આજે સમાચાર વાંચ્યા કે ભારતમાં પૂરતા જાજરૂના અભાવે, વહેલી સવારે અને રાત્રે બહાર જવાને કારણે, બળાત્કારના બનાવો વધુ બને છે.
તરત વિચાર આવ્યો, ચાલો ભારત જઈએ. ત્યાં ઘેરે ઘેર અને જાહેરમાં સ્વચ્છ જાજરૂ-બાથરૂમ બનાવવાનો ‘ધંધો’ શરૂ કરીએ. ગુજરાતીઓને આર્થિક ફાયદો થશે, અને બળાત્કારના બનાવો ઓછા થશે. જો કે આપણે અહીંથી જવાની જરૂર નથી. બળાત્કારના ગુનેગારોને જાજરૂ બાંધવાની સજા કરીને એમની પાસે જ એ કામ કરાવી શકાય. ભારતમાં આજની તારીખે અર્ધો બીલિયન લોકો પાસે જાજરૂની સગવડ નથી. આ હકીકત માન્યામાં ન આવે કેમ કે આપણે તો હવે ચન્દ્ર પર પ્રયાણ કર્યું છે, અણુ શસ્ત્રો બનાવ્યાં છે, અને એટલી આર્થિક પ્રગતિ કરી છે કે દુનિયાના ધનાઢ્ય દેશો ભારતના વિકાસથી ડરે છે.
બિહારમાં ગયે વર્ષે ૮૭૦ બળાત્કારના કિસ્સા નોંધાયા, નોંધ્યા વિનાના બનાવો બન્યા હશે તે તો જુદા. પોલિસ દ્વારા બહાર આવેલી હકીકત પ્રમાણે, તેમાંનાં ઘણા કિસ્સાઓમાં કન્યાઓ અને બહેનોને મોડી રાત્રે કે વહેલી સવારે વસતિથી દૂર જાજરૂ જવું પડે, એનો ગેરલાભ ઉઠાવીને આ હિચકારું કૃત્ય આચરવાની શક્યતા વધે છે. જો ઘરમાં જાજરૂ હોત, તો ૪૦૦ જેટલી બહેનો આ યાતનામાંથી બચી શકી હોત. બિહારમાં ૮૫% ઘરોમાં જાજરૂની પૂરતી સગવડનો અભાવ છે. એવું જ બીજાં રાજ્યોમાં પણ હશે. જોવાનું એ છે કે બિહારમાં ૪૫% લોકો સગવડ માટે, ૪% લોકો પ્રાઈવસી માટે જાજરૂ હોવા જોઈએ તેમ ઇચ્છે છે, જયારે માત્ર ૧% લોકો સ્વાસ્થ્ય માટે ઘેરે ઘેર જાજરૂ હોવા જરૂરી છે એમ માને છે. ત્યાંની સરકાર ૨૦૨૨ સુધીમાં ૧૦ મીલિયન ઘરોમાં જાજરૂ આપવા માંગે છે. તેમને આપણા તરફથી અનેક શુભેચ્છાઓ.
આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પીવાના પાણી, તેના નિકાલ અને જાજરૂ-બાથરૂમની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીની શરૂઆતમાં કરવામાં આવી. પછી જ તેઓએ અવકાશમાં જવાનું અને અણુશસ્ત્રો બનવવાનું પગલું ભર્યું. ભારત સ્વતંત્ર થયું ત્યારે તેના સૂત્રધારોએ વિચાર્યું કે હાય આપણે એ દોડમાં પાછળ રહી ગયા, એટલે પૂછડેથી વિકાસની શરૂઆત કરી.
ચાલો કાઈં નહીં, આ બળાત્કારના પ્રશ્નના નિવારણ નિમિત્તે પણ જો દરેક ઘરને જાજરૂ બાંધવાની ફરજ પાડવામાં આવશે, અને તેને માટે સ્થાનિક સરકારો મદદ કરશે, તો એક કાંકરે બે પક્ષી મરશે અને સરવાળે તમામ લોકોને ફાયદો જ ફાયદો થશે. પછી વિદેશી પ્રવાસીઓને ભારતના કોઈ પણ હવાઈ અડ્ડે ઉતરીને શહેરમાં જતાં, મળ-મૂત્ર વિસર્જન કરતા લોકો દ્રષ્ટિમાન નહીં થાય, અને ત્યારે આપણે ‘જુઓ અમે કેવો સુંદર વિકાસ સાધ્યો છે!’ એમ ગૌરવ પૂર્વક કહી શકીશું.
e.mail : 71abuch@gmail.com