Opinion Magazine
Number of visits: 9448575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ – નફાનો અવસર?!

ભરત મહેતા|Opinion - Opinion|17 March 2022

પુતિનના રશિયા પરના આક્રમણનો વિરોધ થઈ રહ્યો છે એ વિશ્વની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાં ય પુતિનનો એવો હુંકાર કે જો યુક્રેન ‘નાટો’નું સભ્યપદ રદ્દ ન કરે, વિસૈનિકીકરણ ન કરે તો હું એનું અસ્તિત્વ મિટાવી દઇશ. આવી ધમકીમાં આપણને નવી સામ્રાજ્યવાદી સત્તાનાં સમીકરણ દેખાય એ પણ સ્વાભાવિક છે. જાણે ચીન, રશિયા અને બીજા થોડા દેશો મળી, વળી પાછા, અમેરિકાની જેમ યુદ્ધખોર બની વિશ્વની તબાહી સર્જશે. સામા પક્ષે આવી આકરી તાવણી છતાં અમેરિકા પણ ઘરડો વાંદરો ગુંલાટી ન ભૂલે એમ જ વર્તી રહ્યું છે. આ યુદ્ધના બધે જ સમાચાર ચાલતા હતા ત્યારે જ અમેરિકાએ સોમાલિયા પર અને અમેરિકાપ્રેરિત સાઉદીએ યમન પર આક્રમણ કર્યું એ ઘટના મીડિયા દેખાડતું જ નથી! તદુપરાંત, કેટલીક ઘટનાઓ એવી છે કે બેઉ સત્તાના ગજગ્રાહને બતાવે છે. જે હિટલરે પણ નથી કર્યું એવું કેટલુંક અત્યારે અમેરિકા અને અન્ય રાષ્ટ્રો કરી રહ્યાં છે. સત્તા જવાના ભયે અથવા યુદ્ધ દ્વારા પૈસા કમાવા હોય જે હોય તે પણ, પુતિનના અહમ્‌ સામે એમણે પણ વિવેક ગુમાવ્યો છે.

જેમ કે, આગામી દિવસોમાં યોજાનાર દિવ્યાંગ ઑલિમ્પિકમાં રશિયન ખેલાડીઓને ભાગ લેવા દેવામાં નહીં આવે, બીજી તરફ, મિત્ર રાષ્ટ્રના ધ્યાનચંદને હૉકી રમતાં હિટલર પણ જોઈ શકતો હતો! આંતરરાષ્ટ્રીય સ્તરે બિલાડીઓનું પ્રદર્શન છે, એમાંથી રશિયન બિલાડીઓ પણ બાકાત! યુક્રેન સરકારે જાહેર કર્યું કે યુક્રેનમાં વસતા તમામ રશિયનોની સંપત્તિ જપ્ત થશે! રશિયાની જેમ ભારત પર પણ અમેરિકા CAASTA (Countering America’s Adversaries Through Sanctions Act) ઍક્ટ હેઠળ આર્થિક નાકાબંધી લાદી શકે એવાં અણસાર અમેરિકાએ આપ્યાં છે, એની વાત દક્ષિણ રશિયાના અમેરિકન અધિકારી ડોનાલ્ડ લૂએ કરી છે. તાકીદે ભારતે રશિયાને આપેલ બે યુદ્ધાસ્ત્રોનો ઑર્ડર રદ્દ કરેલ છે જે સીધો અમેરિકન દબાવ છે. અમેરિકા-યુક્રેનની આવી પ્રતિક્રિયાઓ આર્થિક આતંકવાદ છે. વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યુ કે નાટો દ્વારા પોલૅન્ડમાં યુક્રેનની સરકાર બનાવવામાં આવશે. જે ગોરીલા યુદ્ધ ચલાવશે. અમેરિકા પોતાના ૧૯ ધનિકોની સંપત્તિ જપ્ત કરશે આ ધનિકો રશિયન છે. ૪૬ વિઝા પર પાબંદી લગાવવામાં આવી છે જે રશિયન છે. રશિયન પ્રજાને પણ Master Card, Visa Cardમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. તેથી Union-pay વ્યવસ્થા (ચીન) સમજૂતી કરી જેથી નાગરિકોને તકલીફ ન પડે. આમ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પૂરી રીતે કનડવા અમેરિકાએ કમર કસી છે. જુદા જુદા દેશોમાં વોડ્‌કાના વેપારીઓની દુકાનો પર હુમલા થઈ રહ્યા છે અમેરિકન લેખક હેન્રી કિસિંજરે એટલું જ કહ્યું છે કે નાટોનો વધતો જતો વ્યાપ વિશ્વ માટે ખતરનાક સાબિત થશે.

ઉપરાંત, કલાકારો પર પણ હુમલા વધ્યા છે. જાણીતી ઑપેરા અભિનેત્રી અન્નાનેત્રી વોકોવે રશિયાના યુક્રેન પરના આક્રમણની ટીકા કરી, પરંતુ પુતિનનો સીધો વિરોધ કરવાની ના પાડી તેથી તેને અમેરિકન કંપનીએ હાંકી કાઢી. આ અભિનેત્રીએ ૨૦૦થી વધુ શૉ કર્યા છે. ૨૦૧૪માં યુક્રેનમાં ઓપેરા હાઉસના નિર્માણમાં ખૂબ મોટું દાન આપ્યું હતું. એણે જાહેર કર્યું હતું કે રાજનીતિથી મારે કોઈ લેવા દેવા નથી. જર્મનીમાં રશિયન સંગીતકાર બ્લેરી ગલેરીફે પુતિન વિરોધની સહી ઝુંબેશમાં ન જોડાતાં એને પણ હાંકી કાઢ્યો. શું આ ફાસીવાદ નથી? ફ્રાંસ સરકારે તૉલ્સ્તૉય, ચેખોવ, દોસ્તોયવ્સ્કી વગેરે અભ્યાસક્રમમાં ભણાવાશે નહીં તેમ નક્કી કર્યું છે.

આ ઉપરાંત, જાણે કે આ યુદ્ધ નફાનો અવસર હોય એમ અમેરિકાના પેટ્રોલિયમ ઉદ્યોગે અમેરિકન સરકાર સામે ચાર માંગણી મૂકી છે. પર્યાવરણનો પ્રશ્ન વચ્ચે લાવ્યા વિના અમને જુદાં જુદાં ફેડરલ રાજ્યોમાંથી તેલ કાઢવા દેવામાં આવે. એમના પર લદાયેલા નિયમો હળવા કરવામાં આવે. પ્રદૂષણની સજા કરવામાં ન આવે. આમ, અમેરિકન બજાર યુદ્ધને કમાવાનો સ્વર્ણિમ અવસર માને છે. સામા પક્ષે આ આર્થિક નાકાબંધી કે આર્થિક આતંકવાદ વિશ્વમાં મોંઘવારી સર્જશે. યુરોપને ૪૦% ગૅસ રશિયા આપે છે જે મોંઘો થશે. માત્ર ભારતની વાત કરીએ તો લગભગ ૨૫ લાખ ટન સૂરજમુખી તેલ આયાત કરે છે, જેમાંથી ૭૦% યુક્રેન, ૨૦% રશિયાથી આવે છે એ પણ મોંઘું થશે.

બીજા વિશ્વયુદ્ધનું એક પરિણામ ૬૦ લાખ યહૂદીઓ માર્યા હતા. ઝેલેંસ્કી યહૂદી છે છતાં નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. યુક્રેનમાં છદ્મ રાષ્ટ્રવાદની ગતિવિધિનો એક ઇતિહાસ છે. સ્ટેપન બંડેરા 'યુક્રેન રાષ્ટ્રવાદના પિતા ગણાય છે, જેણે યહૂદીઓનો નરસંહાર કરેલો. ઈ.સ. ૨૦૦૭માં યુક્રેનમાં એની ભવ્ય મૂર્તિ લગાવવામાં આવી. આ સ્ટેપન બંડેરાએ હિટલરના મિત્ર તરીકે લાખો રશિયનની કત્લેઆમ જેની પરાકાષ્ઠા આજે રશિયન નફરતમાં આવી છે. જેના કારણે યુક્રેનમાં છેલ્લાં આઠ વર્ષમાં ચૌદ હજાર રશિયનોની હત્યા થઈ છે. નાટોનો નાતો આવા ઉગ્ર રાષ્ટ્રવાદની ટીકા કરતું નથી. રશિયાની સંસદમાં ૪૫૦ બેઠકો છે, જેમાં ૫૭ સામ્યવાદીઓ છે. પુતિનનો નિર્ણય પોતાનો નથી, સર્વાનુમતે લેવાયો છે. રશિયામાં ૬૨% વૃદ્ધો છે. જે યુદ્ધની તરફેણમાં છે. યુવાનો યુદ્ધની વિરુદ્ધ છે. પુતિન ૭૦ વર્ષના છે, જે જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

યુદ્ધના પ્રારંભે રશિયાએ આખા દેશમાં સડક, વાહનવ્યવહાર, રેલવે, વીજળી, પાણી, મોબાઇલ, ઇન્ટરનેટ, ચિકિત્સા સેવાને નુકસાન નથી કર્યું. આરામથી બધા વીડિયો કૉલથી વાતો કરી શકતા હતા. સ્પષ્ટ છે કે યુદ્ધ જનતા સાથે નથી, જુમલેબાજ નેતાઓ સાથે છે. કેટલીક જગ્યાએ ખાવાની તંગી પડે છે પણ યુક્રેન સરકારે જ દુકાનો અને એ.ટી.એમ. બંધ રખાવ્યા છે! યુક્રેન સૈન્યને આત્મસમર્પણની તક આપી છે. રશિયન રક્ષા મંત્રાલયે જણાવેલ કે કીવના નિવાસીઓને/નાગરિકોને બહાર નીકળવું હોય તો ડર્યા વિના કીવ-વાસિલકોવનાઓ માર્ગે નીકળે. એ ખુલ્લો અને સુરક્ષિત છે. જ્યારે નાઝીવાદીઓ રહેઠાણ વિસ્તારમાંથી હુમલો કરી પ્રજાને ઢાલ બનાવે છે. પુતિને કહ્યું કે યુક્રેન સ્પ્રિંગબૉર્ડ છે. રશિયા પર આર્થિક નાકાબંધી જાહેર કરાઈ છે. જર્મનીએ રશિયા જતી બે પાઇપલાઇનની યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે અને યુક્રેનની મદદમાં સામગ્રી મોકલી છે. સ્નેકટાપુ પરના ૮૨ સૈનિકોને રશિયાએ મારી નાંખ્યા એમ ઝેલેંસ્કી કહે છે ત્યારે જ નિરાંતે ખાતા-પીતા યુદ્ધકેદીઓ તરીકે બતાવતો વીડિયો રશિયાએ જાહેર કર્યો છે. આમ, યુક્રેન-અમેરિકા આ મામલે જૂઠું બોલતા વારંવાર પકડાય છે. ઝેલેંસ્કીનો સૈનિક ગણવેશવાળો ફોટો પણ ૬ ડિસેમ્બર ૨૦૨૧નો છે! ઈ.સ. ૨૦૧૯માં વિધિવત અમેરિકન સંસદમાં પુતિનની વ્યક્તિગત સંપત્તિની જાણકારી લાવવાનું કામ ગુપ્તચરને સોંપેલું બિલ પાસ થયેલું! વિદ્યાર્થીઓ અને નાગરિકોની બાબતમાં મોદી સરકારનું કશું ય ઊપજ્યું નથી એ બાબત છે કે એમની વિશ્વમાં આબરૂ કેટલી છે. ઇરાક-ઈરાને ફાઇટર પ્લેન મોકલી પોતાના નાગરિકોને સલામત ઉપાડી લીધા. આ છપ્પનની છાતી ગણાય. કોરોનાના કારણે વિદેશ ભણવા ગયેલા જે વિદ્યાર્થીઓ રશિયા પાછા આવ્યા છે એમને રશિયાના પાંચ શ્રેષ્ઠ વિદ્યાલયોમાં મફત શિક્ષણની રશિયાએ જાહેરાત કરી છે.

યુક્રેનમાં ૧૫થી વધુ પરમાણુકેન્દ્રો છે. ચર્નોબિલ, થયેલી જાનહાનિ આપણને યાદ છે, એ ત્યાં જ આવેલું. પુતિને દેશમાં ન્યુક્લિર એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ યુ.એસ. અને નાટોએ ૪૦,૦૦૦ સૈન્ય યુરોપમાં ફરતું કરીને યુદ્ધનો ભય ઊભો કર્યો છે. સાડા ચાર લાખ પોતાનો દેશ છોડી દીધો છે. જે આંકડો આજે ૧૧ લાખે પહોંચ્યો છે. રશિયા પશ્ચિમના પ્રચારને જાણતું હોઈ ૨૫મી ફેબ્રુઆરીએ નક્કી કરાયું કે ચર્નોબિલ પરમાણુકેન્દ્ર રક્ષા રશિયા અને યુક્રેનનું સૈન્ય મળીને કરશે! જેનો વીડિયો પણ રશિયાએ જાહેર કર્યો છે. બીજી તરફ જુઓ, ભારત સરકારના દૂતાવાસમાં કોઈ ફોન ઉઠાવતું નથી! ભારત સરકારના રક્ષા મંત્રાલયે ભારતીય નાગરિકોને જણાવી દીધું કે ઉપલબ્ધ સાધનોથી તાત્કાલિક યુક્રેન છોડી દો! આનો અર્થ એ થાય કે અમે લાચાર છીએ! જ્યારે યુક્રેનને નાટોમાં સામેલ કરાયું હતું ત્યારે બધે ઉત્સાહ ફરી વળ્યો હતો, પરંતુ આ યુદ્ધ થતાં યુક્રેને બૉમ્બવર્ષક વિમાનો અને ઍરક્રાફ્ટની માંગણી કરી ત્યારે સાફ મનાઈ ફરમાવી દીધી. આ જ યુરોપીય સંઘનું પાખંડ છે. તુર્કી નાટોનું સભ્ય હોવા છતાં એને પરેશાન કરવામાં આવેલું. આમ, નાટો અને યુરોપીય સંઘ વચ્ચે પણ ભેદભાવ રાખવામાં આવે છે. આઠ દિવસથી વધુ થયાં છતાં યુનોએ જાહેર કર્યું કે ૨૫૦ યુક્રેન નાગરિકો મર્યા છે. હ્યુમન કૉરિડૉર બનાવી રશિયાએ જ લાખો યુક્રેનવાસીઓને યુદ્ધક્ષેત્રથી સલામત બહાર કાઢ્યા છે. હકીકતમાં આ યુદ્ધ નવનાઝી વિરુદ્ધ રશિયાનું છે.     

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 10 તેમ જ 09

Loading

17 March 2022 admin
← પ્રજાબંધુ – પ્રજાકીય અવાજની ૧૨૫મી સ્મરણગાંઠ
ધૂળેટીમાં ધૂળ ઊડે કે રંગ …? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved