લખનૌની સી.બી.આઇ. અદાલતે બાબરી મસ્જિદ કેસમાં તમામ ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ઘણા મુસ્લિમો માટે જે બાબરી મસ્જિદની ‘શહીદી’ છે; ઘણા હિંદુઓ માટે જે બાબરી મસ્જિદનો વિધ્વંસ છે, સરકારી અને કાનૂની ભાષામાં જે વિવાદિત માળખાને અજાણી હિંસક ભીડ દ્વારા કે અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવાની ઘટના છે, તેના વિશે લાલકૃષ્ણ અડવાણીએ તેમની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઇફ’માં કરેલું આ વર્ણન અને વિશ્લેષણ.
અડવાણી આ ઘટનાના હવે નિર્દોષ ઠરેલા આરોપી, ચશ્મદીદ ગવાહ અને રામમંદિર આંદોલનના પ્રમુખ પાત્ર રહ્યા છે. તેમની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા “માય ક્ન્ટ્રી, માય લાઈફ”નો ૨૦૧૯માં અતિ નબળો ગુજરાતી અનુવાદ નામે, “મારો દેશ, મારું જીવન” પ્રગટ થયો હતો. તેનાં પૃષ્ઠ ૩૬૯થી પૃષ્ઠ ૩૭૩ વચ્ચેની સામગ્રીમાંથી સારવીને આ લખાણ તૈયાર કર્યું છે.
અગાઉ સર્વોચ્ચ અદાલતે અને આ વખતે લખનૌ કોર્ટે બાબરી મસ્જિદને તોડી પાડવા અંગે કરેલાં નિરીક્ષણો અને ટિપ્પણીઓ ઉપરાંત દેશની સંસદને અડવાણીએ અને સુપ્રીમ કોર્ટેને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કલ્યાણસિંઘે આપેલી, બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને કોઈ નુકસાન નહીં થાય તેવી બાંહેધરી છતાં છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડવામાં આવી. એ ઘટના અંગેનું અડવાણીનું આ બયાન છે, તે નોંધવું જોઈએ.
સ્વાભાવિક રીતે જ આ અડવાણીનું દૃષ્ટિબિંદુ છે અને તેમની દૃષ્ટિએ આલેખાયેલો ઘટનાક્રમ છે. તેની સાથે અસંમતિ હોઈ શકે. છતાં, તે દેશના સામાજિક પોત પર વિધ્વંસક અસર પાડનાર એક મહત્ત્વના બનાવ અંગે, તેની સાથે સંકળાયેલા એક મુખ્ય પાત્રનું બયાન છે, એ દૃષ્ટિએ તેનું ઐતિહાસિક મહત્ત્વ છે. તેને અહીં કશી વધારાની ટીકાટિપ્પણી વિના મૂક્યું છે.
— ચંદુ મહેરિયા
દેશના દરેક ખૂણેથી હિંદુઓ (રામ મંદિરના નિર્માણ માટે કારસેવા કરવા) અયોધ્યા તરફ આવી રહ્યા હતા. એમાં હિંદુ સમુદાયના દરેક વર્ગના લોકો સામેલ હતા એ સાચું, પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કહેવાતી પછાત જાતિઓના લોકોની સંખ્યા બ્રાહ્મણો અને કથિત ઉચ્ચ જાતિના લોકો કરતાં ઘણી વધારે હતી. છેક દક્ષિણના કેરળથી લઈને ઉત્તર-પૂર્વના અસમ સુધી, દૂરદૂરથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. પંજાબ અને દેશના અન્ય ભાગોમાંથી શીખ સમુદાયના લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નહોતી. આ બધા લોકો તેમની જાતે, સ્વચ્છાએ આવી રહ્યા હતા. રાજકીય પક્ષોની રેલીઓની જેમ તેમને બોલાવવા કે લાવવામાં આવ્યા નહોતા. અયોધ્યા પહોંચીને કારસેવા કરવાની સ્વાભાવિક ધાર્મિકતા અને સ્વૈચ્છિકતા અથવા સ્વયંસેવાની ભાવના તેમનામાં સ્પષ્ટ અનુભવાતી હતી.
જે ગામડાંમાંથી કારસેવકો આવ્યા હતા, ત્યાં તેમના પ્રસ્થાન સમયે મોટી સંખ્યામાં ભેગા થઈને લોકોએ સંયમપૂર્વક ”જયશ્રી રામ” અને ”સોગંધ રામકી ખાતેં હૈ, મંદિર વહી બનાયેંગે”ના સૂત્રોચ્ચાર સાથે તેમને વિદાય કર્યા હતા. રસ્તામાં તેઓ જ્યાંથી પણ પસાર થતા હતા, લોકો તેમની આરતી ઉતારતા અને તેમને ભોજનની સાથે સાથે અશીર્વાદ અને શુભેચ્છાઓ આપતા હતા. કારસેવકોમાં મહિલાઓ કરતાં પુરુષો વધારે હતા, પરંતુ તેમને સન્માનપૂર્વક અયોધ્યા માટે વિદાય કરવા અને રસ્તામાં તેમનું સ્વાગત કરવામાં મહિલાઓ મોખરે હતી.
આ રીતે જે પણ કારસેવક અયોધ્યા આવ્યો હતો તે પોતાની સાથે આખા દેશના હજારો લોકોની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ લઈને આવ્યો હોય તેવું દૃશ્ય હતું. આવું દૃશ્ય ભારતમાં અગાઉ ક્યારે ય જોવા મળ્યું નહોતું. હિંદુ સમાજમાં એકતાનો અભાવ અથવા ફાટફૂટને કારણે જે લોકો હંમેશાં ચિંતિત રહેતા હતા, તેમને આ અભૂતપૂર્વ દૃશ્ય જોઈને હાર્દિક પ્રસન્નતા થઈ રહી હતી. હિંદુ એકતાને મિથ્યા ગણાવતા, અયોધ્યામાં રામમંદિરના નિર્માણની માગને માત્ર ઉચ્ચ જાતિના હિંદુઓનું સમર્થન છે એવું કહેતા અને અયોધ્યા આંદોલન સંઘ પરિવારનું એક બનાવટી નાટક છે એવું માનતા અને કહેતા લોકો માટે આ બધું ચોંકાવનારું અને સ્તબ્ધ કરી દે તેવું હતું.
માનવ ઇતિહાસ સીધા માર્ગ પર બહુ ઓછો ચાલે છે. જનઆંદોલન ઘણુ્ં કરીને ઐતિહાસિક પરિવર્તન માટે એન્જિનની જેમ કામ કરે છે. નેતાઓ દ્વારા પહેલાંથી તૈયાર કરવામાં આવેલી પટકથા મુજબ તો તે ભાગ્યે જ આકાર લેતું હોય છે. અનેક વખત ઘટનાક્રમ અથવા પરિસ્થિતિ બધી રીતે અણધાર્યો વળાંક લઈ લે છે. પરિણામે અજુગતી ઘટના થઈ જાય છે. ઘણી વાર તે આપણને આઘાત તરીકે દેખાય છે, સાથોસાથ, આપણને લાગે છે કે આંદોલને એવું કંઈક કરી નાખ્યું છે, જેને પલટાવી અથવા બદલી શકાતું નથી. ભલે તે આંદોલનના નેતાઓ અને તેમના સમર્થકો માટે અપેક્ષિત અથવા વાંચ્છનીય ન હોય.
૬ ડિસેમ્બર, ૧૯૯૨એ અયોધ્યામાં જે કાંઈ પણ થયું, તે ઐતિહાસિક પરિવર્તનકારી ઘટનાઓની એવી જ અસાધારણ શ્રેણીમાં આવે છે. એક વિવાદિત મસ્જિદનું માળખું, જે ચારસો વર્ષથી એક પવિત્ર હિંદુ નગરના હ્રદયસ્થાન પર ઊભું હતું, એક એવું માળખું, જે પોતાની જગ્યાએ ઊભા રહીને આપણને રાષ્ટ્રીય પરાજય અને ધર્માંધતાની યાદ અપાવતું હતું, જેની ભૂમિ પાછી મેળવવા માટે હિંદુઓ લાંબી લડાઈ લડ્યા હતા, એ માળખું એક શક્તિશાળી જનાક્રોશના અગ્નિમાં બળીને ખતમ થઈ ગયું હતું.
પાંચમી ડિસેમ્બરે લખનૌમાં અંતિમ જાહેરસભાને સંબોધિત કરીને હું લગભગ અડધી રાતે અયોધ્યા પહોંચ્યો. રાત્રિનો બાકીનો સમય મેં જાનકી મહેલમાં પસાર કર્યો. જ્યારે પણ હું અયોધ્યા આવતો હતો, ત્યારે મોટે ભાગે જાનકી મહેલમાં જ રોકાતો હતો. છઠ્ઠી ડિસેમ્બરની સવારે મને, સરયૂ નદીના કિનારેથી લવાયેલી એક મુઠ્ઠી રેતીથી પ્રતીકાત્મક કારસેવા થવાની હતી, તે સ્થળે લઈ જવામાં આવ્યો. ત્યાંથી મને રામમંદિર આંદોલનના અન્ય નેતાઓ સાથે, રામકથા કુંજની છત પર બનાવવામાં આવેલા મંચ પર લઈ જવામાં આવ્યો. સવારના દસ કે સાડા દસના સુમારે મંચ પર નેતાઓનાં ભાષણો શરૂ થતાં પહેલાં જ કોઈએ આવીને અમને જણાવ્યું કે કારસેવકોનો એક નાનકડો જથ્થો વિવાદિત માળખાના એક ગુંબજ પર ચઢી ગયો છે. રામકથા કુંજની છત ઉપરથી તે ગુંબજ દેખાતો હતો. મેં પણ મારી આંખે આ દૃશ્ય જોઈને સમાચારની પુષ્ટિ કરી લીધી.
નેતાઓએ તરત લાઉડસ્પીકરના માધ્યમથી અનુરોધ કરવાની શરૂઆત કરી કે ‘ગુંબજની છત પર ચઢેલા કારસેવકો નીચે ઊતરી જાય.’ તેની કોઈ અસર થઈ નહીં. ઉપર ચઢનારા કારસેવકોની સંખ્યા વધતી જ જઈ રહી હતી. એ સમયે મેં જોયું કે તેમના હાથમાં કેટલાંક હથિયાર પણ હતાં, જેનાથી તેઓ ગુંબજ પર પ્રહાર કરી રહ્યા હતા. મારી સાથે મંચ પર હાજર અન્ય નેતાઓ પણ આ બધું જોઈને પરેશાન હતા. બધાને લાગ્યું કે કાંઈક ખોટું થઈ રહ્યું છે. હાજર બધા નેતાઓ સતત અપીલ કરી રહ્યા હતા કે કારસેવકો ત્યાંથી તાત્કાલિક નીચે ઊતરી જાય અને આયોજકોએ નિર્ધારિત કરેલી શિસ્તનું પાલન કરે.
મારું મન બહુ જ દુ:ખી થઈ ગયું હતું. ઘણી મુશ્કેલીથી હું બોલી રહ્યો હતો. સંઘના વરિષ્ઠ હોદ્દેદાર એચ.વી. શેષાદ્રી પણ ત્યાં હાજર હતા. તે અનેક ભાષાઓ જાણતા હતા અને બધી ભાષાઓમાં તેમણે કારસેવકોને નીચે ઊતરવા માટે અનુરોધ કર્યો, કારણ કે જેમણે આવી રીતે કાયદાને પોતાના હાથમાં લઈ લીધો, તે લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા. તેની કશી ખબર ન હતી. આંદોલનનાં એક પ્રતિષ્ઠિત નેતા રાજમાતા વિજયારાજે સિંધિયાએ ભાવુકતાપૂર્વક અનુરોધ કર્યો કે,”હું તમારી મા જેવી છું. તમને મા તરીકે આવું બધું ન કરવાનો આગ્રહ કરું છું.” આ અનુરોધો અને આગ્રહથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે જે પણ થઈ રહ્યું હતું, તે આંદોલનના ઉદ્દેશ અને સિદ્ધાંતોથી વિરુદ્ધ હતું.
પરંતુ આ વિનંતીઓની અસર થઈ નહીં. મેં સાધ્વી ઉમા ભારતીને કહ્યું કે તમે જાતે ત્યાં જાવ અને ઉપર ચઢેલા કારસેવકોને નીચે આવવા માટે અનુરોધ કરો. તેઓ ત્યાં ગયાં અને લગભગ ૪૫ મિનિટ પછી પાછાં આવીને જણાવ્યું કે કેટલાક કારસેવકોએ તો મારી વાત સાંભળી, પણ મોટા ભાગનાએ મારી વાત ધ્યાને લીધી નથી. તેમનાં કહ્યા મુજબ, ગુંબજ પર ચઢેલા કારસેવકો મરાઠી ભાષા બોલી રહ્યા હતા. તેથી મેં લખનૌથી મારી સાથે આવેલા પ્રમોદ મહાજનને નીચે જઈને બધું અટકાવવા કહ્યું. પ્રમોદ મહાજન ગયા અને થોડીવારમાં પાછા આવી ગયા. તેમનો અનુભવ ઉમા ભારતીના અનુભવથી અલગ નહોતો. મારી સુરક્ષાનાં પ્રભારી મહિલા અધિકારીને મેં જ્યાં તોડફોડ થઈ રહી છે, તે જગ્યા સુધી મારી સાથે આવવા કહ્યું. ત્યારે તેમના જવાબથી હું અચંબિત થઈ ગયો કે ‘હું તમારી સુરક્ષાની પ્રભારી છું. એટલે ત્યાં જવાની તમારી વાત સાથે સંમત નથી’. વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલ પણ તોડફોડ અટકાવવા માટે સ્થળ પર પહોંચવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈએ આવીને મને જણાવ્યું કે જ્યારે અશોક સિંઘલ કારસેવકોને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કલ્યાણસિંઘ સાથે લખનૌ વાત કરાવવા મેં મહિલા પોલીસ અધિકારીને કહ્યું. અમે મંચ પરથી નીચે ઉતર્યાં અને ટેલિફોનની શોધમાં લાગી ગયાં. એક ટેલિફોન મળ્યો પણ ખરો, પરંતુ લખનૌ સંપર્ક ન થઈ શક્યો. હું ટેલિફોન પાસે હતો, ત્યારે જ ‘ધડામ’નો અવાજ સંભળાયો. અને પછી મને કોઈએ આવીને જણાવ્યું કે એક ગુંબજ પાડી દેવામાં આવ્યો છે. હું દોડતો રામકથા કુંજની છત પર પાછો પહોંચ્યો. તે સમયે જે કાંઈ મેં જોયું, તે મારા માનસપટ પર આજે ય અંકિત છે. મંચ પર જેટલા પણ નેતા હાજર હતા, તે બધા આ અણધારી ઘટનાથી આઘાત પામી ગયા હતા. પરંતુ ત્યાં હાજર કારસેવકોના ચહેરાઓ પર બિલકુલ અલગ ભાવ હતા. તેમને જાણે કે નિરાંત થઈ હતી. તેમાંથી કેટલાક ખુશીના માર્યા ઉછળી રહ્યા હતા. થોડી જ વાર પછી બીજો ગુંબજ પાડી દેવામાં આવ્યો અને તે પછી ત્રીજો ગુંબજ પણ ધડામ કરતો નીચે પડી ગયો. હવે તો મંચ પર હાજર કેટલાક નેતાઓ પણ કારસેવકોની ખુશીથી પ્રભાવિત થવા લાગ્યા હતા. એ સમયે એક વ્યક્તિ આવીને મીઠાઈ વહેંચવા લાગી. મેં કહ્યું, ”નહીં, આજે હું મીઠાઈ નહીં ખાઉં.“ એટલામાં મને લખનૌ સાથે સંપર્ક થઈ ગયાનો સંદેશ મળ્યો. હું મુખ્ય પ્રધાન સાથે વાત કરવા માટે નીચે ઉતર્યો. માળખું પાડી દેવા વિશે તેમને ખબર મળી ગઈ હતી. મુખ્ય પ્રધાન કલ્યાણસિંઘ સાથે મારી જે વાતચીત થઈ, તેનો સાર એ હતો કે તેમની સરકાર સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલ પોતાના આશ્વાસન (મસ્જિદના વિવાદિત માળખાને અસર નહીં થાય) પર કાયમ ન રહી શકી, એટલા માટે તેમણે હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ એ માટે રાજી થઈ ગયા.
હું અત્યંત દુ:ખ અને અસહાયતા અનુભવી રહ્યો હતો. મારી મનોદશા સમજીને જ પ્રમોદ મહાજને કહ્યું કે, “અડવાણીજી, જો તમે અહીં વધારે સમય રોકાશો તો તમને હજુ વધારે પીડા થશે. એટલે ચાલો, લખનૌ જતા રહીએ.” એટલે સાંજે છ વાગ્યાની આસપાસ અમે લખનૌ માટે રવાના થઈ ગયા. મેં મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો હતો કે હું પણ લોક સભાના વિરોધપક્ષના નેતાના મારા એક માત્ર આધિકારિક હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ. લખનૌ પહોંચતા મેં લોક સભા અધ્યક્ષને રાજીનામું ફૅક્સ કરી દીધું હતું.
અયોધ્યાથી લખનૌની ૧૩૫ કિલોમીટરની યાત્રા દરમિયાન રસ્તામાં થયેલો એક અનુભવ મને આજે ય બરાબર યાદ છે. રસ્તામાં મેં જોયું કે કડક સુરક્ષા વ્યવસ્થા છતાં લોકો ઠેકઠેકાણે આનંદ સાથે ઉજવણી કરી રહ્યા હતા. અયોધ્યાથી રવાના થયાના અડધા કલાકમાં જ રસ્તામાં પોલીસે મારી કાર અટકાવી. કારમાં મને અને પ્રમોદ મહાજનને જોઈને ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ પોલીસ અધિકારી અમારી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા, ‘અડવાણીજી, કાંઈ બચ્યું તો નથીને? બિલકુલ સાફ કરી નાંખ્યું ને?“ આ બાબત હું એ સ્પષ્ટ કરવા માટે કહી રહ્યો છું કે અયોધ્યાની દુ:ખદ ઘટના પછી સામાન્ય લોકોની સાથે સરકારી અધિકારીઓમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.
(લાલકૃષ્ણ અડવાણીની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઇફ’ના ગુજરાતી અનુવાદમાંથી સારવીને)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 02-04