“અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે. અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાં ય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલાં વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'.
– આ શબ્દો છે અમેરિકાવાસી ગુજરાતી લેખિકા પન્ના નાયકના. અને એ લખાયા છે એમની વેબસાઈટના હોમ પેજ પર. યુરપ અમેરિકાના લેખકોને પોતાની વેબસાઈટ હોય એ વાતની હવે નવાઈ રહી નથી. પણ ગુજરાતી લેખકોની વેબસાઈટ હજી ગણીગાંઠી જ જોવા મળે છે. પન્નાબહેનની આ વેબસાઈટ પાંચ મુખ્ય ‘પેજ’માં વહેંચાયેલી છે. ‘મારા વિષે’માં તેમનો પરિચય અપાયો છે, વ્યક્તિ તરીકે કરતાં વધારે લેખિકા તરીકેનો. તેમાં તેમણે કહ્યું છે: “મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
બીજા બે પેજીસ તેમના હાઈકુ સંગ્રહ ‘અત્તર અક્ષર’ વિષે અને ગીતોની ઓડિયો સીડી ‘વિદેશિની’ વિષે છે. પણ સૌથી વધુ ધ્યાનપાત્ર તો છે ‘માય ઈ બુક્સ’ પેજ. કારણ તેમનાં એક-બે નહિ પણ પૂરાં દસ પુસ્તકો ઈ બુક રૂપે સુલભ બનાવ્યાં છે. આ બધી જ ઈ બુક્સ ક્યાંથી ખરીદી શકાય તે પણ જણાવ્યું જ છે. ફરી, ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી લેખકે આમ કર્યું હશે. પહેલા કાવ્ય સંગ્રહ ‘પ્રવેશ’થી માંડી ને સાવ નવા ‘અત્તર અક્ષર’ સુધીનાં બધાં જ પુસ્તકો આ રીતે તેમણે ઉપલબ્ધ કર્યાં છે.
સાદી અને સરળ રીતે તૈયાર થયેલી આ વેબસાઈટ પર એક જ વસ્તુ ખૂટતી લાગે છે. બીજી ભાષાના લેખકોની વેબસાઈટ પર એક વિભાગ તેમના ફોટાઓનો અચૂક હોય છે. અહીં નથી. હોવો જોઈએ. આજે નહિ તો આવતી કાલે આપણા લેખકોએ ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનું મહત્ત્વ સ્વીકાર્યા વગર છૂટકો નથી. તો પન્ના નાયકની જેમ આજે જ કેમ સ્વીકારી ન લેવું?
આ વેબ સાઈટનું એડ્રેસ છે: http://pannanaik.com
સૌજન્ય : દીપક મહેતા, ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 18 નવેમ્બર 2013
e.mail : deepakbmehta@gmail.com
![]()



હમણાં જ મને દિલ્હીમાં અરુણા રોય મળ્યાં તો તેમણે મને સીધો જ સવાલ પૂછ્યો કે શું મોદીજી સત્તા પર આવશે તો સને ૧૯૭૭માં આવેલું કટોકટી રાજય ફરીથી આવશે? આવો જે ભય લોકોના મનમાં પેસાડી દીધો છે તે કાંતો તે ભય કાલ્પનિક( ઇરેશનલ) છે કે પછી સાચો ભય છે? એક સમયે કટોકટી આવી ફરી શું કટોકટી ન આવે? ખરેખર આ ભય વાસ્તવિક (જેન્યુઇન) કે કૃત્રિમ (આર્ટીફીસિયલ) ભય છે? મારે મોદીજીની સાથેના જે પરિબળો છે તેને મારે સમજવા છે અને તેમની સામેના જે પરિબળો છે તે બધાને પણ મારે સમજવા છે. કારણ કે વર્તમાન કોગ્રેસ પાર્ટી પોતે એવી કક્ષાએ પહોંચી ગઈ છે કે તે પોતે એવો ભય લોકોમાં ફેલાવે કે જો જો બી.જે.પી.ને મત આપશો તો કટોકટી આવશે! મારી દ્રષ્ટિએ કોગ્રેસ પોતે આવો ભય લોકોમાં ફેલાવી ફરીથી સત્તા પર આવી શકે છે. જેથી પોતાના ભ્રષ્ટાચારી કૌભાંડોને દબાવી શકે! કારણ કે કોગ્રેસ સિવાયની કોઈ પણ સરકાર આવે અને વર્તમાન સરકારના મનમોહન સીંઘથી માંડીને ઘણા બધા પ્રધાનો જેલમાં જાય તેટલા ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલા છે.
ઉપરની ચર્ચાને આધારે મારું માનવું છે કે બી.જે.પી.વાળા કે આર.એસ.એસ. ઝાઝું નુકસાન કરી શકે તેમ નથી. આ બધા માણસો સત્તા પર આવીને લોકશાહીને હલાવી નાંખે, પાંગળી બનાવી દે, પ્રજા માટે રાજ્ય તરફથી લેવામાં આવતાં કલ્યાણકારી પગલાં બંધ કરે કે કરાવી દે, આવું ચોક્કસ બની શકે. પરંતુ લોકશાહીનો સંપૂર્ણ નાશ કરીને કે લોકશાહીને સંપૂર્ણ હાઇજેક કરીને ફાસીસ્ટ રાજ્ય પ્રજાને માથે થોપી દે તેવું બનવાની મને શક્યતા દેખાતી નથી.
બીજું તમારા પ્રશ્નના સંદર્ભમાં ભારતીય મધ્યમવર્ગનો જે રોલ કે ફાળો છે તેને નજરઅંદાજ (અન્ડર એસ્ટિમૅટ) કરવા જેવો નથી. ભારતીય મધ્યમવર્ગ અમુક જાતની જે પાયાની સ્વતંત્રતાઓ પોતાના કૌટુંબિક અને સામાજિક વ્યવહારોમાં માંગે છે, પરદેશી વસ્તુઓ માટેનો તેમનો જે ક્રેઝ અને જરૂરિયાત છે, પરદેશ સાથેનું જે આદાનપ્રદાન કૌટુંબિક અને સામાજિક સ્તરે છેલ્લાં પચાસ કરતાં વધુ વર્ષોથી મજબૂત બન્યું છે, તેવાં હિતોને નુકસાન કરનારી રાજ્ય વ્યવસ્થા મારું માનવું છે કે આપણો મધ્યમ વર્ગ પસંદ નહીં કરે.