મારું એક પુસ્તક આવી રહ્યું છે – 'નિબન્ધપદ'. એમાંના કેટલાક અંશ અહીં પ્રકાશિત કરું છું.
વિચરતા વિચારો – ૨૦૧૩ (પુનશ્ચ) : 'વિદ્યાવિનાશને માર્ગે' તો બરાબર પણ આજકાલ
મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા 'વિદ્યાવિનાશને માર્ગે'-ના છેડે 'મહાભારત'-ને યાદ કર્યું છે અને લખ્યું છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.
આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો, હવે બે દસકા, વીતી ગયા છે અને એ દરમ્યાન વિદ્યાક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.
મારી લાગણી છે, મારું મન્તવ્ય છે, કે મારા સમાં દાઝીલાં આપણે સૌ સાહિત્યકારો અને અધ્યાપકો આજે 'વિદ્યાવિલાપને માર્ગે ' છીએ. વિદ્યાક્ષેત્રની પ્રવર્તમાન દુર્દશા વિશે વિલાપ કરી રહ્યાં છીએ :
ગઇ કાલે હર્ષદ ત્રિવેદી ફોન પર મળ્યા, અમે અરધો કલાક સંવાદ જે કર્યો; એ પહેલાં મારા ઘરે જયેશ ભોગાયતા અને અજય રાવલ મળ્યા, બે કલાક દરમ્યાન વાતો જે થઇ; હસિત મહેતા આવેલા ને કલાક વાતો જે થઇ; તાજેતરમાં ફેસબૂક પર જયશ્રી જોષીએ લખ્યું અને એની વાતને અન્યોએ પ્રતિભાવ જે આપ્યા; મને ખૂબ ગમાડતા મિત્ર રમેશ મહેતાએ જૂનાગઢથી હમણાં એક પત્ર મોકલ્યો અને એમાં જે લખ્યું; વચમાં બાબુ સુથાર અને બે દિવસ પર મધુસૂદન કાપડિયાના અમેરિકાથી ફોન આવ્યા અને એમાં વાતો જે થઇ; નાગાલૅન્ડથી કિશોર જાદવ જોડે વાતો જે થાય છે; ગયા મહિને જયેન્દ્ર શેખડીવાળાના ઘરે વાતો જે થઇ, વડોદરાથી સંજય મકવાણા સાથે અને પાલીતાણાથી પાછા ફરતાં ચન્દ્રકાન્ત ટોપીવાલા સાથે કારમાં વાતો જે થઇ; એ પહેલાં પાલીતાણા જતાં ચિનુ મોદી, સતીશ વ્યાસ અને ઉષા ઉપાધ્યાય સાથે વાતો જે થઇ; ભાવનગર યુનિવર્સિટીમાં વિપુલ અને મહેન્દ્રસિંહ જોડે ભલે અછડતા જે ટહુકા થયા; પાલનપુરમાં દીપક રાવલ સાથે સંવાદ જે થયો; વચમાં રાધેશ્યામ શર્મા ઘરે આવ્યા ને વાતો જે થઇ; માય ડીયર જયુ, મનોહર ત્રિવેદી અને જગદીશ ગુર્જર જોડે તાજેતરમાં વાતો જે થઇ; વિનોદ જોશી જોડે અવારનાવર ફોન પર અરધો અરધો કલાકની સાઇઝનાં મન્તવ્યો જે પ્રગટે છે; વીનેશ અંતાણી, રાજેન્દ્ર પટેલ, યોગેશ જોષી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નિસર્ગ આહીર, નરેશ શુક્લ, વિપુલ વ્યાસ, સાગર શાહ અને અભિમન્યુ આચાર્ય જોડે જ્યારે ને ત્યારે મારે કરુણ સૂરે વાર્તાલાપો ને વાતો જે થાય છે –
'વાતો જે થઇ'-ના પુનરાવર્તન સાથેનો, મારા એ સઘળા ઉલ્લેખોમાં સંભરેલો સાર એ છે કે આપણે સૌ વિદ્યાવિલાપને માર્ગે છીએ.
Pic courtesy : Clipart
યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં જે ઝડપે ધોવાણ ચાલી રહ્યું છે એ વિશે આપણે ચિન્તિત છીએ. બધી વાતે સુખી પણ આ વાતે દુખી અને એકમેક સામે કશા પણ ઉકેલ વિનાની મજબૂરી અનુભવતા લાચાર જીવો છીએ.
(અહીં જે મિત્રોનાં નામો લખ્યાં છે તે ઉપરાન્તનાં અનેક મિત્રો પણ વિલાપથી જુદો ભાવ નથી ધરાવતાં એમ માનું છું. તેઓ કદાચ જાહેરમાં બોલતાં નથી પણ અંદરોઅંદર તો બોલે જ છે).
વિલાપના વિષયો છે :
સૅમિસ્ટર સિસ્ટમ.
અભ્યાસક્રમો.
અભ્યાસક્રમ-સંલગ્ન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને માટેની ખરી સામગ્રીની અછત.
વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ.
સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો. એની સૂઝબૂઝ વગરનાં ફૅંકાફૅંક વિધાનોની બોલબાલા.
સંશોધન વિશે અચરજ કે – એ શી બલા છે?
અસજ્જ પીઍચ.ડી.-પદવીધારીઓ. એ માટેના સ્કૅમ.
યુ.જી.સી.-આધારિત કાર્યક્રમોમાં નાણાંની ઉચાપત.
ગુણવત્તાની સરેઆમ મશ્કરી.
સાહિત્યના કાર્યક્રમોનો ફુગાવો, છતાં સર્વત્ર હાજરી પાંખી.
પરિસંવાદોમાં નિષ્ણાતોની ખોટ. એમાં સગવડવાદ.
વધતાં જતાં સામયિકો, ઑનલાઇન પણ, છતાં વધતો જતો અસંતોષ.
વાચનને વિશે વધતી જતી ઉદાસીનતા.
અઘરાં પણ અનિવાર્ય ગ્રન્થોનાં અવલોકનોની અછત.
જોડણી અને લિપિની એકવાક્યતાને વિશેની ઉદાસીનતા.
વિવેચન અને અવલોકનકામને ઊતરતાં ગણવાની દૂષિત માનસિકતા -તેની શી જરૂર છે નામનું બીમાર મનોવલણ.
સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્યવિચારધારાઓ સાથે પૂરો થવા આવેલો વિચ્છેદ.
માતૃભાષાને વિશેનો લગાવ, પ્રશ્નાર્થ હેઠળ.
વગેરે વગેરે …
વિદ્યાવિલાપને માર્ગે-ની વાતમાં હું એક નામ વીસરી ગયેલો, મારા માટે અનિવાર્ય એવું નામ, અને તે પરેશ નાયકનું. હમણાં જ ફોન પર મળાયું. પરેશ હમેશાં મારા બળાપાનો મોટો સહભાગી રહ્યો છે -અને તે ય એની સીધી ધારદાર વાણી સાથે ! સૉરિ, પરેશ !
સુરેશભાઈ પૂછે છે એમ આપણે જ્ઞાનથી વિમુખ થઇ રહ્યાં છીએ કે જ્ઞાનપ્રસારણની અત્યાધુનિક જોગવાઇઓ છે છતાં આપણી કશી દાનત નથી રહી? નથી રહી તો કેમ નથી રહી?
હું આ સઘળાને વિશે સૌને ચર્ચા કરવા, ઉપાયો સૂચવવા, વિનન્તી કરું છું. કંઇ નહીં તો, સૌ પોતાની લાગણીઓને વાચા આપે. અનુભવી જનો કહે છે, દુ:ખ એકલા એકલા નહીં પણ સૌ સાથે બેસીને ખમીએ તો ઓછું થાય કે ન થાય, પણ ખમી ખાવાનું બળ તો જરૂર મળે છે…
= = =
(February 11, 2022)