Opinion Magazine
Number of visits: 9447906
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેશ્યાઓની વહાલી મા

સુરેશ જાની|Opinion - Opinion|7 July 2022

૨૦૦૭

હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે ઊંઘી શકી ન હતી. બહુ મુશ્કેલીથી અને પોલિસની સહાયથી મૂળ ભુતાનની અને કમાટીપુરામાં સડતી, બે છોકરીઓ માંડ માંડ એ દોજખમાંથી બહાર આવવા કબૂલ થઈ હતી. પણ રાતોરાત એ ગાયબ થઈ ગઈ હતી. ‘કેટલી માસૂમ છોકરીઓ અને કેવા નરકમાં? હવે એમનો પત્તો શી રીતે મેળવવો?’

કમાટીપુરા – એશિયાનો બીજા નમ્બરનો વેશ્યાવાડો – મુંબાઈની ઝગમગાતી સોનાની થાળીમાં લોઢાની મેખ – સુધરેલી, સુંવાળી સંસ્કૃતિની નાલેશી અને હેવાનિયતનું જીવતું જાગતું પ્રતીક – સરેઆમ લૂંટાતી, કચડાતી કૂમળી કળીઓનાં ધોળે દહાડે વેચાણ – પ્રદર્શન.

છેક ૧૯૯૩માં ગુજરાતી સામાયિક ….….ના કાર્યકર હોવાના કારણે એક ફિલ્મ સ્ટારની પ્રેસ કોન્ફરન્સમાં કમાટીપુરાના નજીકના વિસ્તારમાં મારે જવાનું થયું હતું. આ બદનામ બસ્તીમાં એક નજર ફેરવવા ઘણા વખતથી મને કુતૂહલ થતું હતું. પણ તે દિવસે તો કોન્ફરન્સ પત્યા પછી મેં હિમ્મત કરી જ દીધી. બે ચાર જ્ગ્યાઓએ મેં લટાર મારી અને મારું મન વાસી છાશ જેવું ખાટું ખાટું થઈ ગયું. તે પહેલાં હું એમ જ માનતી હતી કે, આ સ્ત્રીઓ મહેનત મજૂરીનું કોઈ કામ કરવાની અસૂયા અને સાંસારિક જીવનની ઉપાધિઓ અને જવાબદારીથી છટકવા પોતાની રાજીખુશીથી આ ધંધો કરતી હશે. પણ એ કમનસીબ નારીઓની હતાશાથી ભરેલી, બેજાન આંખોમાંથી હું એમની અંતરની વેદના વાંચી શકી. એક બે જણીઓએ તો, એમના ડાઘિયા કૂતરા જેવા રખેવાળોની નજર ન હતી એટલે છૂપી રીતે એમની વ્યથાઓની કાળી કહાણી પણ ટૂંકમાં સમજાવી દીધી.

ઘેર આવીને મારા સ્વ. પતિ બાલકૃષ્ણને કદી ભૂલી ન શકાય તેવા મારા આ અનુભવની વાત કરી. તે પણ દુઃખી દુઃખી થઈ ગયા. તેમને પણ આ ‘અંદરની વાત’ની ખાસ ખબર ન હતી. તેમણે કહ્યું,” જો તે બધીઓ રાજીખુશીથી આ બદનામ ધંધો ન કરતી હોય તો શા માટે ત્યાંથી ભાગી જતી નથી?” તેમણે બીજી એક બાતમી પણ આપી. તેમનો એક મિત્ર આવી એક વેશ્યાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન પણ કરવા તૈયાર હતો. તે છોકરી પણ દોજખમાંથી છૂટવા આતૂર હતી. તેમણે મને કહ્યું, “તું તો પત્રકાર છે. એ બે જણને મદદ કરે તો?”

આ વાત મારા મનમાં જડબેસલાક બેસી ગઈ. થોડાક દિવસો પછી અને બધી પૂર્વ તૈયારી બાદ, મારા પતિ,  તેમના એ મિત્ર અને પોલિસ મદદ સાથે હું એ કોઠામાં ગઈ, અમે એ છોકરીને છોડાવી. મને એ ઘડી હજી પણ યાદ છે કે, ‘બીજી ૧૩ છોકરીઓએ પણ તેમને સાથે લઈ જવા કેટલી બધી કાકલૂદી અમને કરી હતી?’ પોલિસે કહ્યું કે, ‘જે છોકરી સાથે આ જનાબ લગ્ન કરવાના છે, તેને જ તમે સાથે લઈ જઈ શકો. બીજીઓને સાથે  લાવવા અમે તો મદદ કરીશું, પણ એમની જવાબદારી લેવાનું કામ ભયાનક જોખમવાળું છે.”

પણ બાલકૃષ્ણનું ખમીર જ અલગ ને? તે તો ચૌદે ચૌદ છોકરીઓને સાથે લઈ જઈને જ જંપ્યા. અમારા કાંદિવલી ખાતેના ઘરમાં જ અમે એમને આશરો આપ્યો. એમાંની મોટા ભાગની છોકરીઓ નેપાળની હતી. ત્યાંની સામાજિક સંસ્થા ‘મૈતી નેપાલ’ સાથની વાટાઘાટો બાદ, એમને પોતાના દેશમાં પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવામાં અમને સફળ નીવડ્યા.

એ દિવસથી જ અમારા આ જીવન કાર્યના શ્રીગણેશ મંડાઈ ગયા. મિલિટરીમાંથી રિટાયર થયા બાદ બાલકૃષ્ણ ઇલેક્ટ્રોનિક સામાનનો સ્ટોર ચલાવતા હતા. તેમણે એ બંધ કરવાનું નક્કી કર્યું અને પૂરો સમય આ કામને જ આગળ વધારવાનું નક્કી કરી દીધું. તેમણે મને કહ્યું, “તારી નોકરી તું ચાલુ રાખ. પત્રકાર હોવાના કારણે આપણા આ કામમાં એ બહુ જ કામમાં આવશે. હવેથી મારો બધો જ સમય અને શક્તિ આ કમભાગી છોકરીઓ માટે જ.” મારા પતિની આ ઉદાત્ત ભાવના જોઈ એમની પત્ની હોવા માટે મને ગૌરવ થયું.

એ જ સાલમાં આવા જ એક અભિયાનમાં આપઘાત  કરીને મૃત્યુ પામેલી એક વેશ્યાના ત્રણ જ મહિનાના પુત્રનો કબજો અમે લીધો હતો. એ વહાલસોયું બાળક મને એટલું બધું ગમી ગયું કે, અમે એને દત્તક લઈ લીધો. આજે યુવાન બની ગયેલો એ ‘લવ’ પણ અમારા આ યજ્ઞમાં જોડાઈ ગયો છે.

પછી તો અમે બન્ને આ કામમાં ગળાડૂબ ખૂંપી ગયા. અમારી અંગત હેસિયત અને ગાંઠના ગોપિચંદન કરીને આ યજ્ઞ અમે ત્રણ વર્ષ ચાલુ રાખ્યો. નેપાળ / ભુતાનની છોકરીઓ જ મોટા ભાગે હોવાના કારણે એમને પાછી એમના દેશ ભણી વિદાય કરવાનું ‘મૈતી નેપાલ’ના સહકારથી સરળ હતું. ત્રણ વર્ષ પછી, એ લોકોએ જ એમની શાખા મુંબાઈમાં શરૂ કરી, અને અમારા માથેથી ખર્ચનો બોજો ઊતરી ગયો.

પણ અમારું કામ તો ચાલુ જ રહ્યું – વધતું જ રહ્યું. થોડાંક વર્ષો બાદ ઘણા લોકોની આર્થિક મદદ મળતાં અમે અમારી પોતાની આવી સંસ્થા ‘Rescue Foundation’ શરૂ કરી શક્યા. પણ દસ વર્ષ સુધી અમારું ઘર એ પાંજરેથી છુટેલી ભોળી કબૂતરીઓ માટે ‘માનું ઘર’ બની ગયું.

ચૌદ ચૌદ વર્ષની અથાક અને જોખમી કામગીરીના પ્રતાપે ઊભા થઈ શકેલા સમ્પર્કોના કારણે ૨૦૦૭ની એ ઉજાગરા અને વેદનાથી ભરેલી રાતના બીજા જ દિવસે, ‘એ બે ભુતાની છોકરીઓને દિલ્હી સગે વગે કરી દેવામાં આવી છે.’ એવા વાવડ મને મળ્યા. મારા બે સ્ટાફના માણસોને મેં દિલ્હી મોકલ્યા અને દિલ્હીની પોલિસની મદદથી એ છોકરીઓને ત્યાંના કૂટણખાનામાંથી છોડાવી. એમની વિધવા માને પણ તે લોકો ભુતાનથી દિલ્હી લઈ આવ્યાં અને બન્ને છોકરીઓ તેને સહીસલામત સુપ્રત કરી દીધી.

એ ‘મા’એ દીકરીઓ પાછી અપાવવા માટે ગળગળા સાદે જે આશિષ અમારા કામને આપી હતી – તે અમને અત્યાર સુધીમાં મળેલ અનેક પ્રમાણપત્રો, પારિતોષિકો અને સુવર્ણ ચન્દ્રકો કરતાં વધારે કિમતી હતી. આ આખું અભિયાન નવેક મહિના ચાલ્યું હતું, પણ એના કારણે મારી હિમ્મત અને પહોંચ અનેકગણાં વધી ગયાં.

અમે શરૂ કરેલા આ માનવતા સભર અભિયાનના પ્રતાપે હજારો કમનસીબ સ્ત્રીઓ અને છોકરીઓ કમાટીપુરાના દોજખમાંથી અને બીજેથી છૂટી શકી છે. ૨૦૦૩માં એક ઉદાર સખાવતીએ કાંદિવલી ખાતેનું જ સાત માળનું એનું મકાન અમારા આ કામ માટે દાનમાં આપી દીધું. હવે છૂટકારો પામેલી છોકરીઓ અને સ્ત્રીઓનાં રહેઠાણ માટેનો પ્રશ્ન ઉકલી ગયો.

કમનસીબે બે જ વર્ષ બાદ બાલકૃષ્ણ રસ્તા પરના અકસ્માતમાં ગુજરી ગયા. અમારા દસ દસ વર્ષના આ અભિયાનમાં એમને જાન ગુમાવવાની સેંકડો ધમકીઓ મળી હતી. એમની ઉપર આક્ર્મક હુમલા પણ કરવામાં આવ્યા હતા. પણ કુદરતનો આ  આઘાત મારા માટે અસહ્ય હતો. ‘મિલિટરી દિમાગ અને શાર્રીરિક બાંધાના એ જવાંમર્દ જેવી તાકાત મારામાં શી રીતે આવશે? એકલા હાથે હું શી રીતે આ અત્યંત જોખમી કામ ચાલુ રાખી શકીશ?’ આવા વિચારોએ મારી કમર તોડી નાંખી. પણ ૧૨-૧૫ વર્ષની એ કૂમળી કળીઓને બદનામી અને એઈડ્ઝની જીવલેણ ત્સુનામીમાં ઉશેટી દેતી, આ પાશવી પ્રથાનો ખોફનાક પંજો મને દિવસ રાત પ્રેરતો રહ્યો. બાલકૃષ્ણનો એ પ્રતાપી અવાજ હજુ મને પ્રેરી રહ્યો છે,

“ત્રિવેણી! એક ને એક દિવસ આપણે મરવાનું જ છે. પણ જીવતે જીવ મરી રહેલી આ માસૂમિયતોને નવું જીવન આપીને આપણો હર એક દિવસ સીમા પર દેશને માટે જાનફેસાની કરતા સૈનિકની ખુમારીવાળો બની ગયો છે.”

અને એ આઘાત હું જીરવી ગઈ. પત્રકાર તરીકેની નોકરી મેં છોડી દીધી અને બમણી તાકાતથી મારી દીકરીઓને બચાવવાના કામમાં પૂર જોશથી જોટાઈ ગઈ. મારા જીવનના સૌથી મોટા આઘાતમાંથી આવી હજારો કૂમળી કબૂતરીઓના નિસાસાઓએ મને ફરીથી જાગૃત કરી દીધી. ‘મારું શોણિત, મારા શરીરનો એકે એક કોશ હવે આ કિશોરીઓ માટે જ છે.’ એ ધખારો મારો જીવન મંત્ર બની રહ્યો.

અમે વર્ષે ૩૦૦ છોકરીઓને બચાવી લઈએ છીએ. અમુક તો માંડ આઠ વર્ષની હોય છે. મારી એ દીકરીઓ મને જે વ્હાલથી બાથ ભરે છે. તે મારે માટે રણમાં મીઠી વીરડી જેવું હોય છે.

ત્રેવીસ વર્ષ પછી…

રેસ્ક્યુ ફાઉન્ડેશન પાસે કાંદિવલી, થાણે અને પુણે ખાતે આશરો આપવા માટે ત્રણ વિશાળ મકાનો છે. ૧૨૫ માણસોનો સ્ટાફ છે અને અગણિત માહિતી આપનારા, ઉદાર દાતાઓ અને પડદા પાછળથી મદદ કરનારાઓ પણ છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ સંસ્થાને ઉદાર ગ્રાન્ટ આપે છે. દિલ્હીમાં પણ એની શાખા શરૂ થઈ રહી છે. ખેતીની આવક, ડેરી પેદાશો અને આશરો લેતી સ્ત્રીઓએ બનાવેલ હસ્ત કારીગરીની પેદાશોના વેચાણમાંથી સંસ્થાએ પોતાની આવક પણ ઊભી કરી છે.

જ્યારે એ છોકરીઓ દોજખમાંથી છૂટીને આશરો લે છે ત્યારે એમની શારીરિક અને માનસિક હાલત બહુ જ અસ્વસ્થ અને ગંભીર હોય છે. આત્મહત્યા કરવામાંથી એમને ઉગારી લેવા માટે બહુ જ પાકટ અને પ્રેમભરી માવજત જરૂરી બની રહેતી હોય છે. અમુક ગર્ભવતી હોય છે. કાયદાના સહારે એ ગર્ભપાત કરાવી શકે છે. પણ ઘણી માની મમતાથી જન્મ આપે છે. એમાંના ઘણાં સુખી કુટુંબોમાં દત્તક સંતાન બની નવી જિંદગી શરૂ કરે છે. અમુક તો પરદેશ પણ પહોંચી જાય છે.

પણ ઘણી સ્ત્રીઓ બીજે સ્થાયી થવા છતાં, એમને ‘માના આ થાનક’માં મળેલ પ્રેમની શીતળતા એ નિર્દોષ સંતાન પર વરસાવતા રહેવાની હિમ્મત અને મમતા કેળવી શકી છે.

રેસ્ક્યુ ફાઉન્ડેશન / ત્રિવેણી આચાર્યને મળેલ એવોર્ડ –

●      Stree Shakti Award for Women Entrepreneurs in 2008. In 2011

●      Civil Courage Prize of The Train Foundation, awarded annually to those “who resolutely combat evil”.

●      Asia Democracy and Human Rights Award of the Taiwan Foundation for Democracy by Taiwanese president Ma Ying-Jeou in 2010

●      Humanitarian Honoree of World of Children Award in 2013.

ત્રિવેણીનો મન ગમતો શેર – જે એની દીકરીઓને અવાર નવાર સંભળાવતી રહે છે –

पोंछ कर अश्क अपनी आंखोंसे मुस्कराओ तो कोई बात बने ।


सर झुकानेसे कुछ नहीं होगा, सर ऊठाओ तो कोई बात बने ।

સંદર્ભ –

મૂળ લેખ

http://www.thebetterindia.com/77898/triveni-acharya-sex-trafficking-rescue-mumbai/

વિકીપિડિયા પર –

https://en.wikipedia.org/wiki/Kamathipura

https://en.wikipedia.org/wiki/Triveni_Acharya

http://www.rescuefoundation.net/index.php

https://www.youtube.com/watch?v=cShR7ArQRTU

e.mail : surpad2017@gmail.com

Loading

7 July 2022 admin
← અંગ્રેજી માતાનું મંદિર અને સરસ્વતીનાં મંદિરોમાં અંગ્રેજી
હિન્દુઓ રામ ભરોસે તો નથી છોડી દેવાયાને? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved