ‘બેઘર’ બતાવવામાં આવી છે. કારણ કે એ કોઈ પણ રાજ્યની મુખ્ય ભાષા નથી. માતૃભાષા તરીકેનો ઉર્દૂનો દરજ્જો પણ ઘટી રહ્યો છે. મુસલમાનો ઉર્દૂને કામકાજની જબાન માનતા નથી. ઉર્દૂ પત્ર-પત્રિકાઓ પણ ભૂખે મરી રહ્યાં છે. એક સમયે જ્યાં એનો દબદબો હતો એ હિન્દી સિનેમામાંથી પણ ઉર્દૂ ગાયબ થઈ ગઈ છે.
ઇકબાલ અશાર નામના એક શાયરે એકવાર સરસ કહ્યું હતું :
ઉર્દૂ હૈ મેરા નામ મૈં ખુસરુકી પહેલી,
મૈં મીર કી હમરાજ હું ગાલિબ કી સહેલી.
ક્યોં મુજકો બનાતે હો તસ્સુદ કા નિશાના,
મૈંને તો કભી ખુદ કો મુસલમાન નહીં માના.
દેખા થા કભી મૈંને ભી ખુશીયોં કા જમાના,
અપને હી વતન મેં હું મગર આજ અકેલી.
https://www.facebook.com/raj.goswami.31/posts/941137652603245:0