સરકારને અણગમતાં સમાચાર-મથાળાં બદલી કાઢવાની આવડતના મામલે નરેન્દ્ર મોદી સરકારની હરીફાઈ કોઈ કરી શકે તેમ નથી. ‘વંદે ભારત’ મિશન તેનું તાજું ઉદાહરણ છે. તેનાથી હાલના ઉદાસીન માહોલમાં નવી ઉત્તેજનાનો સંચાર થયો છે. દુનિયાભરના દેશોએ અન્ય દેશોમાં અટવાયેલા પોતાના નાગરિકોને — વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને કુટુંબોને — સ્વદેશ પાછા લાવવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. પરંતુ ફક્ત ભારત એક એવો દેશ છે, જેણે આ પ્રવૃત્તિને પણ એક ઇવેન્ટનું સ્વરૂપ આપ્યું છે. નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિમાં આ બરાબર બંધ બેસે છે. કેમ કે, આ ઇવેન્ટથી મીડિયાનાં મથાળાં અને સોશિયલ મીડિયાના હૅશટૅગ સરકારી પ્રયાસોનાં ઉજવણાંમાં જોડાઈ ગયાં છે. તેમાં ટી.વી. ચૅનલો અને ભા.જ.પ.નો આઇ.ટી. સેલ ભળે પછી શું બાકી રહે?
સરકારપ્રેમી ચૅનલો આ ઇવેન્ટને કેવી રીતે દેખાડી રહી છે તેનો એક નમૂનોઃ ઉત્તેજનાપૂર્ણ સંગીત સાથે વિમાન ઉપડે છે. ૭૮૧ ભારતીયો સ્વદેશ પાછા ફર્યા તેની એ ઉજવણી છે — કેમ જાણે તે (પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરનાં) મુઝફ્ફરાબાદ કે સ્કાર્દુ આઝાદ કરાવીને પાછા આવતા હોય. મંત્રીઓ આ સિદ્ધિનાં ગુણગાન ગાઈ રહ્યા છે — કેમ જાણે, આ લોકોને મોતના મોમાંથી ઉગારી લેવાયાં હોય. આટલી હાસ્યાસ્પદતા ઓછી હોય તેમ, ભારતનાં આ માનવંતાં સંતાનોને ક્વૉરન્ટીનમાં રાખવા માટે કેવી મસ્ત હૉટેલોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેની સ્ટોરી આખો દિવસ ચાલુ રહે છે. સાથોસાથ, આપણને એ પણ યાદ કરાવી દેવાય છે કે આ બધું મફત નથી. એ લોકો આ સેવાઓના રૂપિયા ચૂકવશે. હા, ભાઈ. કારણ કે તેમને પોસાય છે. એ તો ભગવાનનાં પહેલા ખોળાનાં છે ને. ૧.૩૮ અબજ ભારતીયો તો પહેલા ખોળાનાં શી રીતે હોઈ શકે? બિચારા ભગવાનનો તો વિચાર કરો. એટલે, તેમણે સૌથી વધુ લાયક લોકોને પોતાની કૃપા માટે પસંદ કર્યાં છે.
આ આધુનિક, નવતર ભારતનો મિજાજ છે. પેલું શું કહે છે? વિશ્વગુરુ. માટે, બધા એકત્ર થાવ અને ‘વંદે ભારત મિશન’ને સલામ કરો. અને હા, છાલાવાળા પગે ને ખાલી પેટે, સ્વાગત સમિતિ કે ટ્વીટર-આવકાર કે ક્વૉરન્ટીનની સુવિધા વિના કે દોઢ-દોઢ મહિનાથી ટ્રેન કે બસની સુવિધા વિના, સેંકડો કિલોમીટર ચાલીને ઘરે જતાં પેલા હજારો-લાખો ભારતીયોની મામૂલી વાતને બહુ ગણકારતાં નહીં. ભાડું આપવાનું તો એ લોકો પણ કહેતાં હતાં. છતાં એ તો ચાલ્યા કરે.
‘ધ પ્રિન્ટ’માથી સાભાર, લેખનો અંશ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020