મોટામસ બ્રહ્માંડમાં આવેલી આપણી પૃથ્વી પર ઘણું ય ઘટી રહ્યું છે, બસ આપણે ચૂકી જઇએ છીએ ક્યારેક બીજા પરીઘનાં સંજોગો પર નજર નાખવાનું
આપણી આસાપાસ અત્યારે ઘણો ઘોંઘાટ છે. લૉકડાઉન ખૂલ્યાનો, કેસિઝ વધ્યાનો, મર્ડર કે આત્મહત્યાનો કોયડો ઉકેલવાનો, કંગના રણૌત અને રિયા ચક્રવર્તી સાથે અને સામે જે થઇ રહ્યું છે તેનો પણ! આ બધું ચાલી રહ્યું છે ત્યાં સાથે સાથે ધસમસમતો નીચે જઇ રહેલો આપણા દેશનો જી.ડી.પી. પણ ક્યારેક ચર્ચાઇ જાય છે તો ક્યારેક ખેડૂતો અને મજૂરોની વ્યથા પણ વાતોનો ભાગ બની જાય છે. પણ આ ઘોંઘાટ, બૂમરાણ અને ધીમા સાદની સમાંતર એવી ઘણી ઘટનાઓ છે જેની પર કાં તો આપણું ધ્યાન જતું નથી અને જાય છે તો તરત આપણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માંડીએ છીએ જેમાં ગેજેટ ગૉસિપ કરવાનો વધારે સ્કોપ હોય, જેમ કે ખૂનની થિયરીઓ બનાવવી, રાજકારણનું મોહરું કોણ છે એ બધું ચર્ચવું, શોધવું વગેરે.
આપણે આ બધામાં વ્યસ્ત હતા ત્યારે એવી પણ ઘટનાઓ બની જેની વિશ્વમાં, આપણા દેશ પર અથવા તો લાંબે ગાળે કોઇને કોઇ રીતે આપણી જિંદગી પર, અરે આપણી નહીં તો આવનારી પેઢીની જિંદગીઓ પર અસર પડવાની છે. ઘર આંગણે નજર કરીએ તો મુકેશ અંબાણીએ જિઓ પ્લેટફોર્મ રોકાણકારોની લાઇન લગાડી દીધી, તે એમેઝોન સાથે વાટાઘાટો કરે એવી ય વકી છે એવા સમાચાર પણ આવ્યા અને અત્યારે રિલાયન્સ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ૪૦માં સ્થાને છે. રિલાયન્સ ભારતની પહેલી એવી કંપની છે જે ૨૦૦ બિલિયન એમ-કેપને પાર કરી શકી છે તેમ માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે. એક્સોન, પેપ્સિકો, એસ.એ.પી., ફાઇઝર, ઓરેકલ, નોવાર્ટિસ આ બધાયથી રિલાયન્સ આગળ વધી ચૂકી છે. એશિયાની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે રિલાયન્સ અને આ બધું ધીમા અને મક્કમ પ્રયાસોને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં હાંસલ કરાયું છે. આ સમાચાર અગત્યનાં છે કારણ કે એક ખંતીલા ઉદ્યોગકારે પોતાની કુનેહથી કપરા સંજોગોમાં પણ પોતાને જે કરવાનું હતું એ કર્યું.
બીજી તરફ વાઇરસે આખી દુનિયાને થોભાવી છે, જ્યાં થંભ્યું નથી ત્યાં ધીમી ગતિએ બધું ચાલે છે પણ કુદરતી દુર્ઘટનાઓ પૃથ્વીના ગોળા પર ઘટતી જ રહે છે, માણસની હાજરી કે ગેરહાજરીથી એમાં કોઇ ફેર નથી પડી રહ્યો, હા એ છે કે અમુક પરિવર્તનો માણસનાં કર્મોનાં પરિણામ છે. કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો, બર્કલી અને ઓકલેન્ડના વાઇલ્ડ ફાયર્સે ત્યાંનું આકાશ કેસરિયું કરી દીધું છે. આપણે આપણાં માસ્ક કેટલો વખત પહેરવા પડશે એની ચિંતામાં છીએ, પણ અહીં તો રાખનાં થર જામી રહ્યાં છે અને સૂર્યનો પ્રકાશ પણ આ દાવાનળને કારણે ઢંકાઇ ગયો છે. સોશ્યલ મીડિયા પર આની તસવીરો પણ સતત શૅર થઇ રહી છે પણ કંગના અને ઉદ્ધવ ઠાકરેની બબાલમાં આ બધું મગજમાં કોરાણે મૂકાઇ જાય છે. આ દાવાનળને કારણે જાનહાનિ પણ થઇ છે.
બીજી તરફ મેક્સિકન પાટનગરમાં જે સ્થળે નવું કોમર્શિલ એરપોર્ટ બનવાનું છે ત્યાં ખોદકામ કરતાં અંદાજે ૨૦૦ જેટલી એક્સકેવેશન સાઇટ્સ મળી આવી છે જેમાંથી કેટલીક તો આઇસ એજ એટલે કે પાષાણ યુગ પહેલાં જે હિમ યુગ હતો ત્યારના મોટાંમસ સ્તનધારી પ્રાણીઓનાં અવશેષો ધરાવે છે. બ્રહ્માંડમાં ય ઘણું બધું ચાલી રહ્યું છે જેમાંની એક ઘટના તો ૧૪મી સપ્ટેમ્બરે પૃથ્વીની બાજુમાંથી પસાર થવાની છે. નાસાના અહેવાલ અનુસાર એસ્ટ્રોઇડ ૨૦૨૦ QL2 જે ૧૨૦ મિટર જેટલા કદનો હોઇ શકે છે તે ૩૮,૬૨૦ કે.એમ.પી.એચ.ની ઝડપી પૃથ્વીની બાજુમાંથી પસાર થશે, તેનું કદ ફૂટબૉલના ગ્રાઉન્ડ જેટલું છે અને તે જો પૃથ્વી સાથે ટકરાશે તો શું થશે એની અટકળો પણ ચાલે છે જો કે એવું થવાની શક્યતા પાંખી જરૂર છે પણ હવે નકામી બાબતોમાં અટકળો બાંધવા કરતાં તો આવી ધારણાઓમાં મગજ પરોવવું વધારે હિતાવહ છે.
વાઇરસના જોખમે પાંચ મહિનામાં ઘણું નુકસાન કર્યું છે પણ છેલ્લા પાંચ દાયકામાં દુનિયાએ ૬૫ ટકા બાયોડાવર્સિટી ગુમાવી દીધી છે, એ પણ એક માનવ સર્જિત સમસ્યા છે.
જેન્ડર અને મહિલાઓને થતી કનડગતની વાતો જે સમાજમાં ન અટકતી હોય ત્યાં મહિલાનું ઉત્થાન મોટા સમાચાર જ બને છે, પછી ભલે તે વિશ્વનાં કોઇપણ ખૂણે થયેલી ઘટના હોય. ન્યુ યોર્કનાં સિટી ગ્રુપે જેન ફ્રેઝરને તેમના આગામી સી.ઇ.ઓ. નિમ્યાં છે, પહેલી વાર વૉલ સ્ટ્રીટની બૅંકની સી.ઇ.ઓ. તરીકે કોઇ મહિલાની નિમણૂંક થઇ છે. વેટિકન સિટીનાં પોપે કહ્યું છે કે ખાવાનો શોખ રાખનારા અને શારીરિક સંબંધનો શોખ રાખનારાઓ કંઇ પાપી ન કહેવાય. નાની અમસ્તી વાતમાં જાતને કોસનારા લોકોએ સમજવું જ રહ્યું કે ધર્મ પણ ઘણો મોકળો બની જ શકે છે, વાત તો અંતે માન્યતાની જ છે. આપણે વરસાદમાં આસામનાં પૂરની તારાજીની વાત કરી હતી પણ વાઇરસ સાથે લડી રહેલી દુનિયામાં પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ૭,૬૦,૦૦૦ લોકો પૂરને કારણે તારાજી વેઠી રહ્યા છે. ક્યાંક ફ્રાંસમાં શોધાયેલો એક રોબોટ માસ્ક ન પહેરનારાઓને પકડી પાડે એવી AI સાથે ડેવલપ થયો છે અને માસ્ક ન પહેરનારાઓને ટકોર કરીને માસ્ક પહેરવાનું યાદ પણ કરાવી દે છે.
આ દરેક સમાચાર પર હજી ઘણું લખી શકાય એમ છે અને આવી બીજી અનેક ઘટનાઓ તમારી, મારી આસપાસ બની રહી છે. પ્રાથમિકતા શું છે તે નક્કી કરવું આપણા હાથમાં હોય છે. આ સંજોગોમાં પણ જેને મેડિટેશન કરવું છે એ કરી જ લે છે, જેઓ બિનશરતી પ્રેમનો સંદેશ ફેલાવવા માગે છે તેઓ પણ તે કરી જ રહ્યા છે, માણસનાં બેફામ વહેવારથી કુદરતને થયેલું નુકસાન ક્યાંક હજી વધી રહ્યું છે, તો ક્યાંક માણસની ગેરહાજરીમાં બધું સહેજ સુધરી પણ રહ્યું છે. અરે, હા, બોરીસ જોન્સનની તસવીરોમાં દેખાતો શ્વાન શું વિચારે છે તે મુદ્દે પણ સમાચાર બને છે. આપણે કલ્પી ન શકીએ રીતે બધું બદલાઇ રહ્યું છે, આપણે પણ ઉત્ક્રાંતિના નિયમને આધારે અનુકૂલન સાધતા શીખવું પડશે તે માત્ર શારીરિક સ્તરે હશે તો નહીં ચાલે.
બાય ધી વેઃ
સોશ્યલ મીડિયા પર સતત પોતાના અભિપ્રાય આપનારા, ફોન પર લાંબી ચર્ચાઓ કરનારા, કોરોનાથી તો કંઇ જ નથી થતું એવા ફાંકા મારનારા આ બધાની વચ્ચે પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, કુદરત પોતાનું કામ કરી રહી છે અને માણસ પણ જ્યાં જેમ શક્ય બને એમ પોતાની વાત, પોતાના વિચાર અને વહેવારથી સંજોગોમાં જીવવાની કોશિશ કરી રહ્યો છે. કોઇ પોતાના કોચલામાં શાંતિ મેળવે છે તો કોઇને બીજા રસ્તા જડે છે અને કોઇને સમજાતું જ નથી કે તેને શાંતિની જરૂર છે તો વળી બધું શાંત હોવા છતાં ય અંદરનો ખળભળાટ બધું બદલતો રહે છે. આ છે દુનિયા, જિંદગી વગેરે વગેરે. આ બધું તો ઠીક બાકી ભોંયતળિયે ગયેલા જી.ડી.પી.નો અને બેવડ વળી ગયેલા અર્થતંત્રના મુદ્દા પણ આપણે સમજવા અને એનાલિસસ કરવા માટે ઘણા મોટા અને અગત્યના છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020