
રવીન્દ્ર પારેખ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અલબત્ત હતી, પણ વિધિવત યુદ્ધની જાહેરાત થઈ ન હતી, છતાં બંને દેશો શનિવારની સાંજે 5.00ની આસપાસ એકાએક યુદ્ધવિરામની જાહેરાત કરવા સંમત થયા તે આવકાર્ય, પણ અણધાર્યું હતું. આમ તો આટલું ય કરવા ભારત ઇચ્છતું ન હતું, પણ પહેલગામમાં ધર્મ પૂછીને આતંકવાદીઓએ 26 નિર્દોષોને પૂરી નિર્મમતાથી ઠાર માર્યા, એથી આખો દેશ ઊકળી ઊઠયો હતો અને મોદી સરકાર પાસેથી તીવ્ર પ્રતિક્રિયાની અપેક્ષા રાખતો હતો. સરકારે 7 મે, 2025ની મંગળવારની મોડી રાત્રે દોઢેક વાગે, ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકનાં નવ આતંકી થાણાંને 25 મિનિટમાં જ ખંડેર કર્યાં. ભારતના આ હુમલાથી જૈશ, લશ્કર અને હિજબૂલ જેવા અડ્ડાઓનો સોથ વળી ગયો. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની જાહેરાત મુજબ યુદ્ધવિરામ સુધીમાં 100થી વધુ આતંકીઓનો સફાયો થઈ ચૂક્યો છે.
પાકિસ્તાની વડાઓ પણ કબૂલી ચૂકયા છે કે તેમણે આતંકવાદને પોષ્યો છે. આ કબૂલાત પછી પણ પાકિસ્તાન આતંકીઓથી કિનારો કરી શક્યું નથી. આતંકવાદીઓ સગાં થતાં હોય તેમ તેમના જનાજામાં સેનાધિકારીઓને જોડાવાની નાનમ લાગતી નથી. એ જોતાં ભારતે આતંકીઓનો સફાયો કર્યો એ સંપૂર્ણ ન્યાયી પગલું હતું ને એથી આગળ કશું કરવાની ભારતને ઉતાવળ ન હતી. પાકિસ્તાની વડાઓ પણ ભારત આગળ ન વધે તો પડીકું વાળવાના મૂડમાં હતા, પણ એ નર્યું નાટક હતું, કારણ આવા લવારાની સમાંતરે જ પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને જવાબી કાર્યવાહી શરૂ કર્યાનો પાક મીડિયાએ જ ખુલાસો કર્યો હતો. પાક સેનાએ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા નજીકના બારેક સરહદી ગામો પર હુમલો કરીને મહિલા અને બાળકો સહિત પંદર લોકોનાં મોત નિપજાવ્યાં હતાં. ટૂંકમાં, પાકિસ્તાન જાત પર ગયું હતું ને ઉપદ્રવોમાંથી હાથ કાઢતું ન હતું, એટલે ભારતને પ્રતિકાર કર્યા વગર ચાલે એમ જ ન હતું.
ભારતે પણ ગુરુવારે સવારે પાંકિસ્તાનનાં લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી. પછી તો સામસામે હુમલાઓ શરૂ થયા. ભારતે રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો કર્યો, તો પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરની ચોકીઓ પર હુમલા કરીને 12 સૈનિકોને માર્યાનો દાવો કર્યો, પણ એ ન્યૂઝ ફેક હોવાનું પણ બહાર આવ્યું. પાકિસ્તાને રાત્રે 26 સ્થળોએ 400 ડ્રોન છોડ્યાં ને ભારતે એ તમામ તોડી પાડ્યાં. આવું સામસામે ઘણું થયું ને શનિવારે સાંજે પાંચ વાગે યુદ્ધ વિરામની ઘોષણા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કરી. આ ઘોષણા અણધારી હતી. મિસરીએ કહ્યું કે હવે બંને દેશો જમીન, આકાશ અને સમુદ્રથી એક બીજા પર હુમલો નહીં કરે. એ સાથે એવો ખુલાસો પણ આવ્યો કે પાકનું ભારત સામેનું કોઈ પણ આતંકવાદી કૃત્ય, યુદ્ધ કૃત્ય ગણવામાં આવશે.
એ પણ છે કે આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થીથી કરવામાં આવ્યો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગઈ કાલે (શુક્રવારે) રાત્રે લાંબી ચર્ચા પછી, ભારત અને પાકિસ્તાન હુમલાઓને તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવા સંમત થયાં છે. એ પછી સંરક્ષણ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્પષ્ટતા કરી કે અમે તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છીએ. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે પણ શનિવારે સાંજે સાડા પાંચે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.
સીઝ ફાયરની જાહેરાત પછી જામનગર, કચ્છ અને વાવ…ના બ્લેક આઉટ રદ્દ કરવામાં આવ્યા. ક્ચ્છનું વાતાવરણ 1971નું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું હતું. કચ્છમાં 8મી મેની સવારથી જ ડ્રોનની ઊડાઊડ વધી પડી હતી. જો કે, સવારે જ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. એ ખરું કે ભારત સરકારની યુદ્ધવિરામની જાહેરાત થતાં ગુજરાત બોર્ડર પર પણ યુદ્ધવિરામની સ્થિતિ સર્જાઇ હતી. આ બધું માંડ થાળે પડવા જઈ રહ્યું હતું, ત્યાં પાકિસ્તાને ફરી પોતાની જાત બતાવી. યુદ્ધવિરામની સ્થિતિ ત્રણ કલાક પણ ટકી નહીં ને રાત્રે 8 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના અખનૂર, પૂંછ, શ્રીનગર, ઉધમપુર, સાંબામાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. ઉધમપુરમાં ડ્રોન હુમલો, તો રાજૌરીમાં તોપમારો કરવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાને તો આશ્ચર્ય થયું કે આ કયા પ્રકારનો યુદ્ધવિરામ છે, જ્યાં શ્રીનગરમાં વિસ્ફોટ થઈ રહ્યા છે ! આમ તો જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના બ્લેક આઉટ રદ્દ કરવામાં આવ્યા હતા, પણ પરિસ્થિતિ બદલાતાં જમ્મુ-કાશ્મીરમાં તે ફરી લાગુ કરવામાં આવ્યા. સરહદી વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી ને લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી. ગુજરાતની કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. હરામીનાળા અને જખૌ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયાં. ભુજમાં સાયરન વગાડીને લોકોને ચેતવવામાં આવ્યા. આ વાતની ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી. એને લીધે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમ જ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં અંધારપટ લાગુ કરાયો.
પાકિસ્તાનનો દાવો છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ભારતે કર્યું અને સેનાએ પેશાવરમાં ભારતીય ડ્રોનને તોડી પાડ્યું. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે ભારતે નિયંત્રણ રેખા પર ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો છે ને પાકિસ્તાન તેનો જવાબ આપી રહ્યું છે. સમજ નથી પડતી કે કોણ, કોને મૂર્ખ બનાવી રહ્યું છે? અમેરિકા, પાકિસ્તાન કે ભારત? ટ્રમ્પે રાત ભર ચર્ચા કરી, પાકિસ્તાન અને ભારત સાથે. બંને સંમત થયા ને અમેરિકાએ ખુશ થતાં યુદ્ધવિરામની વધામણી ખાધી. એટલે એટલું તો ખરું કે પાક અને ભારત યુદ્ધવિરામને મુદ્દે સહમત થયા. જો સહમત થયા હોય તો ત્રણ કલાક પણ એ સમજૂતી ટકી નહીં એ કેવું? વાટાઘાટ ખરેખર થઈ હતી કે ઘાંટાઘાંટને જ યુદ્ધવિરામનું નામ આપી દેવાયું તે નથી ખબર ! આમાં મધ્યસ્થી થનારનું માન જળવાયું ખરું? લાગે છે તો એવું કે ટ્રમ્પનો બંને દેશોને મનાવવાનો કે પટાવવાનો આખો વેપલો એળે ગયો છે. ટ્રમ્પને પાકિસ્તાનની જાત ખબર તો હશે ને ન ખબર હોય તો હવે ખબર પડી જ હશે. પાકિસ્તાને પોતાનું શું માન રાખ્યું તે સવાલ અમેરિકાને થવો જોઈએ. રશિયા અને યુક્રેનમાં મધ્યસ્થી કરવાનો કોઈ લાભ અમેરિકાને થયો નથી, તે પછી ભારત અને પાકિસ્તાનમાં મધ્યસ્થી કરવામાં પણ કૈં વળ્યું નથી, એના પરથી અમેરિકાએ સમજવાનું રહે કે બીજા દેશો તેનું કેટલુંક કે કેવુંક માન રાખે છે !
યુદ્ધ ઈચ્છવા જેવું નથી એ માન્ય રાખ્યા પછી પણ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947થી સંબંધો વણસેલા છે ને તે આજ સુધી વણસેલા જ રહ્યા છે. ભારતે તેના કોઈ વાંક વગર પાકિસ્તાને થોપેલા એકથી વધુ યુદ્ધનો સામનો કરવાનો આવ્યો છે, એટલું જ નહીં, દુનિયાભરમાં ફેલાવેલી આતંકી પ્રવૃત્તિઓ વેઠવાની આવી છે. આ સ્થિતિમાં ભારતે ક્યાં સુધી નાપાક, પાકને વેઠવું જોઈએ તેનો ખુલાસો અમેરિકા કરી શકે એમ છે? ખરેખર તો અમેરિકાએ મધ્યસ્થી કરીને પી.ઓ.કે. ભારતને અપાવવામાં સહાયક બનવાની જરૂર છે. એ અમેરિકાથી થઈ શકે એમ છે? જો નહીં, તો તેણે મધ્યસ્થી થવાની ભૂમિકામાંથી અને પોતે જગત કાજી છે એવા વહેમમાંથી બહાર આવી જવું જોઈએ.
એક વાત સ્પષ્ટ છે કે અનેક વાર કર્યો છે, તેમ જ આ વખતે પણ પાકિસ્તાને, યુદ્ધ વિરામને નામે ભારત સાથે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે ને ઉપરથી યુદ્ધવિરામનો ભંગ ભારતે કર્યો છે એવો આરોપ મૂકતાં તે જરા પણ શરમાતું નથી. ભારત, પાકની જાત જાણવા છતાં ફરી એક વાર ભોળું સાબિત થયું છે. તેની પાસે પાકિસ્તાનને જમીનદોસ્ત કરવાની તક હતી, પણ અમેરિકાની અને પાકિસ્તાનની વાતોમાં આવી જઈને ભારતે એ તક ખોઈ નાખી છે. યુદ્ધવિરામનો ભંગ કરવાનું પાકિસ્તાન હજી પણ ચાલુ રાખતું હોય, તો કોઈ દલાલોને વચ્ચે લાવ્યા વગર ભારતે પાકિસ્તાનની ચમડી ઉધેડી નાખવી જોઈએ. આ જાત કદી સુધરવાની નથી. ભારતે અત્યાર સુધી દળી દળીને કુલડીમાં-જ કર્યું છે. આતંકીઓ મરાયા એ ખરું, પણ તે નેસ્તનાબૂદ થયા નથી, એટલે યુદ્ધવિરામ હોય કે ન હોય, તેનો ઉપદ્રવ ચાલુ જ રહેવાનો છે ને થોડે થોડે વખતે નાગરિકો ને જવાનો કોઈ વાંકગુના વગર મરતાં રહેવાના છે. આટલી ઉઘાડી નાગાઈ પછી પણ પાકિસ્તાનને ચલાવી લેવામાં ભારતની ઉઘાડી મુર્ખાઈ જ હશે. એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ નથી તો આતંકવાદ પર કોઈ નિયંત્રણ આવ્યું કે નથી તો પી.ઓ.કે. હાથમાં આવ્યું ને પાકિસ્તાન તો ઉપદ્રવ કરતું જ રહે છે, તો કોઈની પણ વાત કાને ધર્યા વગર, પાકિસ્તાનમાંથી આતંકીઓને નાબૂદ કર્યા વગર ને પી.ઓ.કે. આંચકી લીધા વગર ભારતે જંપીને ન બેસવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. એટલું થશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 મે 2025