ફ્લેટ સ્ક્રિનમાં જિંદગી જીવાતી નથી, બસ એ હોય છે કારણ કે ત્યાં જે હોય છે એ સત્યનો ભ્રમ બનીને રહી જાય છે.
આપણે આ વાઇરસને કારણે માથે પડેલા લૉકડાઉનમાં જાતભાતની નવી ટેવો કેળવી. એક્ચુઅલ જિંદગી ચાર દિવાલોમાં જીવી લીધી, તો જે જીવવાની ઇચ્છા છે એ ફ્લેટ સ્ક્રિન પર જીવી શકાય તેના રસ્તા શોધી કાઢ્યા. ઑફિસ મિટીંગ અને ઓનલાઇન ક્લાસ તો જાણે હવે સામાન્ય બની ગયા છે. પણ તાજેતરમાં તો પિંડ દાન પણ ઓનલાઇન થવાનું હતું અને મોક્ષ નગરીના પુરોહિતોએ કહ્યું કે ઓનલાઇન પિંડદાનને નામે છેતરપિંડી થઇ રહી છે. ભારે વિરોધ વચ્ચે ઓનલાઇન પિંડદાન કેન્સલ થયું, જેમાં 700 બૂકિંગ થયેલા હતા.
ક્લાસિસ અને મીટિંગથી માંડીને પિંડદાન અને ધ્યાનથી માંડીને વર્ચ્યુઅલ રિયાલિટીના નામે પ્રવાસ સુધ્ધાં અત્યારના સંજોગોમાં ગળે ઊતરી જાય એવી હાલત છે. જેઓ પહેલાં ઓનલાઇન શૉપિંગ નહોતા કરતાં તેમને ગૂગલ પે પણ સમજાવા માંડ્યું અને ગ્રોસરીઝથી માંડીને કપડાં ય ઓનલાઇન ખરીદાઇ ગયાં. હવે અમૂક ચીજો સુધી તો ઠીક છે કે તમે ખરીદી ઓનલાઇન કરી દો કે પછી કોઇ ગમતાં સાથે રોજ વીડિયો કૉલથી ચલાવી લો, પણ તમે જ કહો કે આપણે ભારતીયો જે માણસ ભૂખ્યાં, માણસોનાં ટોળાં વચ્ચે રહેવાં ટેવાયેલાં અને વાતે વાતે તાળી કે પીઠે ધબ્બાં મારનારાઓને બધું જ ઓનલાઇન કેમનું ફાવે?
હવે આ પિંડદાનની જ વાત કરીએ તો તેની પાછળ એક આખું શાસ્ત્ર છે. મંત્રોચ્ચાર થતા હોય, આપણા હાથે વિધિ વિધાન થતાં હોય અને ત્યારે જે માહોલ હોય તેવી તૃપ્તિ ઓનલાઇનમાં ક્યાંથી થવાની? ડાન્સ ક્લાસિઝ જેવી સામાન્ય બાબતની વાત કરીએ તો ય મોટા વર્ગમાં મિરરની સામે જાતને જોતાં તો ક્યારેક બાજુવાળાની સામે નજર કરતાં સ્ટેપ્સ કરેક્ટ કરતાં જવાની મજા ઓનલાઇનમાં હશે? ગણેશોત્સવનો ઉત્સાહ ઓનલાઇન લાલબાગ ચા રાજાના દર્શન કરનારાઓને એટલો તો નહીં જ મળ્યો હોય, જેટલો ભીડમાં ભિંસાયાના કલાકો પછી બાપાની એક ઝલક મળવા પર થતો હશે.
એક આખી પેઢી માટે વર્ચુઅલ જિંદગી જ એક રિયાલિટી હોઇ શકે છે, અથવા તો તેનું મહત્ત્વ વધારે હોય એમ બની શકે છે, પણ કોમ્યુટર પ્રોગ્રામિંગથી કે વર્ચ્યુઅલ રિયાલિટીથી વિશ્વનાં કોઇ પણ ખૂણે પહોંચી જવાતું હોવા છતાં ય બીચની રેતીનો પગનાં તળિયે થતો સ્પર્શ, દરિયા કિનારે થોડો સમય પસાક કર્યા પછી અનુભવાતી ખારાશ, હેરિટેજ બિલ્ડિંગની ઊંચી છતો અને બંધ કમાડો પર ક્યારે જાળાં તો ક્યારેક ભીનાશ તો ક્યારેક તડના રૂપમાં બાઝેલા ઇતિહાસને જીવી શકાય ખરાં? દરેક વાસ્તવિકતાની એક પ્રથા, પરંપરા, આદત અને અનુભવ હોય છે. જે ફ્લેટ સ્ક્રિનમાં નથી જ મળી શકવાનાં અને જો એમ જ મેળવવાની આદત પાડી દેવાય તો જિંદગી 360 ડિગ્રીમાં નહીં પણ 180 ડિગ્રીમાં જ કદાચ જીવાય, બધું હોવા છતાં ય કશું ન હોય એમ.
અશોક સ્તંભ પર ઉપર ચાર સિંહ છે એ જોવા માટે સ્તંભની ફરતે એક ગોળ આંટો મારવામાં જે સંતોષ છે એ વર્ચ્યુઅલ રિયાલિટીમાં તો નથી જ. અનુભવ લેવા માટે પાંચ ઇન્દ્રિયોને કામે લગાડાય ત્યારે તે સંપૂર્ણ હોય છે અને વર્ચ્યુઅલ વિશ્વમાં દ્રાશ્ય અને શ્રાવ્યને પૂરેપૂરો સંતોષ મળશે પણ સ્પર્શેન્દ્રિય, ધ્રાણેદ્રિય અને સ્વાદેન્દ્રિયને તમારે નેવે મુકવી પડશે. સેન્સેશનની વાત ન કરીએ અને ગંભીર બાબતોને ફરી ગણતરીમાં લઇ કારણ કે આ ચર્ચાનો એક છેડો તો પિંડદાન ઓનલાઇન કરવાની વાતની નાડાછડી સાથે બંધાયેલો છે. ચાલો આ તો ફરવાની વાત થઇ, પણ આ સંજોગોમાં તો કોર્ટની કામગીરી પણ ઓનલાઇન થઇ. ક્યાંક કોઇ વકીલ નાઇટ ડ્રેસમાં જજ સાહેબ સામે આવ્યાં તો ક્યાંક કોઇ તમાકુ અને હુક્કામાં ગોટે ચઢી ગયું. ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા જ્યાં પુરાવાની નક્કરતા સૌથી વધુ અગત્યની હોય છે, ત્યાં આ બધું ફ્લેટ સ્ક્રિનમાં દેખાડવાનું કેટલું યોગ્ય લાગે અથવા તો આ આખી પ્રોસેસની કેટલી આમન્યા જળવાય, કેટલી મહત્તા અને વજન જળવાય?
હ્યુમન કનેક્ટનું મહત્ત્વ લૉકડાઉનમાં જેટલું સમજાયું અને વર્તાયું હશે તે કદાચ આ પહેલાં નહીં થયું હોય. મા-બાપ સાથે વીડિયો કૉલ્સ કરવા, ઑફિસનાં ટેબલને બદલે ઘરનાં સોફે બેસીને ઉપર વ્યવસ્થિત દેખાતાં કપડાં અને નીચે નાઇટડ્રેસનાં બોટમ્સ પહેરીને મીટિંગો કરવી આ બધું જ હોવા છતાં ય નથી. આપણે નાગરિક શાસ્ત્રની ચોપડીઓમાં ભણ્યા છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે, આ એક જ વિધાન માણસની બીજા માણસ સાથેનાં સંપર્કની જરૂરિયાતને સ્પષ્ટતાપૂર્વક આપણી સામે મૂકી દે છે. વન ડાઇમેન્શનલ અનુભવ આપણને ક્યાં સુધી ચાલે અથવા આપણે ક્યાં સુધી ચલાવી લઇએ? જિંદગી તો 360 ડિગ્રીમાં જીવાતી ઘટના છે અને તે એમ જ જીવવાની હોય. વિકલ્પ તો ઘણાં હોઇ શકે છે પણ જ્યાં જાત નથી હોતી, ત્યાં જીવ નથી હોતો એમ કહી શકાય. ફ્લેટ સ્ક્રિનમાં જિંદગી જીવાતી નથી બસ એ હોય છે કારણ કે ત્યાં જે હોય છે એ સત્યનો ભ્રમ બનીને રહી જાય છે.
રોગચાળા અને ટેક્નોલૉજીએ મળીને આપણને વાસ્તવિકતાથી જાણે છેટાં મૂકી દીધાં છે, ત્યારે આપણે વિચાર એ કરવો રહ્યો કે આવા સંજોગોમાં સંસ્કૃતિઓનો ઉદય, તેનાં પરિવર્તનો અને ઉત્ક્રાંતિ શેને આધારે થશે? ઉત્ક્રાંતિના શાસ્ત્ર અનુસાર આપણે સ્વભાવગત રીતે, કુદરતી રીતે વાસ્તવિક વિશ્વમાં પાંગરવા માટે જ ઘડાયાં છીએ, જેમા આપણે વખત આવ્યે આઘાત અને હચમચાવી નાખે તેવા અનુભવોનો સામનો પણ કરવાનો હોય છે. આપણું જટિલ બંધારણ દેખીતી રીતે સરળ અને છતાં ય ગહેરા વર્ચ્યુઅલ વિશ્વમાં ડુબશે, ડુબકી મારીને બહાર નિકળશે કે પછી ત્યાં રહ્યે રહ્યે પણ જળકમળવત્ જ રહેશે એ તો વખત આવ્યે ખબર પડશે. જો કે વાસ્તવિકતા એ છે કે જિંદગી તો હાથથી સ્પર્શી શકાય એ જ હોય છે.
બાય ધી વેઃ
પુરોહિતોએ ઓનલાઇન પિંડદાન કેન્સલ કરાવ્યું તેનાથી પિતૃઓને ય શાતા થઇ હશે કારણ કે તેમના વિશ્વમાં હજી વર્ચ્યુઅલનું વહેણ નહીં હોય. વિધિ વિધાન, પરંપરા, લાગણી અને પ્રોસેસિઝનો માહોલ ટેક્નોલૉજીમાં ભસ્મ ન થઇ શકે, પછી એ પિંડદાનની વાત હોય કે પછી પુરાવા રજૂ કરવાનાં હોય. વર્ચ્યુઅલ વિશ્વમાં પરફોર્મન્સ વધારે અને સાહજિકતા ઓછી હોય છે, અને આપણી સંસ્કૃતિઓ સાહજિક, માનવીય લેવડ-દેવડ પર વિકસેલી છે. સ્ક્રીન્સ સરસ સુંવાળી, ચમકદાર હોઇ શકે છે, પણ માનવીય સંસ્કૃતિનાં મૂળિયાં તો જમીનમાં ઊંડે સુધી ઊતરેલાં, ઉતક્રાંતિની માટીમાંથી પોષણ મેળવીને વિસ્તરનારાં છે, એ જ વાસ્તવિકતા છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 સપ્ટેમ્બર 2020