
હેમન્તકુમાર શાહ
લોકસભાની ચૂંટણી પછી ૧૯૯૬માં વાજપેયીના નેતૃત્વ હેઠળ, ભા.જ.પ.ની નેતાગીરી હેઠળની ગઠબંધન સરકાર પ્રથમ વાર બની હતી. તે સમયે રાષ્ટ્રપતિ હતા શંકર દયાલ શર્મા. તેમણે વાજપેયીને સરકાર રચવા એટલે નિમંત્રણ આપેલું કે ભા.જ.પ. સૌથી મોટો પક્ષ બનેલો લોકસભાની ચૂંટણીમાં. શર્માએ લોકસભામાં બહુમતી પુરવાર કરવા વાજપેયીને જણાવ્યું હતું.
પરંતુ વાજપેયી લોકસભામાં પોતાની બહુમતી પુરવાર કરી શક્યા નહોતા. એટલે માત્ર ૧૩ દિવસ વડા પ્રધાનપદે રહીને વાજપેયીને રાજીનામું આપવું પડ્યું હતું.
ફક્ત ૧૩ દિવસ ચાલેલી સરકારે તેની પહેલી જૂનની પહેલી અને છેલ્લી કેબિનેટ બેઠકમાં બે જ કામ કરેલાં:
(૧) સરકારના રાજીનામા અંગેનો ઠરાવ કરવો.
(૨) અમેરિકાની એનરોન કંપનીને મહારાષ્ટ્રમાં દાભોલ ખાતે પાવર પ્લાન્ટ માટે મંજૂરી આપવી.
વાજપેયીને ત્યારની એક માત્ર કેબિનેટ બેઠકમાં એનરોન કંપનીને પાવર પ્લાન્ટ નાખવાની મંજૂરી આપવા સિવાય બીજું કોઈ કામ દેશ માટે મહત્ત્વનું લાગ્યું જ નહોતું! આ હતી વાજપેયીની સ્વદેશી માટેની અટલ ભક્તિ.
તે સમયે RSSના સ્વદેશી જાગરણ મંચની સ્થાપના થઈ ગયેલી અને નરસિંહરાવની સરકાર સામે મંચે સ્વદેશી આંદોલનનું બ્યૂગલ ફૂંકેલું હતું. તેમ છતાં વાજપેયીના આ નિર્ણય સામે RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કોઈ જાહેર નિવેદન અપાયું હોવાનું જાણમાં નથી. વાજપેયી RSSના પ્રચારક હતા. તેઓ ૧૯૯૮માં ફરી વડા પ્રધાન થયેલા અને ૨૦૦૪ સુધી વડા પ્રધાનપદે રહેલા. આવા વિદેશી કંપનીના ભક્ત વાજપેયીને RSSનું સંપૂર્ણ સમર્થન હતું જ છ વર્ષ.
જો મનમોહનસિંહે વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવેલી એમ કહીએ તો એમ પણ કહેવાય કે વાજપેયી તો એ લાલ જાજમ પર વિદેશી કંપનીઓને આવકારવા દોડેલા! આ ઇતિહાસ છે અને આંકડાઓ સાથે પુરવાર થઈ શકે તેમ છે.
એક બીજો પ્રસંગ. વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના માટે ૧૯૯૪ની ૧૪-૧૫ એપ્રિલ દરમ્યાન મોરક્કોના શહેર મારાકેશમાં મીટિંગ મળેલી. નરસિંહરાવના વાણિજ્ય પ્રધાન તરીકે પ્રણવ મુખર્જી ત્યાં સહી કરવા ગયેલા.
તેના બરાબર એક સપ્તાહ પહેલાં એટલે કે ૮ એપ્રિલ, ૧૯૯૪ના રોજ દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં વાજપેયીએ એમ કહેલું કે, “જો ભા.જ.પ. સત્તા પર આવશે તો ભારત WTOમાંથી બહાર નીકળી જશે.”
પછી વાજપેયી ૧૯૯૮-૨૦૦૪ છ વર્ષ વડા પ્રધાન રહ્યા, પણ તેઓ આ બોલેલું ભૂલી ગયેલા. તેઓ તો ભૂલી જાય કારણ કે કવિ હતા! RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કવિ વડા પ્રધાનને તેમનું વચન યાદ અપાવવામાં આવ્યું હોય એવું પણ મને યાદ નથી. હું કવિ નથી એટલે મને વાજપેયીનું કથન હજુ યાદ છે.
આ બંને પ્રસંગો એમ બતાવે છે કે ભા.જ.પ.ને વિદેશી કંપનીઓ કેટલી વહાલી છે. સ્વદેશી જાગરણ મંચ હજુ છે જ, અને નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનું ગાયન ગાવાનું અને વિદેશી કંપનીઓને બોલાવવાનું એમ બે કામો સાથે કરે છે!
જેમનામાં બુદ્ધિ હોય એમણે આ બે હકીકતો સ્વીકારવી. અંધ ભક્તોને કોઈ હકીકતો ન દેખાય એ સ્વાભાવિક છે.
તા.૨૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર