ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નવો ચીલો ચીતર્યો છે. મોદીજીએ 23 વર્ષમાં શું વિકાસ કર્યો તેની વાહવાહી / ચાપલૂસી કરવા આ તાયફો છે. મોદીજી બાદ તમામ ગુજરાતના મુખ્ય મંત્રીઓએ ફીફાં જ ખાંડ્યા છે, તેનો પુરાવો ભૂપેન્દ્ર પટેલ છાતી ફૂલાવીને આપી રહ્યા છે.
ગુજરાતમાં 23 વરસમાં એવો તે શું વિકાસ થયો કે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લેતા કહેવું પડ્યું કે ‘શું કરો છો? અમારા માથા શરમથી ઝૂકી જાય છે; જ્યારે આવી ઘટના અમારે છાપામાં વાંચવી પડે છે !’
108 સેવાના જમાનામાં પણ છેવાડાના ગામની પ્રસુતા મહિલાને ઝોળીમાં લઈ દવાખાનાની વાટ પકડવી પડે અને તેના કારણે તે મોતને ભેટે તેને વિકાસ કહીશું?
શાળાઓમાં ઓરડા અને શિક્ષકોની અછત વચ્ચે શિક્ષિત યુવાનો નોકરી માટે આંદોલનો કરે તેને વિકાસ કહીશું?
રાજ્યમાં શિક્ષકો ઘટે છે, સરકારી શાળાના ઓરડા ઘટે છે, મહિલાની સુરક્ષા ઘટે છે, સ્વાસ્થ્યની સેવાઓ ખૂટે છે, નાગરિકોની સુખાકારી ખૂટે છે અને આ બધુ મેળવવા નાગરિકો કમરતોડ કરવેરા ભરે, તેને વિકાસ કહીશું?
વિકાસ તો થયો છે, જાહેરખબરોમાં / ચાપલૂસીમાં / વાહવાહીમાં / આત્મપ્રશંસામાં, મોદીજીના જન્મદિન ઊજવવા માટે નર્મદા નદીમાં પૂર લાવી લોકોને રડાવી દેવામાં !
વિકાસ તો થયો છે, નાની બાળાઓ સહિત મહિલાઓ પર બળાત્કારમાં / મહિલાઓની અસુરક્ષામાં / માનવ સર્જિત દુર્ઘટનાઓમાં, બ્રિજ તૂટે, હોડી ડૂબે, ગેમ ઝોન સળગે અને નિર્દોષ લોકો હોમાય / વ્યાજખોરા ત્રાસથી આત્મહત્યાઓમાં / ખેડૂતોની આત્મહત્યાઓમાં / કોરોના કાળમાં સારવારના અભાવે લોકોના મોતમાં ! નાગરિકો મરતા રહે તેને વિકાસ કહીશું? દીકરીઓની આબરું લૂંટાય તેને વિકાસ કહીશું? ‘દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના: લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’ આને વિકાસ કહીશું?
ગૌચર ખતમ કરવામાં જબરદસ્ત વિકાસ કર્યો છે / ખેતરો વેરાન કરવામાં વિકાસ થયો છે / સરકારી શાળાઓ બંધ કરવામાં વિકાસ થયો છે / નદી, નાળા, તળાવો પર દબાણ કરવામાં વિકાસ થયો છે / માનવ સર્જિત પૂર લાવવામાં વિકાસ કર્યો છે / નાગરિકોને FIR નોંધાવવા છેક હાઈકોર્ટ / સુપ્રીમકોર્ટ જવું પડે છે, તેમાં જરૂર વિકાસ થયો છે / સરકારી સસ્તા અનાજમાં કીડા પડેલા જોવા મળે છે, BPL કાર્ડ માટે ગરીબોની આંખે પાણી આવી જાય છે; આને વિકાસ કહીશું? ‘કામધેનુને જડે ના એક સૂકું તણખલું; ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !’ આને વિકાસ કહીશું?
જબ્બર વિકાસ થયો છે, મગફળીના કોથળામાંથી ઢેફાં નિકળે છે ! કરોડોની કિંમતના નશીલા પદાર્થો મળે છે ! નવા રસ્તાઓમાં ઊંડા ખાડા પડી જાય છે ! નવા પુલ ધરાશાયી થઈ જાય છે ! નકલી ટોલનાકા, નકલી અધિકારીઓ, હોઈકોર્ટના નકલી હુકમો ! નકલી ટાઉન પ્લાનિંગ સ્કીમ ! અસલી તો માત્ર ભ્રષ્ટાચાર જ છે !
અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ પહોળી અને ઊંડી થતી જાય છે / કોર્પોરેટ મિત્રો સરકારી ખરાબા / ગૌચર / ખેતીની જમીન હડપ કરી રહ્યા છે ! વિકાસ ચોક્કસ થયો છે, ભ્રષ્ટાચારીઓનો, સત્તાપક્ષના નેતાઓનો / કમલમનો / અદાણી-અંબાણીનો ! ‘છે ગરીબોના કુબામાં તેલ ટીપું ય દોહ્યલું? ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !’ આને વિકાસ કહીશું?
ઉદ્યોગ લાવ્યા ત્યાં ખેડૂતોનું નિકંદન અને પ્રદૂષણની ફરિયાદ / ખનીજ મળ્યું ત્યાં ખનન માફિયાઓની દાદાગીરી / જમીન માફિયાઓનું રાજ / કોર્પોરેટ મિત્રોને અનુકૂળ પડે તેવી ‘ઈકો સેન્સિટિવ ઝોનની મનસ્વી નીતિ ! આ બધેથી નાગરિકો કદાચ બચી જાય તો સંત્રીથી લઈ મંત્રી સુધી ચાલતા ભ્રષ્ટાચારનો તો શિકાર બની જાય ! શું આ છે ગુજરાત મોડેલનો વિકાસ?
આદિવાસીઓને જમીન પરથી દૂર કરવા છે / દલિતોને ફાળવેલી જમીન મેળવવા જીવ ગુમાવવો પડે છે, દલિતો લગ્નની ઊજવણી કરે તો મારઝૂડ થાય છે / ગરીબો લાચાર બની શોષણનો ભોગ બની રહ્યાં છે અને અમીરો પ્રિવેડિંગમાં કરોડો રૂપિયાનો દેખાડો કરી રહ્યા છે અને તેમાં શિક્ષકોની ભરતી ન કરી શકતા મંત્રીઓ કૂદી રહ્યા છે ! શું આને વિકાસ કહીશું? ‘ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર; ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે’ આને વિકાસ કહીશું?
મુખ્યમંત્રીને / મંત્રીઓને ચાપલૂસી કરવી હોય / વાહવાહી કરવી હોય તો એને કોણ રોકી શકે? તમે સંડાસથી લઈ એરપોર્ટ સુધીનો વિકાસ કર્યો, એમ કહને છાતી ફુલાવો છો, પણ પૂછવું છે કે આ વિકાસ માટે તમારું યોગદાન શું? શૂન્ય જ ને? ગરીબના સંડાસ પર તેમનો હક્ક તમે રહેવા દીધો નથી, એ પણ સરકારના નામે ચડાવી દીધું છે ! પણ શું ગરીબો GST નથી ભરતા? એરપોર્ટ કોર્પોરેટ મિત્રો બનાવે છે તેનો ખર્ચ લોકો પાસેથી વસૂલ થતો નથી? આમાં મોંમાંથી થૂંક ઉડાડવા સિવાય કોઈ યોગદાન ખરું?
મુખ્ય મંત્રી / મંત્રીઓ / સત્તાપક્ષના MLA-MPને ગુલામી કરવી કે રબ્બર સ્ટેમ્પ રહેવું એ તેમનો અંગત પ્રશ્ન છે પરંતુ તેઓ નાગરિકોના પૈસે તેમની ચાપલૂસીનું પ્રદર્શન કરી શકે ખરા? ચાપલૂસી માટે નાગરિકોના લોહી પરસેવાની કમાણીમાંથી કાપો મારી ઉઘરાવેલા કરમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો? આને ‘વિકાસ સપ્તાહ’ કહેવાય કે ‘ચાપલૂસી સપ્તાહ કે રબ્બર સ્ટેમ્પ સપ્તાહ’? હા, વિકાસ જરૂર થયો છે બિનસંવેદનશીલતાનો / બેશરમીનો !
[સૌજન્ય : પત્રકાર તુષાર બસિયા, નવજીવન ન્યૂઝ, 15 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર