Opinion Magazine
Number of visits: 9448746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના

બિનીત મોદી|Opinion - Opinion|5 April 2016

નવેમ્બરથી માર્ચનો પાંચ મહિનાનો સમયગાળો એવો હોય છે કે એ દરમિયાન કળા-કલાકારથી લઈને પાણીકળા (પ્લમ્બર) સુધીના વર્ગના સેમિનાર થતા હોય છે. કાર્યક્રમ ગુજરાતમાં હોય તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવાં મોટાં શહેરોને તેના આયોજનનો વિશેષ લાભ મળે છે. માત્ર સાહિત્યક્ષેત્રની વાત કરીએ, તો મોટાં શહેરો સિવાય ભાવનગર, ભરૂચ અને નડિયાદ એમ ત્રણ ગુજરાતનાં નાનાં નગરો એવાં છે જ્યાં સાહિત્યિક કાર્યક્રમોનું અવારનવાર અને અદકેરું આયોજન થતું હોય છે. આવો જ એક કાર્યક્રમ ૧૩ માર્ચ, ૨૦૧૬ ને રવિવારે નડિયાદમાં યોજાઈ ગયો. કેન્દ્રિય સાહિત્ય અકાદેમી અને વડોદરાના બળવંત પારેખ સેન્ટરના સહયોગથી સૂરજબા મહિલા આટ્ર્સ કૉલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલ જેમનું જન્મ શતાબ્દી-વર્ષ ચાલી રહ્યું છે તેવા શિક્ષણકાર – નિબંધકાર યશવંત શુક્લ અને નાટ્યકાર જશવંત ઠાકરને લગભગ અઢીસો ઉપરાંતની હાજરીએ દસ વક્તાઓ અને સદ્ગતોનાં એટલી જ સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની સાક્ષીએ સ્મર્યા.

કર્મભૂમિની રીતે અમદાવાદ જેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હતું, એવા શબ્દકર્મી યશવંત શુક્લ અને રંગકર્મી જશવંત ઠાકરને નડિયાદ નગરે સ્મરવાનું કોઈ કારણ? આટ્ર્સ કૉલેજના પ્રાધ્યાપિકા ભાવિકા પારેખના આવકાર-શબ્દો અને કવિ-નાટ્યકાર તથા અકાદેમીના સંયોજક સિતાંશુ યશશ્ચંદ્રના ટૂંકા તેમજ મુદ્દાસર સ્વાગત-વક્તવ્ય પછી કાર્યક્રમની ભૂમિકા બાંધતાં સંશોધક-સંપાદક તેમ જ આયોજનમાં સહભાગી સૂરજબા કૉલેજના આચાર્ય હસિત મહેતાએ તેનું કારણ આપતાં એક જ શબ્દમાં જણાવ્યું … વતન. હા, નાનાં-મોટાં ૧૦૨ ગામોના બનેલા ચરોતર પ્રદેશનું ઉમરેઠ એ યશવંત શુક્લનું વતન અને (પેટલાદ નજીકનું) મહેળાવ ગામ તે જશવંત ઠાકરનું વતન.

કાર્યક્રમના પ્રથમ વક્તા એવા કર્મશીલ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ ન. શાહે યશવંતભાઈના આખરી દિવસોને યાદ કરતાં જણાવ્યું કે અમે સૌ સાથીઓ નેહરુ પુલ પર માનવસાંકળ રચીને ઊભા હતા. યશવંતભાઈ માટે લાંબો સમય ઊભા રહેવું એક તાવણી હતી, પણ એમનો જોસ્સો તો ‘સ્ટૅન્ડ અપ ઍન્ડ બી કાઉન્ટેડ’નો હતો, જેમ અક્ષરજીવનમાં તેમ જાહેર જીવનમાં. સ્વાધ્યાયસજ્જ એવા જ સંઘેડા ઉત્તમ વકતવ્યના સ્વામી યશવંતભાઈએ કરેલું મોટું કામ વિશ્વના વિચારપ્રવાહોને ગુજરાતગમ્ય કરતા રહેવાનુું હતું. જયશંકર સુંદરીએ એક મુલાકાતમાં યશવંત શુક્લને કહ્યું હતું કે લેખકે લખેલા સંવાદોમાં અભિનેતાએ પોતાના મુખભાવોથી ને અન્યથા ગાળો પૂરવાનો હોય છે. યશવંતભાઈએ કેટલાં બધાં વિચાર વાનાં સાથે વાચકો જોગ આ ગાળો પૂરી આપ્યો હશે, ન જાણે! આચાર્યના આ સુંદરી કર્મ વાસ્તે આપણે સૌ એમના ઓશિંગણ રહેંશું. એમનો કેટલાક ગદ્યકારોને આવ્યો છે. એવો અભ્યાસલાભ આપણે એમને આપી શક્યા નથી તે મુદ્દે અફસોસ સાથે પ્રકાશભાઈએ વક્તવ્ય આપ્યું.

યશવંતભાઈની વાત કરવા શતાબ્દી-સ્મરણનો દોર સાંધતાં રમણ સોનીએ જણાવ્યું કે એચ.કે. કૉલેજના પ્રથમ વર્ષથી લઈને એમ.એ. સુધી તેમનો વિદ્યાર્થી રહ્યો. વર્ગખંડમાં તેમને સાંભળવાનો લહાવો એવો અદ્દભુત હતો કે એ દરમિયાન કોઈ નોંધ થઈ શકી જ નહીં. વિદ્યાર્થીકાળનાં સ્મરણો ઝડપથી અને ટૂંકમાં જ રજૂ કરીને રમણ સોનીએ વિષયપ્રવેશ કર્યો – સર્જકનાં વિવેચનો અને નિબંધો. સર્જકના પુનઃમૂલ્યાંકનની અનિવાર્યતા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે ‘યશવંતભાઈના વિવેચન-લેખોમાં વર્ષસંદર્ભ તો નથી, ક્યાંક તો પુસ્તક અને લેખકનું નામ પણ નથી.’ ઐતિહાસિક ધોરણે તેનું મૂલ્યાંકન કરવામાં ખૂબ અગવડ પડે તેવી ટિપ્પણી સાથે એક દાખલો આપતાં સોનીસાહેબે કહ્યું કે ‘જયાબહેન’ એવો વારંવાર ઉલ્લેખ આવતાં એક લેખમાં વાંચતાં-વાંચતાં ઠેઠ છઠ્ઠે પાને પહોંચતાં માલૂમ પડે છે કે તે અનુવાદક જયા મહેતાના પુસ્તક-અનુવાદની વાત છે. સ્રોત/સોર્સ(source)ની ગેરહાજરીમાં ચાલુ રહેતી, રાખવી પડતી અટકળોની પરિસ્થિતિને તેમણે દુઃખદ ગણાવી હતી. ‘ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે; એવી ટિપ્પણી કરનાર સુરેશ જોશી સામે તેમણે એ વાતને હજી ‘ઘણું છેટું છે’ કહી પ્રતિવાદ કર્યો તે ઘટનાક્રમને રમણ સોનીએ મહત્ત્વનો લેખાવ્યો હતો.

યશવંતભાઈએ કરેલા ત્રણ પુસ્તક-અનુવાદોની નોંધ લેતાં પુસ્તક પ્રસારક-પ્રકાશક જયંત મેઘાણીએ જણાવ્યું કે મૅકિયાવેલીનું ઇટાલિયનભાષી ‘ધ પ્રિન્સ’ પુસ્તક સોળમી સદીમાં પ્રકટ થયું હતું. વાયા અંગ્રેજી થઈને ચારસો વર્ષે તેનો ગુજરાતી અનુવાદ નામે ‘રાજવી’ આપણને તેમની પાસેથી મળ્યો. સમયખંડના આટલા મોટા પટ છતાં તેમાંનું ગદ્ય ક્યાં ય ખૂંચતું નથી, એ અનુવાદકની મોટી સિદ્ધિ છે. મૂળ કૃતિ જોતાં ક્યાંક તો એમ પણ લાગે છે કે અનુવાદકને પટ સાંકડો પડ્યો છે. હેનરિક ઇબસનના નૉર્વેજિયન નાટકનો અંગ્રેજી અનુવાદ ‘ધ લેડી ફૉમ ધ સી’નો ગુજરાતી અનુવાદ ‘સાગરઘેલી’ નામે (વર્ષ ૧૯૬૪) અને બર્ટ્રાન્ડ રસેલના ચિંતન-વિચારગ્રંથ ‘પાવર : અ સોશિયલ ઍનાલિસિસ’નો ગુજરાતી અનુવાદ ‘સત્તા’નામે (વર્ષ ૧૯૭૦) યશવંત શુક્લ પાસેથી મળ્યો. તેમણે ઉમેર્યું કે વિદેશી ભૂમિ પર વર્ષો અગાઉ આલેખન પામેલી રચના સંદર્ભે ત્યાંનાં ચિત્રો, નકશા, સંદર્ભનોંધ, ફૂટનોટ કે ટિપ્પણીનું ઉમેરણ કરવામાં આવે, તો નવા દાખલ થતાં વાચક માટે તે વધુ વાચનક્ષમ બનાવી શકાય છે.

‘સત્તા’ની પ્રસ્તાવનામાં યશવંતભાઈની એક નુક્તેચીની – ‘એકાધિક પુનર્મુદ્રણો થયાં હોવા છતાં રસેલે એને મઠારવાની, નવસંસ્કરણ કરવાની તકલીફ નથી લીધી. કંઈ નહીં તો દ્રષ્ટાંતો બદલાવી શક્યા હોત અથવા બીજા વિશ્વયુદ્ધ પછીની સ્થિતિને લક્ષમાં રાખીને વિસ્તારી શક્યા હોત’. આ ટિપ્પણીમાંથી જ સંપાદિત અનુવાદનો ખ્યાલ મળે છે તેમ જણાવતાં જયંત મેઘાણીએ પોતાની વાત પૂર્ણ કરતાં ઉમેર્યું કે તેમનાં અનુવાદિત પુસ્તકો આ કળા શીખવા કે શીખવવા માંગનાર માટે પાઠ્યપુસ્તકની – ટેક્સ્ટબુકની ગરજ સારે તેવા છે.

દિવસના બે ભાગમાં વહેંચાયેલા સેમિનારમાં સવારનો ભાગ યશવંત શુક્લના ફાળે હતો, તો બપોર પછીની બેઠકમાં જશવંત ઠાકરની સાથે બન્નેનું સ્મરણ કરવાનો ઉપક્રમ હતો. ત્રણ વક્તવ્યો પછી હવે વારો હતો સ્વજનો દ્વારા સ્મરણનો. એ પરંપરામાં પહેલો વારો હતો યશવંતભાઈના પુત્રી નીલાબહેનનો – નીલા જયંત જોશીનો.

તત્ત્વજ્ઞાનનાં નિવૃત્ત પ્રાધ્યાપક એવા નીલાબહેને પિતાજી વિશે મીઠી ફરિયાદ કરતાં કહ્યું કે ‘વાચકો, ભાવકો, વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો અને મિત્રોને તેમના સંગનો જેટલો લાભ મળ્યો છે, એટલો અમને સંતાનોને નથી મળ્યો.’ ચાર બાળકોની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે વિધવા થયેલી મા સાથે ઉમરેઠ ગામમાં વીતેલા યશવંતભાઈના સંઘર્ષપૂર્ણ બાળપણને સ્મરતાં તેમણે એક કહેવતને પણ યાદ કરી – ‘ઉમરેઠ ગામના ઊંડા કૂવા, દીકરી આપે તેનાં મા-બાપ મૂઆં’. વિષમ કૌટુંબિક સંજોગો વચ્ચે કિશોરવયે પહોંચેલા યશવંતે આર્થિક ઉપાર્જન માટે ગોરપદું જ કરવું. એવા મોટા કાકાના આગ્રહને બાના સાડલાની સોડમાં સંતાઈને ‘બા, મારે આ નથી કરવું, ભણવું છે’, કહીને કેવો નકાર્યો તેનું સાંભળનારને આંખમાં કોઈ પણ ક્ષણે આંસુ લાવી દે તેવું બયાન નીલાબહેને કર્યું.

પિતાને ‘ભાઈ’નું સંબોધન કરનાર નીલાબહેન યાદ કરે છે કે જૂના પ્રેમાભાઈ હૉલની તેમની નોકરીને કારણે જ નાટકનાં રિહર્સલ જોવા મળતાં હતાં. એક વાર નાટક ભજવાઈ ગયા પછી ‘ભાઈ, તમે ત્રીજી હરોળમાં બેઠા હતાને?’ એવું પૂછતી નીલાને ‘તું નાટક કરતી હતી કે મને જોતી હતી?’ એવી વઢ પણ પડે છે. યશવંતભાઈ ભૂલો કાઢે એવો ડર સતાવતો રહેવાને કારણે જ લગ્ન પછી ‘જોશી’ પરિવારમાં પહોંચેલાં નીલા શુક્લ તેમનો પીએચ.ડીનો શોધનિબંધ / થીસિસ સસરાને બતાવતાં, પણ પપ્પાને નહીં.

એક વિદ્યાર્થિની તરીકે અને સ્વજન રૂપે નીલાબહેને નાટ્યકાર જશવંત ઠાકરને પણ યાદ કર્યાં. તેઓ એચ.કે.માં નાટક ભણાવવા આવ્યાં એ પહેલાં નીલાબહેનના મનમાં નાટકો માત્ર જોવા-ભજવવાનો જ ખ્યાલ હતો. તે એક વિદ્યા છે અને તેને ભણી શકાય, તેવી કોઈ સમજ તેમનામાં નહોતી. એ સમજણ જ.ઠા.એ વિકસાવી. બાલગાંધર્વ અને જયશંકર સુંદરીની વેશભૂષા કરતાં શાંતિકાકા નીલાને સાડી પહેરવાનું શીખવતાં – પહેરાવતાં. ઘર કરતાં વધુ સમય એચ.કે.માં વિતાવતા જ.ઠા વિશે અભિનેતા-દિગ્દર્શક પ્રવીણ જોશી કહેતાં કે ‘અમે લોકોને ગમતાં નાટકો કરીએ છીએ, લોકોને કેવાં નાટકો ગમવાં જોઈએ તે જ.ઠા. કરે છે.’

નીલાબહેન પછી યશવંતભાઈના પુત્ર આશુતોષ યશવંત શુક્લે, પપ્પાના સંગનો લાભ સંતાનોને નથી મળ્યો, એવી બહેન નીલાની ફરિયાદને એકથી વધુ વખત નકારી. સવારની કીટલીભર ચા સાથે પીતાં હતાં એમ યાદ કરવા સાથે તેમણે ઉમેર્યું કે માંદા થઈને પથારીમાં પડ્યા રહીએ, તો ભાઈ કહેતાં કે, ‘ડ્રૉઇંગરૂમમાં આવીને બેસશો તો હું કંઈ તમને સ્કૂલે નહીં મોકલી દઉં.’ આવી જ રીતે એક વાર સોફામાં આડા પડીને કશુંક વાંચતાં આશુતોષને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથે આ પ્રમાણે સંવાદ થયો.

“શું વાંચો છો?”,“પુસ્તક”,“કોનું છે?”,“મારું.”,“બરાબર છે. તમારું જ છે. પણ હું એમ પૂછું છું કે તેના લેખક કોણ છે? પચાસેક વર્ષનો ગાળો વીતી ગયા પછી પણ ઉપર્યુક્ત સંવાદ અને આ પ્રકારના અનેક પ્રસંગોને માણી શકતાં, તેનું બયાન કરી શકતાં આશુતોષ શુક્લ અમદાવાદમાં વ્યવસાયી એન્જિનિયર – ઉદ્યોગકાર તરીકે કાર્યરત છે. જેમના માટે યશવંતભાઈ ક્યારેક એવો વસવસો પણ કરતા હતા કે ‘આશુ, તારે આટ્ર્સ લેવા જેવું હતું.’ સાંભળનારને આજે પણ સાચો લાગે તેવો વસવસો.

જશવંત ઠાકરને યાદ કરતાં તેમણે કહ્યું કે ‘પરિત્રાણ’ નાટકમાં અભિમન્યુની ભૂમિકા ભજવતો નિયમિત કલાકાર સમયસર આવ્યો નહીં, ત્યારે જશવંતકાકા તેમને એચ.કે. કૅમ્પસના આચાર્યનિવાસથી સીધા જ રાજકોટ લઈ ગયા હતા. ભૂમિકાને કંઈક અંશે જાણતાં – સમજતાં આશુતોષે જ.ઠા.ને એમ કહ્યું કે પોતે ‘પોતાની રીતે પાઠ ભજવી લેશે’. આટલું સાંભળતાં જ જ.ઠા. તાડૂકી ઊઠેલા કે … No, you will only act which you were taught … Understand ? (તમને જે શિખવાડ્યું છે એ અને એટલું જ કરવાનું છે. સમજ્યા?)

‘મુન્નાભાઈ એમ.બી. બી.એસ’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર તરીકે જાણીતા એવા અભિજાત જોશીની પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. દાદા સાથેની તેમની સ્મૃિતઓ છૂટક ઍન્ટ્રી રૂપે હોવાનું તેમણે જણાવ્યું. કારકિર્દીની પહેલી ફિલ્મ ‘કરીબ’ (વર્ષ ૧૯૯૬) જોવા દાદા, મિત્ર ચિનુભાઈ નાયક સાથે ભદ્રના એડવાન્સ થિયેટરમાં (હવે નથી, ધ્વસ્ત થઈ ગયું) પહોંચી ગયા હતા. મારી જ હોવા છતાં કહું છું કે આ ફિલ્મ એટલી બધી બકવાસ હતી કે દાદાનો પ્રતિભાવ જાણવાની મારી કોઈ હિંમત નહોતી અને એમણે કોઈ રિસ્પૉન્સ નહીં આપીને મારી આબરૂ જાળવી લીધી હતી.

બપોરના ભોજનવિરામ પછીની બેઠકમાં નાટ્યકાર જશવંત ઠાકરના રંગકર્મ વિશે બે વ્યાખ્યાનો આયોજિત હતાં. નાદુરસ્ત તબિયતને લઈને ખુદ રંગકર્મી એવા બન્ને વક્તાઓ હસમુખ બારાડી અને ભરત દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જો કે તેમની ખોટ અનુભવવાને કોઈ કારણ નહોતું. રેડિયો જોકી તરીકે અમદાવાદમાં કાર્યરત દેવકીએ ઉપસ્થિત રહીને પિતા ભરત દવેએ તૈયાર કરેલા વ્યાખ્યાનનું પ્રસંગોચિત ઉમેરણ સાથે પઠન કર્યું. ઉમેરણ એટલા માટે યથાર્થ ઠરે એમ હતું. કેમ કે દેવકીની બીજી ઓળખ જશવંત ઠાકરનાં દોહિત્રી તરીકે – રંગકર્મી અદિતિ દેસાઈનાં પુત્રી તરીકે આપી શકાય એમ છે.

વ્યાખ્યાનનું પઠન કરતાં અગાઉ દેવકીએ દાદા સાથેના બાળવયના પ્રસંગો સંસ્મરણો રૂપે કહ્યા, તો ભરત દવેએ જ.ઠા.ની સંઘર્ષપૂર્ણ કારકિર્દીનો પૂરો આલેખ તેમના સંશોધનાત્મક લેખમાં આપ્યો હતો. એવો આલેખ જેમાં ભાગ્યે જ કોઈ મહત્ત્વની વિગત રહી જવા પામી હોય.

અભ્યાસક્રમના ધોરણે નાટ્યકર્મ શીખવતી હસમુખ બારાડીની જ સંસ્થા ‘થિયેટર મીડિયા સેન્ટર’ દ્વારા તૈયાર થયેલી વીડિયો સીડીના માધ્યમથી તેમના વક્તવ્યનો લાભ મળ્યો. હસમુખભાઈએ રંગકર્મી તરીકે જ.ઠા.ની ભિન્ન છટાઓ વર્ણવી. જ.ઠા.એ વિશ્વનાં નાટકોનો પરિચય ગુજરાતને – ગુજરાતીઓને ઘરઆંગણે કરાવ્યો. તેમણે આપેલા વૈશ્વિક કક્ષાના પ્રદાનની સામે તેમની નોંધ લેવામાં આપણે કેટલા ઊણા ઊતર્યા છીએ. તેની ફરિયાદ-વિગતો પણ બારાડીએ કહી. હજી મોડું નથી થયું અને શતાબ્દી ટાણે એ ભૂલ સુધારી લેવાની એક તક આપી છે, તો ગુજરાતે આ કામ કરી લેવા જેવું છે, એમ તેમણે સૂચન કર્યું.

બંને વ્યાખ્યાનો પછી શરૂ થયું વાચિકમ. નાટ્યકાર – રંગકર્મી પ્રવીણ પંડ્યાએ જશવંત ઠાકર લિખિત નાટ્યાંશોનું પઠન કરતાં અગાઉ જણાવ્યું કે તેઓ યશવંત શુક્લ અને જશવંત ઠાકર એમ બન્નેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ભવન્સમાં ભણાવવા આવતા જ.ઠા.ને પ્રવીણભાઈ લેક્ચર પછી ઑટોરિક્ષા માટે શાહપુરના શંકરભુવન સુધી કાયમ સંગાથ આપતા. પ્રવીણભાઈને તેઓ કહેતા કે થિયેટર ચણા ફાકવાથી શરૂ થાય છે. જશવંત ઠાકરનાં અનુવાદિત નાટકોને પણ એક સ્વતંત્ર નાટક રૂપે જ જોવાની અને એ તરાહ પર જ તેમના નાટ્યકર્મનો અભ્યાસ કરવાની વિનંતી સાથે તેમણે પઠનનો પ્રારંભ કર્યો.

કવિ-અધ્યાપક-નાટ્યકાર તરીકે જાણીતા સૌમ્ય જોશીની પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. તેમણે યશવંત શુક્લના અતિ જાણીતાં, વખણાયેલાં, એકથી વધુ સંપાદનોમાં સ્થાન પામેલાં ‘મોટી’ એ ચરિત્રનિબંધનું વાચન કર્યું. ‘મોટી’ એટલે યશવંતભાઈનાં બાનો બાયોડેટા. વાંચવો અનિવાર્ય.

નડિયાદ ખાતે આયોજિત એકદિવસીય સેમિનારમાં કવિ હર્ષદ ચંદારાણા, લઘુકથાઓના લેખક હરીત પંડ્યા, એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર રાજેશ પંડ્યા, કવિ-નાટ્યકાર- અભિનેતાની બહુમુખી ઓળખ ધરાવતા હરીશ ઠાકર, પૂર્વસનદી અધિકારી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી(ઉત્તર ગુજરાત)ના પૂર્વ-ઉપકુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક, નવલકથાકાર ધ્રુવ ભટ્ટ, નિબંધકાર – પ્રાધ્યાપક મણિલાલ હ. પટેલ, મેઘરજની આટ્ર્સ કૉલેજના ગુજરાતીના અધ્યાપક અજયસિંહ ચૌહાણ સહિત વિવિધ કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પૂરા દિવસ માટે કાન દઈને હાજર રહ્યા હતા.

કાર્યક્રમ – પસિસંવાદમાં આયોજકો દ્વારા અપાયેલા કે પોતે પસંદ કરેલા વિષયને પણ ચાતરી જઈને કોઈક અલગ જ મુદ્દે ચઢી જતા વક્તાઓ – પેપર પ્રેઝન્ટરો માટે વિષયને વફાદાર રહીને મુદ્દાસર રજૂઆત કેવી રીતે થાય તે શીખવા-સમજવા માટે પણ આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહે એવો હતો.

કાર્યક્રમ પછીની અનૌપચારિક મુલાકાતમાં હસિત મહેતાએ કહ્યું કે યશવંત શુક્લના સાહિત્યિક સામયિકોમાં પ્રકટ થયેલા લેખો એટલી સંખ્યામાં છે કે તે અગ્રંથસ્થ લેખોમાંથી ત્રણ પુસ્તકો થઈ શકે. ગુજરાતે શતાબ્દી વર્ષે આ કામ પણ કરવા જેવું છે.

કૅમ્પસના પાર્કિંગથી પેન્ટ્રી (ભોજનખંડ) સુધી સહુ પ્રાધ્યાપક – કર્મચારીગણમાં સ્વજનોના દર્શન થયાં તેવી સૂરજબા મહિલા આટ્ર્સ કૉલેજના યજમાનપદ વાળા આયોજનમાં સામેલ સહુને શતાબ્દી-સર્જકો જેટલા જ વંદન – અભિનંદન.

e.mail : binitmodi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 12-14

Loading

5 April 2016 admin
← ત્રણ સામયિકોમાંથી વિશેષ, આવકાર, અને આ પણ…
ભારતીય રાષ્ટ્રવાદના સામાજિક અને સાંસ્કૃિતક પાસાઓનું મનોવિશ્લેષણ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved