જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે.

ચિરંતના ભટ્ટ
એક સફળ પુસ્તક પરથી એક સફળ સિરિયલ બની અને પછી એ જ પુસ્તક પરથી એક ઓછી સફળ ફિલ્મ બની. વૉટ્સ યોર રાશી? આ ફિલ્મને અને તેના નામને આમ તો આજના લેખ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી, પણ છતાં પણ મને લાગ્યું કે આ ઉલ્લેખ જરૂરી છે. આપણે ત્યાં, આપણા દેશમાં કોઈની પણ સાથે પરિચય કેળવાય એની પહેલી સાત મિનિટમાં આ સવાલ થતો જ હોય છે – વૉટ્સ યોર જાતિ? તમારી અટક શું? તમે કેવા? તમે ક્યાંના? વગેરે. દક્ષિણ ભારતમાં તો ક્યાંક ક્યાંક એવી ય પ્રથા છે કે માણસનું નામ જાહેરમાં બોલાય એની સાથે એનું ગોત્ર પણ બોલવામાં આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ છે એમાં સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશેની જાહેરાત કરી છે. લાંબા સમયથી આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની ચર્ચાઓ તો ચાલી રહી હતી પણ અંતે અમલીકરણની જાહેરાત કરાઇ. હવે જ્યારે વસ્તી ગણતરી કરનારા તમારે ઘરે આવશે ત્યારે તમને પૂછશે, “વોટ્સ યોર જાતિ”? આપણને સ્વતંત્રતા મળી પછી પહેલીવાર આ રીતે વસ્તી ગણતરી થશે.
આપણા દેશમાં કેટલી જાતિઓ છે અને કઈ જાતિના કેટલા લોકો છેનો ડેટા સૌથી છેલ્લે 1931ની વસ્તી ગણતરીમાં બહાર પડ્યો હતો. ત્યારે આપણે ત્યાં લગભગ 4,147 જાતિઓ હોવાનું નોંધાયું હતું. મૂળ તો વસ્તી ગણતરીની શરૂઆત કરનારા હતા અંગ્રેજો – 1871-72 દરમિયાન ભારતીય સમાજ અને સમાજ વ્યવસ્થાને સમજવાના આશયથી વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી કરવાનું અંગ્રેજોએ શરૂ કર્યું હતું. જવાહરલાલ નહેરુની સરકારે 1951ની વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી બાકાત કરી કારણ કે લોકોને એ સંદેશો આપવો સ્પષ્ટ હતો કે ભારત એક અખંડિત રાષ્ટ્ર છે અને અહીં જાતિ આધારિત વિભાજન નથી. 2011 સુધી તો આ પ્રમાણે જ ગણતરી થતી. માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી થતી, જાતિઓની નહીં. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.-2 સરકારે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી શરૂ કરી, જેમાં જાતિ શું છે તેનો ખુલાસો સ્વૈચ્છિક રખાયો હતો. જો કે જે ડેટા ભેગો થયો તેમાં ક્ષતિઓ હોવાથી તે જાહેર જ ન કરાયો.
ભારત ક્યારે ય જાતિહીન દેશ હતો ખરો? લેખક અમિષ ત્રિપાઠી સાથે ઘણાં વર્ષો પહેલાં વાત થઈ હતી ત્યારે તેણે તો એમ કહેલું કે લોકો જે કામ કરતા તેનાથી જ ઓળખાતા. પ્રાચીન ભારતમાં સામાજમાં વ્યક્તિની ઓળખ તેના વ્યવસાય અને ગુણોને આધારે થતી. તેમણે કહેલું કે જાતિનું તંત્ર સંકુચિત નહોતું. રામાયણ રચનારા મહર્ષિ વાલ્મીકિ કે મહાભારત અને વેદના રચયિતા મહર્ષિ વ્યાસ જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં તેમના કર્મોને કારણે તેઓ સંત કે મહર્ષિની ઉપમા પામ્યા હતા. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૈદિક યુગની ચાર વર્ણ આધારિત વ્યવસ્થા લોકોના ગુણને અને કર્મને આધારે નક્કી થઈ હતી, જન્મને આધારે નહીં. વૈદિક યુગએ 1500-500 ઈ.સ. પૂર્વેનો સમય હતો તો એ પહેલાં અસ્તિત્વમાં આવેલી હડપ્પન સંસ્કૃતિમાં (3300 – 1300 ઈ.સ. પૂર્વે) જાતિ નહોતી પણ વર્ગ હતા. ઉત્ખનનને આધારે એ જાણવા મળ્યું જ છે કે એ સમયે ધનિકોના અને મજૂર વર્ગના રહેઠાણો જુદાં હતાં. મનુસ્મૃતિ (200 ઈ.સ. પૂર્વે)માં જાતિ અને વંશવેલાનો ઉલ્લેખ છે જે વર્ણ અને વ્યવસાયને આધારે સમાજનું વર્ગીકરણ કરે છે. જેમ કે તેલ કાઢનારા, તેલીઓને વૈશ્ય જાતિના ગણાતા. મનુસ્મૃતિમાં અસ્પૃશ્યોનો ઉલ્લેખ પણ છે. આ સમય પછી જાતિઓનું તંત્ર વિકસતું રહ્યું, કડક નિયમો અને સજાઓની આસપાસ જાતિ વ્યવસ્થા વિકસતી રહી.
આજે આપણે ઘણાં આગળ વધી ગયા છીએ (સારા-નરસા બધી જ રીતે) છતાં ય સમાનતાને મામલે આપણે ઘણાં પાછળ છીએ. આપણે ત્યાં હિંદુ મુસલમાનની લડાઈ કરતાં આ જાતિવાદનું ઝેર વધારે જોખમી છે. બંધારણમાં ખાતરી અપાતી હોવા છતાં આજે પણ વ્યક્તિ કઈ જાતિની છે તે શિક્ષણથી માંડીને રાજકારણ અને રોજગાર સુધીના દરેક પાસાં પણ અસર કરનારી બાબત બને છે. વળી અંગત સંબંધોમાં તો જાતિની શતરંજ બહુ મોટો ખેલ છે. ઓનર કિલિંગથી આપણે અજાણ્યા નથી. વળી કોઈ પ્રગતિશીલ પરિવાર જાતિના બાધ રાખ્યા વિના બીજા પરિવાર સાથે જોડાય તો નાકનું ટિચકું ચઢાવીને વાતો કરનારા આપણે ત્યાં ઢગલો મળી રહે છે. સોશ્યલ મીડિયાના જમાનામાં દલિતે પોતાના લગ્નમાં ઘોડી પર સવાર કરી એટલે એને માર મરાયો જેવા અનેક કિસ્સા ‘વાઇરલ વીડિયો’ને નામે આપણા સુધી પહોંચતા જ હોય છે.
જાતિ આધારિત વસ્તી ગણતરી માત્ર અમલદારશાહીની કવાયત નથી. ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં જાતિ તંત્ર આટલી હદે જટિલ અને વિસ્તરેલું છે. યુ.એસ. અને બ્રાઝિલમાં લોકો ગણાય છે ખરા, અને ક્યારેક તેમની જાતિ અને વંશીયતાને આધારે તેમનું વર્ગીકરણ કરાય છે પણ ફ્રાંસ અને જર્મની જેવા વિકસીત દેશોમાં નાગરિકોનો આંકડો જ અગત્યનો હોય છે. આપણા દેશના વર્તમાન રાજકારણ તરફ પાછા ફરીએ તો ભા.જ.પા.એ લાંબો સમય સુધી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો અને પછી અચાનક જ તેમનો અભિગમ બદલાયો. આ ફેરફાર ભારતીય રાજકારણનો એક નાટ્યાત્મક વળાંક છે જ્યાં જાતિનું ગણિત દરેક રાજકીય પક્ષના એજન્ડા માટે જરૂરી છે. થોડાં વર્ષો પહેલાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ જાતિ આધારિત ગણતરી કરી દેશમાં વિભાજન કરવા માગે છે. છતાં ય બિહાર, કર્ણાટક અને તેલાંગણાએ જાતિના સરવેનો રાજ્ય આધારિત ડેટા જાહેર કર્યો હતો. આ સરવેમાં જાણવા મળ્યું હતું કે OBC વસ્તીનો મોટો ભાગ છે અને પછી અનામત વધારવા પગલાં લેવાની માંગણીઓ શરૂ થઈ. વોટ બૅંક માટે આ માહિતી બહુ કામની થઈ પડે તે સ્વાભાવિક છે.
આ તરફ કાઁગ્રેસે 2024ની ચૂંટણીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને તેમની મુખ્ય માંગ બનાવી હતી. ભા.જ.પા.એ વલણ બદલ્યું કારણ કે આ તેમના રાજકારણ માટે જરૂરી છે. ભા.જ.પા.એ 2024માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં વેઠવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં જાતિવાદ મજબૂત છે. 2025માં બિહારની ચૂંટણી માથે ઊભી છે તો 2027માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે ત્યારે ભા.જ.પા.ને સમજાય છે કે OBCનો મુદ્દો તેમને માટે અગત્યનો છે. જાતિ ગણતરીનો મુદ્દો હાથમાં લઈને ભા.જ.પા. વિરોધ પક્ષના સામાજિક ન્યાયના એજન્ડાને ઠાલો બનાવવાના પ્રયત્નમાં છે અને પોતે મંડલ કમિશનની બીજી સિઝનના કર્તા હર્તા હોવાની ધજા પણ હાથમાં પકડવા માગે છે. ઉચ્ચ વર્ગીય હિંદુત્વની ચોપાટમાં માહેર પક્ષ માટે આ ખાસું વિરોધાભાસી પગલું છે પણ અંગ્રેજીમાં જાણીતું વાક્ય છે, “Everything is fair in love and war” – રાજકારણ કોઈ યુદ્ધથી કમ નથી એ હકીકત છે.
આગામી વસ્તી ગણતરીનો હેતુ છે કે જે આંકડા 1931 પછી નથી નોંધાયા તે નોંધવા અને સામાજિક-આર્થિક સ્થિતનું સ્પષ્ટ ચિત્ર મેળવવું. આ રીતની વસ્તી ગણતરીને ટેકો આપનારાને મતે અસરકારક નીતિઓ ઘડવા અને તમામને સમાન સવલતો-સંસાધન વગેરે મળે તે માટે આ આંકડા જરૂરી છે. ટૂંકમાં જાતિનાં સમીકરણો ભારતના રાજકીય પરિદ્રશ્યમાં કેન્દ્ર સ્થાને છે તો સ્પષ્ટ જ છે. વિરોધીઓનું કહેવું છે કે ફરી એકવાર દેશમાં જાતિની ઓળખ આધારિત વિભાજનની રેખાઓ ઉપસી આવશે. પચાસ ટકા અનામતની ચર્ચા પણ ફરી કેન્દ્ર સ્થાને આવી શકે છે તો OBCના પેટા-વર્ગીકરણની વાત જે જસ્ટિસ રોહિણી કમિશનની ભલામણ હતી તેની પર પણ ફરી વિચારણા થઇ શકે છે.
જો કે ભા.જ.પા.નું આ પગલું જોખમ વિનાનું છે એમ કહેવું યોગ્ય નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે. દરેક જૂથને હવે આંકડા (ડેટા) આધારિત રાજકીય વાટાઘાટ કરવાની તાકાત હાથવગી કરવા હવાતિયાં મારશે. એક સમયે જે જવાહરલાલ નહેરુ માટે જાતિ હીન દેશનું સપનું હતું અને ભા.જ.પા. માટે જે હિંદુ રાષ્ટ્રનું સપનું હતું તે બન્નેમાંથી હવે કંઇ નવું જ પેદા થઇ રહ્યું છે. જાતિ આધારિત સમાજ અને રાજકારણને વધારે મોકાની જગ્યા મળી રહી છે. ભા.જ.પા. પોતે આ જાતિ આધારિત ગણતરીની જાહેરાત કરીને ક્યાં સુધી ખુશ રહી શકે છે તે જોવાનું કારણ કે ગણતરી પછીનું રાજકારણ સંવેદનશીલ હશે. આ રાજકારણનો એક એવો જુગાર છે જેમાં શાસક પક્ષની પકડ મજબૂત બને છે કે પછી દાવ ઊંધો પડે છે તે તો વખત આવ્યે તેઓ સંજોગોને સંભાળવા કેવા પગલાં લે છે તે પછી જ ખબર પડશે.
બાય ધી વેઃ
ભા.જ.પા.એ જેનો લાંબો વખત સુધી વિરોધ કર્યો તે જ હવે અનુસરવાની તૈયાર બતાડી છે.
તેમાં રાજ્યોનું દબાણ ઓછું પણ રાષ્ટ્રીય રાજકીય વ્યૂહરચના વધુ મોટું કારણ છે. વિરોધ પક્ષોનું OBC-દલિત અને મુસ્લિમ ગઠબંધન કોઈ રીતે રોકવું હોય તો ભા.જ.પા. પાસે આ એક મોટું હથિયાર છે. સૂત્રોના મતે આ નિર્ણય પહેલાં સંઘ પરિવારનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવામાં આવ્યો છે. હિંદુ મતદારોની એકતા જળવાય એ ભા.જ.પા.ની જીત માટે અનિવાર્ય છે. આ પગલું ભરી ભા.જ.પા. પોતાની ઓળખ સામાજિક ન્યાય માટે કટિબદ્ધ પક્ષ તરીકે કરી શકશે અને કાઁગ્રેસને માથે તેમણે કંઇ ન કર્યું હોવાનો ઓળિયો ઘોળિયો નાખી શકાશે. ભા.જ.પા.એ જે રીતે વલણ બદલ્યું છે તે સાબિત કરે છે કે ચૂંટણીના ગણિતની માંગ હોય ત્યારે આદર્શોને ફેરવાઈ જતા વાર નથી લાગતી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 મે 2025