Opinion Magazine
Number of visits: 9773800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાનને અને ચૂંટણી પંચને કહેવાનું થાય છે કે ‘જો જીતા વોહી સિકંદર’ એવું ન હોય !

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 December 2017

ચૂંટણીની તારીખોની જાહેરાતથી લઈને સી-પ્લેન શો સુધી અનેક મુદ્દે વિચારવું પડે તેમ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે સી-પ્લેનનો શો કર્યો. સત્તાના વરવાં પ્રદર્શન સમાં આ શોને કેવળ ‘સમરથ કો નહીં દોષ ગુસાંઈ’ એ ન્યાયે વ્યાજબી ઠેરવી શકાય. તેની પાછળ ઉદ્દંડ માનસ હતું. તે કહેતું હતું કે ‘અમારી પાસે સત્તા છે અને સંસાધનો છે તે અમે મતો લણવા માટે ગમે તે રીતે વાપરી શકીએ.’ આ શોને ખાસ ભારતીય જનતા પક્ષની ઢબે બે રંગ આપવામાં આવ્યા : મા અંબાના દર્શનના નામે ધર્મિકતાનો અને પ્રવાસનના નામે વિકાસનો. સી-પ્લેન થકી વિકાસની વાત આ ચૂંટણી ટાણે જ યાદ આવી અને અમલમાં પણ મૂકાઈ. એનો મતલબ નહીં સમજવા જેટલા બધા અબૂધ નથી. રસ્તા પરની રેલીને મંજૂરી નહીં આપનારા તંત્રનો હુકમ મૂંગેમોઢે માથે ચડાવે એટલા નમ્ર નાગરિક મોદી નથી. તેમને જે કંઈ કરવું હોય છે તે બેફામ રીતે કરી જ શકે છે. જે માણસ લોકશાહીનાં ધોરણો બાજુ પર મૂકીને શબ્દશ: રાતોરાત નોટબંધી કરાવે એ વળી અમદાવાદ શહેરના અધિકારીઓને ગાંઠે ? એટલે ‘વિકાસ અને મંજૂરી આ બંને નુસખાઓને તમારે હાસ્યાસ્પદ કે જૂઠ જે ગણવા હોય તે ગણો, પણ હું તો ઊડીને છાકો પાડવાનો’ એવા નિર્ધાર સાથે મોદીએ સી-પ્લેનનો ઉપયોગ કર્યો.

સી-પ્લેન શો માટે સલામતીના ધોરણોને પણ ગણકારવામાં આવ્યાં ન હતાં. મોદીએ જે કોડિએક ૧૦૦ પ્રકારનું સી-પ્લેન વાપર્યું તે વિદેશી પાયલટ દ્વારા ચલાવવામાં આવતું અમેરિકામાં નોંધણી પામેલ વિમાન હતું. તે અમેરિકાના ઊટાહ સ્થિત ક્વેસ્ટ એરક્રાફ્ટ કંપનીનું હતું અને તેને જાપાનની પ્લેન મેકર કંપની દ્વારા ઑપરેટ કરવામાં આવતું હતું. અત્યારે બૅન્ક ઑફ ઉટા આ પ્લેનની  માલિક  છે. આ   સિંગલ એન્જિન એરક્રાફ્ટ હતું જે સલામતીની દૃષ્ટિએ જોખમકરક ગણાય છે. એટલા માટે કે તેમાંનું એન્જિન ખરાબ થાય કે વિમાનને પક્ષી અથડાય તો બીજું એન્જિન નહીં હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ શકે. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન્સના નિયમ મુજબ દેશના વી.આઈ.પી. વર્ગના તમામે રાજકીય તેમ જ બિન રાજકીય એમ બંને હેતુની હવાઈ મુસાફરીઓ માટે બે એન્જિનવાળા વિમાનનો ઉપયોગ કરવો ફરજિયાત છે. મોદીએ આ નિયમનો ભંગ કર્યો હોવાનું અનેક જ્ગ્યાએ લખાયું છે. તે જ પ્રમાણે મોદી સીપ્લેનનો ઉપયોગ કરનાર પહેલા વ્યક્તિ છે એવી સત્તાવાર જાહેરાત પણ કેવળ ડિંગ હોવાની વિગતો પણ બહાર આવી છે. તેમના પહેલાં આ સાધનનો ઉપયોગ કરનાર વ્યક્તિઓની યાદી વાંચવા મળે છે. વળી એક હળવાશભરી પણ રસપ્રદ વિગત એ પણ નોંધાઈ છે કે કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પર પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ સાથે છૂપી બેઠક યોજવાનો આરોપ લગાવનાર મોદીનું સીપ્લેન ભારત આવતાં પહેલાં કરાચી નજીક રાખવામાં આવ્યું હતું ! 

મોદીના સી-પ્લેન શો અંગે ભારતના કર્મશીલ નિવૃત્ત કેન્દ્રીય સચીવ ઈ.એ.એસ. સર્માએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ વિમાન પ્રવાસ મોદીના ચૂંટણી પ્રચારનો અવિભાજ્ય હિસ્સો હતો એ સહજ સાબિત થઈ શકે તેમ છે. એટલા માટે ચૂંટણી પંચે   રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ એક્ટ હેઠળ તે વિમાની મુસાફરીનું તમામ ખર્ચ ભા.જ.પ.ના ચૂંટણી ખર્ચનો હિસ્સો ગણવો જોઈએ. રકમ ચાલીસ લાખ રૂપિયા જેટલી મૂકવામાં આવી છે. વળી આ વિમાન વિદેશી કંપનીનું છે. એટલે આ કિસ્સામાં ફૉરિન કરન્સી રેગ્યુલેશન અ‍ૅક્ટ(ફેરા)નો ભંગ થાય છે, કારણ કે કાનૂન મુજબ રાજકીય પક્ષો વિદેશી સ્રોતમાંથી સીધું કે આડકતરું દાન સ્વીકારી શકતા નથી. તદુપરાંત, ‘ફેરા’નો ભંગ દેશની સલામતી માટે જોખમકારક છે. વળી જો રાજ્ય કે કેન્દ્ર સરકારે આ ઉડ્ડ્યન માટેનું ખાર્ચ કર્યું હોવાનું માલુમ પડે તો એક પક્ષના પ્રચાર માટે જાહેર જનતાની સંપત્તિ વાપરનાર અધિકારીઓ સામે ચૂંટણી પંચે પગલાં લેવાં જોઈએ.

ચૂંટણી પંચની ભૂમિકા આ વખતના ગુજરાત નિર્વાચનની બાબતે પહેલેથી જ ટીકાસ્પદ રહી છે. કૉન્ગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશની અને ભા.જ.પ. શાસિત ગુજરાતની ચૂંટણીઓની તારીખો એક સાથે જાહેર થાય એ ઉચિત સમયગાળા અને શિરસ્તા મુજબ જરૂરી હતું.પણ પંચે પહાડી રાજ્યની તારીખો પહેલાં જાહેર કરી. ગુજરાતમાં પૂર રાહત કાર્ય ચાલતું હોવાનું કારણ પંચે આપ્યું. જો કે કાશ્મિરમાં 2014 ના સપ્ટેમ્બરમાં આવેલ ભયંકર પૂર છતાં તેણે ત્યાં ડિસેમ્બરની ચૂંટણીની તારીખોમાં વિલંબ કર્યો ન હતો. ગુજરાતમાં ચૂંટણીની તારીખો હિમાચલ પ્રદેશ પછી જાહેર થવાને કારણે ગુજરાતના સત્તાધારી પક્ષને મતદારોને લોભાવનારી યોજનાઓની જાહેરાતો કરવાની તક મળી જેનો તેણે પૂરેપૂરો લાભ લીધો. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ચૂંટણી પંચની વિશ્વસનીયતાને ધક્કો લાગ્યો.

ચૂંટણી પંચની સામે વધુ એક વાંધો ઊઠ્યો કે મતદાનના બીજા તબક્કા પહેલાંના અડતાળીસ કલાકના પ્રચાર સામેના પ્રતિબંધિત ગાળામાં રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ બતાવનારી કેટલીક ચૅનલો સામે તેણે એફ.આઈ.આર. નોંધવાનો આદેશ આપ્યો. કૉન્ગ્રેસે ભા.જ.પ. દ્વારા આચારસંહિતાના ભંગના ચાર દાખલા આપીને ચૂંટણી પંચ સામે ભેદભાવભરી નીતિનો આરોપ લગાવ્યો. ચૂંટણી પંચને ભીંસમાં લેવાની આવી  તકો તાજેતરનાં વર્ષોમાં પક્ષોને મળી નથી. રેલી અને સભા, રેડિયો અને ટેલિવિઝન જેવા પ્રચાર માટેના પરંપરાગત માર્ગો છે. તેના પર તો અડતાલીસ કલાક પૂર્વે પ્રચાર અટકાવવાનો કાયદો લાગુ પાડી શકાય. પણ ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનાં સોશ્યલ મીડિયાના જમાનામાં અડતાલીસ કલાક પહેલાં પ્રચાર બંધ કરવાના કાનૂન અંગે ચૂંટણી પંચે નવેસરથી વિચારવાનું રહે છે.

ચૂંટણી પંચની સક્રિયતાના અભાવના એકથી વધુ કિસ્સા નોંધાયા છે. જેમ કે ગુજરાત ખેડૂત સમાજ નામના જાગૃત સંગઠને નરેન્દ્ર મોદીએ પાલિતાણામાં ૨૯ નવેમ્બરે યોજેલી સભામાં કરેલા ભાષણ સામે ફરિયાદ કરી હતી. તે મુજબ વડાપ્રધાને ૧૯૮૨માં થયેલા માનગડ હત્યાકાંડનો ઉલ્લેખ કરીને તેમાં સંડોવાયેલી બે કોમોમાં ઉશ્કેરણી થાય તે મતલબની વાત કરી હતી. નહીં રિલીઝ થયેલી ‘પદ્માવતી’ ફિલ્મ પર મુખ્યમંત્રીએ લાદેલા પ્રતિબંધ વિશે આચારસંહિતાના ભંગના મુદ્દે પૂછાયેલા સવાલનો પંચ પાસે જવાબ ન હોવાનું નોંધાયું છે. તે જ પ્રમાણે  એન્કાઉન્ટર  કેસીસમાં જામીન પર હોય તેવા પોલીસ અધિકારીઓ રાજકુમાર પાંડિયન અને અભય ચુડાસમાનું ફરજ પર હોવું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી રજૂઆતોને નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.

વડા પ્રધાનના ચૂંટણી પ્રસાર દરમિયાનનાં વક્તવ્યો પણ ચર્ચાસ્પદ રહ્યાં. મણિશંકર ઐયરના ‘નીચ’ વિશેષણે તેમને વાજબી રીતે જ ઉશ્કેર્યા. પણ રાજસ્થાનના રાજસમંદમાં અફ્રઝૂલની જે નીચ હત્યા થઈ તેનો ઉલ્લેખ પણ આખી ય પ્રચાર ઝુંબેશમાં ન હતો. શું સેક્યુલર દેશના વડા પ્રધાન માટે મુસ્લિમો હજુ ય પારકા જ છે ? દસમી તારીખના રવિવારે પાલનપુરની સભામાં તેમણે એક જ શ્વાસે વિરોધ પક્ષ, પાકિસ્તાન અને ગુજરાતમાં મુખ્યમંત્રીપદ માટેના મુસ્લિમ દાવેદારનો ત્રાગડો ગોઠવી દીધો હતો. તેમને લગભગ રાષ્ટ્રદ્રોહી ઠેરવી દેતાં ઇંગિતો આપ્યાં. વડા પ્રધાનના મનમાં ય વિરોધ તો હોય,પણ  વિદ્વેષ હરગિઝ નહીં. 

+++++++

૨૧  ડિસેમ્બર  ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 22 ડિસેમ્બર 2017

કાર્ટૂન સૌન્ય : કીર્તીશ ભટ્ટ, બી.બી.સી., હિન્દી

Loading

22 December 2017 admin
← ગૃહિણીનું આર્થિક વળતર કેટલું ગણાય?
ગૂગલ કે ફેસબુક જેવા ‘ડિજિટલ દેશો’નો સુપરપાવર →

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved