માણસે કરેલી અને
કુદરતે મોકલેલી આફતો
આપણે જોઈ છે સો સો વરસે.
એના પડછાયામાં
વાત માંડી છે
બહેનો, ભાઈઓ.
મૂડીનાં જોર વધ્યાં.
માલ અને સેવાની પેદાશ વધારવા
હોડ મચી.
વેપારની બહાર કશું રહ્યું નહીં.
યુદ્ધનો વેપાર
વેપારથી યુદ્ધ
માણસાઈનું નામ કે કામ નહીં.
ગોળા પર દેખાડો ખાલી
કે બધું ભર્યું ભાદર્યું,
આમ જૂઓ તો ભૂખમરો.
નવ્વાણું ટકા સંપતને એક ટકો રાખે,
એક ટકો સંપત નવ્વાણું ટકા પાસે આવે.
યુદ્ધના મેદાનમાં
ટીંટોડી ટીટીટી કળેળે.
*
આંધળી પોથીઓથી જડ્યા દુશ્મન
દસ્યૂ, અસુર, દાનવ, કાળા.
સૌ સાથે લડાઈ.
શેરીએ, સીમાએ તોપો જાગે,
મગજમાં ગોળા ઊડે.
જમાદારને જોઈ
ગુરુ થવાના ઓરતા થાય.
ટોળાંના ખેલમાં,
અંધશ્રદ્ધાનાં સંગીતમાં ચૂંટાઈને
આપખુદ થયેલો હાકેમ
હાંકે વિકાસ.
ઢાંકે વિનાશ
એક ટકા લોકોનું રાજ.
દુનિયાની આ કહાણી
ધરતી ખૂટતી ગઈ
શી રીતે કરવી ભરપાઈ?
મરવાની ઉતાવળ બધે થવા લાગી.
કોણ કોને રોવે?
કુદરતને અને ધરતીને જાણનાર
આવતી કાલને રોવે.
રોવે ઓઝોનને,
પ્રકાશ, હવા, પાણી, માટી, હરિયાળીને,
સરકતા, ચાલતા, તરતા, ઊડતા જીવો ને.
સાગમટા મરણની
કુદરતી આફતમાં ય
તારા મારા ધર્મના ઝાંસા,
જાતના ઊંચનીચના ફાંસા.
*
દીન જનાવર
દીન ધરતી
દીન કુદરત બધી
દીનની હાય અને આરત પેદા કરે છે
મુગટ જેવા આકારનો 
અણુથી ય નાનો અસુર
સુર –અસુરની લડાઈ
આમે ય ગમતી હતી.
એમાં અસુરને હારતા દેખાડતા
પણ આ અસુર તો અનોખો.
હાથમાં હાથ મેળવતો,
મિત્ર થઈને
એક પછી એક
સૌને માનવ ગણી
રાજાને, પ્રજાને આલિંગે.
છાતીનાં પાંજરાંના ભૂક્કા કરે.
ધરાયેલા અને ભૂખ્યાને,
કાળા અને ગોરાને,
પીળા અને કથ્થઈને,
જબરા અને નબળાને,
એ જેને અડે
એનું સઘળું ફરી જાય.
એકાકાર કરી દે
સૌ ધર્મના રંગોને.
તત્ત્વને, રસને, લોહીને,
લાગણીને, વિચારને,
શબ્દને, અર્થને
નીતિને, અનીતિને મસળી દળે
સત્નો, અસત્નો,
હવે અનુસત્યનો
કોળિયો કરી જાય
દાટવાનું શું અને બાળવાનું શું ?
એ સવાલ જ મટી જાય
વાયુવેગે સમરસતાથી
અસુર સૌને સમાન પીરસે છે.
મા કહેતી,
'બધું જવા બેસે ત્યારે વાયરો લેવા આવે.'
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020
 

