Opinion Magazine
Number of visits: 9507277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાબહેન નીલકંઠ : સામાજિક પરિવર્તનનાં આદ્યપ્રણેતા

શિરીન મહેતા|Opinion - Opinion|16 May 2016

હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિદ્યાબહેન નીલકંઠ વિશેનો દળદાર ગ્રંથ પ્રકાશિત થયો છે. વિદ્યાબહેનના દોહિત્ર સુકુમારભાઈ પરીખે સંપાદનનું કામ ખૂબ જહેમત અને ખંતથી કર્યું છે. વિદ્યાબહેને લખેલાં લખાણો, પત્રો, તેમનાં પુસ્તકો તેમની ઉપર આવેલાં લખાણોનો અદ્‌ભુત સંગ્રહને સાચવી રાખી પ્રકાશિત કર્યો છે, તે પ્રશંસનીય છે. આ નિમિત્તે, ઓગણીસમી અને વીસમી સદીના સામાજિક, રાજકીય, આર્થિક પરિવર્તનની પ્રક્રિયામાં વિદ્યાબહેનની ભૂમિકા અંગે …

દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી ગાંધીજીએ ગુજરાત અને તેમાં પણ અમદાવાદને પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. આ સમયે સામાજિક ક્ષેત્રે ગુજરાતમાં ઘણું ખેડાણ થઈ ચૂક્યું હતું. ભૂમિ ફળદ્રુપ હતી. તૈયાર હતી. ગાંધીજીએ ફળપ્રાપ્તિ માટે વાવણી કરવાની જરૂર હતી. કઈ વ્યક્તિઓએ આ ખેડાણ કર્યું ? કયાં ઐતિહાસિક પરિબળોએ ભાગ ભજવ્યો ?

આ ખેડાણ કરનારાઓમાં વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ(૧૮૭૬-૧૯૫૮)ની ભૂમિકા મહત્ત્વની હતી. તેઓ ગુજરાતમાં જ નહીં, દેશભરમાં વિશેષ કરીને સ્ત્રીશિક્ષણક્ષેત્રમાં પ્રતીકરૂપ રહ્યાં. નામ પ્રમાણે જ તેઓ વિદ્યાવ્યાસંગી હતાં અને વિદ્યાના સ્રોત હતાં. વિદ્યાબહેનનાં ૮૧ વર્ષના જીવનમાં તેઓ ૧૯મી તેમ જ ૨૦મી સદીના સામાજિક, રાજકીય અને આર્થિક પરિવર્તનની પ્રક્રિયાના સાક્ષાત્‌ સાક્ષીરૂપ રહ્યાં. ૧૯મી સધીનો ઉત્તરાર્ધ અને ૨૦મી સદીનો પૂર્વાધ બે ય સદીઓનાં સીમાચિહ્‌નરૂપ પરિબળોનું તેમણે સિંચન કર્યું.

અંગ્રેજી કેળવણી પામેલા ગુજરાતી સમાજસુધારકોએ સમાજસુધારાની દિશા અને પરિમાણોમાં ૧૮૭૫ પછી પરિવર્તન કર્યું. સાંસ્થાનિક બ્રિટિશ રાજે અનેક સામાજિક કાયદાઓ દાખલ કર્યા. વિધવા પુર્નલગ્નનો કાયદો(૧૮૫૬), લગ્નવિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવી (૧૮૫૪),  સંમતિ-કાયદો (૧૮૯૨) વગેરે કાયદાઓ પસાર કર્યા. સ્ત્રીશિક્ષણ પર ભાર મૂકી અનેક છોકરીઓની શાળાઓ સ્થાપી. પરિણામે સમાજસુધારકોએ સ્ત્રી ઉત્કર્ષ ઉપર ભાર મૂકતા અનેક કાર્યક્રમોનું ઘડતર ૧૯મી સદીના અંતમાં કર્યું. મધ્યમ વર્ગના સુધારકોએ ‘પતિ-પત્ની’, ‘કુટુંબ’નાં સમીકરણો બદલ્યાં. અત્યાર સુધી ભારતીય નારી એટલે આર્ય સન્નારી, ‘ગૃહપ્રિય દેવાંગના’ કહેવાતી … હવે ‘સહધર્મચારિણી’ને બદલે ‘સહમિત્ર’, ‘સ્ત્રી-પુરુષ’ એકબીજાંનાં પૂરક તથા કુટુંબ અને સમાજની જવાબદારી એકબીજાંના સહકારથી ચાલવી જોઈએ, એવા અભિગમો કેળવાયા. સ્ત્રીની ભૂમિકા વધારે આક્રમક, આગળ પડતી ઘડાઈ – કેવળ ઘરની ચાર દીવાલ કે રસોડું નહીં.

આ ભૂમિકા અદા કરવા માટે સ્ત્રી-કેળવણી હશે તો જ દેશ પ્રગતિ કરશે. કુટુંબનાં બાળકોનો ઉછેર સુંદર રીતે થઈ શકશે. કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્નીનાં તેમનાં બાળકો રહ્યાં. ગૃહજીવન અને બાહ્ય જીવનની લક્ષ્મણરેખા સ્ત્રીઓ માટે સાંકડી થઈ ગઈ છતાં પણ સ્ત્રી અને પુરુષની કેળવણીની ભેદરેખા હતી. પુરુષે અંગ્રેજી કેળવણી લઈ નોકરી પ્રાપ્ત કરવાની હતી, જ્યારે સ્ત્રીઓને નવા યુગને અનુરૂપ બાળઉછેર, કુટુંબ, સમાજના વિકાસ માટે કેળવણી લેવાની હતી.

વિદ્યાબહેનના માતૃપક્ષે ભોળાનાથ સારાભાઈ દિવેટિયા કુટુંબ અને શ્વશુરપક્ષે મહિપતરામ રૂપરામ નીલકંઠ અને તેમના પુત્ર રમણભાઈ નીલકંઠ, જેમની સાથે વિદ્યાબહેનનું લગ્ન થયું હતું. એ સમાજ સુધારકોની હારમાળા સાથે સંકળાયેલા હતા. તેઓ નવી પરિપાટીના સમાજસુધારકો હતા, ભોળાનાથ ફારસી, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ધરાવતા. બ્રિટિશ રાજ સાથે ઘનિષ્ટ સંબંધ. સરદારનો ઇલકાબ મેળવેલો અને મુનસીફની પદવી સુધી પહોંચેલાં. બંગાળના ધુરંધર સુધારકો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સત્યેન્દ્રનાથ ટાગોરની અસર હેઠળ બ્રહ્મોસમાજની વિચારસરણીને અનુરૂપ પ્રાર્થનાસમાજની સ્થાપના ૧૮૭૨માં ભોળાનાથે કરેલી. જાગીરદાર ઘરાનાના મોટી હવેલી ધરાવતાં ભોળાનાથ નાનાને ઘેર વિદ્યાબહેનનું બાળપણ વીત્યું. બાળલગ્ન નિષેધ મંડળી, વિધવા પુર્નલગ્ન મંડળી પણ તેમણે સ્થાપેલી. દિવેટિયા કુટુંબ સાથે નીલકંઠ કુટુંબ પણ ગાઢ રીતે સંકળાયેલું. મહિપતરામ રૂપરામ મહાન કેળવણીકાર, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. કાળાં પાણી ઓળંગવા ઉપર નાગર જ્ઞાતિએ પ્રતિબંધ મૂક્યો હતો છતાં ૧૮૬૦માં જ્ઞાતિનો જબરજસ્ત ખોફ વહોરીને પણ તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. તેમનાં પત્ની પાર્વતીકુંવરનો અનેરો સાથ અને સહકાર હતો. મહિપતરામ ટ્રેઇનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે સુરતથી અમદાવાદ આવ્યા અને પ્રાર્થનાસમાજ, વિધવાવિવાહ ઉત્તેજક મંડળી, બાળલગ્ન નિષેધ મંડળી વગેરે પ્રવૃત્તિ સાથે જોડાયા. પાર્વતીકુંવર પણ વહેમ, અંધશ્રદ્ધા વગેરે સામે સુરતમાં શરૂ થયેલી ઝુંબેશ સાથે સંકળાયેલાં હતાં. મોટી ઉંમર સુધી બાળકો ના થયાં તો પણ મંત્રેલું પાણી કે દોરાધાગાનો આશરો નહોતો લીધો. પતિ-પત્નીના નવા સંબંધો રૂપે companionate model રીતે પાર્વતીકુંવર મહિપતરામ તંત્રીપદેથી ‘પરહેજગર’ માસિક બહાર પાડતાં તેનું બધું જ કામ તેઓ કરતાં. મહિપતરામે સ્ત્રીકેળવણીને પ્રગતિ અને વિકાસનું સાધન ગણી પાર્વતીકુંવરને ભણાવતાં તેઓના પુત્ર રમણભાઈ નીલકંઠ પણ સ્નાતક થયા અને મુંબઈમાં વકીલાતનું ભણતા. આવા નીલકંઠ કુટુંબના રમણભાઈ સાથે વિદ્યાબહેનનું લગ્ન ૧૮૮૯માં થયું. તેમની ૧૩ વર્ષની ઉંમર હતી અને રમણભાઈની ૨૧ વર્ષની. વિદ્યાબહેનને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો સામેનું વલણ અને સમાજસુધારો ગળથૂથીમાંથી મળ્યાં.

વિદ્યાબહેનનો વિદ્યાવ્યાસંગ ૨૧મી સદીમાં પણ કોઈ પણ સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. વિદ્યાબહેનમાં કેળવણી માટેની ધગશ, ખંત અને ધ્યેયની સિદ્ધિ માટેની (clear goal directedness) મહેચ્છા દાદ માંગે તેવી હતી. તેમનો અભ્યાસકાળ સાત વર્ષની વયથી, ૧૮૮૩ શરૂ થઈ ૧૯૦૧ સુધી ૧૭ વર્ષનો રહ્યો. પચીસમે વર્ષે ગુજરાતમાં વિદ્યાબહેન અને તેમનાં બહેન શારદાબહેન સૌ પ્રથમ સ્નાતકો થયાં પરંતુ વિદ્યાબહેન માટે આ સમય કારમા સંઘર્ષ અને ઝંઝાવાતનો રહ્યો. પ્રાથમિક, માધ્યમિક કેળવણી મગનભાઈ કરમચંદ સ્કૂલમાં લીધી. ૧૮૮૭માં મહાલક્ષ્મી ટ્રેઇનિંગ કૉલેજમાં દાખલ થયાનાં બે જ વર્ષ થયાં ત્યાં લગ્ન થયું. પરંતુ સસરા મહિપતરામ અને પતિ રમણભાઈના ટેકાથી ૧૮૯૨માં મૅટ્રિક થયાં. ૧૮૯૨માં પુત્રી કિશોરીનો જન્મ થયો પણ તે જ વર્ષે મૃત્યુ પામી. ૧૮૯૪માં શિરીષ પુત્રનો જન્મ થયો તે પણ તે જ વર્ષે મૃત્યુ પામ્યો. આમ, મૅટ્રિક થયાનાં બે વર્ષ થયાં, ખંત, હિંમત હતી છતાં ભણી શકાયું નહીં. ક્યાં ગયો વિદ્યાબહેનનો શૈશવકાળ અને કિશોર અવસ્થા? પંદર વર્ષની ઉંમરથી માતૃત્વ છતાં પણ પોતાની હિંમત, ધ્યેયપ્રાપ્તિની તમન્ના અને પતિના સહકારથી ૧૮૯૪માં વિદ્યાબહેન ગુજરાત કૉલેજમાં દાખલ થયાં. પોતાનું pull factor અને પતિનું push factor કારગત નીવડ્યાં. હજી કૉલેજનો અભ્યાસ માંડ બે વર્ષ ચાલ્યો. ત્યાં ઉપરાઉપરી બે પુત્રીઓ(૧૮૯૭-૯૮)નો જન્મ થયો. વળી પાછો અભ્યાસ ખોરંભાયો. વિદ્યાબહેનમાં આર્યસક્ષારીનું પ્રતિક કામ કરી ગયું. બાળકોની જવાબદારીને પ્રાથમિકતા આપી. અભ્યાસ ઉપર પૂર્ણ વિરામ સર્જ્યું. ૧૯૦૦માં ફરી એક પુત્રનો જન્મ થયો.

રમણભાઈ મુંબઈ હતા. એલએલ.બી.નો અભ્યાસ પૂરો કરેલો. મુનસીફની કક્ષા સુધીની સરકારી નોકરીએ પહોંચેલા પણ ‘પત્નીને ભણાવવી છે’ એ ધ્યેય હતું. સાથે-સાથે બાળકોની જવાબદારી પણ હતી. અમદાવાદમાં વકીલાતનો ધંધો શરૂ કરીશું એમ નક્કી કરી રમણભાઈ અમદાવાદ આવ્યા. વિદ્યાબહેન અને રમણભાઈ મહિપતરામના સરકારે આપેલા મકાનમાં રહ્યાં. ૧૮૯૧માં મહિપતરામ મૃત્યુ પામ્યા. પુત્રવધૂ મૅટ્રિક થયાં તે જોવા ધગશ હતી, છતાં જીવી શક્યા નહીં. તેમના મૃત્યુ બાદ મહિપતરામના ત્રણ પુત્રો અનામતરાવ, ગુણીજન અને રમણભાઈ છૂટા થયા. કુટુંબ અંગેનાં નવાં સમીકરણો આવી ગયાં હતાં. ગુણીજન અને તેમનાં પત્ની છોટીગૌરી સાથે વિદ્યાબહેનને સંઘર્ષ થતાં નવું મકાન ભાડે રાખ્યું. માતા બાળાબહેન અને પિતા ગોપીલાલ ધ્રુની બાજુમાં મકાન ભાડે રાખ્યું, જેથી બાળકોની દેખભાળમાં માની મદદ મળે અને અભ્યાસ શરૂ કરી શકાય. પતિ-પત્નીના નવા સંબંધો સ્થપાયા હતા. new conjugality આવી હતી. રમણભાઈએ ગુણીજનભાઈને સ્પષ્ટ કહી દીધું કે “વિદ્યાને સાંજના ઘોડાગાડી મળવી જોઈએ.”

પતિ-પત્નીએ ફરીથી ૧૯૦૦માં ગુજરાત કૉલેજમાં દાખલ થવાનો અડગ નિર્ણય લીધો. ત્રણ બાળકો ઉપર પૂરતું ધ્યાન અપાતું. રમણભાઈ પોતે વિદ્યાબહેન અને તેમનાથી સાત વર્ષે નાનાં શારદાબહેન, જેઓ વિદ્યાબહેનની સાથે થઈ ગયાં હતાં તે બંનેને ભણાવતાં એમ કરતા ૧૯૦૧માં વિદ્યાબહેન અને શારદાબહેન ગુજરાત કૉલેજમાંથી પ્રથમ સ્ત્રીસ્નાતકો આખા ગુજરાતમાં થયાં. આમ, સ્ત્રીઓ માટે ઉચ્ચશિક્ષણનાં દ્વાર ખોલી આપવામાં આ બહેનોનો ફાળો નાનોસૂનો નથી. વિદ્યાબહેન લખે છે કે “પુરુષો જે કામ કરે છે, તે બુદ્ધિશક્તિ સ્ત્રીઓમાં પણ છે.” (જ્ઞાનસુધા, ૧૯૦૬). સ્ત્રીશક્તિનો પરિચય ૧૯૦૧માં વિદ્યાબહેને કરાવ્યો. સ્ત્રીશક્તિનો પરિચય ગાંધીજીને તો છેક ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ સમયે થયો, પણ બહેનોની શક્તિની પરિપાટી વિદ્યાબહેન તેમ જ કેટલીક ગ્રામીણ બહેનોએ પણ ફિમેલ ટ્રેઇનિંગ કૉલેજમાં કેળવણી લઈ તૈયાર કરી હતી. વિદ્યાબહેન નમ્રભાવે નોંધે છે કે “હું જે કંઈ છું તે પૂર્વજોના સંસ્કાર, શિક્ષણ અને પરિસ્થિતિને લીધે છું.”

વિદ્યાબહેન જીવનભર નમ્ર, વિવેકી, શાંત અને તટસ્થ અભિગમવાળા રહ્યાં. આર્યસન્નારીનાં મૂલ્યો અનુસાર તેમનું વર્તન રહ્યું. જેમ તેમનાં સાસુ ‘પરહેજગાર’ સામયિક સંભાળતાં તેમ વિદ્યાબહેન પણ જ્યારે બાળકો નિદ્રાધીન થાય, ત્યારે પતિ સાથે ‘જ્ઞાનસુધા’ જનરલ જે રમણભાઈ પ્રકાશિત કરતા હતા તે ફાનસના દીવે તપાસતાં, રમણભાઈના આગ્રહથી વિદ્યાબહેન પણ સ્નાતક થયાં પછી ‘જ્ઞાનસુધા’માં બાળકોની જવાબદારીમાંથી શ્વાસ લેવાનો વખત મળે ત્યારે લેખો લખતાં. પતિની અસરને લીધે વિનોદવાળા હાસ્યરસના લેખો લખતાં. ૧૯૦૦થી ૧૯૧૬ સુધી તેમના લેખો સ્ત્રીસામયિકો જેવાં કે ‘સ્ત્રીબોધ’, ‘સુન્દરી સુબોધ’ ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુલશન’ વગેરેમાં લખતાં પણ આ પ્રવૃત્તિની શરૂઆત હતી. સ્ત્રીકેળવણી, આરોગ્ય, ગૃહવિજ્ઞાન-કલા વગેરે વિષયો રહેતા. તેઓ ૧૯૦૦માં ‘જ્ઞાનસુધા’માં લખે છે. “હું કોઈને અભ્યાસ પૂરો થતાં સુધી લગ્ન કરવાની ભલામણ ના કરું. બંને જવાબદારી અદા કરવામાં માનસિક તનાવ રહે છે.                                

વિદ્યાબહેન – ગાંધીયુગ, 20મી સદી

રમણભાઈ અને ગાંધીજી વચ્ચે વૈચારિક મતભેદોની ખાઈ હતી, છતાં પણ બંને વચ્ચે સુંદર સહઅસ્તિત્વ-સંબંધોનો ઉત્તમ નમૂનો હતો. રમણભાઈ વિનીત મતના હતા. બંધારણ અને વાટાઘાટો દ્વારા સંસ્થાકીય બ્રિટિશ હકૂમત સાથે કામગીરી કરવામાં માનતા. ગાંધીજીના અસહકારના આંદોલન અને સત્યાગ્રહ ચળવળોમાં બિલકુલ વિશ્વાસ નહીં. ૧૯૨૦ના અરસામાં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ જગવેલો, તેમાં તેમને લવલેશ પણ ખાતરી નહીં. બ્રિટિશ હકૂમત તરફ કૂણું વલણ હતું. અંગ્રેજી રાજ્યનાં સારાં તત્ત્વો તેમની નજરે ગણનાપાત્ર હતાં.

આમ છતાં, ગાંધીજીનો સ્વદેશપ્રેમ, સાદાઈ, સત્યનિષ્ઠા, ઋજુ સ્વભાવથી બંને પતિપત્ની આકર્ષાયાં હતાં. ૧૯૧૬માં ગાંધીજી મુંબઈથી અમદાવાદ આવ્યા, ત્યારે પતિ-પત્ની સ્ટેશને લેવા ગયા હતા. વિદ્યાબહેન લખે છે કે “કાઠિયાવાડી ફાળિયું અને અંગરખું. ગાંધીજીનું જરા પણ અસરકારક વ્યક્તિત્વ ના લાગ્યું”. એમનો અનુભવ પણ ૧૯૧૫માં મુંબઈમાં પારસી પિટિટે કુટુંબે ગાંધીજીને તેમને ઘેર આમંત્ર્યા હતા, ત્યારે એક પારસી બહેન ગાંધીજીને જોઈને બોલી ઊઠ્યાં હતાં કે ‘આ તો આપણો ઢનો દરજી’ એવો જ રહ્યો.

વિદ્યાબહેન બાળકોની જવાબદારીને લીધે કૉંગ્રેસનાં અધિવેશનનો ભરી શકતાં નહીં, પણ રમણભાઈ એકેએક અધિવેશનમાં જતા. ૧૯૦૨માં અમદાવાદના કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો. વિદ્યાબહેન અને શારદાબહેને સુંદર કંઠથી ‘વંદેમાતરમ્‌’ રાષ્ટ્રગીત ગાયું હતું.

રમણભાઈના અનુમોદનથી તેમ જ સ્વસ્ફુરણાથી વિદ્યાબહેન ગૃહજીવનમાંથી બાહ્યજીવન તરફ વધવા માંડ્યાં. ગાંધીયુગ પહેલાં પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓ, ભજનો ગાવાં, વિધવાવિવાહ ઉત્તેજકમંડળી, બાળલગ્ન નિષેધ મંડળીઓ સાથે સમાજસુધારાનાં કાર્યોમાં જોડાયાં હતાં. લેખનપ્રવૃત્તિ પણ કરતાં. ગાંધીજીના આગમનથી સ્વતંત્રતા, આઝાદી, આંદોલનનો પવન ફૂંકાયો. ૧૯૧૬માં ગાંધીજી જેવા અમદાવાદ આવ્યા કે તરત જ તેમણે બહેનોની સંસ્થાઓ ‘ભગિની-સમાજ’ અને ‘અખિલ હિન્દ હિન્દુ સ્ત્રીમંડળ’ને સંદેશો મોકલ્યો હતો કે “સામાન્ય રીતે કેળવાયેલી બહેનો, શહેરી બહેનો ગ્રામીણ બહેનો સાથે સંપર્ક ઇચ્છતી નથી. પણ આ રોગ જવો જોઈએ. ૮૫ ટકા બહેનો માટે ગામડાંમાં કામ છે.” ગાંધીજી ઇચ્છતા હતા કે કેળવાયેલી બહેનો શહેર અને ગામડાં વચ્ચે સેતુ સમાન રહે. વિદ્યાબહેનનાં બહેન શારદાબહેને અને તેમના પતિ સુમન્ત મહેતાએ ગાંધીયુગમાં અસહકારનાં આંદોલનોમાં ઝંપલાવ્યું. ૧૯૧૮થી ખેડા સત્યાગ્રહ, ૧૯૨૦-૨૨ અસહકારનું આંદોલન, ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦માં દાંડીકૂચ અને ૧૯૪૨-૪૫ સુધી ચાલેલી ‘હિંદ છોડો લડત’ સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી સક્રિય કાર્ય કરી રહ્યા હતાં. પરંતુ વિદ્યાબહેન આજીવન મૂક સેવક, સમાજસેવિકા અનેક સંસ્થાઓમાં સ્થાપક અને લેખિકા તરીકેની કામગીરી બજાવતાં રહ્યાં. સ્ત્રી-ઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ કરી, સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓનાં જીવન સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો સાથે હંમેશાં સંકળાતાં રહ્યાં. તેમનાં લખાણોએ સ્ત્રી માટેની વૈચારિક ભૂમિકા ઊભી કરી.

૧૯૨૭માં સાબરમતીમાં પૂર આવ્યું. ગામડાંઓ ડૂબ્યાં. અનેક લોકો ઘરબાર વગરના થયા. વિદ્યાબહેને ફંડફાળા ઉઘરાવ્યાં, કપડાં ઉઘરાવ્યાં. આ કપડાંઓનું સમારકામ કરી લોકોમાં વહેંચ્યાં, અનાજ ઉઘરાવ્યું. આ કાર્ય ગાંધીજીએ તેમના ‘નવજીવન’માં ખૂબ બિરદાવ્યું. ૧૯૧૧-૧૨ના દુષ્કાળ વખતે પણ તેમનાં રાહતકાર્યો પ્રશંસનીય હતાં, તેથી જ ગાંધીજી વિદ્યાબહેનનાં કાર્યોને બિરદાવતાં નોંધે છે, “જેઓ રાજકારણમાં નથી પણ મૂક સેવક છે. સમાજ ઉપયોગી કાર્યોમાં સંકળાયેલાં છે, જેઓ વિધવાઓનાં આંસુ લૂછે છે, અસ્પૃશ્યોને મદદ કરે છે, તેમનાં કાર્યોનું મૂલ્ય આંકો એટલું ઓછું છે.” આમ વિદ્યાબહેન ભલે રાજકીય આંદોલનો સાથે સક્રિય સંકળાયેલાં હતાં પણ દેશદાઝ, સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે તેમનો પ્રેમ ઉત્કટ રહ્યો. ગાંધીયુગમાં તેમણે આજીવન ખાદી પહેરવાનું સ્વીકાર્યું હતું. વિદ્યાબહેનને ગાંધીજીએ ૬૦ મે વર્ષે આશીર્વાદ આપતો તેમને લબેથે “તમે કદી જીર્ણ ….. નથી.” વૈચારિક મતભેદ હોવા છતાં ગાંધીજી અવારનવાર રમણભાઈને ત્યાં જતા ૧૯૨૭માં રમણભાઈના બીમારીના બિછાને આવ્યા હતા. દુઃખ સાથે તેમણે કહ્યું હતું કે “આ તો યાત્રાના થાય છે. કમનસીબે હું વખતો વખત આવી શકતો નથી.” ૧૯૨૮માં રમણભાઈ મૃત્યુ પામ્યા ત્યારે પણ ગદ્‌ગદીત કંકે તેમણે શોકાંજલિ આપી હતી.

વિદ્યાબહેનની જાહેરપ્રવૃત્તિઓ

તેમની જાહેર પ્રવૃત્તિઓનો વ્યાપ બહુ મોટો હતો. ૧૯૨૮માં રમણભાઈના મૃત્યુબાદ તેમના બધા જ સંસ્થાકીય, સામાજિક કાર્યક્રમો વિદ્યાબહેનો સનિષ્ઠાથી ઉપાડી લીધા. સૌ પ્રથમ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (૧૯૪૮) જે પાછળથી વિદ્યાસભા કહેવાઈ તેના પ્રમુખ તરીકે વરણી પામ્યાં અને ૧૯૫૬ સુધી તેના મંત્રીપદે હતાં. ગુજરાતી ભાષાને ઉત્તેજન આપવા માટે અનેક પુસ્તકો પ્રકાશિત કર્યાં. ગ્રંથ અને ગ્રંથકારના ગ્રંથોનું સંપાદન સુંદર રીતે કર્યું. સાહિત્યકારોએ જેની નોંધ નથી લીધી તેવી ગ્રામીણ મહિલાઓથી કૃતિઓને આ ગ્રંથોમાં વિદ્યાબહેને નોંધ લીધી. દા.ત. લૂણાવાડાની મહિલા શિક્ષિકા, કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળની નવલિકા ‘સદ્‌ગુણી હેમંતકુમારી’ (૧૮૯૯). તેવી જ રીતે જમનાબાઈ પંડિતા જામનગરની શિક્ષિકાએ ગુજરાતમાં પ્રથમ નારીવાદી પુસ્તક ‘સ્ત્રીપોકાર’ (૧૯૦૭) લખ્યું, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૦૧), તેના પ્રમુખ પણ ૧૯૪૩માં બન્યાં, ગુજરાત પુસ્તકાલય પરિષદ સાથે સંકળાયેલાં હતાં. ૧૯૩૦માં વડોદરા રાજ્ય પુસ્તકાલય અને ૧૯૩૪માં ગુજરાતે રાજ્ય પુસ્તકાલયના અધિવેશનના પ્રમુખ રહી ચૂક્યાં હતાં. અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ ૧૯૩૨ અને ૧૯૫૦માં રહી ચૂક્યાં હતાં. સાહિત્ય, શિક્ષણના ક્ષેત્રમાં તેમની કામગીરી ઉમદા રહી.

તેમનું ચણતર અને ઘડતર પંડિતયુગમાં સાક્ષરોની અસર હેઠળ થયું, પણ ગાંધીયુગની સરળ લોકભોગ્ય ગુજરાતી ભાષાસભર તેમનાં લખાણો રહ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૩૧ ‘ગૃહદીપિકા’ પ્રકાશિત થયું. ‘ફોરમ’ (૧૯૫૫) આલેખો અને સ્મૃિતચિત્રોનો ધ્યાન ખેંચે તેવો સંગ્રહ છે. ‘નારીકુંજ’ (૧૯૫૬) સ્ત્રીઓના સંદર્ભમાં લખાયેલા લેખોનો સંગ્રહ છે. તેમનાં આદર્શ સ્ત્રીપાત્રો રમાભાઈ રાનડે, મિસિસ સીડની વેબ, મિસિસ – ફેની ઈરાની, પર્લબક રહ્યાં હતાં. જે સ્ત્રીઓએ કુટુંબ, બાળકો, પતિને સંભાળ્યાં હતાં અને સાથે-સાથે સામાજિક સેવાનાં કાર્યો, સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી હતી. જેઓએ ગૃહજીવન અને બાહ્યજીવનની સમતૂલા જાળવી હતી. તેમની સમકાલીન ક્રાંતિકારી સ્ત્રીઓ રમાબાઈ સરસ્વતી, લક્ષ્મીબહેન ડોસાણી, [‘હું બંડખોર કેમ બની’ની લેખિકા (૧૯૩૩)] એ કદી તેમને અનુસરવારૂપ દૃષ્ટાંત લાગ્યાં ન હતાં. તેઓ છેવટ સુધી આર્ય સન્નારીનાં મૂલ્યોને વરેલાં રહ્યાં, છતાં આધુનિકયુગનાં પરિવર્તનો પણ સહર્ષ સ્વીકાર્ય હતાં.         

F-2, આયોજનનગર સોસાયટી, શ્રેયસ રેલવે ક્રૉસિંગ પાસે, અમદાવાદ – 380 007

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 08-09 તેમ જ 16 મે 2016; પૃ. 18-19

Loading

16 May 2016 admin
← સાત રંગનું સરનામું : રઘુવીર ચૌધરી
Revolutionary Bhagat Singh and Freedom Movement →

Search by

Opinion

  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved