વિવેચકોએ અન્યાય કર્યો તે ગાયા કરવાનો અર્થ નથી. એ વિવેચકોમાંના અત્યારે ઘણા નથી અથવા નિષ્ક્રિય છે, પણ તે પછી પણ વિવેચકોની પેઢીઓ આવી. એ લોકોએ શું કર્યું? એમાંના મોટે ભાગનાઓએ પીએચ.ડી મેળવીને અધ્યાપનમાં ગોઠવાઈને સલામત જિંદગી સ્વીકારી લીધી. સલામતી મળતાં પિરિયડ લેવા સિવાય વિવેચનની ચિંતા અપવાદરૂપે જ કરવાની રહી. જે સર્જકો હતા એમણે લખવા સિવાય બીજી ચિંતા કરી નહીં. એમને રસ, ઉપલક પ્રશંસાથી વધારે હતો નહીં. સર્જનનાં પણ ધોરણો બદલાયાં છે. કશુંક, સારું, જુદું થવાના અણસાર પણ મળે છે, પણ ગંભીરતાને અભાવે, અભ્યાસના અભાવે ઝાઝા ટકતા નથી.
બીજી તરફ થોડા કહેવાતા વિવેચકોએ પૈસા લઈને કે પૈસા વગર પ્રશંસામૂલક પ્રસ્તાવનાઓથી સંતોષ માન્યો છે. અત્યારે વિવેચન લગભગ મરવા પડ્યું છે. મોટે ભાગનાને હવે લાઈકસથી, કોમેન્ટસથી ચાલી જાય છે એટલે તટસ્થ, સૈદ્ધાંતિક વિવેચનાનો ખાસ ખપ જ કોઈને નથી. આજની આખેઆખી પેઢી સત્યથી વિમુખ છે ને ધંધો કરી ખાનારી છે. કેટલાક ગંભીરતાથી આજે પણ સર્જન, વિવેચનમાં પ્રવૃત્ત છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે ને કદાચ એમની હવે જરૂર પણ નથી. ખાસ કૈં કર્યા વગર બધું જ મળી જાય એની ફિરાકમાં જ ઘણા રહે છે.
હવે કવિતા કૂટનારા કવિઓ છે એને ગાઈ નાખનારા ભોળા ગાયકો, સંગીતકારો છે. આસ્વાદ કરાવનારી બેસ્વાદ કોલમો છે ને માઇક્રોનો જમાનો છે એટલે વાર્તા, નવલકથા, નાટકો, નિબંધોમાં રસ જ કોને છે? જેને રસ હોય તે ખૂણે બેસીને લખે છે અથવા તો ખૂણો પાળે છે. એ સારું છે કે ખરાબ તે નથી ખબર, પણ અગાઉ ન હતી એવી દંભી સર્જક પેઢીમાં આપણે જીવીએ છીએ. આ બધું અગાઉ પણ હતું, પણ જે અપવાદોમાં હતું તે હવે નિયમોમાં ને મોટા પ્રમાણમાં છે. આ સમય ખસે એવું અત્યારે તો લાગતું નથી. જે સાહિત્યને ગંભીરતાથી ને અભ્યાસથી હાથમાં લે છે એ પોતાના પર ભરોસો રાખીને લખતા રહે તો ય ઘણું છે, બને કે એમને ભવિષ્યમાં મરણોત્તર વિવેચન મળે. અફસોસ સિવાય કોઈ સિલક જ બચી નથી ત્યાં કરવાનું શું?
e.mail : ravindra21111946@gmail.com
 ![]()

