Opinion Magazine
Number of visits: 9446987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિરામચિહ્નો : ઓગણીસમી સદીની એક આયાત

દીપક મહેતા|Opinion - Literature|12 April 2019

કાળચક્રની ફેરીએ

પરદેશીના કટ્ટર વિરોધીઓ અને સ્વદેશીના હાડોહાડ હિમાયતીઓ પણ આજે ગુજરાતી, મરાઠી, હિન્દી, વગેરે ભાષાઓ લખતી કે છાપતી વખતે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન વગેરે વિરામચિહ્નો વાપરતાં લેશમાત્ર અચકાતા નથી. વિલાયતી કાપડની હોળી કરાવનાર ગાંધીજી પણ પોતાનાં લખાણોમાં વિદેશી વિરામચિહ્નો વાપરતા જ. પણ આજે આપણે જે વિરામચિહ્નો વાપરીએ છીએ તે ‘દેશી’ નથી, ‘પરદેશી’ છે. તે ‘મેઈડ ઇન ઇન્ડિયા નથી, પણ ઈમ્પોર્ટેડ છે. છેક ૧૯૧૩માં નરસિંહરાવ દિવેટિયાએ વિરામચિહ્નો વિષેના એક લેખમાં કહ્યું હતું: “વિરામચિહ્નો આપણા દેશમાં તો વિદેશી માલ જ ગણાશે; પરંતુ હવે સ્વદેશી જેટલાં એ પરિચિત થઇ ગયાં છે.”

  

સંવત ૧૮૩૨ (ઈ.સ. ૧૭૭૫)માં લખાયેલ એક હસ્તપ્રતનું પાનું

ગુજરાતીની જ નહીં, આપણી કોઈ પણ ભાષાની હસ્તપ્રતો જુઓ. તેમાં ક્યાં ય આજના જેવાં વિરામચિહ્નો જોવા નહિ મળે. હા, પૂર્ણ વિરામ માટે એકવડો (I) કે બેવડો (II) ઊભો દંડ વપરાતો. પણ તે સિવાય બીજું કોઈ વિરામચિહ્ન વપરાતું નહોતું. શરૂઆતનાં મુદ્રિત લખાણોમાં પણ આવું જ જોવા મળે છે. ૧૮૧૫માં ફરદુનજી મર્ઝબાને પોતાના છાપખાનામાં છાપેલા ‘ફલાદીશ’ પુસ્તકમાં અંગ્રેજી જેવાં વિરામચિહ્નો વપરાયાં નથી.

૧૮૨૧માં સુરત મિશન પ્રેસમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં એકવડા અને બેવડા દંડ સિવાય બીજું કોઈ વિરામચિહ્ન વપરાયું નથી. ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’ અખબાર શરૂ થયું તે વખતે તેમાં વિરામચિહ્નો વપરાતાં નહોતાં. હા, ગુજરાતી મુદ્રણની શરૂઆત થઇ ત્યારથી જ તેમાં હસ્તપ્રતોની જેમ લખાણ સળંગ છાપવાને બદલે શબ્દો છૂટા પાડીને છપાતા. મુંબઈથી પ્રગટ થતા ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારના ૨૯ જાન્યુઆરી, ૧૭૯૭ના અંકમાં છપાયેલી ગુજરાતી જાહેર ખબર(સરકારી જાહેરાત)માં શબ્દો છૂટા પાડીને છાપ્યા છે, પણ કોઈ વિરામચિહ્ન વાપર્યું નથી. એ જ વર્ષના જુલાઈ મહિનામાં એ જ અખબારમાં છપાયેલી બીજી એક જાહેર ખબરમાં પણ વિરામચિહ્નો નથી. પણ જાન્યુઆરી અને જુલાઈ વચ્ચેના ગાળામાં એક ધરખમ ફેરફાર જોવા મળે છે. પહેલી જાહેર ખબરમાં સંસ્કૃત, હિન્દી, મરાઠી વગેરેની જેમ ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા જોવા મળે છે. જ્યારે બીજી જાહેર ખબરમાં ગુજરાતી લિપિએ માથેથી શિરોરેખાનો ભાર ઉતારી નાખ્યો છે. અને તે દિવસે ગુજરાતીને માથેથી શિરોરેખાનો ભાર ગયો તે ગયો. કેટલાક અપવાદ રૂપ પુસ્તકોને બાદ કરતાં તે પછી ‘બોડી’ (શિરોરેખા વગરની) ગુજરાતી લિપિ જ લેખન અને મુદ્રણમાં વપરાવા લાગી. ‘બોમ્બે કુરિયર’ માટેના આ ગુજરાતી ટાઈપ – બીબાં – બનાવ્યાં હતાં બહેરામજી છાપગર નામના પારસી કમ્પોઝીટરે. એટલે શિરોરેખાનો ભાર ઉતારવાનું શ્રેય તેમને જ આપવું ઘટે.

ઈ.સ. ૧૭૯૭ના જાન્યુઆરીમાં ‘બોમ્બે કુરિયર’માં છપાયેલી શિરોરેખા સાથેની જાહેર ખબર.

ઈ.સ. ૧૭૯૭ના  જુલાઈમાં ‘બોમ્બે કુરિયર’માં છપાયેલી શિરોરેખા વગરની બીજી જાહેર ખબર.

તો ફરદુનજીએ પોતે છાપેલાં પુસ્તકોમાં અને મુંબઈ સમાચારમાં જરા જૂદી રીત અપનાવી. તેમણે લખાણમાં શબ્દો છૂટા તો પાડ્યા, પણ વધારામાં બે શબ્દો વચ્ચે લીટીની મધ્યમાં ઇન્ટર પોઈન્ટ (મધ્યરેખા બિંદુ) વાપરવાનું શરૂ કર્યું. આ માટેનું ચિહ્ન આજના પૂર્ણ વિરામ જેવું જ હતું, પણ ફરક એ હતો કે તે બે શબ્દની મધ્યમાં મૂકાતું, અધોરેખા પર નહિ. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પોઈન્ટનો ઉપયોગ જોવા મળે છે. ફરદુનજી પ્રાચીન લેટિન ભાષાથી પરિચિત હોય તેવો સંભવ નથી. આવો ઇન્ટર પોઈન્ટનો ઉપયોગ તેમણે ક્યાંથી અપનાવ્યો હશે તે કહેવું આજે મુશ્કેલ છે. આ ઉપરાંત ફરદુનજીએ એક બીજી પહેલ પણ કરી. વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવાની. પણ તે માટે તેમણે જે ચિહ્ન વાપર્યું તે આજના કરતાં જૂદું હતું. પૂર્ણ વિરામ માટે તેમણે ફરી લીટીની મધ્યમાં ફુદરડી (*) મૂકવાનું શરૂ કર્યું. તેનું કદ અક્ષરોના કદ જેટલું જ હતું અને અક્ષરોના આકાર કરતાં તેનો આકાર જુદો પડતો હોવાથી તે ચિહ્ન તરત નજરે પડતું. પણ આ સિવાયનાં બીજાં કોઈ વિરામચિહ્ન ફરદુનજીએ વાપર્યાં હોય તેમ જણાતું નથી.

 

૧૮૧૫માં છપાયેલ પુસ્તક ‘ફલાદીશ.’ મધ્યરેખા બિંદુ અને ફુદરડીનો ઉપયોગ

૧૯મી સદીમાં છપાયેલાં પુસ્તકો તો આપણે નથી જ સાચવ્યાં, પણ તેને વિશેની માહિતી પણ નથી સાચવી. એટલે ખાતરીપૂર્વક કશું કહેવું મુશ્કેલ છે, પણ ગુજરાતી પાઠ્ય પુસ્તકો છપાવાં શરૂ થયાં તે સાથે અંગ્રેજીને અનુસરીને બીજાં વિરામચિહ્નો ગુજરાતીમાં વ્યાપકપણે વપરાતાં થયાં હોય તેવો પૂરેપૂરો સંભવ છે. અગાઉ ઉલ્લેખેલા લેખમાં નરસિંહરાવભાઈ કહે છે: “સરકારી નિશાળમાં ચોપડિયો ભણવા લાગ્યા ત્ય્હારે આ વિદેશી ચિહ્નોની પલટન નજરે પડી.” (અવતરણ ચિહ્નોમાં જોડણી બધે મૂળ પ્રમાણે.)

 

૧૮૩૦માં છપાયેલ પાઠ્ય પુસ્તકમાં પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ જેવાં વિરામ ચિહ્નોનો ઉપયોગ

૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્ન્મેન્ટ ઓફ બોમ્બે’ એવું લાંબુલચક નામ ધરાવતી સોસાયટીની સ્થાપના થઇ. પછીથી તેનું નામ બદલીને ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી’ કરવામાં આવ્યું. આ સોસાયટી સરકારી નહોતી, પણ પહેલેથી જ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર તેના પ્રમુખ બને એવી જોગવાઈ હતી. ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન પ્રેસિડન્સીના ગવર્નર અને તેથી સોસાયટીના પ્રમુખ બન્યા. આ સોસાયટીએ શરૂ કરેલી અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં પહેલેથી જ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી, કાનડી, વગેરે સ્થાનિક ભાષાઓ (વર્નાક્યુલર્સ) શીખવવાનું નક્કી થયું હતું. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આ માટે વાપરી શકાય તેવાં છાપેલાં પુસ્તકો આ ભાષાઓમાં લગભગ હતાં જ નહિ. પાઠ્ય પુસ્તકો અંગેની આ મુશ્કેલી એલ્ફિન્સ્ટનના ધ્યાનમાં આવી કે તરત એમણે કહ્યું: ‘નથી? તો આપણે જ બનાવીએ એવાં પાઠ્ય પુસ્તકો.’

આ માટે ૧૮૨૦ના ઓગસ્ટની દસમી તારીખે ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ શરૂ કરી. તેના કામ માટે એલ્ફિન્સ્ટને તત્કાળ પોતાના ખિસ્સામાંથી ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. પછી તો બીજી ૫૭ વ્યક્તિઓએ નાનાં-મોટાં દાન આપ્યાં. આ કમિટીના સેક્રેટરી બન્યા કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ. વ્યવસાયે ઇજનેર, પણ મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓના અચ્છા જાણકાર. તેમણે તૈયાર કરેલાં અને તેમની દેખરેખ નીચે તૈયાર થયેલાં છ પુસ્તકો ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીએ પ્રગટ કર્યાં. આ પુસ્તકો છાપતી વખતે અંગ્રેજીમાં વપરાતાં લગભગ બધાં વિરામચિહ્નોનો ઉપયોગ થયો. ત્યાર બાદ ધીમે ધીમે બીજાઓ પણ એ વિરામચિહ્નો વાપરતા થયા. ઓગણીસમી સદીમાં અંગ્રેજીની અસર નીચે માત્ર ગુજરાતીએ જ નહિ, ઘણીખરી ભારતીય ભાષાઓએ આ નવાં વિરામચિહ્નો અપનાવ્યાં.

વિક્ટોરિયન યુગમાં ગ્રેટ બ્રિટનમાં વધુ પડતાં વિરામ ચિહ્નો વાપરવાનો ચાલ હતો. આપણે માત્ર ૧૯મી સદીમાં જ નહિ, પણ છેક આજ સુધી એ જ રીત અપનાવી છે અને સાચી માની છે. પણ વીસમી સદીના પાછલા દાયકાઓમાં અને એકવીસમી સદીમાં યુરોપ-અમેરિકામાં વિરામચિહ્નોનો ઉપયોગ બને તેટલો ઓછો કરવા તરફનું વલણ જોવા મળે છે. : ; ! જેવાં ચિહ્નો લગભગ વપરાતાં બંધ થયાં છે. એકવડાં (‘) અને બેવડાં (“) અવતરણ ચિહ્નોનો ઉપયોગ પણ હવે ઘટતો જાય છે કારણ કમ્પ્યુટર વડે થતા કમ્પોઝમાં અવતરણને જૂદું પાડવાની જૂદી જૂદી તરકીબો સુલભ બની છે. જેમ કે અવતરણનું લખાણ ઇન્ડેન્ટ કરવું, આઈટાલિક્સમાં છાપવું, વગેરે. વળી ઇ.મેલ, એસ.એમ.એસ., વ્હોટ્સએપ વગેરેમાં લખતી વખતે તો ભાગ્યે જ કોઈ વિરામચિહ્નો વાપરે છે, એટલું જ નહિ, અંગ્રેજીમાં તો કેપિટલ લેટર વાપરવાનું પણ ઓછું થતું જાય છે. પણ આપણે ગુજરાતીમાં શિક્ષણમાં અને છાપકામમાં હજી વિક્ટોરિયન યુગ પ્રમાણે જ વિરામચિહ્નો વાપરવાનો આગ્રહ રાખીએ છીએ.  

ઓગણીસમી સદીમાં અંગ્રેજી મુદ્રણ પાસેથી આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન છાપતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ પડાતા. પણ પછી ધીમે ધીમે વિચાર, ભાવ, કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. (પેરેગ્રાફ માટે આપણે ‘પરિચ્છેદ’ જેવો જડબાતોડ પર્યાય પણ બનાવ્યો!) તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદી પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિઓને આરંભે, મધ્યમાં, અથવા અંતે જસ્ટિફાય કરવાનું પણ શરૂ થયું. બે પેરેગ્રાફ અને બે કડી વચ્ચે વધુ જગ્યા (સ્પેસ) રાખવાનું શરૂ થયું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.

હોપ વાચનમાળા ચોથી ચોપડી. લગભગ બધાં વિરામ ચિહ્નોનો તથા પેરેગ્રાફનો ઉપયોગ.

છાપેલાં પાઠ્ય પુસ્તકો નવી નિશાળોમાં વપરાતાં શરૂ થયાં તે પછી અને તેથી ભાષા અંગેની એક મહત્ત્વની બાબત તરફ ધ્યાન ખેંચાયું. આ બાબત તે જોડણીની એકવાક્યતા. ગુજરાતી હસ્તપ્રતોમાં આવો આગ્રહ નહોતો. એક જ શબ્દની જોડણી એક જ હસ્તપ્રતમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી હોય એ વાત અસામાન્ય નહોતી. શરૂઆતનાં છાપેલાં પુસ્તકોમાં પણ આવું જોવા મળતું. જોડણીની એકવાક્યતાની જરૂર સૌથી પહેલી ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો મુંબઈમાં તૈયાર કરનાર કેપ્ટન જર્વિસના ધ્યાનમાં આવી અને તેમણે થોડો પ્રયત્ન પણ કરી જોયો, પણ ઝાઝી સફળતા મળી નહિ. ૧૯મી સદીના મધ્ય ભાગમાં અમદાવાદમાં સરકારી વાચનમાળા (જે પછીથી ‘હોપ વાચનમાળા’ તરીકે ઓળખાઈ) તૈયાર કરતી વખતે સર થિયોડોર હોપના ધ્યાનમાં પણ આ વાત આવેલી. ત્યારે વ્યાવહારિક ઉકેલ તરીકે અને મર્યાદિત ઉપયોગ માટે કેટલાક જાણકારો સાથે ચર્ચા કર્યા પછી હોપે સાતેક હજાર શબ્દોની જોડણી નક્કી કરી તેનો એક કામચલાઉ શબ્દકોશ બનાવ્યો હતો. દસેક વર્ષ પછી આ પાઠ્ય પુસ્તકોની નવી આવૃત્તિ પ્રગટ કરતી વખતે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સટ્રક્શન સર એલેક્ઝાન્ડર ગ્રાંટે આ કામ માટે નવ જાણકારોની એક સમિતિ બનાવી, જેમાં નર્મદ અને દલપતરામ પણ હતા. આ નિયમો ‘શાળાપત્ર’ તથા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવામાં આવ્યા.

અલબત્ત, તે પહેલાં ૧૮૬૫માં પોતાના ‘નર્મવ્યાકરણ’માં નર્મદે ‘વર્ણાનુપૂર્વી અથવા અક્ષર જોડણી’ એવા મથાળા સાથે કેટલાક નિયમો આપ્યા હતા, પણ અંતે લખ્યું હતું: “લોકોએ એ (જોડણી) વિષે ગણી કાળજી રાખવી નહિ.” તે પછી ગાંધીજીએ ભલે કહ્યું કે “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” પણ માત્ર સામાન્ય જન જ નહિ, ઘણા જનમાન્ય અને ગણમાન્ય લેખકો, પ્રકાશકો, પત્રકારો, અખબારો, હજી આજે ય ગાંધીજીની નહિ, પણ નર્મદની વાતને આંખમાથા પર ચડાવીને લખે-છાપે છે.

વિરામ ચિહ્નો વિશેની આ વાત નરસિંહરાવભાઈના એક શ્લોકથી પૂરી કરીએ:

આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઇ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્નદળનો જે-જે-ધ્વનિ જોરથી!

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

[“શબ્દ સૃષ્ટિ”, ઍપ્રિલ 2019]

Loading

12 April 2019 admin
← ગુજરાત માટે ગહન અને મહત્ત્વનો પ્રશ્ન
ભીંતે લટકાવેલ છબી →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved