Opinion Magazine
Number of visits: 9448739
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વી આર જે.એન.યુ.

સ્વાતિ જોશી|Opinion - Opinion|16 March 2016

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની ઘટનાએ દેશને એક ઐતિહાસિક વળાંક પર લાવીને મૂક્યો છે. દેશને કઈ દિશામાં લઈ જવો એ મોટો પડકાર સૌની સામે ઊભો થયો છે. દેશમાં એક મોટા પાયા પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમુક વિચારો કે વિચારધારામાં માનનારા ‘દેશભકતો’ અને એની સાથે સમ્મત ન થનારા અને એનો વિરોધ કરનારાઓ ‘દેશવિરોધી’ કે ‘દેશદ્રોહી’ એ પ્રકારની કૃત્રિમ અને ખતરનાક, વિરોધી છાવણીઓ ઊભી કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી બંધારણે બક્ષેલી આપણી મૂળભૂત સ્વતંત્રતાઓ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે શું બોલવું, શું વિચારવું, શું ખાવું, શું પહેરવું, કોને પરણવું, આ બધા પર નિયંત્રણો લાદવામાં આવે છે અને એનો વિરોધ કરનારને ‘દેશ-વિરોધી’ કહી ડરાવવામાં, ડામવામાં અને મારવામાં પણ, આવે છે. જે.એન.યુ.ની ઘટનાએ બંધારણીય સ્વતંત્રતા પર થતાં આ હુમલાઓના પ્રશ્નને કેન્દ્રમાં લાવીને મૂક્યો છે.

જે.એન.યુ.માં જે બન્યું છે તે જમણેરી તત્ત્વો અને સરકાર દ્વારા યુનિવર્સિટીઓ પર થતાં હુમલાની પહેલી ઘટના નથી. છેલ્લા થોડા સમયથી શિક્ષણક્ષેત્રમાં, ખાસ કરીને ઉચ્ચશિક્ષણમાં, સરકારનો હસ્તક્ષેપ વધ્યો છે. શિક્ષણનું ઝડપથી નિજીકરણ થઈ રહ્યું છે, જેને કારણે મોટી સંખ્યામાં સામાન્ય વર્ગના યુવાનો ઉચ્ચશિક્ષણથી વંચિત રહે છે. જાહેર ફંડોથી ચાલતી યુનિવર્સિટીઓમાં ફંડ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે જેમ કે પી.એચ.ડી. અને સંશોધન કરતા  વિદ્યાર્થીઓને  મળતી સ્કૉલરશિપ બંધ કરવામાં આવી છે (જેની સામે કન્હૈયાકુમાર અને જે.એન.યુ.ના તેમ જ અન્ય વિદ્યાર્થીઓ લડી રહ્યા છે), જેને લીધે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાની તકો બંધ થાય છે. શિક્ષણસંસ્થાઓમાં અમૂક વિચારધારા ધરાવનારી વ્યક્તિઓની, એમની ગુણવત્તા ન હોય તો પણ, નિમણૂક કરવામાં આવે છે, જે પૂનાના ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં બન્યું છે. જામિયા મિલિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીઓનો લઘુમતી દરજ્જો રદ કરવામાં આવ્યો છે અને અલીગઢ યુનિવર્સિટીનાં દેશમાં બીજે ચાલતાં કેન્દ્રોને ‘ગેરકાનૂની’ ઠરાવી એમની ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે, જેને કારણે લઘુમતી સમૂહના વિદ્યાર્થીઓની ઉચ્ચશિક્ષણની તકો સંકોચાતી ગઈ છે. આમ ઉચ્ચશિક્ષણમાંથી મોટી સંખ્યામાં નીચલા વર્ગના, વંચિત જાતિઓના અને લઘુમતી સમૂહોના યુવાનો બાકાત રહે એ પ્રકારની નીતિઓ અને નિર્ણયો અમલમાં આવી રહ્યા છે. પરંતુ ખાસ તો  દેશની યુનિવર્સિટીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં છેલ્લા થોડા સમયથી જ્યાંજ્યાં વિદ્યાર્થીઓએ  સામાજિક અને રાજકીય મુદ્દા ઉઠાવ્યા છે, જે શાસનકર્તાઓના વિચારોથી ભિન્ન છે અને સંઘવાદનો વિરોધ કર્યો છે, તેમના પર એ.બી.વી.પી. (આર.એસ.એસ.ની વિદ્યાર્થી પાંખ) તરફથી હુમલાઓ થાય છે અને તેમને દેશવિરોધી કહી ડામવાના અને સજા કરવાના પ્રયત્નો થાય છે. આઈ.આઈ.ટી., મદ્રાસના આંબેડકર-પેરિયાર સ્ટડીગ્રૂપના વિદ્યાર્થીઓ પર સરકાર વિરોધી મંતવ્યો રજૂ કરવા બદલ હુમલા કરવામાં આવ્યા હતા અને એમના પર સંસ્થા તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમૂલા અને એના આંબેડકર સ્ટુડન્ટ્‌સ એસોસિયેશનના સાથીઓની પ્રશ્નો ઉઠાવવા બદલ તેમને  મળતી ગ્ર્રાંટ બંધ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ સ્થાનિક બી.જે.પી. નેતાએ એમને જાતિવાદી, દેશવિરોધી અને ઉગ્રવાદી ગણાવીને માનવસંસાધન વિકાસમંત્રીને ફરિયાદ કરી હતી, જેને પરિણામે એમના મંત્રાલયે યુનિવર્સિટીને આ વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. અત્યંત કપરા સંજોગોમાં અભ્યાસ કરી, આંબેડકરના સ્વપ્નને સાકાર કરવાની આશા સાથે શિક્ષણના આ સ્તરે પહોંચેલા રોહિતે આ પરિસ્થિતિમાં પોતાની જિંદગીનો અંત આણ્યો. જે.એન.યુ.માં નવમી ફેબ્રુઆરીએ અફઝલ ગુરુની મૃત્યુિતથિ નિમિત્તે યોજાયેલી સભા અને કહેવાતા દેશવિરુદ્ધ નારાઓના પ્રતિભાવ રૂપે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ પર ‘રાજદ્રોહ’નો આરોપ મૂકવામાં આવ્યો અને જે.એન.યુ.ના વિદ્યાર્થીસંઘના પ્રમુખ કન્હૈયાકુમાર, જેણે દેશવિરોધી કશું કહ્યું કે કર્યું ન હતું, એની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી.

આજે એક તરફ ઉચ્ચશિક્ષણને લગભગ ખતમ કરવાનો (જેથી વિરોધની કોઈ શક્યતાઓ જ ન રહે) અને બીજી તરફ જે વિદ્યાર્થીઓ સરકારની નીતિઓ અને વિચારધારા સામે અવાજ ઉઠાવે એમને દેશદ્રોહી કહી એમની સામે લાગણીઓ ઉશ્કેરી સમાજમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યુનિવર્સિટી એ મુક્તપણે વિચારો અને વિવાદોને વિકસવાનું સ્થાન છે. શિક્ષણનું પ્રયોજન કેવળ વર્ગમાં થતાં અભ્યાસ પૂરતું જ સીમિત નથી હોતું, પરંતુ આ અભ્યાસને વિદ્યાર્થી પોતાની આસપાસના પ્રશ્નોને સમજવા કેવી રીતે કરે છે એ છે. વિચાર, વિવાદ અને વિરોધ એ એક જીવંત યુનિવર્સિટીના અસ્તિત્વના પુરાવા છે અને અભ્યાસ અને જ્ઞાનને વધારવાનાં સાધનો છે. દેશના અને દુનિયાના, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નોની ચર્ચા યુનિવર્સિટીઓમાં નહીં થાય તો ક્યાં થશે? આવી ચર્ચાઓમાંથી જ નવા વિચારો પ્રગટે છે અને સામાજિક અને રાજકીય પરિવર્તનની શક્યતાઓ અને વિકલ્પો બહાર આવે છે. દુનિયાના દેશોના ઇતિહાસ આ બાબતની સાક્ષી પૂરે છે કે સામાજિક અને રાજકીય પરિવર્તનનાં, ક્રાંતિનાં બીજ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં રોપાય છે અને એમાંથી નવા સમાજની શક્યતાઓ ઊભી થાય છે. ૧૯૭૧માં વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉમાશંકર જોશીએ દુનિયા પર તોળાઈ રહેલા સંકટના સંદર્ભમાં કહ્યું હતું કે દરેક સંવેદનશીલ વ્યક્તિ આ સંકટ વિશે સભાન હોય છે અને દુનિયાના યુવાનો તો સૌથી વધારે સભાન હોય છે, ખાસ કરીને કેમ્પસ પરના યુવાનો – વિદ્યાર્થીઓ.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો આ વૈકલ્પિક શક્યતાઓને રૂંધવાનો અને તોડવાનો પ્રયાસ છે. એક રીતે આ કાયરતાની નિશાની છે. પરંતુ આ આપખુદશાહીની પણ નિશાની છે. કાયર લોકો જ આપખુદ બને છે, કેમ કે તેમની પાસે વિચાર કે વિવાદ કરવાની પ્રતિબદ્ધતા નથી હોતી અને કેવળ હિંસક બળનો ઉપયોગ જ એ જાણે છે. ખરું જોતાં આર.આર.એસ.ની શિક્ષણપદ્ધતિમાં સ્વતંત્ર વિચારના વિકાસને કે વિરોધને સ્થાન જ નથી અને એ વિદ્યાર્થી પાસે પૂર્ણ આજ્ઞાંકિતતા માંગે છે. સંઘપરિવારના ઉચ્ચશિક્ષણ સામેના વિરોધનો આ સંદર્ભ છે. બી.જે.પી.ના એક જવાબદાર પ્રવક્તાએ એક રાષ્ટ્રીય ચૅનલ પર કહ્યું કે ‘અમને (આર.આર.એસ.ની) શાખાઓમાં રાષ્ટ્રનું જે કોઈ સન્માન ના કરે એને મૂંહતોડ જવાબ આપવાનું શિખવાય છે.’ આ વિધાનમાં હિંસક ભાષાનો ઉપયોગ ચિંતાજનક છે. અને ‘રાષ્ટ્ર’ શું છે? રાજ્ય, રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, એ સંકુલ વિચારો છે. એક દેશનો અને એક સમયનો રાષ્ટ્રવાદ બીજા દેશથી અને બીજા સમયથી જુદો હોય છે. રાષ્ટ્રવાદનો ઐતિહાસિક સંદર્ભ હોય છે જે બદલાતો હોય છે. ૧૭મી સદીથી ૨૧મી સદી દરમિયાન રાષ્ટ્રવાદનાં અનેક સ્વરૂપો દુનિયામાં પ્રગટ થયાં છે. રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ વિશે ભારત અને દુનિયાના અનેક વિદ્વાનોએ (ટાગોરે સુધ્ધાં) અનુભવ, સંશોધન અને પુરાવાને આધારે ઘણા વિચારો રજૂ કર્યા છે અને યુનિવર્સિટી આ વિચારો પર ચર્ચા કરવાનું સૌથી યોગ્ય સ્થળ છે. પરંતુ આર.આર.એસ.ની શિક્ષણપદ્ધતિમાં આવી ચર્ચાઓને અવકાશ જ નથી અને એની રાષ્ટ્ર વિશેની વ્યાખ્યા ખૂબ સીમિત, હિન્દુરાષ્ટ્ર પૂરતી જ છે. જો રાષ્ટ્રની અને રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા અબૌદ્ધિક અભિગમ પર મંડાઈ હોય, તો વિચારશીલ લોકોને રાષ્ટ્રવિરોધી થવાની કદાચ ફરજ પડે! સંઘપરિવારનો વિરોધ કોઈ વિચારધારા સામે જ નહીં પરંતુ વિચારમાત્ર સામે, સ્વતંત્ર મંતવ્ય ધરાવવાની શક્તિ સામે છે. સ્વાભાવિક છે કે સરકારની લોકવિરોધી નીતિઓનો ખૂબ અસરકારક રીતે વિરોધ કરતાં રોહિત કે કન્હૈયા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓને દેશદ્રોહી કહી ચૂપ કરવાનો પ્રયત્ન કરવો અને શિક્ષણનીતિઓ દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણના રસ્તાઓ બંધ કરવા એ સંસ્કાર ધ્યેય છે.

જે.એન.યુ. એ દેશની આગળ પડતી યુનિવર્સિટીઓમાંની એક છે. એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એણે ભૌતિક રીતે સફળ કારકિર્દી ધરાવતા, કૉર્પોરેટ દુનિયામાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ પેદા કર્યા  એ નથી પરંતુ સામાજિક પ્રશ્નોની સમજની સજ્જતા અને જવાબદારી સાથે એમને તૈયાર કરવામાં છે, જેથી તેઓ પોતપોતાના ક્ષેત્રમાં અર્થપૂર્ણ ફાળો આપી શકે. જે.એન.યુ.ની આ બૌદ્ધિક પરંપરા છે, જેમાં શિક્ષણ એક બંધ ઓરડામાં સીમિત ન રહેતા વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારશક્તિને પ્રોત્સાહન આપે છે અને સમાજ સાથે અનુસંધાન સાધવાની તક આપે છે, જેથી નવા વિચારો અને વિકલ્પો વિકસે. એને કારણે આજે દુનિયાભરના બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, લેખકો અને યુનિવર્સિટીઓએ જમણેરી તત્ત્વોના એના પરના હુમલાનો અને પોલીસનો એની સ્વાયત્તતા પર હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે અને તેઓ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પડખે ઊભાં છે.

જે.એન.યુ.ને કૉમ્યુિનસ્ટોના અડ્ડા તરીકે ઓળખાવી એને બદનામ કરવાનો પ્રયત્ન થાય છે. જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ વામપંથી વિચારધારા તરફ કેમ વળે છે? જે.એન.યુ.ની એ ખાસિયત છે કે એની પ્રવેશનીતિમાં વંચિત સમૂહોમાંથી આવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એનું ખાસ ધ્યાન રખાય છે. આ વિદ્યાર્થીઓ ગરીબ, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. જેઓ યુનિવર્સિટીમાં શિક્ષણ પામનારા પોતાના કુટુંબના કદાચ પહેલી પેઢીના સભ્યો છે. જ્યારે આવા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, ત્યારે પોતાના ગામના, પ્રદેશના, સમૂહના, પ્રશ્નો વિષે સજાગ થાય છે અને શા માટે તેઓ વંચિત છે, એ અન્યાય સામે સંઘર્ષ કરવા તૈયાર થાય છે. આ ઇચ્છા એમને માર્ક્સ અને લેનિન તરફ લઈ જાય છે, જેમના અભ્યાસથી પોતાની પરિસ્થિતિને રેશનલ રીતે વિચારવાની મદદ મળે છે. આ વિદ્યાર્થીઓ કટ્ટર વામપંથી નથી હોતા કે નથી કોઈ વામપંથી વિચારધારા કે પક્ષનું આંધળૂકિયું અનુકરણ કરતા. આ ઉપરાંત, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ વિદ્યાર્થીઓમાં સામાજિક રીતે વંચિત સમૂહોના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. આને પરિણામે કેવળ માર્ક્સ જ નહીં, પરંતુ આંબેડકરના વિચારો તરફ પણ તેઓ વળ્યા છે. આને પરિણામે એક નવો વિમર્શ ઊભો થયો છે, જે કેવળ વામપંથી વિચારધારા પૂરતો જ સીમિત નથી, પરંતુ એમાં વામપંથી અને આંબેડકરની  વિચારધારાઓનો સુંદર સમન્વય થયો છે. કન્હૈયાકુમારે જમાનત પર છૂટ્યા પછી જે.એન.યુ.માં કરેલા ભાષણમાં કહ્યું તેમ આ આ વિમર્શ કેવળ રાજકીય લોકતંત્ર પર જ કેન્દ્રિત નથી, પરંતુ આંબેડકરના શબ્દોમાં ‘સામાજિક લોકતંત્ર’ પર ભાર મૂકે છે અને સમાજના વંચિત સમૂહો – દલિત, આદિવાસી, અલ્પસંખ્યકો અને સ્ત્રીઓ -ની સ્વતંત્રતા અને સમાનતા માટે લડે છે અને આ મેળવવામાં આવતા તમામ અવરોધો – પૂંજીવાદ, મનુવાદ, સંઘવાદ, જાતિવાદ વગેરે -નો સખત વિરોધ કરે છે.

આ સંદર્ભમાં કન્હૈયાકુમારનો વિદ્યાર્થીનેતા તરીકેનો ઉદય પણ સમજવા જેવો છે. એ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફેડરેશન (એઆઇએસએ), જેની સ્થાપના ૧૯૩૬માં થઈ હતી અને જેણે દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો, એનો સભ્ય છે. એ રાજકીય પક્ષ સી.પી.આઈ.ની વિદ્યાર્થીપાંખ છે. બધા ડાબેરી પક્ષોમાં સી.પી.આઈ. એ સૌથી વધુ ‘રાષ્ટ્રવાદી’ પક્ષ છે. અલગતાવાદનું એની વિચારધારામાં કોઈ સ્થાન નથી. જે.એન.યુ.માં એ.આઈ.એસ.એફ.ની હાજરી, બીજા ડાબેરી પક્ષોની વિદ્યાર્થીપાંખો – એસ.એફ.આઈ. (સીપીએમ) અને એ.આઈ.એસ.એ (સીપીએમ-એલ)ના પ્રમાણમાં નહિવત્‌ છે. કન્હૈયાકુમાર જે.એન.યુ.ની વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભારે બહુમતિથી ચૂંટાયો. જે વિદ્યાર્થીઓ વામપંથી પક્ષોના સભ્યો કે તરફેણમાં ન હતા અને જે વિદ્યાર્થીઓ બી.જે.પી.ની તરફેણમાં હતા, એ સૌએ એને મત આપ્યો. આ એક નવી ઘટના છે કે પક્ષીય રાજકારણથી ઉપરવટ જઈ સમસ્યાઓના સંઘર્ષ માટે લડનાર વ્યક્તિ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બને છે. કન્હૈયાકુમાર આમ વિદ્યાર્થી રાજકારણના બદલાતા સંદર્ભનો પ્રતિનિધિ છે. સામાજિક સ્વતંત્રતા મેળવવા માટે આ વિમર્શ બંધારણને સર્વોપરી માને છે. સામાજિક સ્વતંત્રતા મેળવવાનું એક માત્ર સાધન બંધારણનું અક્ષરશઃ પાલન છે.  આ નવી વિચારધારામાં, દેશના ટુકડા કરવાનું, હિંસાનું, સ્થાન નથી. કન્હૈયાકુમારે એક નવું સૂત્ર આપ્યુંઃ ‘દેશથી નહીં, પરંતુ દેશમાં આઝાદી’ એ આ સંઘર્ષનું ધ્યેય છે.

આ નવા વિમર્શનો જન્મ અને વિકાસ કેવળ યુનિવર્સિટીમાં જ થઈ શકે, જ્યાં વિદ્યાર્થીઓની પોતાના આસપાસના પ્રશ્નોને સમજવાની પ્રક્રિયા એમને એક નવા વૈચારિક માળખા તરફ લઈ જાય છે. બંધારણના માળખામાં રહી સમાજપરિવર્તનની નવી શક્યતાઓનો વિચાર અને વિકાસ કરવાની તક પૂરી પાડવી એ જે.એન.યુ.ની ઓળખ છે. આ કોઈ પણ યુનિવર્સિટીની સાચી ઓળખ છે. એન.ડી.ટી.વી.ના રવીશકુમારે જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ કહ્યું કે જે.એન.યુ. વિદ્યાર્થીઓને વિચારતાં, બોલતાં કરે છે. આ બધા વિદ્યાર્થીઓ કન્હૈયાકુમારની જેમ સાધારણ કુટુંબોમાંથી આશા સાથે જે.એન.યુ.માં ઉચ્ચ શિક્ષણ લેવા આવ્યા છે. એમની આશા ધન કમાઈને સફળ અંગત કારકિર્દી બનાવવી એ નહીં, પરંતુ પોતાના દેશને બહેતર બનાવવાની છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજી પૂરું બોલી પણ શકતા નથી. એક વિદ્યાર્થીએ કહ્યું કે એક ટોળામાં એ પાછળ સંતાઈને ઊભો હોત પણ જે.એન.યુ.એ એને નીડર થઈ આગળ આવી માઇક સામે પોતાના વિચારો રજૂ કરવાની હિમ્મત આપી. આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ જે.એન.યુ. પર જે રીતે પોલીસ અને સરકાર ત્રાટક્યા એના વિરોધમાં યુનિવર્સિટીની સ્વાયત્તતાનું રક્ષણ કરવા અને કન્હૈયાકુમારના તેમ જ ઉમર ખાલિદ અને અન્ય વિદ્યાર્થીઓએ, જેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો છે તેમના સમર્થનમાં ભેગા થયા છે.

વિદ્યાર્થીઓની આ નવી પેઢી સામાજિક રીતે બહુ જાગૃત છે. આ મધ્યમ કે ઉચ્ચ વર્ગના, અંગ્રેજી ભણેલા, પશ્ચિમી વૈશ્વિકીકરણની સંસ્કૃિતના ભાગ બનેલા શહેરી યુવાનો નથી. પરંતુ ભારતનાં ગામડાંના, આ દેશની ધરતી સાથે જોડાયેલા, વૈશ્વિકીકરણના ભોગ બનેલા યુવાનો છે. પોતાના અધિકાર માટે વિચારવા, બોલવા અને નીડરતાથી લડવા  માટે એ સજ્જ છે. એ પોતાના અભ્યાસ વિષે જવાબદાર છે અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ  અને અનીર્બાનના શિક્ષકો જાહેરમાં તેમના સમર્થનમાં આવ્યા છે. વાંચન, સંશોધન અને રેશનલ અભિગમથી એમણે વિદ્યા હાંસલ કરી છે. આ વિદ્યાનો ઉપયોગ દેશની સમસ્યાઓ અને અન્યાય સામે લડવા માટે કરવો એ દેશવિરોધી છે?

વિદ્યાર્થીસમૂહનો આ વિમર્શ શાસકપક્ષની લોકવિરોધી નીતિઓ અને ફાસીવાદી વિચારધારાને એક મોટો પડકાર છે. જે.એન.યુ. આ વિમર્શનું એક મુખ્ય કેન્દ્ર છે. એને નાબૂદ કરવા એથી જમણેરી તત્ત્વો અને સરકાર તરફથી સુયોજિત પ્રયત્નો થઈ રહ્યા છે. જે.એન.યુ.ની ઘટના આ સંદર્ભમાં જોવી જોઈએ. ઘટના વિશે મીડિયાના અમુક ભાગના, પોલીસના અને શાસકપક્ષના પ્રતિભાવો ચિંતા ઉપજાવનારા છે, જેનો મુખ્ય આશય લોકોની કોમવાદી લાગણી ઉશ્કેરવી અને સમાજમાં ધ્રુવીકરણ કરવું એ જણાય છે. પ્રમાણભાન ગુમાવીને વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવાના સરકારના પ્રતિભાવમાં રાજદ્રોહના કાયદા વિષેનું એનું અજ્ઞાન છતું થાય છે અને આપખુદશાહીની ગંધ આવે છે. ગૃહમંત્રી અને માનવસંસાધન વિકાસમંત્રીના ‘ભારતમાતા’નું રક્ષણ કરવાનાં અને કોઈ વિરોધ સાંખી નહીં લેવાનાં વિધાનો એ સૂચવે છે કે આ નિર્ણય સરકારના ઉચ્ચતમ સ્તરે લેવામાં આવ્યો હતો. સરકારનો, રાષ્ટ્રવાદ એ પોતાનો માની લીધેલો ઇજારો છે એ દાવો અને એનું જાહેરમાં હિંસક પ્રદર્શન કરી દેશને વિભાજિત કરવાનો અને બંધારણીય સ્વતંત્રતાને કચડવાનો પ્રયત્ન એ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ જે કર્યું, એના કરતાં વધારે ખતરો દેશને માટે છે. બનાવટી પુરાવા ઊભા કરી નિર્દોષ લોકોને દોષી ઠેરવવા અને આ ખોટા પુરાવાનો મીડિયા દ્વારા ઝડપથી પ્રચાર કરી દેશમાં કોમવાદનું ઝેર ફેલાવવું ને સમાજનું ધ્રુવીકરણ કરવું; ટોળાંઓ દ્વારા છડેચોક લોકો પર શાબ્દિક અને શારીરિક હિંસક હુમલાઓ કરવા; પોલીસની આ બધામાં સંમતિ અને ભાગીદારી; શાસકપક્ષના જવાબદાર નેતાઓનો દેશના લોકોને જૂઠી માહિતીથી ગુમરાહ કરી તેમની લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન કરવો; આ બધાં ફાસીવાદનાં લક્ષણો છે.

પરંતુ શું વિદ્યાર્થીઓના નવા વિમર્શને રોકવો શક્ય છે? ૧૮મી ઑગસ્ટે જે.એન.યુ. ઘટનાક્રમને પગલે દિલ્હીના હાર્દ સમા મંડીહાઉસ વિસ્તારમાં ૧૫થી ૨૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો, બુદ્ધિજીવીઓ અને દિલ્હીના નાગરિકો સડક પર ઊતરી આવ્યાં, કન્હૈયાકુમારની ધરપકડના વિરોધમાં અને યુનિવર્સિટીની સ્વાયત્તતાના સમર્થનમાં. હું આ રેલીમાં હાજર હતી. આ રેલીમાં હાજર દરેક વ્યક્તિ માટે ત્યાં હોવું એ જરૂરિયાત હતી. દેશ પર સંકટના વધતા જતા ભય સામે ઊભા રહેવાની અને એની સામે ઊભેલાઓમાં ગણાવાની આટલી મોટી સંખ્યામાં ઉમટેલા લોકો કોઈ કટ્ટર કર્મશીલો કે રાજકીય પક્ષના સભ્યો ન હતા પરંતુ સામાન્ય વિદ્યાર્થીઓ અને નાગરિકો હતા, જે કોઈ પણ સંજોગોમાં વિચારસ્વાતંત્ર્યના માનવ-અધિકાર પરના હુમલાને સહી લેવા તૈયાર ન હતા. આ જુવાન વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં વિશ્વાસ અને દ્રઢનિશ્ચય હતા. આગલા દિવસે, ૧૭મીએ, ટોળાએ કન્હૈયાકુમાર પર અને તે પહેલાં ૧૫મીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પત્રકારો પર થયેલા હિંસક હુમલાના જવાબમાં અહી ગુલાબનાં ફૂલો વહેંચવામાં આવી રહ્યાં હતાં જેમાં અહિંસક પ્રતિકારનો સંકેત હતો. ‘હું કન્હૈયાકુમાર છું’, ‘હું ઉમર ખાલીદ છું’નાં પોસ્ટરો સાથે તેઓ આગેકૂચ કરી રહ્યા હતા. રોહિત વેમુલાના પોસ્ટરો પણ હતા. કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ કે રોહિત વેમૂલા તેમને માટે વ્યક્તિગત વિદ્યાર્થીઓ નહીં, પરંતુ સ્વતંત્ર વિચાર ધરાવતા અને ન્યાય માટે, બહેતર ભારત માટે, ઝઝૂમતા જુવાન તેજસ્વી વિદ્યાર્થીના પ્રતીકો હતા.

જાણે ખરેખર આ બધા વિદ્યાર્થીઓ કન્હૈયાકુમાર હતા! દિલ્હીના રસ્તા પર ‘સ્ટૅન્ડ વિથ જે.એન.યુ.’ અને ‘વી આર જે.એન.યુ.’ના નારા ગાજી ઊઠ્યા. ‘વી આર જે.એન.યુ.’નાં પોસ્ટરોમાં લખ્યું હતુંઃ ‘વી ડિબેટ, વી ડિસેંટ, વી એગ્રી’ – અમે વિમર્શ કરીએ છીએ, અમે વિરોધ કરીએ છીએ, અમે સંમત થઈએ છીએ. જે.એન.યુ. એ દિલ્હીમાં મુનિરકા વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીનું જ નામ કેવળ નથી. જે.એન.યુ. એ સ્વતંત્ર વિચાર અને વિવાદને મુક્તપણે વિકસવાની વૈચારિક ભૂમિનું નામ છે. જે.એન.યુ. એ બંધારણીય સ્વતંત્રતા અને સમાનતા માટેના સંઘર્ષનું નામ છે. જે.એન.યુ. એક આંદોલનનું નામ છે. દિલ્હીમાં ઘણી રેલીઓ યોજાય છે, કોઈ ખાસ પ્રશ્નના વિરોધમાં, કોઈ ચોક્કસ માંગણીના સમર્થનમાં. પરંતુ આ રેલીનો અંદાજ કંઈક અલગ હતો. ભારતની લોકશાહીનો આ ઉત્સવ હતો. જુવાન વિદ્યાર્થીઓના હાથમાં દેશનું ભાવિ ઉજ્જવળ છે એ આશાનો અને શ્રદ્ધાનો સૂર એમાંથી નીકળતો હતો. દેશની લોકશાહી હજુ જીવે છે અને અને બંધારણમાં કંડારેલી સ્વતંત્રતા અને સમાનતાને વાસ્તવમાં ઉતારવાનો સંઘર્ષ ચાલુ રહેશે, એ આ રેલીનો મુખ્ય સંદેશ હતો. ત્રીજી માર્ચે જમાનત પર છૂટ્યા પછી મોડી રાતે જે.એન.યુ.માં જંગી મેદની સમક્ષ કરેલા કન્હૈયાકુમારના ભાષણનો પણ આ જ સંદેશ હતો.

e.mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 05-07

‘વી આર જે.એન.યુ.’નું સૂત્ર

સ્વાતિ જોશી 

મારા ‘વી આર જે.એન.યુ.’ લેખમાં, ૧૮મી ફેબ્રુઆરીની રેલીમાં, ’વી આર જે.એન.યુ.’ના પોસ્ટરની વિગતોનો ઉલ્લેખ છે, જેમાં એક અક્ષમ્ય નજરચૂક થઈ છે. અર્થ અને લય/અનુપ્રાસ બંનેની દ્રષ્ટિએ સ્પષ્ટ દેખીતું છે કે ‘વી એગ્રી’ નહીં, પરંતુ ‘વી ડિસેગ્રી’ શબ્દો પોસ્ટરમાં હોવા જોઈએ. આખું સૂત્ર છે –  ‘વી આર જે.એન.યુ. : વી ડિબેટ, વી ડિસેંટ, વી ડિસેગ્રી’  ‘અમે જે.એન.યુ. છીએઃ અમે વિવાદ કરીએ છીએ, અમે વિરોધ કરીએ છીએ, અમે અસમ્મત થઈએ છીએ’. 

જે.એન.યુ. એ એક વૈચારિક પ્રક્રિયાનું નામ છે જેમાં ચર્ચા, વિવાદ અને વિરોધને પૂરો અવકાશ છે; જેમાં ખુલ્લા મને વિચાર કરવાની અને અસમ્મત થવાની દરેકને સ્વતંત્રતા છે. જ્યાં અસમ્મતિ છે ત્યાં નવા વિચારો પ્રગટવાની અને વિકસવાની શક્યતા છે. અસમ્મતિમાં અભિપ્રેત છે વિચારવાની સ્વતંત્રતા, જુદી રીતે વિચારવાની સ્વતંત્રતા, જે આજે જોખમમાં છે.                                 

e.mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 06

Loading

16 March 2016 admin
← યા દેવી સર્વભૂતેષુ
તિરે જલવોં ને … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved