Opinion Magazine
Number of visits: 9448573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વહીવટ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|18 May 2017

ઓફિસમાં પગ મૂકતાં જ શાહની નજર ખૂણાના ટેબલ પર જામેલી ધૂળની પરત પર પડી. વાંકા વળી પાકીટ મૂકવા ખાનું ઉઘાડવા જતા હતા ને આમ બન્યું. રાબેતા મુજબ એમનો પિત્તો ઉછળ્યો. ‘કેશલા …’ પહેલા ઊંચા અવાજે, પછી દીવાલો ફાંદે એવા બરાડો. એના પડઘા શમે એ પહેલાં કેશાજી ખંધુ હસતો પ્રવેશ્યો.

‘આ ટેબલ જો. ભાન નથી પડતું, સાલા ડફોળ.’ શાહે હાથ ઉગામવા જેવુ કરતાં એની સામે ડોળા કકળાવ્યા.

‘ઓહો … ઈમા તો શું થઈ જયું, સાયેબ ઓંમ તપી જ્યા.’

‘આ ધૂળ સાફ કર પહેલાં, જલદી.’

‘અબઘડી. જો ક મીં નાગરિયા ન કીધેલું ક સાયેબનું ટેબલ સાફ જોશ્યે પણ … કોંય વૉંધો નઇ આ થૈ જયુ લો’ કહી કેશાજીએ ટેબલ નીચેથી કપડું કાઢ્યું.

શાહની આંખો ચાર થઇ, ‘નાલાયક, તારા ગાભા મારા ટેબલ નીચે સંતાડે છે?’ સવાલ સાથે ખુરશીના પાયા તરફ ઇશારો કર્યો. બધું બરાબર સાફ કરી કેશાજી બહાર નીકળ્યો પછી સંતોષનું સ્મિત કરતાં  શાહે બેઠક લીધી. આંખો બંધ કરી બે ત્રણ વાર  ટેબલને હાથ અડાડી આંખે, છાતીએ અડકાડ્યો અને ભગવાનને રીઝવ્યાના આનંદ સાથે ખિસ્સામાંથી ચાવી કાઢી તિજોરી ઊઘાડી. ફાઈલોનો થોકડો ઉઠાવી ટેબલ પર ગોઠવ્યો અને કામગીરી શરૂ કરી.

એક કાગળ અડધો ય નહિ વંચાયો હોય ત્યાં જુનિયર કારકૂન સોલંકી પ્રવેશ્યો. શાહને બેઠેલા જોઇ એના ચહેરા પર ગભરાટ છવાયો. ‘ગુડ મોર્નિંગ સર’ એણે સંકોચાતા હાથે ખુરશી ખેસવી. શાહે બે વખત ઘડિયાળમા જોયું ને વિજેતા નજર સોલંકી પર ઠેરવી. સોલંકી માયકાંગલું મલકાયો. શાહે થપ્પીમાંથી ત્રણ ફાઇલો ઉઠાવી સોલંકી તરફ અંબાવી.

શાહ જિલ્લા ક્ષય કેન્દ્રમાં સીનિયર ક્લાર્ક હતા. એ તો એમનો સરકારી હોદ્દો વાસ્તવમાં એ કચેરીના સર્વેસર્વા હતા. એક બે નર્સ અને અધિકારીઓ સિવાય ભાગ્યે જ કોઇને એમનું  સ્મિત લભ્ય હતું. જો કે એમને દૂર રાખવા કે ઉવેખવા કોઇ કર્મચારીને ચાલે એમ નહોતું.

જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ચત્રભુજ અને તબીબી અધિકારી ડૉ. બારડ શાહની કોઇ પણ કામના ઝડપી નિકાલની વહીવટી આવડતથી ખુશ હતા. શાહ થોડા આકરા છે, પણ વહીવટમાં તો કડક માણસો જ ચાલે એવી એ વાતે બન્ને સહમત હતા.

શાહનું વાઘ જેવું ખૂંખારપણું  અરુણાબહેનને બહુ જ ગમતું. શાહ કોઈ વાર ગંદી ગાળ બોલે ત્યારે એ આડા મરકાટથી વધાવી લેતાં, ‘શરમાવ હવે ઘેર છોકરી પરણાવવા જેવડી થઈ તો ય લાજ નથી, કેમ?’શાહ ખડખડાટ હસી પડતા. એકલા હોત તો ચોક્કસ કશોક બિભત્સ ચાળો કર્યા વિના ન રહ્યા હોત.

જો કે કારકૂની તો શાહની શોખની ચીજ હતી ખાનગીમાં છડેચોક ચાલતો ધીરધારનો ધંધો એમની આગવી ઓળખ હતી. મોટા ભાગના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય અમુક અધિકારીઓ અને જૂના નવા બન્ને સચિવાલયના કર્મચારીઓ એમના ઘરાક હતા.

શાહે સાચવી ને મુદતબંધી ઊઘરાણી જોઇ લીધી અને બપોર પછી ફરવાની યાદી બનાવી લીધી. આ યાદી એ કાયમ ઉપલા ખીસામાં રાખતા, જ્યારે ઓફિસના “બાકી કામો”ની યાદી  ટેબલના જમણાં ખાનાંમાં. એમણે હળવેથી ખાનું ખોલી યાદીમાં લખી રાખેલી વિગતમાંથી એક પસંદ કરી, સોલંકી પાસે ઉઘરાણી કરી. સોલંકી ગભરાઈ ગયો. આ રિપોર્ટ તો ધ્યાનમાં જ નહોતો. અહીં બત્રીસ માણસોના મહેકમમાં એક જુનિયર ક્લાર્ક! એકલો જીવ કેટલે પહોંચે? શાહ ને હાળાને કેટલું યાદ રે‘ છે! કોઈ સસલું જુએ એમ શાહને જોઇ એણે નિકાલ કરેલી ફાઈલો લંબાવી બોલ્યો,‘ બસ એક જ રિપોર્ટ મંગાવવો રહી ગયો, સર.’

‘એમ? એટલે મેં સોપેલું કામ વિસાતમાં જ નહિ બરબરને?’

“ના જી, એવું નથી.’

'તો કેવું છે, ભાઇ? ટી.એ બીલો વગર સૂચનાએ ચકાસાઇને સહીમાં મૂકાઈ જાય ને નિયામકને મોકલવાની માહિતી ટલ્લે ચડે કેમ?’ સોલંકીથી સાવ ધીમા અવાજે કશુંક બબડાઇ ગયું.

બસ આટલું જ જોઇતું હતું. ચત્રભુજ સાહેબ દર્દીઓ તપાસવામાં વ્યસ્ત હતા ત્યાં તડાફડી થઈ. કેશાજી અંદર આવ્યો.

શાહના ગોળીની જેમ વછૂટતા શબ્દો ને લાંબાટૂંકા થતા હાથ સામે પાણીનો પ્યાલો મૂકી બોલ્યો,

‘સાયેબ બોલાવે, અરજંટ.’

‘આવે છે. કહી દે.’ કેશાજી આવ્યો એવો પાછો વળ્યો.

‘સાહેબને ય ધંધો નથી આયા નથી કે શાહભાઈ.’ બબડી સોલંકી તરફ “જોયું!”ની મગરૂબી ભરી નજર નાંખી ‘તું ફાઈલ કાઢને પટેલ પાસેથી માહિતી લઇ લે.’ કહેતાં શાહે ફાઈલો ઉઠાવી ખભો ઊંચો કર્યો ને બહાર નીકળ્યા.

ટેબલ પર ફાઈલો ગોઠવી સાહેબ સામે ઊભા રહ્યા. ડૉ. ચત્રભુજ શાહને બેસવા ઈશારો કરી દરદી તરફ ફર્યા, ‘ફોટામાં સુધારો દેખાય છે પણ ગળફાનો રિપોર્ટ જોવો પડશે. બહાર ગળફો તપાસવા આપી દો. રિપોર્ટ જોઇને આગળની સારવાર કરીએ બરાબરને?’ દરદી માથું હલાવી વંદન કરવા જેવું કરી બહાર નીકળ્યો.

‘શું હતું, કેમ વાતાવરણ ગરમ  થઇ ગયું?’

‘જવા દો ને સાહેબ, સોલંકીનો કકળાટ. આ લોકોને કામ કરવું નહિ ને લાભો લેવા બીજું શું? હું એકલે હાથે કેટલું કરું? એને કામચોરી છે, સાહેબ, કામ માંગીએ એના અખાડા.’

‘સરકારમાં તો બધું એમ જ ચાલે. તમારે ટેન્શન ના રાખવું. કશું અરજન્ટ હતું.’

અરજન્ટ હોય એટલે જ ને. સમયસર માહિતી રવાના ન થાય એટલે નાયબ નિયામકવાળાઓ આપણને પૂછે. લેબોરેટરીની માહિતી માંગ્યે પંદર દિવસ થયા. પટેલના પેટનું પાણીએ હાલતું નથી.’

‘એમ વાત છે? લાવો, પૂછી લઈએ.’ કહી સાહેબે કોલબેલ દબાવી, શાહ જેમ પાનું ફેરવે એમ સહી કરવા માંડી.

કેશાજી પ્રવેશ્યો. ચાના કપ મૂકી ઊભો રહ્યો. શાહે ભ્રમર ઊંચકી લેબોરેટરી ભણી ઇશારો કરતાં પૂછ્યું, ‘રિપોર્ટ આપ્યો પટેલે?’

’ના જી, સાયેબ.‘

‘જોયું સાહેબ, પટેલ માહિતી આપવાની ના પાડે છે, શું કરીએ હવે આપ જ કહો.’

ચાનો કપ લેતા સાહેબે પટેલને બોલાવવાની સૂચના આપી.

‘આ જ મુસીબત છે, સાહેબ.’ શાહ આગળ બોલે એ પહેલાં પટેલે પૂછ્યું ‘અંદર આવું સાહેબ?’ સાહેબનું મસ્તક હકારમાં  હલ્યું. પટેલ આવી અદબભેર ઊભા.

‘તમે માહિતી કેમ નથી આપતા, ભાઈ? અરજન્સી તો સમજવી જોઈએને.’

‘હા જી સાહેબ, પણ ઓ.પી.ડી એટલી હેવી છે, એક બાજુ સ્ટેઇન ઉકળવા મૂક્યું છે. હવે રિપોર્ટ બનાવું કે આ કરું?’

શાહનું માથું ઠનક્યું. વરાળ એન્જિન વરાળ છોડે એમ એમનાથી શ્વાસ છોડાઈ ગયો, ‘તો પછી મારે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી?’

‘શાહભાઇ, એ માહિતી એટલી અગત્યની નથી તમે ખોટી ઉતાવળ કરો છો.’

‘તો અગત્યનું શું છે?’ પૂછી શાહે સાહેબ સામે જોયું.

‘મારું કામ. બહાર દરદીઓ લાઈન લગાવીને બેઠાં છે.’

‘તમે એક જ કામગરા છો? મારા કામ માટે લાઇનમાં આવવાનું છે, એમને?’ કહેતાં શાહ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. બે વખત ખભો ઝાટક્યો.

‘તમારું કામ તો જગજાહેર છે.’ પટેલ ગુસ્સામાં ઊંચા હાથે હથેળી હવામાં ફેલાવતાં બોલી ઉઠ્યા.

પટેલના શબ્દો શાહને સોંસરવા વાગ્યા. પ્રેશર કુકરમાં વરાળનુ દબાણ વધતાં સીટી ઉંચકાય એમ શાહના ભવાં ઉંચકાયા.

‘પટેલ, વધારે પડતી હોંશિયારી  રહેવા દેજો. સાહેબ સામે મર્યાદામાં જ રહેવાનું.’

‘હું મર્યાદા તોડતો જ નથી તમે કાલના હેરાન કરો છો. એક સામાન્ય રિપોર્ટ માટે કેટલી ઊઘરાણી કરી?’

‘તે કરવી પડે, વહીવટ અમસ્તો ચાલે છે?’

‘હા, ખબર છે તમારા વહીવટની.’

બસ. શાહના મર્મ પર પ્રહાર થયો. ખુરશીમાંથી ધૂંધવાતા ઊઠીને પટેલ સામે આવી ઊભા.

‘ક્યો વહીવટ?’

પટેલના મોંમાં હતું “ધીરધારનો” પણ સાહેબની સામે જોઇ એણે ગળી ખાધું. ‘સૉરી.’ કહી સાહેબ સામે હું જાઉં? રીતે જોયું  સંમતિ જોઈ બહાર નીકળ્યો.

બહાર આવ્યો ને ચારેક દરદીઓએ એને ઘેર્યો, ‘ સાહેબ રિપોર્ટ આલો છો?’

“રિપોર્ટ” શબ્દ કાને અથડાતાં જ પટેલ જાત પરનો કાબૂ ગુમાવી બેઠો. એનું ગુસ્સાભર્યું વલણ જોઇ એક ગ્રેજ્યુએટ દરદી આગળ આવ્યો, ‘ તમે આવી રીતે કેમ જવાબ આપો છો? દરદીઓ સાથે નમ્રતાથી વર્તવાનો કાયદો છે, સાહેબ.’

‘જુઓ, હું બેસી નથી રહ્યો, કેટલા, ચાર હાથ કરું? એક તો તમે તમારી નવરાશે આવો ને પછી ઉતાવળ કરો. અમારે તમે કો' એમ કરવાનું છે? મળશે રિપોર્ટ. પેલું વળી એના વહીવટની દાટી આપે ને તમે કાયદા બતાવો છો?’

બરાબર એ જ વખતે શાહ ચેમ્બરમાંથી બહાર આવ્યા. પોતાના માટે વપરાયેલો વિશિષ્ટ જાતિ પ્રયોગ સાંભળી એ રુંવે રુંવે બળી ઉઠ્યા. એમણે આગળ આવી પટેલનો ખભો પકડ્યો, ‘બધું દોઢ ડહાપણ રહેવા દો, પટેલ, તાત્કાલિક રિપોર્ટ આપી દો.’

પટેલ એક બાજુ દરદીઓનું ટોળું, બીજી શાહની ખભા પરની ભીંસ અને ત્રીજી કેશાજીની ઉપાલંભ ભરી નજર જોતો અંકુશ ગુમાવી બેસી રાડ પાડી બેઠો.

]‘છોડો મને, નહિ મળે રિપોર્ટ બિપોર્ટ, જાવ અહીંથી. કરી ખાવ વહીવટ. નહિ આપું રિપોર્ટ. થાય એ કરી લો. જાવ.’

ત્યાં એની નજર ચેમ્બરના દરવાજે ઊભેલા  ડૉ. ચત્રભુજ પર પડી. એણે ખીસામાંથી રૂમાલ કાઢી મોં લૂછતાં ને ઊંડો શ્વાસ લીધો.

અવાચક્ ડૉ. ચત્રભુજ એ દરમ્યાનમાં સ્વસ્થ થઇ ગયા હતા.  એમણે, ‘કેશાજી, ખસેડો બધાંને અને  શાહભાઇ અને પટેલભાઇને પાણી આપો’  કહી ભીડ ખસેડવા ઈશારો કર્યો.

શાહ તરત એમની તરફ ધસ્યા, ‘જોયું સાહેબ … પટેલે કેવું કર્યું.’

‘આવો તમે શાંતિથી બેસો પહેલાં.’ શાહ સાહેબની ચેમ્બરને બદલે પોતાની ખુરશીમાં આવીને બેઠા. આંખો બંધ કરી પણ એમના મગજ પર પટેલના બોલાયેલા વાક્યો, ખાસ તો થયેલી અવહેલના અને અપમાન થડાક થડાક અથડાતાં હતાં …. એ ક્રોધથી ધ્રજતાં વિચારતા હતા, સાલો ગબલો! શું સમજે છે એના મનમાં? આટલી હિમ્મત? આજે એ બોલ્યો, કાલે કેશલો બોલે … ના. તું મને ચેલેન્જ કરે છે એમ? વહીવટનું ભાન તો હવે તને હું કરાવીશ. એ કેશાજીએ ધરેલું પાણી એકીશ્વાસે પી ગયા. લડવૈયો યુદ્ધે ચડતાં પહેલાં હથિયારને પાણી ચડાવે એમ પેનને બે ત્રણ વખત ટેબલની કિનારે ઘસી મનોમન મુસદ્દો ઘડ્યો ને કાગળ પર “સાદર રજૂ” લખી નીચે લીટી દોરી. લીટી બે વાર ઘૂંટતા લેબોરેટરી ટેકનીશિયનના ગળા પર છરી ફેરવતો હોય એવી મજા આવી. લેબોરટરીની માસિક કામગીરીના રિપોર્ટની અગત્યતા, ઓફિસ દ્વારા વારંવાર માંગણી છતાં માહિતી આપવાનો ઈનકાર. અધિકારીની રૂબરૂ સૂચનાનો સુધ્ધાં અનાદર. પટેલની અપમાનજનક વર્તણૂક, ક્રોધ સાથે અભદ્ર શબ્દો વાપરવા, રાજ્યપત્રિત અધિકારી સમક્ષ બિભત્સ ઇશારા સાથે થાય એ કરી લેવાની ધમકી બધું વણી લઇ વ્વસ્થિત નોંધ લખી.  સંતોષ ન થતાં બીજી વાર લખી બે વાર ખભો ઝાટક્યો. ભવાં ઉંચકાયાં. સોલંકી પગાર બીલો બનાવતાં છાની આંખે સઘળું જોઇ રહ્યો હતો. શાહે એની તરફ કાગળ લંબાવ્યો. ‘જા આપ સાહેબના હાથમાં, કે‘ જે  શેરો મારવા કહ્યું છે મેં.’

સોલંકી ગયો કે તરત પાછો આવ્યો.

‘કેમ પાછો આવ્યો? ઊભા ન રહેવાય?’

‘સાહેબ દરદીઓ તપાસે છે.’

શાહ બગડ્યા, ‘અરે જહન્નમાં જાય સહુ. અહીં મારી આબરુની પત્તર ઝીકાઈ ગઇ છે ને તું દરદીઓની હાંકે છે? જા સાહેબ સહી ના કરે ત્યાં સુધી ઊભો રેજે.’ સોલંકી ગયો પણ શાહને ચેન પડતું નહોતું. કાગળ તો લાકડા જેવો તૈયાર કર્યો છે. સાહેબની સહી થાય એટલે પટેલને ફીટ કરી દઉં. સરકારી નોકરી કરવી છે ને? ચોવીસ કલાકમાં તને છૂટો ના કરાવું તો હું પટ્ટણી વાણિયો નહિ. વહીવટ શીખવાડે છે મને?  મનોમન બબડતાં વળી વિચાર આવતા અટક્યો. ફોન ખેંચી સચિવાલયનો નંબર જોડ્યો. સામે છેડે આરોગ્ય સચિવ વૈષ્ણવ સાહેબ હતા. વાત પતાવી રીસિવર મૂકયું ત્યારે એમના ચહેરા પર હળવાશ આવી.

ત્યાં કેશાજી આવ્યો, ‘સાહેબ યાદ કરે છે.’

‘હુમ.’ (શાહને કોઇ “સાહેબ બોલાવે” એમ કહે એ પસંદ નહોતું, બોલાવે એટલે?) ધારણા મુજબ જ કહેણ આવતા શાહ મલકાયા.

‘આવો, શાહભાઇ.’ કહી સાહેબ ખુરશી પર પીઠ લંબાવી આરામથી બેઠા. સોલંકી પરિસ્થિતિ જોઇ બહાર નીકળી ગયો. એને થયું કે પટેલને ચેતવી દે. જા શાહભાઇના પગ પકડી લે. માફી માંગી લે નહિતર મરી જઇશ. પણ લેબોરેટરીના બારણાના કાચમાં પોતાનું પ્રતિબિંબ દેખાતાં એનાથી આગળ વધી જવાયું.

‘આ બધું લેખિતમાં … શાહભાઇ પ્રશ્નો ઊભા થશે.’

‘આપને જેમ ઠીક લાગે એમ, સાહેબ, મને ક્યાં વાંધો છે? સવાલ આપના અપમાનનો છે. આજે પટેલે થાય એમ કરી લેવાની ધમકી આપી, કાલે …’ કહી તે અટક્યા. સાહેબને વિચારમાં પડેલા જોઈ સ્હેજવારે ઊંચા થઇ ધીમા અવાજે કહ્યું, ‘પેલો ઇશારો જોયેલો ને?  હથેળી પેન્ટની ચેઈન તરફ લઈ જઇ પાછી ખેંચી લેતાં ઉમેર્યુ, ‘કાલે આવું ગમે એ કરે, આપની છાપ બગડે, સાહેબ. આપની સામે આવો ગંદો ઇશારો! મારું તો લોહી ઉકળે છે, સાહેબ.’

‘પટેલે એવું કરેલું? ખરેખર? મારું ધ્યાન નહોતું ગયું.’

‘હોય, સાહેબ, મેં આપને કહેલું પણ ખરું કે “જુઓ સાહેબ”… આપને યાદ હશે.’

‘હા પણ પટેલ …. એ એવો માણસ છે?’ શાહે જવાબ ન આપ્યો. થોડીવાર સાહેબ બોલપેનની ઠેસી દબાવ–ખોલ કરતા રહ્યા. પછી ટટ્ટાર થતાં બોલ્યા, ‘એવી જ વાત હોય તો ન ચલાવી લેવાય. આ તમે લખ્યું છે એ ત્રણ વર્ષથી ફરજ બજાવે છે અને માથાભારે થઈ ગયેલ છે, એ બરાબર છે?’

‘હા જી સેવા પોથી લાવું એની? કહી શાહે ઉઠવા જેવું કર્યું.

‘કશી જરૂર નથી.’ કહી નોંધ હાથમાં લઈ શાહ સામે જોયું.  આવા કાગળોમાં શું રિમાર્ક લખવી એનો એમને ખ્યાલ નહોતો.

શાહે કહ્યું, ‘ઉપલી કચેરીને સમગ્ર બાબતની જાણ કરીએ, રૂબરૂ અર્ધ સરકારી પત્ર પાઠવીએ.’

સાહેબના મોં પર સ્મિત આવ્યું, બસ આટલું જ!

શાહ પોતે બોલેલાં વાક્યો લખાય અને સહી થાય એની જ તાકમાં હતા. સહી થઈ કે તરત ધીમેથી કાગળ સેરવી લઇ ઉઠ્યા, ‘બાકીનું નિરાંતે. આપ દરદીઓ તપાસી લો.’

બહાર આવી સોલંકીને કોઈ પણ હિસાબે બે કલાકમાં પગારબીલો તૈયાર કરવાં કહ્યું અને પોતે કાગળો કેમ તૈયાર કરવા એ વિચારવા બેઠા. કેશાજી પાસે બી.સી.એસ.આર. કઢાવી બપોર સુધીમાં તો ત્રણ કાગળો તૈયાર કરી પગાર બીલો સાથે સાહેબની સહીઓ પણ મેળવી લીધી અને વડી કચેરી હંકારી ગયા.

નિયામકશ્રી સમક્ષ રજૂઆત વખતે વહીવટી અધિકારી પઢેરિયા સાહેબનો સાથ લઇ, પટેલની ઉધ્ધતાઈ, ડૉ. ચત્રભુજ સાહેબને આપેલી ધમકી, સતત બે વર્ષથી માથાભારે વર્તણૂક અને કહેતાં ય શરમ આવે એવા ઇશારાની વાત કરી. ટૂંકમાં પટેલ જો એક દિવસ પણ વધારે રહેશે તો જિલ્લા ક્ષય કેન્દ્રની સલામતી જોખમાશે.

નિયામક વિચારમાં પડ્યા. સરકારમાં આવા માણસો હોય છે? આવી ગુંડાગીરી! એમણે વહીવટી અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી.

શાહે એમના માનીતા કારકૂન પાસે ખાલી જગ્યાઓની ફાઈલ કઢાવી. બે જગાઓ તાત્કાલિક ભરવા સ્થાનિક ધારાસભ્યની માંગણી હતી એવી માહિતી બાજુમાં બેઠેલા હિતેચ્છુએ આપી.

શાહે તક ઝડપી પઢેરિયા સાહેબનું ધ્યાન દોર્યું. પઢેરિયા હસી પડ્યા, ‘બોલતા શું નથી? પ્રજાનું હિત સરકારમાં સૌથી પહેલું જળવાવું જોઇએ.’

ગણતરીની પળોમાં ફાઇલ તૈયાર થઇ ગઈ. સાંજના સાડાચાર પહેલાં પટેલની લખપત તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘડુલી ખાતે બદલીનો આદેશ  થઈ ગયો.

શાહ આદેશની ત્રણ નકલ લઇને ઓફિસમાં બેઠા ત્યારે થયું નક્કી એમની જીપ રસ્તાથી વ્હેંત ઉપર દોડતી હતી. એટલે જ એકે ય બમ્પ આવ્યો નહિ હોય.

સાહેબ નીકળે એ પહેલાં શાહે આદેશની બજવણીના પત્રો પર સહીઓ લઇ લીધી. સોલંકીએ બધું સમેટવા માંડ્યું ત્યારે શાહે આઉટવર્ડ બુક અને બંધ કવર કેશાજીને આપ્યું.

પટેલે કેશાજી પાસેથી સામાન્ય મેમો હશે એમ ધારી કવર લેતાં કહ્યું, ‘શાહભાઇએ પ્રેમપત્ર લખી નાંખ્યો?’ એણે કવર મળ્યાની સહી કરી, ત્યાં શાહના સ્કૂટરનો અવાજ સંભળાયો. એણે કવર ખોલ્યું બદલીનો આદેશ વાંચી એ આશ્ચર્ય અને આઘાતથી મૂઢ બની ગયો. આઘાત ક્રોધમાં ફેરવાયો ને એના મોંમાંથી ગાળ નીકળી ગઈ. એ બહાર આવ્યો ત્યારે એણે સોલંકીને જતો જોયો.

*        *       *

પટેલ હતપ્રભ થઈ ગયો હતો. શું કરવું એ સમજાતું નહોતું. આખી રાત અજંપામાં પસાર થઇ. શીલાએ પૂછ્યું કે કંઇ થયું છે? પણ જવાબ આપવાની હિમ્મત નહોતી. બીજે દિવસે નિયામકને મળવા ગયો. સાહેબે મુલાકાત તો આપી પણ એને જોતાં જ વરસી પડ્યા, ‘ ડૉ. ચત્રભુજ સાથેના વર્તનની મેં નોંધ લીધી છે. નવા સ્થળે તમે સારી રીતે કામ કરશો એવી અપેક્ષા રાખું છું.’

‘પણ, સાહેબ, મારો જરા ય વાંક નથી, આ બધું  પેલા શાહભાઇએ ઉપજાવી કાઢેલું છે.’

‘હવે તમે મારા ડી.ટી.ઓને ખોટા પાડવાની વાત કરો છો.? સૉરી, મિ.પટેલ, તમે તાત્કાલિક બદલીના સ્થળે હાજર થઇ મને રિપોર્ટ કરો.’

આ બધું ખોટું છે, સાહેબ, મારો સત્તર વર્ષનો રેકોર્ડ આપ જોઇ શકો છો. હું સાવ નિર્દોષ છું, સર.’ એ રડી પડ્યો.

‘જુઓ એમ રડવાની કશી જરૂર નથી. સરકારી નોકરીમાં બદલી તો થાયને? તમને ક્યાં કશી સજા કરી છે?’

સાહેબે પટાવાળાને બોલાવી પટેલને બહાર બેસાડવા અને ચા પીવરાવાની સૂચના આપી.

લથડતે પગલે એ બહાર આવ્યો. ન કોઇના શબ્દોમાં કે ન આંખોમાં ક્યાં ય કશો સમભાવ નહોતો. એ કોઇ ગંભીર ગુનેગાર હોય એમ એને ઓળખનારા એનાથી છેટા ભાગતા હતા. એ સિવાયના એનો ઉપહાસ કરતા હતા કે શુ? એના પગ પાણી પાણી થઈ આવ્યા. સચિવાલયનું એક એક પગથિયું ઊતરતાં એને સતત પડી જવાનો ડર લાગતો હતો.

શીલાએ એને હિમ્મત આપી, તમે સાચા છો તો આમ ભાંગી પડવાની શી જરૂર છે? એના કાકાનો દીકરો હાઇકોર્ટમાં પ્રેકટીસ કરે છે. હોંશિયાર વકીલ છે. સત્ય માટે કદાચ થોડું વેઠવાનું આવે તો વેઠી લઈશું. આટલી નાની વાતમાં કોઈ નજીકનું મરી ગયું હોય એમ ફરવાની જરૂર નથી.

ત્રણ દિવસે એ સરખું જમ્યો હતો.

*          *           *

હાઈકોર્ટની નોટિસ જોઇ શાહની આંખો ચાર થઈ. ટેવ મુજબ બે વખત ખભો ઝાટક્યો. ભવાં ઉંચકાયા.

તો  કોર્ટમાં ગયો, એમ? અબ આયેગા મજા. પટેલ, તને લડવાનો બહુ શોખ છે એટલે બોર્ડર સુધી ધકેલ્યો છે. તું ગમે તેમ કર ઘડુલી વગર તારો છૂટકો નથી. આવી કોર્ટ નોટિસો ઘણી જોઇ. બબડી એણે કોલબેલ દબાવી.

‘કેશલા, સાહેબ આવી ગયા?’

‘ના, સાયેબ.’

‘સારું, ચા બનાવ, ચાલ.’  કેશાજી નીક્ળ્યા ને સોલંકી પ્રવેશ્યો. એના ગુડમોર્નિંગનો જવાબ વાળ્યા વગર શાહે કહ્યું, ‘આજે ઘણું કામ છે. કોર્ટ કેસની પુરશિશ લખીને મોકલવાની છે વકીલને. આજે સ્હેજે ય દોંગાઈનહિ જોઇએ મારે.’

સોલંકી હકારમાં  માથું  હલાવી બેઠક લીધી.

શાહે કેશાજી, સોલંકી અને સ્ટાફ નર્સ પાસે આજના બનાવ અંગે નિવેદનો લખાવરાવી લીધાં.

પટેલ પાસે લેબોરેટરીનીમાસિક માહિતી નિયમિત, સમયસર ન આપવા બદલ ખુલાસો માગતો મેમો તૈયાર કરવી લીધો. ફામાર્સીસ્ટ પાસેથી બનાવ વખતે હાજર દરદીઓનાં નામ સરનામાં મેળવી લીધાં.

વચ્ચે સાહેબે યાદ(?) કર્યો તો જઈને ચૂપચાપ પટેલની હાઇકોર્ટ વાળી નોટિસ પકડાવી દીધી. સાહેબે પ્રશ્નાર્થ નજરે જોયું એટલે ઢાઢસ બંધાવતા કહ્યું,‘ બધું રેડી છે, સાહેબ. આવા તો કૈંક દાવાઓ જોઈ નાંખ્યા. બદલી કિન્નાખોરીથી હેરાન કરવાના આશયથી કરવામાં આવી છે. આપણને નોટિસો મોકલી એ ત્રાસ આપે છે અને આપણા પર ત્રાસ આપવાનો આરોપ કરે છે. જૂઠાણાં સાહેબ. આપ નચિંત રહેજો. માથામાં વાગે એવો જવાબ તૈયાર કરું છું, પુરાવા સહિત.’

મેમો જોઈ ચત્રભુજ સાહેબ આનાકાની કરી, પણ શાહે કહી દીધું, આવું તો વહીવટમાં ચાલતું જ હોય છે, સાહેબ, કોર્ટ કેસ  છે એટલે કરવું જ પડે.’

જો કે અંદરખાને શાહને ભરોસો હતો કે કેસ લાંબો ચાલશે ને પટેલ પૈસે ટકે તૂટી જશે. હાજર થયા વગર છુટકો નથી થવાનો. કદાચ ગરબડ થઈ તો વૈષ્ણવ સાહેબ ક્યાં નથી? સમાધાનના ભાગ રૂપે વડોદરા કે નડિયાદ લાઈ દઈશું, પણ એ હવે પાટનગરમાં પાછો આવે? જા ભઇ જા.

આ કાગળ ટોગળ ક્યાં ય નહિ મોકલવું પડે. પણ આપણે તૈયાર રહેલા સારા કહી, કેશાજી પાસે આઉટ વર્ડ બુકમાં  “ટપાલ લેવાની ના પાડે છે”ની નોંધ પડાવી લીધી.

હવે વાંધો નહિ. પટેલ બેદરકાર હતો, જવાબો આપવામાં ઉધ્ધત હતો, ઉપરી અધિકારીઓ જોડે ઝઘડતો હતો. એ બધુ ઠીક, માથાભારે હતો. સરકારી કાગળો સ્વીકારતો નહોતો. શાહથી મનોમન હસી દેવાયું.

એમણે સોલંકીને કહ્યું, ‘શું સમજે છે વહીવટને? જો આનું નામ વહીવટ.’ ને ફાઈલ બંધ કરી પૂંઠા ઉપર પંજો પછાડ્યો.

*       *       *

એડવોકેટ રાજેશ પટેલને વિશ્વાસ હતો કે બદલી સામે સ્ટે ઓર્ડર મળી જશે પણ નિષ્ફળતા હાથ આવી. હવે લડી લેવા સિવાય કોઇ રસ્તો ન રહ્યો. પટેલ આશામાં ને આશામાં સમય પસાર કરતો રહ્યો. એણે મિત્રોની મદદ લઇ સમાજ કલ્યાણ મંત્રીશ્રીનો ફોન કરાવ્યો પણ આરોગ્ય સચિવે ધારાસભ્યશ્રીનો સંદર્ભ અને રાજ્યપત્રિત અધિકારીના અપમાનને મુદ્દે  વિનંતીપૂર્વક લાચારી રજૂ કરી. હા, પહેલાં એમને બદલીના સ્થળે હાજર થઈ જવા દો પછી  ચોક્કસ આપની ઇચ્છા મુજબ કશોક રસ્તો કાઢીશુંનો સધિયારો બંધાવ્યો.

પટેલને ગાંધીનગરથી છૂટો કરી દીધેલો અને નવા સ્થળે એ હાજર નહોતો થયો એટલે પગાર મળતો નહોતો. એની હક રજાની અરજી શાહે ભલામણ સહ પ્રા.આ. કેન્દ્ર ઘડુલી મોકલી આપી હતી.

ધીમે ધીમે બચત વપરાવા લાગી. ઘર ચલાવવામાં મુશ્કેલી પડતાં શીલા વારંવાર ગુસ્સે થઈ જતી, એ કામ વગર હતાશ ઘરમાં બેઠો રહેતો. એની સતત હાજરીથી ખુશ્બૂ અને મનન  અકળાતાં હતાં.

‘મમ્મા, આ પપ્પા આખો દિવસ કચકચ કરે છે. ક્યાંક મોકલ ને એમને.’

‘મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે તું તારો સ્વાર્થ જુએ છે, બેટા?’ શીલાએ ખુશ્બૂને સમજાવતાં કહ્યું ત્યારે એ નારાજ થઈને ધરણાને મળવા જતી રહી હતી. મનન આવી સત્યની લડાઇના બદલે માફી માંગી નજીક આવી જવાના મતનો હતો. છેલ્લા થોડા દિવસોથી શીલાને ય થતું હતું થઇ જાય હાજર ને પૂળો મૂકે આખી વાતમાં. કોઇ મોઢા મોઢ કહે કે ન કહે એ બધું સમજતો હતો. એણે કેલેન્ડર જોયું. ચારેક મહિના જેવું થયું હતું.

સત્ય કયારે ય જીતતું જ નહિ હોય? મારે સોક્રેટિસની જેમ ઝેરનો કટોરો પી જ જવાનો છે?

આખી જિંદગી પ્રામાણિકતાથી નોકરી કરી, જાનના જોખમે ટી.બીના ગળફા ચૂંથચૂંથ કર્યા એનું આ ફળ ઇશ્વર?

એ કંટાળીને પાછળ બગીચામાં બેઠો. કેવું ન વિચારેલું બન્યું? એને થયું એ એક અતલ કૂવામાં ધસી રહ્યો છે. કંઈ દેખાતું નથી સિવાય અંધકાર, ઊંડે ઊતરતો જતો ઘટ્ટ અંધકાર. ઝાવાં મારી એ કશેક અટક્યો છે. ગાઢા અંધારામાં કશું દેખાતું નથી. બહુ વારે કોઈ રાની પશુની તગતગતી આંખો જોઈ છળી મરવા જેવું થયું, એ થથરતો પરસેવે રેબઝેબ …. આંખે અંધારા આવ્યાં હમણાં આધાર છૂટી જશે ને એ …..

અચાનક વાદળ હટતાં તડકો છવાયો. એ ઝબક્યો. નહોતો કૂવો નહોતો અંધકાર. એણે આસપાસ જોયું. બાજુના બંગલાવાળા કિરીટભાઈની દીકરી વાણી તડકામાં બેસી કશુંક લખતી હતી. પટેલને જોઈ એણે સ્મિત વેર્યુ. થોડીવાર એ આજુબાજુ જોઇ રહ્યો. દૂર ગરમાળો પીળો વૈભવ ઓઢી લહેરાતો હતો. મોટા ભાગનાં વૃક્ષો મ્હોરી ઉઠ્યાં હતાં. અરે આંબે મરવા લાગ્યા છે. એ નાની નાની લીલી કળીઓ જેવી કેરીઓ જોઈ રહ્યો.

‘અંકલ.’

હા બેટા, એ વંડી નજીક ગયો. વાણી નોટબુક હાથમાં લઇ નજીક આવી.

‘અંકલ, ભગવાન થાંભલામાં રહે છે ?’

‘કેમ, બેટા, એવું પૂછે છે?’

અમારા “હોળી”ના પાઠમાં આવે છે. પ્રહ્લાદને ભગવાન નરસિંહ બનીને બચાઇ લે છે, એ થાંભલો ચીરીને બહાર આવે છે ને રાક્ષસને મારી કાઢે છે. બોલો.’

‘હા દીકરા.’ એને આગળ કશું બોલવું સૂઝ્યું નહિ. સારું થયું હર્ષા ભાભીની બૂમ સાંભળી વાણી ઘરમાં  ગઇ. જતાં જતાં પટેલને વિચારમાં મૂકતી ગઇ.

શાહ જેવો ભયંકર હિરણાકશ્યપ છીંકોટા નાંખતો ફરે ને પોતે?

પણ એનો વલોપાત કાને ધરે એવું કોઇ નહોતું. કાગળોને નથી હોતી આંખો કે નથી હોતા કાન. એ તો માત્ર રજૂ કરે છે એક દ્રશ્ય. જે અંકિત છે, પ્રમાણિત છે રાજ્યપત્રિત અક્ષરોથી.

સામે ભડ ભડ થાંભલો બળે છે. ચારેબાજુ કિલિકારીઓ ગાજે છે …. “પકડી લે”.. “ભીડી લે બાથ.”  “દોડ” .. ”પકડ” ..

એ રાહમાં ઊભો છે. હમણાં  થાંભલો ફાડી નરસિંહ સ્વરૂપ પ્રગટ થશે. હમણાં ……

કશું બનતું નથી. પવનના સેલારામાં એનાં કપડાં ફફડે છે. દૂરથી ધૂળની ડમરી ગોળ ગોળ ઘૂમતી ધસી આવે છે. એ રેતભર્યો આંખો ફાડી હવામાં અમળાતી, વિંઝોંળાતી ડાળીઓને તાકી રહે છે.

*         *          *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR (U.K.)

Loading

18 May 2017 admin
← નિ:શબ્દતા
સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved