
રવીન્દ્ર પારેખ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનાં રેપ અને મર્ડર સંદર્ભે વ્યથિત થઈને પોતાના લેખમાં જે આર્તનાદ કર્યો છે તે આ ઘટનાથી હચમચી ગયેલાં ભારતનો જ રાષ્ટ્રીય પડઘો છે. ‘બસ, બહુ થયું …’એવા રાષ્ટ્રપતિના ઉદ્દગારમાં ઘટના અને પીડાની અવધિ આવી ગઈ હોવાનું અનુભવાય છે. તેમણે પોતે આ અને આવી ઘટનાઓથી નિરાશ અને ભયભીત થવાનું અનુભવ્યું છે. એક રાષ્ટ્રપતિ પોતે પોતાને હતાશ અને ભયભીત અનુભવતા હોય તો દેશની અન્ય મહિલાઓ કેટલી સુરક્ષિત અને સ્વસ્થ હશે તે સમજી શકાય એવું છે. એક તરફ દેશ વૈશ્વિક ઈકોનોમી સંદર્ભે સ્પર્ધામાં હોય અને વિકાસની હરણફાળ ભરવામાં વ્યસ્ત હોય ને બીજી તરફ દેશની અડધી વસ્તી ભયભીત અને અસુરક્ષિત હોય તો વિકાસ અને વ્યક્તિ વચ્ચે મેળ નથી એવું ખરું કે કેમ? ક્યાં તો આપણે વિકાસની એક્ટિંગ કરી રહ્યા છીએ અથવા મહિલાઓ પીડિત હોવાનો અભિનય કરી રહી હોય એમ બને, પણ રાષ્ટ્રપતિ જેવાં જો મહિલાઓ પરના અત્યાચારથી નિરાશ અને ભયભીત હોય તો એટલું સ્પષ્ટ છે કે મહિલાઓ પણ અસુરક્ષિત અને ભયભીત છે.
રાષ્ટ્રપતિએ કોલકાતા રેપ-હત્યાને મુદ્દે જ વાત નથી કરી, દેશના અન્ય ભાગોમાં બાળકીથી લઈને અન્ય સ્ત્રીઓ પણ, જે રીતે અનાચાર અને હત્યાનો ભોગ બની રહી છે, એ મામલે પણ ચિંતા ને વ્યથા વ્યક્ત કરી છે ને જે તે ઘટના બાબતે જેમ જેમ લોકોનો આક્રોશ ઘટતો જાય છે, તેમ તેમ ઘટના પણ ભુલાતી જાય છે એ અંગે અફસોસ પણ કર્યો છે. એટલું છે કે કોલકાતાની આરજે કર હોસ્પિટલની ઘટનાથી દ્રૌપદીજી ખાસા આહત થયાં છે. તેમણે મહિલાઓને તેની ક્ષમતા અને શક્તિ સંદર્ભે ઓછી આંકવામાં આવે છે એ માનસિકતાની ટીકા કરીને તે બદલવાની વાત પણ કરી છે. ટ્રેઈની ડોક્ટર પર 9 ઓગસ્ટે થયેલા રેપ અને મર્ડરની હત્યાને રાષ્ટ્રપતિએ ભયંકર અને બેચેન કરનારી ગણાવીને કોઈ પણ સભ્ય સમાજ આવી બર્બરતાથી આક્રોશિત થાય જ તે વાતને પ્રમાણી છે. ‘વીમેન્સ સેફટી : ઇનફ ઈઝ ઇનફ’ નામના લેખમાં કોલકાતા હોસ્પિટલની ઘટના વિષે પહેલી વખત રાષ્ટ્રપતિએ મોં ખોલ્યું છે.
9 મી ઓગસ્ટ પછી રેપ અને મર્ડરની ઘટનાઓ અટકી ગઈ છે એવું નથી. ગયે અઠવાડિયે જ આસામમાં ટ્યૂશનેથી પરત ફરી રહેલી સગીરા પર ગેંગ રેપની ઘટના બની છે. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં 26 ઓગસ્ટે જ નર્સિંગની વિદ્યાર્થિની પર રિક્ષા ડ્રાઇવરે બળાત્કાર કર્યાની વાત છાપે ચડી હતી. મહારાષ્ટ્રનાં થાણેમાં એક સફાઇ કામદારે ત્રણ અને ચાર વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યાની વાતે બદલાપુરમાં ભારે હોબાળો થયો હતો. દસેક દિવસ પર છત્તીસગઢની એક 27 વર્ષની આદિવાસી મહિલાનો પણ ગેંગ રેપ થયો હતો. તાજેતરમાં જ ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે એક વિધર્મીએ દુષ્કર્મ કર્યાની વાતે ઉમરગામ સજ્જડબંધ રહ્યું હતું ને પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, પણ આ બધું ખાતર પર દિવેલથી વિશેષ કૈં નથી, કારણ કે લાખ કોશિશો છતાં દુષ્કર્મની ઘટનાઓ ઘટતી નથી. રાષ્ટ્રપતિએ વાજબી રીતે જ કહ્યું છે કે જેમ જેમ લોક-આક્રોશ ઘટે છે તેમ તેમ મૂળ ઘટના ભુલાવા માંડે છે.
કોલકાતાની ટ્રેઈની ડોક્ટરની હત્યામાં રાજકારણ પણ ખેલાયું છે. ઘટનાના પુરાવાઓ નષ્ટ થાય એટલે ઘટના સ્થળે 7,000નું ટોળું ત્રાટકયું એટલે કોઈકને તો એવું છે કે ઘટના પર પડદો પડે. બંગાળમાં મમતા બેનર્જીનું શાસન છે ને ભા.જ.પ. ત્યાં કોઈ રીતે પ્રવેશવા ફાંફાં માર્યા કરે છે, પણ મમતાની કિલ્લેબંધી એવી જડબેસલાક છે કે અત્યાર સુધી તો ભા.જ.પ.નો પત્તો ખાધો નથી. એને કારણે મમતા શાસનને કોઈ રીતે ફટકો પડે એની પેરવીમાં ભા.જ.પ. રહે છે ને મમતા બેનરજી પણ આરોપ મૂકવાની ને બચાવ કરવાની એક પણ તક જતી કરતાં નથી. ભા.જ.પે. બંગાળ બંધનો કાર્યક્રમ આપ્યો તો મમતાએ પણ રીતસરની ધમકી આપી છે કે બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે. હવે પરસ્પર રાજકીય પક્ષો આરોપો ને પ્રત્યારોપોમાંથી જ ઊંચા ન આવે તો મૂળ ઘટના બાજુ પર જાય અને રાજકારણ જ કેન્દ્રમાં આવી રહે તેમાં નવાઈ નથી. બંગાળનાં મુખ્ય મંત્રીએ તો દસ દિવસમાં પીડિતાને ન્યાય અપાવવાની વાત પણ કરી છે ને તે સાથે જ બળાત્કારીને ફાંસી આપવા કાયદામાં સુધારો કરવાની વાત ઉમેરીને ધમકી પણ ઉચ્ચારી છે કે આ બિલને મંજૂરી ના મળી તો પોતે રાજભવન સામે ધરણાં કરશે.
ધમકીથી કે તુક્કાઓથી જ રાજ થઈ શકે એવી સમજ મમતા બેનરજીએ એવી કેળવી છે કે એમણે પોતાનાં કારભાર અંગે આત્મ નિરીક્ષણ કરવાની જરૂર જ જણાતી નથી. રાષ્ટ્રપતિએ લેખમાં કોલકાતાની રેપ-મર્ડરની ઘટનાથી વ્યથિત હોવાનું જણાવ્યું તો મમતાએ સંભળાવ્યું કે બંગાળની વાત કરી, પણ અન્ય રાજ્યો વિષે કૈં ન કહ્યું. તો, સી.બી.આઇ. સત્તરેક દિવસથી તપાસ કરે છે, પણ ન્યાયનું ઠેકાણું પડતું નથી તે અંગે પણ ટકોર કરી. આ માનસિકતા બદલવાની જરૂર છે. ધારો કે રાષ્ટ્રપતિએ અન્ય રાજ્યોની વાત કરી હોત તો કોલકાતા રેપ અને મર્ડરની ઘટના નથી બની એવું પુરવાર થઈ જતે? જે થયું છે તે થયું જ છે એ સ્વીકારવાને બદલે આ નથી થયું કે તે નથી કહ્યું જેવું કૂટવાથી બન્યું છે તે નથી બન્યું એવું પુરવાર થઈ શકતું નથી. કોણે શું શું નથી કર્યું એવી ખણખોદ કરવાને બદલે, પોતે શું કર્યું છે તે પણ જોવાની જરૂર છે.
એ સાથે જ એ પણ વિચારવાનું રહે કે ફાંસી જેવી મહત્તમ સજા દુષ્કર્મ અને હત્યાને મામલે થતી હોય તો દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈએ, પણ એવું થતું નથી. રોજના 86 બળાત્કારના કિસ્સાઓ બનતા હોય તો એટલું નક્કી છે કે ગુનેગારોને ફાંસીની સજાનો ભય રહ્યો નથી. એનો અર્થ એ પણ થયો કે બળાત્કારીઓ સ્ત્રી કે બાળકીને વસ્તુથી વધારે ગણતાં નથી. સ્ત્રીને દેવી ગણવાની કે માતા કે બહેનને માન આપવાની વાતને ગુનેગારો જરા પણ ગણકારતા નથી. તેમણે તો સ્ત્રી માત્ર ભોગવવાની વસ્તુથી વિશેષ કૈં નથી એમ જ માન્યું છે. યાદ રહે યૌન શોષણ અભણ જ કરે છે એવું નથી, એમાં શિક્ષિતો શોષણની વધુ સૂક્ષ્મ રીતો સાથે પ્રવૃત્ત થાય છે. શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈતી હતી, પણ તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવા મળ્યો છે. તો, એમ માનવું કે શિક્ષણ માનવીય સંવેદનાઓ ઉજાગર કરવામાં સફળ થયું નથી?
2020થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી હોય, પછી પણ આ સ્થિતિ હોય તો શિક્ષણથી ફરક પડ્યો નથી એમ સ્વીકારવું પડે. એ પણ જોવાવું જોઈએ કે આજકાલ કેવાં શિક્ષણનો મહિમા વધુ છે? તો જણાશે કે સૌથી વધુ નફો રળી આપે એવું શિક્ષણ અને એવા વ્યવસાય તરફ જ આપણી નજર વધુ છે. કમાવી આપે તે શિક્ષણ, બલકે, તે જ શિક્ષણ એવી શૈક્ષણિક વ્યવસ્થાઓનો મહિમા વધ્યો છે. વ્યથા આપે તેવી વ્યવસ્થા પણ જો નફો રળી આપતી હોય તો તેનો પણ આપણને બહુ વાંધો નથી. અહીં વ્યવસાય કે નફાનો જરા જેટલો પણ વાંધો નથી. વાંધો, કમાવામાં પડેલી વ્યક્તિઓ યંત્ર થઈ રહી છે તેનો છે. રોબોટ માણસને વિકલ્પે હોઈ શકે, પણ માણસ જ રોબોટ થવા લાગે તો એ સંવેદન રહિત કે સંવેદનહીન જ બને તે શક્ય છે. કાલ ઊઠીને એવું બને કે રોબોટને આંસુ આવે ને માણસની આંખો કોરી જ રહે. આપણા વિકાસમાં માણસની આંખો કોરી રહે એ ગુણ ગણાતો હોય તો પણ અનુભવો માણસને સંવેદનહીન બનાવે એ જરા પણ ઇચ્છનીય નથી.
આવું એટલે બને છે કે શિક્ષણ કે રોજિંદા જીવનમાંથી કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે લુપ્ત થતાં આવે છે. સંસ્કૃત શ્લોકમાં તો કહ્યું જ છે કે જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી, તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ જ છે. જે કલાથી દૂર છે તે બલાની નજીક છે. એવું નથી કે ફિલ્મો કે સંગીત નાબૂદ થઈ ગયાં છે, પણ આજની મોટે ભાગની ફિલ્મો હિંસાને પ્રાધાન્ય આપે છે. સંગીત ઘોંઘાટનું જ બીજું નામ છે. હિંસા અને ક્રૂરતા એને લીધે જીવનમાં વધી છે. એટલે જ મારી નાખ્યા પછી પણ સંતોષ નથી થતો તો પ્રેમિકાના અસંખ્ય ટુકડાઓ કરીને પ્રેમી જંગલમાં ફેંકી આવે છે. સી.ઇ.ઓ. મા પોતાના જ ચાર વર્ષનાં દીકરાને મારી નાખીને બેગમાં ભરીને કોઈ સામાનની જેમ લઈ જઈ શકે છે. કોઈ પત્ની કે પતિ અન્ય સાથે સંબંધ હોવાની શંકા પરથી મોતને ઘાટ ઉતારે કે સ્કૂલે જતો વિદ્યાર્થી સામાન્ય વાતે કોઈને છરી મારી દે એમાં સંવેદનાનો અભાવ જ વર્તાય છે. આવું પહેલાં ન હતું એવું નથી, પણ અત્યારે વાતાવરણમાં તામસીપણું અમસ્તું જ ઉભરાય છે. કોઈ જાણે ઠરીને વિચારવા જ રાજી નથી. સંવેદન રહિતતા અને સંવેદનહીનતા આપણી નસોમાં વહે છે તે આજનાં વ્યાવસાયિક શિક્ષણ અને નફાખોરીની જ ચાડી ખાય છે. જે વ્યવસાયમાં સંવેદનની જરૂર જ ન પડે એ માણસને નહીં, મશીનને જ મહત્ત્વ આપે છે. વ્યવસાય વ્યક્તિ માટે ને વ્યક્તિને લીધે હોય, તે જો માણસાઈનો જ છેદ ઉડાડે તો કોઈ પણ દુષ્કર્મ સત્કર્મમાં ખપાવી શકાય. અત્યારે જે પ્રમાણ ગુનાખોરીનું વધ્યું છે એમાં કેવળ નફાખોરી અને અમાનવીય વ્યવહાર જ કેન્દ્રમાં છે. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑગસ્ટ 2024