 દેશમાં બેકારીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. એમ કહી શકાય કે દેશમાં રોજગારીનો દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિમાં પોતાના પ્રદેશમાં રોજગારીની પૂરતી તકો સર્જવામાં નિષ્ફળ નીવડેલી રાજ્ય સરકારોએ ટૂંકો માર્ગ અપનાવ્યો છે. તેમણે પોતાના રાજ્યમાં સર્જાતી રોજગારીનો મોટો હિસ્સો રાજ્યના નાગરિકો માટે અનામત રાખવાનો કાયદો કર્યો છે. હરિયાણામાં ખાનગી ક્ષેત્રમાં સર્જાતી રોજગારીના ૭૫ ટકા રોજગારી હરિયાણાના નાગરિકો માટે અનામત રાખતો કાયદો ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. તેલંગણામાં કુશળતા માગતી રોજગારીના ૬૦ ટકા અને અન્ય રોજગારીમાં ૮૦ ટકા રોજગારી સ્થાનિકોને આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં જે ઉત્પાદન એકમોને રાજય સરકારની સબસિડી મળતી હોય તેવા ૮૦ ટકા રોજગારી સ્થાનિક નાગરિકો માટે અનામત રાખવાની હોય છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીએ તમામ સરકારી નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખતો કાયદો તાજેતરમાં કર્યો છે.
દેશમાં બેકારીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. એમ કહી શકાય કે દેશમાં રોજગારીનો દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિમાં પોતાના પ્રદેશમાં રોજગારીની પૂરતી તકો સર્જવામાં નિષ્ફળ નીવડેલી રાજ્ય સરકારોએ ટૂંકો માર્ગ અપનાવ્યો છે. તેમણે પોતાના રાજ્યમાં સર્જાતી રોજગારીનો મોટો હિસ્સો રાજ્યના નાગરિકો માટે અનામત રાખવાનો કાયદો કર્યો છે. હરિયાણામાં ખાનગી ક્ષેત્રમાં સર્જાતી રોજગારીના ૭૫ ટકા રોજગારી હરિયાણાના નાગરિકો માટે અનામત રાખતો કાયદો ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. તેલંગણામાં કુશળતા માગતી રોજગારીના ૬૦ ટકા અને અન્ય રોજગારીમાં ૮૦ ટકા રોજગારી સ્થાનિકોને આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં જે ઉત્પાદન એકમોને રાજય સરકારની સબસિડી મળતી હોય તેવા ૮૦ ટકા રોજગારી સ્થાનિક નાગરિકો માટે અનામત રાખવાની હોય છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીએ તમામ સરકારી નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખતો કાયદો તાજેતરમાં કર્યો છે.
ભારતમાં રોજગારીની બાબતમાં રાજ્યોના આ પગલાંથી ક્વોટાનો અતિરેક થાય છે. ભારતમાં સરકારી નોકરીઓમાં જ્ઞાતિ આધારિત ક્વોટા તો છે જ, તેમાં આ પ્રાદેશિક ક્વોટા ઉમેરાય છે. એક બાજુ આપણે દેશભક્તિની વાતો કરીએ છીએ અને બધા ભારતીયોને ભાઈ-બહેન ગણવાની હાકલ કરીએ છીએ. વડા પ્રધાન ‘એક રાષ્ટ્ર, એક રૅશનકાર્ડ’ જેવાં સૂત્રો પોકારીને સમવાયતંત્ર મિટાવી દેવાની ચેષ્ટા કરી રહ્યા છે. દેશમાં જે-તે રાજ્યના નાગરિકને રાજ્યની અલગ નાગરિકતા આપવામાં આવતી નથી. બધા જ નાગરિકો ભારતના જ નાગરિકો છે. બંધારણ પ્રમાણે દેશના નાગરિકોને દેશના કોઈ પણ ભાગમાં વસવાનો અધિકાર છે. તેમાં ધંધો કરવાના અને રોજગારી મેળવવાના અધિકારનો સમાવેશ થઈ જાય છે, પણ અછતની સ્થિતિમાં મૂલ્યોની જાળવણી મુશ્કેલ બની જાય છે — પછી એ અછત પાણીની હોય કે રોજગારીની.
છોકરાઓનાં લગ્ન માટેની ન્યૂનતમ વય વધારવાની દરખાસ્ત
દેશમાં છોકરાના લગ્નની ન્યૂનતમ વય ૨૧ વર્ષની અને છોકરીઓનાં લગ્ન માટે તે ૧૮ વર્ષની છે, પણ દેશમાં કાયદાથી ઠરાવેલી ન્યૂનતમ વયથી નાની વયનાં છોકરાં-છોકરીઓનાં લગ્ન થતાં રહે છે. જો કે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. દેશમાં ૧૯૭૦-૧૯૮૦નાં દશકામાં બાળલગ્નોનું પ્રમાણ ૫૮ ટકા હતું, તે ઘટીને ૨૦૧૫-૨૦૧૬માં એક અંદાજ પ્રમાણે ૨૧ ટકા થયું, પણ બીજા અંદાજ પ્રમાણે દેશમાં ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ના દશક દરમિયાન બાળલગ્નોનું પ્રમાણ ૨૬.૫ ટકાથી ઘટીને ૧૧.૯ ટકા થયું હતું. આ થોડા જુદા પડતા અંદાજોમાંથી એક મુદ્દો ઊપસી આવે છે : વિવિધ પરિબળોની અસર નીચે દેશમાં બાળલગ્નો ઘટી રહ્યાં છે. આમ છતાં વડા પ્રધાને તેમના ૧૫મી ઑગસ્ટના વ્યાખ્યાનમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ વય વધારીને ૨૧ વર્ષની કરવાની દરખાસ્ત અંગે પોતાનો અનુકૂળ મત વ્યક્ત કર્યો. હાલ, આ દરખાસ્ત એક ટાસ્ક જૂથની વિચારણા નીચે છે.
બાળલગ્નોને કારણે દેશમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. એક પ્રશ્ન પ્રસૂતિ દરમિયાન થતાં માતાનાં મૃત્યુનો છે. આ માતૃત્વ મૃત્યુદર આજે એક લાખ જન્મદીઠ ૧૨૨નો છે, જે ૧૯૯૦માં ૫૫૬ હતો. બાળલગ્નો ઘટતાં માતૃત્વ મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. જો કે તે એકમાત્ર પરિબળ નથી. હૉસ્પિટલોમાં થતી પ્રસૂતિનું વધતું પ્રમાણ બીજું પરિબળ છે. બાળલગ્નોને કારણે જન્મતાં બાળકો તેમની વયના પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવે છે. નાની વયની છોકરીઓની કૂખે જન્મતાં બાળકોમાં કમી વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ ૩૦ ટકા જેટલું હોય છે. વળી, નાની વયની માતાઓની કૂખે જન્મતાં બાળકોમાં જન્મીને થોડા સમયમાં મૃત્યુ પામતાં બાળકોનું પ્રમાણ વધારે રહે છે. આમ બાળલગ્નો થતાં અટકે એ ઇષ્ટ જ છે. એ એક નિર્વિવાદ બાબત છે, પણ એ કાર્ય કાયદાથી કેટલા પ્રમાણમાં થઈ શકે અને કરવા જેવું છે કે કેમ એ મતભેદનો પ્રશ્ન છે.
શિક્ષણ અને બાળલગ્નો વચ્ચે, અપેક્ષા રાખી શકાય તેમ, વ્યસ્ત સંબંધ છે. તદ્દન અભણ સ્ત્રીઓમાં બાળલગ્નોનું પ્રમાણ ૪૪.૭ ટકા, પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓમાં ૩૯.૭ ટકા, માધ્યમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓમાં ૨૩ ટકા અને ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓમાં તે ૩ ટકાથી ઓછું માલૂમ પડ્યું હતું. આના આધારે કહી શકાય કે દેશમાં બાળલગ્નો અટકાવાનો ઉત્તમ માર્ગ છોકરીઓને ૧૮ વર્ષની વય સુધી ભણાવવાનો છે. તેનાથી સ્ત્રીઓનું સશક્તિકરણ પણ થશે અને બાળઉછેર અંગેની તેમની ક્ષમતામાં પણ વધારો થશે. નવી અપનાવેલી શિક્ષણનીતિનો એક મહત્ત્વનો ઉદ્દેશ ૧૮ વર્ષની વય સુધીનાં બાળકોમાં શિક્ષણને સાર્વત્રિક બનાવવાનો છે. આ ઉદ્દેશ પાર પાડવામાં આવશે તો આપમેળે બાળલગ્નોનો પ્રશ્ને ઊકલી જશે.
દેશમાં બાળલગ્નોનો પ્રશ્ન મુખ્યત્વે આદિવાસીઓ અને દલિતોમાં છે. આદિવાસીઓમાં બાળલગ્નોનું પ્રમાણ ૪૫ ટકા અને દલિતોમાં ૨૬ ટકા છે. એમનામાં અભણ સ્ત્રીઓનું પ્રમાણ ૪૨ ટકા અને ૩૩ ટકા છે. (આ ટકાવારી ૧૫થી ૪૯ વર્ષની સ્ત્રીઓની છે.) આ સમૂહોમાં બાર ધોરણ સુધીનું શિક્ષણ પામનાર સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે ૧૦ અને ૧૫ ટકા છે, જે અન્ય સ્ત્રીઓમાં ૩૦ ટકા છે. આમ, બાળલગ્નોનો પ્રશ્ન સ્ત્રીઓમાં ઓછા શિક્ષણ સાથે અને પરોક્ષ રીતે ગરીબી સાથે સંકળાયેલો છે.
કાયદા દ્વારા આ પ્રશ્ન ઉકેલવા જતાં કેવા પ્રશ્નો ઊભા થાય તે બે ઉદાહરણો દ્વારા સમજીએ.
આદિવાસીઓના એક જૂથમાં છોકરીને નાની ઉંમરે લગ્નવિધિ કર્યા વિના સાસરે મોકલી આપવામાં આવે છે. લગ્નવિધિ છોકરીના કુટુંબની સ્થિતિ બધાને જમાડવા જેવી થાય ત્યારે કરવામાં આવે છે. એ વખતે પરણનાર યુવક અને યુવતી પોતાના બાળક સાથે લગ્નવિધિમાં બેઠાં હોય એવું બને. આ દાખલામાં કાયદાની દૃષ્ટિએ લગ્ન થયાં હોતાં નથી. તેથી કાયદાનો ભંગ થાય નહીં, પણ કાયદાનો હેતુ પણ પાર પડતો નથી.
આની વિરુદ્ધ ઘણી જ્ઞાતિઓમાં બાળકોને નાની ઉંમરે પરણાવી દેવામાં આવે છે, પણ છોકરીને મોટી ઉંમરે સાસરે મોકલવામાં આવે છે. છોકરી એના પિતાને એની મજૂરી દ્વારા ઉપયોગી થતી હોય છે. તેથી છોકરીનો બાપ તેને બને તેટલી મોડી સાસરે મોકલતો હોય છે. આ દાખલામાં કાયદાની દૃષ્ટિએ બાળલગ્ન થયાં હોય છે, પણ વાસ્તવમાં છોકરી સાસરે ન જતી હોવાથી બાળલગ્નનાં અનિષ્ટ પરિણામો મોટા ભાગના દાખલાઓમાં આવતાં નથી.
આ દાખલા એ દર્શાવે છે કે કાયદાની મદદથી સામાજિક પરિવર્તન નિપજાવવાનું સરળ નથી. તે કામ સામાજિક અને આર્થિક પરિબળો દ્વારા થતું હોય છે. દેશમાં બાળલગ્નો આ પરિબળોને કારણે ઘટી જ રહ્યાં છે. ત્યારે કાયદાની કોઈ આવશ્યકતા નથી. એનાથી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા વેગ પકડશે એમ આપણે આપણા અનુભવના આધારે માની શકીએ તેમ નથી.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 04-05
 

