આપણે જોયું કે ગાંધીજીની ખોજ સનાતન માટેની હતી, શ્રેષ્ઠ કે સર્વોપરી માટેની નહોતી. તેમને જાણ હતી કે સનાતન તત્ત્વ સર્વત્ર છે અને તેને ધર્મ, વંશ કે વિચારધારા સાથે સંબંધ નથી. સનાતન એટલે નિર્વિરોધ શુદ્ધ સત્ય જેને નકારી ન શકાય. જેને શ્રેષ્ઠ અને સર્વોપરી માનવામાં આવતું હોય ત્યાં સનાતન સત્ય ન પણ હોય અને જેને જંગલી કહીને ઉપેક્ષા કરવામાં આવતી હોય એવા લોકો પાસે હોય પણ. ટૂંકમાં એ એક એવો યુવક હતો જે કોઈ ઓળખ કે વિચારધારાને ઓટલે ઠરતો નહોતો. લંડનમાં ત્રણ વરસ રહેવા છતાં પલળ્યા વિના કે કોઈને પલાળ્યા વિના પાછો ફરે છે. મોહનદાસ ગાંધી એ યુગનો આવો એક માત્ર ભારતીય યુવક હતો. બિલકુલ ખોટા પડ્યાના ડર વિના એમ પણ કહી શકાય કે મોહન આવો જગતનો એક માત્ર યુવક હતો. ન પશ્ચિમ માટેનું આકર્ષણ કે ન દ્વેષ. ન પોતાનું શ્રેષ્ઠ હોવાનો અભિનિવેશ કે ન લઘુતાગ્રંથિ.
૧૮૯૧ના જુલાઈ મહિનામાં ગાંધીજી ભારત આવે છે, પણ મુંબઈમાં કે કાઠિયાવાડમાં વકીલાત જામતી નથી અને એ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં એક ખટલામાં મદદ કરવાનું નાનકડું કામ મળે છે, એટલે ૧૮૯૩ના એપ્રિલ મહિનામાં દક્ષિણ આફ્રિકા જાય છે. ગાંધીજી મે મહિનાની ૨૪મી તારીખે ડર્બનમાં પગ મૂકે છે ત્યારે એ દિવસના અખબારોમાં તેમને સમાચાર વાંચવા મળે છે કે પડોશમાં સાઉથ આફ્રિકન રિપબ્લિક(જે ટ્રાન્સવાલ તરીકે વધુ જાણીતું હતું)ના ત્રીજી મુદ્દતના પ્રમુખ તરીકે પોલ કૃગરે આજે સોગંદ લીધા હતા. સોગંદવિધિ પછી બોલતા કૃગરે કહ્યું હતું કે, ‘આપણી સ્વતંત્રતાને કોઈ છીનવી શકે એમ નથી. આપણું સ્વાતંત્ર્ય એક દિવસ આપણા હાથમાંથી સરકી ન જાય એ માટે કોઈને પણ અધિકાર આપવામાં નહીં આવે. જે લોકો ખ્રિસ્તી નથી, એ સમજી લે કે અમે રચેલા ઇતિહાસમાં ભગવાન(ઇસુ)નો હાથ છે અને અમારી સ્વતંત્રતા ભગવાનની આપેલી સ્વતંત્રતા છે.’
ટ્રાન્સવાલના ત્રીજી વખતના પ્રમુખ અને ભયંકર અત્યાચારી તાનાશાહ પોલ કૃગરના આ નિવેદન દ્વારા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં પ્રવેશેલા ૨૪ વરસના સુકલકડી યુવાનને પ્રવેશ વખતે જ કહી દેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તીઓ ભગવાને પસંદ કરેલી ખાસ પ્રજા છે. માટે તે જગતની સર્વશ્રેષ્ઠ પ્રજા છે. સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર માત્ર અને માત્ર શ્વેત ખ્રિસ્તીઓને છે અને વિધર્મીઓએ શ્વેત ખ્રિસ્તીઓની સર્વોપરિતાને એક સત્ય તરીકે ગાંઠે બાંધી લેવાનું છે. તમારે અધિકારો માગવાના નથી અને જો માગશો તો તમને આપવામાં પણ નહીં આવે. કારણ? કારણ કે ઈશ્વરે પસંદ કરેલી શ્રેષ્ઠ પ્રજાનો સ્વાતંત્ર્ય ભોગવવાનો અધિકાર હાથમાંથી સરકી ન જવો જોઈએ.
કેવો યોગાનુયોહ નહીં! જે દિવસે ગાંધીજી ડર્બનમાં પગ મૂકે છે એ જ દિવસે પડોશમાં ટ્રાન્સવાલનો પ્રમુખ નવયુવકને ચેતવણી આપે છે કે પેટિયું રળવા આ ભૂમિ ઉપર આપનું સ્વાગત છે, પરંતુ અમારી સર્વોપરિતા અને તેના સત્યને સ્વીકારીને. એને પડકારવાની નહીં. દક્ષિણ આફ્રિકામાં પગ મુકતા પહેલાં તેઓ રંગભેદ વિશે ખાસ કાંઈ જાણતા હોય એમ લાગતું નથી. હા, બાળપણમાં પોરબંદરમાં ઉકા નામનો હરિજન ઘરે આવીને ભંગીકામ કરતો હતો અને તેની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરાતો હતો એ તેમણે જોયું હતું અને ત્યારે તેમણે પોતાની માતા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો એમ તેમણે આત્મકથામાં કહ્યું છે. આપણે કઈ રીતે સર્વોપરી અને હરિજન કઈ રીતે ઊતરતા એ વાત બાળક મોહનને સમજાઈ નહોતી. શાશ્વત, સનાતન, નિર્ભેળ સત્ય સર્વોપરી હોવામાં કઈ રીતે આપોઆપ સમાહિત હોઈ શકે એ ત્યારે બાળ મોહનને સમજાયું નહોતું. બીજું, સર્વોપરી એ નિર્ભેળ સત્ય છે કે દાવો છે?
આપણને ખબર નથી કે પોલ કૃગરની સોગંદવિધિ પછીનું ભાષણ વાંચીને ગાંધીજીના મનમાં કેવા વિચારો આવ્યા હશે, પણ એમાં કોઈ શંકા નથી કે તેમણે શ્વેત ખ્રિસ્તીઓના સર્વોપરી હોવાના દાવાને મનોમન નકાર્યો હશે. તેમણે બાળપણમાં સવર્ણોના શ્રેષ્ઠત્વના માતાએ કરેલા દાવાને નકાર્યો હતો અને લંડનમાં તો કળશીએક ખ્રિસ્તીઓના શ્રેષ્ઠત્વના દાવાને નકાર્યો હતો. કદાચ ગાંધીજીના ધ્યાનમાં એ પણ આવ્યું હશે કે ખૂંખાર કૃગરને પણ ઈશ્વરની પસંદ કરેલી પ્રજાનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે એ માટે અન્ય પ્રજાને (મૂળમાં અંગ્રેજી ‘હીથન’ શબ્દ છે જેનો અર્થ કાફિર કે જંગલી થાય છે.) અધિકારોથી વંચિત રાખવી જરૂરી લાગે છે. કૃગરના જ શબ્દોમાં, ‘આપણું સ્વાતંત્ર્ય એક દિવસ આપણા હાથમાંથી સરકી ન જાય એ માટે કોઈને પણ અધિકાર આપવામાં નહીં આવે.’ આનો અર્થ એ થયો કે ઈશ્વરની પસંદ કરેલી પ્રજાના હાથમાંથી પણ એક દિવસ સ્વતંત્રતા સરકી જઈ શકે છે એનો ખૂંખાર તાનાશાહ કૃગરને ભય હતો. ઈસુના ચાર હાથ માથે હોવા છતાં.
તો પછી સનાતન સત્ય ક્યાં હતું, જગતની શ્રેષ્ઠ સર્વોપરી પ્રજા હોવામાં કે ક્યાંક બીજે? શ્રેષ્ઠ ધર્મમાં કે ક્યાંક બીજે? શ્રેષ્ઠ વંશમાં કે ક્યાંક બીજે? શ્રેષ્ઠ જ્ઞાતિમાં કે ક્યાંક બીજે? શ્રેષ્ઠ સંસ્કૃતિમાં, સભ્યતામાં, પરંપરામાં કે ક્યાંક બીજે? શ્રેષ્ઠ રાષ્ટ્રમાં કે ક્યાંક બીજે? અને શ્રેષ્ઠ વિચારધારામાં કે ક્યાંક બીજે? કૃગરને એ વાતની જાણ હતી કે શ્રેષ્ઠત્વ એ દાવો છે, સત્ય નથી. એને સત્ય માનવાનું મન થાય અને બીજાને મનાવવાનું મન થાય એવો મીઠો-મધુરો દાવો છે, પણ છે તો દાવો જ. કૃગરની માફક શ્રેષ્ઠત્વનો દાવો કરનારા દરેકને દાવો કરતી વખતે જાણ હોય છે કે આ છે માત્ર દાવો, એમાં સત્ય હોય એ જરૂરી નથી. માટે તો જગતની કહેવાતી શ્રેષ્ઠ પ્રજાને કહેવાતી અ-શ્રેષ્ઠ પ્રજાનો ડર લાગે છે. તેમને અધિકારોથી વંચિત રાખવા પડે છે.
એ ડર છે સનાતન સત્યનો. પહેલું સનાતન સત્ય એ છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના કરવામાં શ્રેષ્ઠ અને કનિષ્ઠનો ભેદ કર્યો નથી. સંતુલન સૃષ્ટિના પાયામાં છે અને જ્યાં સુધી સંતુલન રહેશે ત્યાં સુધી સૃષ્ટિ ટકી રહેશે. કોઈના શ્રેષ્ઠત્વનો સ્વીકાર એટલે સંતુલનનો નકાર. બીજું સનાતન સત્ય એ છે કે દરેક માનવીની અંદર વિવેક કરવાની ક્ષમતા હોય છે. વિવેક હંમેશાં સત્ અને અસત્ વચ્ચે કરવામાં આવે છે. શ્રેષ્ઠત્વનો દાવો કરનાર માણસ પણ દાવો કરતી વખતે અંદરથી જાણતો હોય છે કે આ દાવો છે, સત્ય નથી. ત્રીજું સનાતન સત્ય એ છે કે દરેકની અંદર આત્મબળ રહેલું હોય છે. એને ઓળખી શકાય છે, જગાડી શકાય છે, સંચારિત કરી શકાય છે. એ સ્વયં એક શક્તિ છે. જો વિવેક અને આત્મબળ એકઠાં થાય તો સર્વોપરિતાના મહેલને ધ્વસ્ત કરી શકાય છે.
કાફિરોને અધિકારથી વંચિત રાખવા પાછળ પોલ કૃગરે જે કારણ આપ્યું છે એ જોતાં ૬૮ વર્ષની ઉંમરના તાનાશાહને આ સનાતન સત્યની ચોખ્ખી જાણ હતી તો બીજી બાજુ ૨૪ વરસના ભારતીય યુવકને તેની ઝાંખી થવા લાગી હતી. જે દિવસે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મુક્યો એ જ દિવસે કૃગરે ચેતવણી આપી એ કેવો યોગાનુયોગ!
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 સપ્ટેમ્બર 2020