ચીકનગુનિયા કે ડેંગી જેવો એક વાવર હમણાં હમણાં ફાટી નીકળ્યો છે. એક જમાનામાં કઇંક સારું લખી ચૂકેલા લેખક/ કવિઅો હવે ફેસબુકમાં અાફરો ચઢાવીને ગેલ કરતા હોય તેમ દેખાય છે. રેડિઅો પર વિવિધ ભારતીના પ્રોગ્રામમાં ફિલ્મી ગાયનની ફરમાઇશ કરનારી ટોળીનાં લોકોનાં નામો બોલાતાં. મને એ નામ કરતાં એ લોકો ક્યાંનાં છે તે સાંભળવાની ઉત્કંઠા વધારે રહેતી. એમાં એક ગામ વારંવાર બોલાય. તે નામ હતું ઝૂમરીતલૈયા. એવું યાદ છે એના એનાઉન્સર હતા કમલ શર્મા. અાજે હું નકલ કરીને શર્માજી જેવું બોલું છું, ઝૂમરીતલૈયાસે .. ત્યારે મારી જીભ તાળવે ચોંટે છે ને અોટોમેટિક ગુજરાતી ફેસબુકિયા લેખકોની ટોળીનાં નામો ફટોફટ અાવવા માંડે છે! અા તો ક્યૂરિયસ ફિનોમીના કહેવાય. અાયોનેસ્કોના ‘રાઈનોસોરસ’ જેવું અૅબઝર્ડ કે એક માણસને સડનલી ઠંડી ચઢીને તાવ અાવે ને ત્રીજે દિવસે એ સાંગોપાંગ ગેંડો બની જાય ! પછી તો ગામના અન્ય લોકો પણ ગેંડામાં કન્વર્ટ થતા જાય ! એબ્ઝર્ડ વાત. એવું થાય.
ફેસબુકના પત્તા ફેરવવા માંડો. જૂઅો. એક જૈફ મહાલેખક મૂછો રાખી પોતાના ફોટા અપલોડ કરે છે ને પછી ખુદ ચેક કરે છે કે એ ફોટાનો પ્રતિભાવ શું અાવે છે. ૨૦ જણાં ‘લાઈક’ કરે છે! અહોહો ! એકી સામટા ૨૦ના હાકોટા ! ફોટો બદલે છે તો બીજી ૧૦-૧૫ ક્લીક્સ. માય ગોડ ! અાવો તત્ક્ષણ અૅપ્લોઝ તો ચાર દાયકા પહેલાંના એમના સાહિત્યમાં ય નહોતો મળ્યો. લેખકનું હૈડું અતીતમાં ફેડ અાઉટ થઈને અાપોઅાપ પોતાની કોલેજ લાઇફનું ગાયન ફિણોટે છે, વો ભી ક્યા દિન થે, હમેં દિલમેં બિઠાયા થા કભી. અોર ‘હમ’ સ્ટેજ પર મસમોટા લંબચોરસ ટેબલની અધરસાઇડ પર ઠાવકાઈથી બેસતા’તા. હમારી પીછવાડે ઉમાશંકર, નર્મદ, બકઠા, મેઘાણી કે અવળાપગે ઘુંટણકૈંચી મારીને બેઠેલા મો.ક. ગાંધી ના ફોટા ભી હોતા’તા.
પણ રે રે ! એવી કવિ કલાપીની કણસ પછી તો કંબખ્ત એવું કશું લખાયું જ નહીં. હશે. રાઇટર્સ બ્લૉક કહી કહીને નિસા:સો પણ નાંખી દીધો, ખેલ હી ખેલમેં ક્યોં જાનપે બન અાઇ હૈ ! પછી તો સ્વગત ડાયલોગ શરુ કરી દીધો કે ભાડમાં ગયું અા લખવા-બખવાનું. એક તો અામાં પૈસાની કમાણી નહીં ને કલ્લાકો સુધી બ્હૉચ જેવું સ્થિર નજરે ભીંત સામે તાકીને કાગળ ઉપર અક્ષરો પાડવાના! ઇમેજીન કરો અાપણે અકસાઈ ચીનની બોર્ડર પર સન્ત્રી તરીકે પહેરો ભરતા હોઈએ ને સામે બધુ સફેદ સફેદ બરફ ને બરફ. સો બોરિંગ. માટે કશું લખ્યા વગર જ જો અાવી પ્રસિદ્ધિ મળતી હોય તો અા શું ખોટું ? અાપણો ક્લોઝપ ફોટો જોઈને કોઈક તો ક્યારેક બસમાંથી ઊતરતા હોઇશું ત્યારે પૂછશે,
‘એક્સક્યૂઝ મી. તમને ક્યાંક જોયા છે. યોર ફેસ ઇઝ સો ફેમિલિયર .. ફલાણા ફંકશનમાં તમને શાલ બી અોઢાડેલી, રાઇટ? લેખક છો? તો પછી કવિ છો ? નો? તો એચ અાઈ વી ( એઈડ્સ) કેસ વર્કર ફ્રોમ ધારાવી? સર, તમે કેજરીવાલ વીથ મિસ્ટર ભાગવતની મૂંછ? નો? તો અાણ્ણા હઝારે વીથ ભાગવત મૂછ?
ફેસબુકપર તો જલસા છે જલસા. ફક્ત ‘લાઇક’ કરનાર જનાબેઅાલી ને પણ યશ-કલગીઅો મળે છે. એક જ જનાબેઅાલી માણસ અનેક એકાઉન્ટ્સમાં ટીક્કા મારતો જાય. ગઝલુંમાં, શેરશાયરીમાં, જનોઇમાં, લલ્લૂ-રબડીના જોક્સમાં, ગણપતિ વિસર્જનમાં, અજાણ્યાનાં બેબી શાવરમાં, ફ્યૂનરલમાં, બોલિવુડના નટનટીઅો ફોટા નીચે પણ અાવા પરદુ:ખભંજન ‘લાઇક’ કરનારાઅોની મોહર લાગેલી જ હોય. છાપાંના ચર્ચાચોરોમાં લખતા માણસોની જેમ અા લોકો પણ કેટેગોરિકલી તો સર્વકોટિ બહુરંગી લેખકો જ ગણાય એવો એમનો દાવો છે. ( પછી સિતાંશુ છો ફૂંફાડા મારે કે મા સરસ્વતિ સિંહાસન પરથી કેમ ઊતરતી નથી ને અા લોકોને પનિશ કરતી નથી. હૂ કેર્સ ?)
વુડી એલનના ‘ઝેલીગ’ મુવીમાં અાવો જ એક સર્વકોટિ નાયક બતાવ્યો છે, કાચિંડા જેવો બહુરૂપિયો. વાતાવરણ અનુસાર એનું સ્વરૂપ અાપોઅાપ બદલાઈ જાય. કોઇવાર જર્મન નાઝી સિપાઈ બનીને સભાની મેદનીમાં હીટલરના ખભાની પાછળ ડોક્યુમેન્ટરીમાં દેખાય, તો ક્યારેક અમેરિકન ગદ્યકાર સ્કોટ ફીટ્ઝરાલ્ડની પાર્ટીમાં પણ હાજર હોય. ફોરેન ભાષાના ઉચ્ચાર સાથે અન્ય મહેમાનો સાથે અાચારવિચાર પ્રદાન કરતો નજર અાવે. એને મહાલેખકની જેમ ચીપી ચીપીને બોલતા અાવડી ગયું’તું. પોતાનો ચહેરો બ્લેંક રાખીને સામા માણસની વાત કેમ સાંભળવી એ સર્વોચ્ચ વિદ્યાછટા ઉપર માસ્ટરી મેળવી દીધેલી. એ બહુરૂપિયો ઝેલીગ તે જ અાજના અાપણા ફેસબુકના ‘લાઇક’ની યશ-કલગીવાળા જનાબેઅાલી બંધુ. એ બધે જ પુજાય, અમર થાય અને બોનસમાં એમને છાશવારે જમણનાં અામંત્રણ પણ મળતા રહે. કેટલીયે વાર તો સા’લુ ના પાડવી પડે. જો કે કો’કવાર એ ‘લાઇકિયા’ને એવો વૈરાગ્ય પણ અાવી જાય કે અા શું રોજરોજ મફતમાં ખાવાનું, કોલેસ્ટીરોલની ગોળી લેવાની ને વારંવાર હાર્ટમાં સ્ટેન્ટ મુકાવાના ! ને અા બધાથી ત્રાસીને ઉપરથી વાઇફ નાસી જાય તે પાછું જુદું. બ્લડી દરેક વસ્તુની સાઇડ ઇફેક્ટ હોય છે. સાચુ કહું ? લાઇફ ઇઝ અનફેર.
અા બીજો ફોટો જૂઅો. અા ભાઈ એક સંસ્થાના પ્રમુખ છે. અાપણે ત્યાં દેશમાં સાઇઠના દાયકામાં ફોટો સ્ટુડીઅોવાળા દોરડું પકડીને એમના ઉપર જવાના દાદરની ભીંતપર અડધી છાતીવાળા બસ્ટ ફોટા સેંપલ તરીકે સસ્તી ફ્રેમમાં મઢીને લટકાવતા. યાદ છે ? બસ. અદ્દલ એવા ફોટા જેવા જ અા સાહેબ હસતા દેખાય છે. એમના ખભે અડીને બાજુમાં એમની ફર્સ્ટ લેડી પણ શાશ્ર્વત સુખથી હસતી દેખાય છે. પછીના એક ફોટામાં સાહેબ પોતે ડીનર ટેબલ બીછાવી સોલ્લો ભોજન લે છે. કેમેરાએ એમની સામે પડેલા સમોસાનો મેરૂ પર્વત અકસ્માતથી ઝડપી લીધો છે. બાજુમાં એક હાંડલું, તપેલી, કડછી, તવેથો એમ બધું સ્ટીલ લાઇફના મોટીફ તરીકે લેવાયું છે. અા ફોટાને ૧૦૦ ‘લાઇક’ મળે છે કારણ એમની સિગ્નેચરથી દેશમાંથી (યાને ભારતમાંથી) ગવૈયા વીથ સાઝીંદાઝ, નાટકિયા, ભજનિકો, કે સભારંજક સર્જકોને પરદેશ અાવવાનું તેડું અાવે છે ! ખાટલેથી પાટલેની ટ્રીટ, સ્પોન્સરશીપ ને ઉપરથી વાહ વાહ, દુબારા દુબારાના નારા લગાવનારું રેડઇમેડ સિનિયર અોડિયન્સ, પ્લસ અાને જાનેકા ભાડા ફૂકટમેં. ગોડફાધર ભાગ-૧ માં ગલોફું ફુલાવેલો મારલોન બ્રાંડો યાદ છે? વીટો કોરલિયોની ? એનાં કાંડે નતમસ્તકે હળવેથી હોઠ મુકી બચી કરવાની. પછી એક કદમ પાછું ખસવાનું. એવું બધું. પ્રોટોકોલ.
અોત્તારીની ! અા તો પેલા પ્રખ્યાત કવિનો ફોટો! અા કવિનાં ગીતો તો એક જમાનામાં હું મારી વાઇફને રીઝવવા ગાતો’તો. તેની અા દશા? મોટું કપાળ, ગોળમટોળ બ્રાઉન ચહેરો. પોતાના એવા એવા ક્લોઝપ મૂકે છે, શું કહું? મને તો પેલા ઉત્તરપ્રદેશના દૈનિક જાગરણ પેપરમાં ‘ખોવાયેલ છે’ જેવા વિભાગનો પુરુષ લાગે છે. અરે ભૂંડા અાદમી, અાટલો બધો ફીશ અાઈ જેટલો વાઇડ એંગલ તારા કેમેરામાં શું કામ વાપરે છે? જો. તારી શું વલે તેં કરી છે ! જરા મોઘમમાં રહે. અા શું તરેહ તરેહકા ફિલ્મી પોઝ મારવાના? તમે એમને હવે એમની મૌલિક કવિતા ફવિતાનાં સર્જનનું પૂછતા નહીં. ‘ભઇસા’બ અા ઈતર પ્રવૃત્તિમાંથી જ ટાઇમ મળતો નથી !‘ એઝ એ મેટર અોફ ફેક્ટ, અામે ય નર્મદને બાદ કરીએ તો એકલા શુષ્ક સાહિત્યથી કોનું ભલું થયું છે? લો. લખાવો. યાદી તૈયાર કરીએ. બાકી તો એક અાઇ-ફોન લેવો હોય તો એ કવિને મિનિમમ છ મહિના ઊપવાસ કરવા પડે. (સેકંડ હૅન્ડ અાઇ- ફોન, વર્ઝન ૫ /એસના બજાર ભાવના હિસાબ પ્રમાણે)
અહીં એક વાત યાદ અાવી. ૧૯૮૮માં મેં લાભશંકરનું નાટક ‘પીળું ગુલાબ અને હું’ પુસ્તક ખરીદેલું. તેમાંથી બે પંક્તિ ટાંકું છું ,એક સ્ત્રીનો મોનોલોગ છે:
‘તમારી ચામડી નીચે સુષુપ્ત થઈ ગયેલા લિબિડોને જરાક જરાક અડકું અને તમને ઉશ્કેરી મુકું.’
માય ગૉડ અા માણસે અૅબસ્ટ્રેકટ વસ્તુ લિબિડો ને ફિઝીકલી અડકવાની વાત કરેલી? અને તે પણ ‘૮૦ ના દાયકામાં ? ત્યારથી અા માણસનો ફોટો મારે જોવો હતો. બસ એમ જ. મારા દિમાગમાં લગની લાગી. સામસામે મળવાની તો શક્યતા જ નહતી કારણ હું ભારતમાં ન હતો. અાખરે ત્રીસ વર્ષ પછી મેં એ લા.ઠા.ને રુબરુ જોયા. સારું થયું અા માણસ ઝૂમરીતલૈયાની એ ટોળકીનો નહોતો, નહીં તો ક્યારનો મારા મગજમાંથી ભૂંસાઈ ગયો હોત.
લો. સર્ફિંગ કરું જ છું તો મારા કર્સરના તીર નીચે અા છેલ્લો ફોટો જોઈ લેવા દો ! લાઇફ મેગેઝિનના સેંટરસ્પ્રેડ જેવો છે. ફોટાબાજીમાં અા માણસ હૂકમનો એક્કો લાગે છે. પટિયાં પાડેલા વાળ ને સફેદ શેડેડ દાઢી મૂછ. કોઇ દેશનિકાલ થયેલા ન્યુકલિયર વૈજ્ઞાનિક જેવો દેખાય છે. એ નકકી કોઈ કમિટીમાં ભારે હોદ્દા પર હશે. કોઈને ક્યારેક અાડેતેડું કામ પડે તે માટે લોકો એમને ‘લાઇક’ કરતા હશે કારણ એ ‘લાઇક’ કરનારાઅોથી હું પરિચિત છું. સામાન્યત: દરેક કસીનોમાં જુગારીને લલચાવવા ફ્રીબીઝ અાપે. દાખલા તરીકે તમને એકાદ નાઇટ રૂમ-ફ્રીનું વાઉચર અાપે અથવા અાખો દિવસ તમે અોલ યુ કેન ઇટ બુફે ખાવ. ફ્રી. તેમ અા મહાશય ક્યારેક કોઇ ભગવી બંડીવાળા બાપુના ફોટા મૂકે અથવા શિવલિંગના મલ્ટીપલ રૂપો બતાવે, જેથી એટલો લાંબો સમય તમે એમના એકાઉન્ટમાં સ્તંભી રહો. કદાચ એવું પણ એ સાબિત કરતા હશે કે એ પોતે હેન્ડસમ છે, છતાં ધાર્મિક છે. ના. એ અનુરાગ કાશ્યપની ફિલ્મના સિરિયલ કીલર નથી. યેન કેન પ્રકારેણ પણ તમે એમના ફોટાને ‘લાઇક’ કરો. બસ. હૂ નોઝ, કદાચ લા.ઠા.ના નાટકની પેલી સ્ત્રી એમના લિબિડોને ઉશ્કેરે ! અહીં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગાયન મુકીએ. એમાં જરા સાંભળજો કે લિબિડો જોડે અંગ શબ્દ કેવો ફીટોફીટ જાય છે. વિરહ પછીના અાશ્લેષમાં સેલો પર રાગ મધુવંતંી વગાડતી કોઈ પોનીટેલવાળી જર્મનબાળા એક કાળી સિસમની ચેર પર બેઠી હોય તેવું ચિત્ર મનમાં ભાસે. ઇટ્સ પ્લેઇંગ : અાજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ..
છે શું અા બધું ? ઊંમરની સાથે અાપણે ઈન્ફન્ટાઇલ થતા હોઇશું ? કોઈ ભડ માણસ કાથીના ખાટલે બેઠેલી માનાં ચરણોમાં અાશીર્વાદ લેતો પોઝ અાપે છે. એ ફોટો પણ જોવાઈ ગયો. અામ તો એ પોતે સાહિત્યમાં એવા ખડ્ડૂસ છે કે અાપણને પાનો ચઢાવે તેમ તમતમતા ક્વોટ્સ અાપે, વીર રસનાં પાન કરાવે, સફેદ રણમાં ચાંદની રાતે અાપણને દોટ મુકાવે તેવાં ગીતો ગાય. અને એ મરદ મૂચ્છો વાળો ફેસબુકમાં મેલડી માતાના ફોટા જોડે પોઝ અાપે ! શું અા માણસ ક્યાંક અાપણી પુંસકતાનો ધ્વંસ કરવા માંગે છે?
અરે હાં, અા બધા ફોટાધારીઅોએ સામૂહિક રીતે બીજો પણ એક પેંતરો રચ્યો છે. પોતાના અન્યત્ર છપાઈ ચૂકેલા લેખ રીપિટ અાઇટમ તરીકે ફેસબુક પર પુન: મૂકીને આપણને ફરજિયાત અાપણું બાવડું પકડીને રિમાઇન્ડ કરે છે, ‘ચતુર શેઠ ! કાજુકરિયાં લીધા સિવાય બારોબાર જવાતું હશે?’ વાંચો. દુબારા વાંચો અાખે અાખો લેખ. અને જુઅો, ડાઉનલોડ કરજો તો અક્ષર પણ મોટા થશે.’
કદાચ એવું તો નથી ને કે હું રામરાજ્યની ભવ્ય ફેન્ટસીમાં જીવું છું ? મને તો એમ કે લિટરેચરના ખાં લોકો અાપણને અાસાનીથી બધી ખૂબીલિટીઝ સમજાવશે, અઘરી કવિતાના લલગાગાના કંચુકી બંધનો છોડી બતાવશે. અરે અન્ય સ્પર્ધા કરતા લેખકોની શૈલી પણ ઊકેલીને બતાવશે, પછી વિશ્ર્વસાહિત્યમાં અાપણો હાથ પકડીને ફેન્ટસી લેન્ડમાં લઈ જશે. અાપણે ક્યાં છીએ એનું કેન્દ્ર બતાવશે. અાપણે તો માત્ર એ ભોમિયાના લેસર પોઇન્ટરનું લાલ બિન્દુ જ માત્ર જોવાનું રહેશે. અાઇ ડોન્ટ વોન્ટ ધીસ ફોટાબાજીની બબાલ. ડિજીટલ યુગમાં હું અત્યારે હાજર છું અને જીવતો છું, તો મને એવું બતાવો કે હજાર વર્ષ પહેલાં ગુજરાતી ભાષા હતી ખરી ? કેવી હતી? ત્યારે ય સૂર્ય તો અાવો જ ઊગતો હતો, ત્યારે ય મળસ્કે કોઈ ગાતું તો હશે જ. ઘંટીમાં દળણું પણ દળાતું હશે. શયનખંડમાં ઘૂસપૂસ સંવાદો પણ થતા હશે. એવાં ક્લિપ્સનાં ઇવન વર્ણન પણ જોવાં મળે? કોઈ એવાં ડૂગડૂગિયાં બજાવો તો તમારી સાથે સોદો કરું કે તમારો સેલ્ફીનો ફોટો હું અાંખો ફાડીફાડીને જોઇશ. ધેટસ એ ડીલ.
લંડનથી નીકળતા અોપિનિયનમાં વિપુલ કલ્યાણી એ સન ૧૯૦૦ની અાસપાસના દાયકાનું (મારી સ્મૃિત પ્રમાણે) કોઈ એક લોકગીત એક બ્રિટિશ ગોરાએ જાતે ગુજરાતમાં જઈને લાઇવ રેકોર્ડ કરેલું. તે મુકેલું. બ્રિટનની લાયબ્રેરીના અાર્કાઇવ્ઝમાંથી વીણીને અા તંત્રીએ ફેસબુકના વાચકોને એવો અદ્દભુત રસ પાયો. એને કહેવાય ચમત્કાર. મને તો એ ગોરા સંશોધકને ફેસબુકમાં જોવાનું મન થાય. બાકી અા બધા ઇર્દગિર્દ લોકો તો સ્લમડોગિયા અખાડામાં તેલ ચોળીને મલખમ ખેલતા હોય તેવા લાગે છે. ચેલેંજ તો એવી લેવાની કે કોઈ લવરમૂછિયો સાયબરના ટાઇમ મશીનને ચાવી ચઢાવી અવળું ફેરવી અાપે, અને અાપણને રીયલ ટાઇમ જેવું સાચુકલું મહાભારત દેખાડે અથવા પેલી નરસી મે’તાએ જોયેલી રાસલીલા થ્રી-ડીમાં બતાવે.
અસ્તુ.
***
(Revised Dec.10, 2015)
488 Old Courthouse Rd. Manhasset Hills. New York. U.S.A.
e-mail: rpshah37@hotmail.com