ગાંધીજી પણ આંદોલન કરતા, ચળવળને જન્મ આપીને તેમણે ભારતનો ઇતિહાસ બદલ્યો પણ તે જેનો વિરોધ કરતા, તેનો વિરોધ શા માટે કરતા, તે પ્રશ્નનો ઉકેલ શું હોઇ શકે, વૈકલ્પિક વ્યવસ્થા શું હોઇ શકે તે તમામના તેમની પાસે જવાબ હતા
જો તમે વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટીસ – બિહાઇન્ડ ધી ક્લોઝ્ડ ડોર્સ’ જોઇ હશે તો તમને કદાચ એ દ્રશ્ય યાદ હશે જેમાં પંકજ ત્રિપાઠીની પત્ની તેમની સાથે વાત કરતી વખતે એક શબ્દનો ઉપયોગ કરે છે – વોક – (Woke) – અને કહે છે કે વોક હોવું એટલે કે જાગૃત હોવું. 2019માં વોક શબ્દને ગ્લોબલ લેંગ્વેજ મોનિટર દ્વારા એ વર્ષનો અંગ્રેજી શબ્દ જાહેર કરાયો હતો. છેલ્લા દસ વર્ષમાં આ શબ્દ સૌથી વધુ વપરાયો છે અને ગ્લોબલ લેંગ્વેજ મોનિટરનાં પ્રેસિડન્ટ – ચિફ વર્લ્ડ એનાલિસ્ટે કહ્યું હતું કે દરેક પેઢી આ જાગૃતિ કે વોક હોવાનો અનુભવ કરતી આવી છે.
આપણે અહીં ભાષાશાસ્ત્રની ચર્ચા નથી કરવાની પણ વોક શબ્દથી વાતનો શરૂઆત કરવાનું કારણ એટલું કે આજકાલની પેઢી એટલે કે જે મિલેનિયલ્સ છે તેઓ ખુદને ઘણાં વોક માને છે. તેમની આ જાગૃતિ આજકાલ આપણા દેશમાં પણ ચર્ચામાં છે. દેશ – દુનિયામાં જે પણ થઇ રહ્યું છે તે અંગે મિલેનિયલ્સ બધું જ જાણે છે અને માટે તેમને જે પક્ષ અંગે બોલવા જેવું કે પોતાનું મંતવ્ય પ્રગટ કરવા જેવું લાગે તે અંગે તેમણે એ કરવું જ જોઇએ. વળી તેમની પાસે સોશ્યલ મીડિયા જેવું મજબૂત માધ્યમ પણ છે. આપણા દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા તો છે જ અને હોવી જ જોઇએ પણ અભિવ્યક્તિ વિચારશીલ હોય તે વધારે અગત્યનું છે. જો કે આ મુદ્દો વધુ ગહેરો છે અને એ જ રીતે ચર્ચવો રહ્યો. તાજેતરમાં જ ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનારી 22 વર્ષની દિશા રવિની ધરપકડ કરાઇ, ઘણો હોબાળો થયો, આપણને ટૂલકિટ શબ્દનો ઉપયોગ પણ સમજાયો.
અહીં દિશા રવિએ જ કર્યું તેની સામે કશો જ વાંધો નથી કારણ કે જો તમે મજબૂત વિચારો ધરાવતા હો, તમારા વિચારોમાં સ્પષ્ટતા હોય તો તમારો મત રજૂ કરવો જ જોઇએ. પરંતુ આ ફૂલ ટાઇમ ચળવળમાં જોડાઇ જનારા આ વૈચારિક યુવાનો એ ભૂલી જાય છે તેમણે કારકિર્દી ઘડીને સદ્ધર પણ થવાનું છે. તેઓ વર્તમાન રાજકારણમાં રસ ન લે તેવું અહીં નથી કહેવાઇ રહ્યું પણ માત્ર ચળવળમાં જોડાઇને અથવા તો સોશ્યલ મીડિયા પર ચર્ચાઓની હોળી સળગાવવાથી કંઇ વળવાનું નથી તે પણ તેમણે સમજવું રહ્યું. આર્થિક સ્વતંત્રતા અને સદ્ધરતા હશે તો તેઓ માત્ર વોક એક્ટિવિઝમ કરીને બેસી જવાને બદલે એવું એક્ટિવિઝમ કરી શકશે જેનાથી પરિવર્તન પણ આણી શકાય. અત્યારે વોક એક્ટિવિઝમને કારણે પ્રશ્નોનું કદ વધતું જાય છે અને સમસ્યાઓ કોરાણે મુકાતી જાય છે. વળી આમાં માત્ર મિલેનિયલ્સ જ જોડાય છે તેમ નથી. ઘણાં બધાં પોતાના મંતવ્યો ફંગોળ્યા કરે છે. એક્ટિવિઝમ એટલે કે ચળવળ કે આંદોલન એક લોકશાહી રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે બહુ જ સારી કસરત છે અને તે અનિવાર્ય પણ છે. પરંતુ, આ માત્ર જાગૃતિનો સ્થાયી ભાવ ધરાવતું વલણ ઉકેલ નથી આપતું અને ત્યાં જ સમસ્યા છે. ગાંધીજી પણ આંદોલન કરતા, ચળવળને જન્મ આપીને તેમણે ભારતનો ઇતિહાસ બદલ્યો પણ તે જેનો વિરોધ કરતા, તેનો વિરોધ શા માટે કરતા, તે પ્રશ્નનો ઉકેલ શું હોઇ શકે, વૈકલ્પિક વ્યવસ્થા શું હોઇ શકે તે તમામના તેમની પાસે જવાબ હતા. આજકાલ કમનસીબે વિરોધીઓ તો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે પણ તેઓને જે નથી જોઇતું તેના બદલામાં શું વિકલ્પ હોઇ શકે તેમનો જવાબ આપવામાં તે અક્ષમ હોય છે.
ગ્રેટા થનબર્ગની હિંમતની દાદ આપવી પડે પણ એ કમ્ફર્ટમાં થતું એક્ટિવિઝમ છે જે ‘વોક એક્ટિવિઝમ’ જેવું લાગવા માંડે છે. વિદેશમાં છતાં ય માનવાધિકારોને મામલે ઘણી મદદ, ટેકા અને પ્રોત્સાહન હકારાત્મક રીતે મળતાં રહે છે પણ એ ભારતની વાસ્તવિકતા નથી. અહીં રાજકીય રમતમાં આ વિચારશીલ જુવાનિયાઓ પ્યાદું બનીને રહી જાય છે અને તેમને ન તો રાજકારણીઓ બચાવે છે ન તો એક્ટિવિઝમમાં ઝંપલાવી ઘર-બાર નેવે મુકનારા કોઇ રાહ દેખાડી શકે છે. મોંઘીદાટ ડિગ્રીઓ લઇને બેઠેલા આ જુવાન મનને પરિવર્તનનો હિસ્સો બનવાની હોંશ હોય એ સમજી શકાય પણ કોર્પોરેટ વિશ્વમાં નોકરીના ઢસરડા કોઇ આંદોલનથી કમ નથી હોતા અને ત્યાં પણ શીખવાનું ઘણું હોય છે. ગજવામાં રોકડા હોય ત્યારે વિરોધો-વિચારો બધું વધારે સંતુલિત રીતે થઇ શકે અને પરિવર્તનની દશા પર બૂમરાણ કરવાને બદલે તે દિશામાં આગળ વધતા શીખી શકાય. વળી વોક એક્ટિવિઝમની પાછળનાં વિદેશી ભંડોળની શતરંજ પણ સમજવી રહી. ગ્લોરિયા સ્ટેઇનમનું ફેમિનિઝમ, રશિયન સાહિત્યનું ગ્લોબલાઇઝેશન અને વિશ્વ ભરમાં જાતભાતનાં વિરોધો અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ ફંડ કર્યા હોવાના રિપોર્ટ્સ જાહેર થઇ ચુક્યાં છે. એક્ટિવિઝમ ખોટું નથી પણ વૈશ્વિક રાજકારણનાં ફોર્સને કારણે તેને જે પ્રોત્સાહન મળે છે અને રાષ્ટ્રનાં ઘડતર માટે જરૂરી છે તેવા જુવાનિયાઓ કંઇક જુદું કરવા માંડે છે ત્યારે નુકસાન દેશને જ થાય છે.
ગ્રેટા થનબર્ગ જે પોતે કાર્બન ફૂટપ્રિન્ટ ન વધે તે માટે ફ્લાઇટનો ઉપયોગ કરવાને બદલે ઝો એમિશન યૉટમાં મુસાફરી કરતી હતી તેની એ યૉટને યુરોપ પાછી લાવવા માટે પાંચથી સાત જણાની ટીમને ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટમાં મોકલવાયા અને આ આખી ભાંજગડમાં સાત ગણું વધારે કાર્બન એમિશન થયું. આવું તો ઘણું ય રિહાનાથી માંડીને અન્ય સેલિબ્રિટી વોક એક્ટિવિસ્ટ્સ વિશે મળી શકે છે પણ અહીં મુદ્દો તેમનો નથી. વાત એ લોકોની કરવાની છે જેમનામાં ભારોભાર સમજણ છે, વિચાર છે પણ દિશાને મામલે ઘોડાનાં બ્લિન્કર્સ પહેરી લે છે અને પછી માત્ર વાતો હોય છે, વિકલ્પો કે જવાબો નથી હોતાં. સોશ્યલ મીડિયાના દેકારાથી સમસ્યાઓ ઉકેલાઇ જવાની કોઇ ગૅરંટી નથી હોતી એ આપણે સમજવું પડશે. સાચી માહિતી આપવી, પોતાના વિચાર પર મક્કમ રહેવું, કોઇના સવાલ પર ગુંચવાઇ ન જવું અને વિકલ્પની દિશામાં વિચારવું એ એક્ટિવિઝમની સાચી રાહ હોઇ શકે છે.
બાય ધી વેઃ
વોક એક્ટિવિઝમની ભાંજગડમાં પડ્યા વિના નક્કર કામ કરવાના રસ્તા શોધવા. દેશમાં જાતભાતની સમસ્યાઓ છે અને થયા કરવાની છે માટે જ જરૂરી છે કે લોકોમાં જાગૃતિ તો હોવી જ જોઇએ. એક્ટવિઝમ જો વિચાર વગર થાય તો લોકશાહીનું હથિયાર બનવાને બદલે તે તેને નુકસાનકર્તા બનશે. તમને સ્ટર્લાઇટ પ્લાન્ટના બંધ થઇ જવા અંગે જાણ હશે જ. વિરોધોને પગલે અહીં કૉપરનું ઉત્પાદન બંધ થઇ ગયું અને આપણા પાડોશી દેશો જે હજી આ કૉપર ઉત્પાદિત કરે છે તે ફાયદામાં છે. ભારતમાં લોકોએ નોકરી ગુમાવી અને જે પ્લાન્ટ પર્યાવરણને નુકસાન કરતો હોવાનું કહેવાયું હતું તેની પર વધુ રિપોર્ટ્સ આવ્યા અને તેમાં સ્પષ્ટ થયું કે જેટલા નુકસાનની બૂમરાણ મચી હતી તેટલું બધું નુકસાન તો પ્લાન્ટને કારણે થતું જ ન હતું. આપણે એક્ટિવિઝમ કરીએ પણ વિચારીને કરીએ, વિકલ્પો શોધીએ, પ્રતિભાવ આપવીએ પ્રતિક્રિયા નહીં – હા રિયેક્શન્સ આપવાથી જવાબ નહીં મળે અરાજકતા વધશે. વિચારી જુઓ કે મોટેરા – ઓહ સોરી નમો સ્ટેડિયમનું બીજું નામ શું હોવું જોઇએ?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ફેબ્રુઆરી 2021