OPINION

મુશ્કેલ સમયમાં (38)

સુમન શાહ
23-09-2020

રવીન્દ્રનાથનું એક કાવ્ય છે, “મારું ગીત”.

એનો ભાવાનુવાદ આપું :

ગીતકાર પોતાના બાળકને ઉદ્દેશીને કહે છે કે -

આ મારું ગીત, બેટા, એના સંગીતથી તને વીંટળાઈ વળશે - વ્હાલથી બથ ભરી દેશે.
આ મારું ગીત, બેટા, તારા કપાળે આશિષભરી પપી બની રહેશે.
કોઈ નહીં હોય તારી પાસે ત્યારે, તારી બાજુમાં બેસી કાનમાં તારા કશુંક કહેશે તને.
તું ભીડમાં વ્હીલું પડી ગયું હોઈશ, ત્યારે તને આવરી લેશે.
ગીત મારું ગોઠવાઈ જશે તારી કીકીઓ પર ને
નજરને તારી દોરી જશે વસ્તુઓના હાર્દમાં.
મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે ત્યારે, આ ગીત મારું,
તારા વિયોગી હૃદય જોડે વાતો કરશે …

• • •

રવીન્દ્રનાથ - સૌજન્ય : kobo.com

ગીતકારે ગીત કયું તે નથી કહ્યું, ગાઈને રજૂ પણ નથી કર્યું. એટલે એ કુતૂહલ અકબંધ રહે છે. પરન્તુ એની કલ્પના તો કરી શકાય. એ ગીત નિંદર લાવી દેનારું હાલરડું હોઈ શકે અથવા એ કશી રમ્ય કલ્પના હોય. મનોમન રચાતી આલેખના પણ હોય.

પણ એ કશી માત્ર સૂરાવલિ ય હોઈ શકે છે — એટલે કે, શબ્દમય ગીત નહીં, પણ શુદ્ધ ગાન.

મારા પિતાને ગાવું બહુ ગમતું. હીંચકે ઝૂલતા ઝૂલતા ગાય, આંગળી અને અંગૂઠાથી ટકોરા વગાડી તાલ આપે. એમને એક તરન્નુમ આવડતી’તી ને અમને એ બહુ ગમતી. કેમ કે એથી ઊંઘ આવી જતી. એમાં માત્ર ગુંજન હતું, શબ્દો ન્હૉતા. રડતા પૌત્રને મારા પિતા પોતાના ખૉળામાં લે ને ગુંજવા માંડે. પૌત્ર ધીમે ધીમે શાન્ત … આંખો બીડાઈ ગઈ હોય.

બાળકને સ્તનપાન કરાવતી માતા - સૌજન્ય : Dreamstime.com

એક આવું જ દૃશ્ય છે : પોતાના બાળકને ખૉળામાં લઈ ધવરાવતી મા પોતાનો સાથળ હલાવતી હલાવતી કશુંક ગુંજતી હોય છે. એમાં પણ શબ્દો નથી હોતા. બાળક ધરાઈને સીધું બસ પોઢી ગયું હોય છે.

કાવ્યની, ‘મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે’, એ છેલ્લી પંક્તિ એકાએક કરુણમાં સરી પડી છે. તેમ છતાં પણ, એમાં સરસ વાત એ છે કે ત્યારે એ ગીત બેટાના વિયોગી હૃદય જોડે વાતો કરવાનું છે.

આ કોરોના કાળમાં, કાલ કોણે દીઠી છે? દરેક વયસ્ક પુરુષે કે સ્ત્રીએ પોતાનાંને આવું આશાયેશભર્યું કશુંક હૃદ્ય ભાથું બંધાવવું જોઈએ. તમને શું લાગે છે?

= = =

(September 23, 2020: Ahmedabad)

Category :- Opinion / Opinion

બાળપણમાં જેમની સાથે જિંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય, તેવા નિકટના આત્મીય ભાઈને માટે ‘હતા’ લખવાનું આવે, ત્યારે કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યાં છીએ. અનાયાસે જ નવીનભાઈની અને મારી એક સરખી લેખનશક્તિ કેળવાઈ અને એક સરખા સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યા. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૨૬-૦૯-૧૯૪૧ થી ૨૦-૦૯-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે .. જોરથી વલોવાય છે.

ગઈ રક્ષાબંધને …

આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
છેલ્લી ન રહે, એ ભાવ સાથે ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.
 
ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી.
 
જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.
 
મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને બાંધી’તી.

 
जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રદ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ .... આખરે સપ્ટેમ્બર ૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબનાં પાનેપાનાં ખુલ્લાં જ હતાં. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ ગયા.

જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું, ત્યારે તો મેં તરત લખી આપ્યું હતું, પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં … 

નવીન બેંકર એટલે એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા, મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખૂબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદુ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈ પણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા, સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

“સંકટભરી આ જિંદગીથી હારનારો હું નથી, સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે, “જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે ‘સત્યમેવ જયતે‘ સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  

કદાચ એટલે જ એ જિંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારે ય જીવી જ શક્યા નથી.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું. ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા. દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણા ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. અમે નાની ચાર બહેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટા. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા. પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાના ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા. દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઊતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરે! આ બધાં કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયા. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશાં તેમને લાગતું કે જિંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજી કી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ચાંદની’માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. ‘સ્ત્રી’, ‘શ્રી’, ‘મહેંદી’, ‘શ્રીરંગ’ ડાયજેસ્ટ, ‘આરામ’, ‘મુંબઈ સમાચાર’, ‘કંકાવટી', ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘નવચેતન’ વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં. ‘હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ‘કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રૂપિયાની કિંમતમાં ૯૬ પાનાંની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા .. એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ. હૃદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા, જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે તેમની કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને જકડનારી રહી છે.

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ, અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી. ખરસાણી, સ્વ. વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે નામોની યાદી તો ખૂબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે. ૧૯૭૯માં અમેરિકા આવ્યા. ન્યુયોર્કની ‘Russ Togs’ નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા. પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા. ૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરીફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’, અને સીનિયર સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા. દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈ પણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે. અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડે, આશા ભોંસલે, અનુ મલિક, એ.આર. રહેમાન, ધર્મેન્દ્ર, અમીર ખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિ ઝીન્ટા, પરેશ રાવલ, પદ્મારાણી, ફાલ્ગુની પાઠક,  નાના પાટેકર, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આવાં બીજાં તો અનેક. નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડિયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે. અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યા. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’ કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે, ૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો.

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખૂબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! જ્યારે જ્યારે ભારત જાય, ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જઈ નાટકો જોવા જાય જ. ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા સિદ્ધાર્થ રાંદેરિયા, અશોક દવે, વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદના પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી, ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરે. દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવાં સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતી. આ છીપલાં પણ કેવા? ખૂબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?

ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલો –

‘એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/

‘મારા સંસ્મરણો’ શીર્ષક હેઠળ પોતાની આત્મકથાનાં પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છે. કેટલાંક રેખાચિત્રો પણ આલેખ્યા છે.

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી, ચરણે તમારા, ભાવથી નમીએ અમે.
શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,
લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,
એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી, બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ
તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

અસ્તુ.

(સપ્ટે. ૨૨, ૨૦૨૦)

e.mail : [email protected]

Category :- Opinion / Opinion